• ક્વીનના અંતિમ દર્શનની તકઃ

Wednesday 14th September 2022 06:08 EDT
 

બ્રિટનના દિવંગત ક્વીનને લોકો શ્રદ્ધાંજલિ અર્પવા ઉપરાંત તેમના અંતિમ દર્શન કરી શકે તે માટે બુધવાર 14 સપ્ટેમ્બરની સાંજથી તેમના ફ્યુનરલના દિવસની વહેલી સવાર સુધી વ્યવસ્થા કરવામાં આવી છે. બ્રિટનમાં સૌથી લાંબો સમય શાસન કરનારાં ક્વીન એલિઝાબેથ દ્વિતીયના દર્શનાર્થે લાખોની સંખ્યામાં લોકો આવશે તેવી શક્યતા છે. ક્વીનનાં ફ્યુનરલમાં વિશ્વનેતાઓ હાજરી આપવાના છે. બ્રિટિશ કલ્ચરલ મિનિસ્ટ્રીએ જણાવ્યું છે કે જાહેર જનતા બુધવાર 14 સપ્ટેમ્બરની સાંજના 5.00 (1600 GMT)થી સોમવાર 19સપ્ટેમ્બરની સવારના 6.30ના ગાળામાં કોફિનની પાસે થઈને ક્વીનના અંતિમ દર્શન કરી શકશે. લોકોએ કદાચ કલાકો સુધી કતાર પણ લગાવવી પડશે. બ્રિટિશ પાર્લામેન્ટના સૌથી પુરાણા બિલ્ડિંગ વેસ્ટમિન્સ્ટર હોલ ખાતે એરપોર્ટ સ્ટાઈલનું સિક્યુરિટી ચેકિંગ કરાશે. કડક નિયંત્રણો હેઠળ માત્ર નાની બેગ્સ લઈ જવાની જ પરવાનગી અપાશે.

• ક્વીનને શ્રદ્ધાંજલિ- ગિલ્ડહોલ આર્ટ ગેલેરીમાં બૂક ઓફ કોન્ડોલન્સઃ

લોકો ક્વીન એલિઝાબેથ દ્વિતીય પ્રત્યે આદર અને સન્માનની લાગણી વ્યક્ત કરી શકે તે માટે લંડનની ધ ગિલ્ડહોલ આર્ટ ગેલેરીમાં શ્રદ્ધાંજલિ આપવા બૂક ઓફ કોન્ડોલન્સ રાખવામાં આવનાર છે. રવિવાર 18 સપ્ટેમ્બરે ધ ગિલ્ડહોલ આર્ટ ગેલેરીના અપર લેવલ પર આ બૂક મૂકાશે અને જાહેર પ્રજા સવારના 10.30 કલાકથી તેમાં પોતાના દિલસોજી સંદેશા મૂકી-લખી શકશે. આર્ટ ગેલેરી દુઃખ કે સહાનુભૂતિ વ્યક્ત કરવાનું સ્થળ બને તે પ્રથમ ઘટના નથી. 2017ના લંડન બ્રિજ ત્રાસવાદી હુમલા પછી પણ અહીં બૂક ઓફ કોન્ડોલન્સ મૂકાઈ હતી. રોયલ ફેમિલી દ્વારા ચર્ચીસ, થીએટર્સ અને દેશભરની લોકલ ઓથોરિટીઝ તેમજ રોયલ વેબસાઈટ પર બૂક ઓફ કોન્ડોલન્સ મૂકાઈ રહી છે. રોયલ ફેમિલીએ તેની સત્તાવાર વેબસાઈટ પર બૂક ઓફ કોન્ડોલન્સ ખોલી છે જ્યાં સમગ્ર વિશ્વના લોકો પોતાના સહાનુભૂતિ અને સપોર્ટના સંદેશા મૂકી શકશે. શુક્રવારે કાર્ડિફ સિટી હોલ પર પણ બૂક ઓફ કોન્ડોલન્સ મૂકાઈ હતી અને લોકોને બિલ્ડિંગની બહાર પુષ્પાંજલિ અર્પવા જણાવાયું હતું. નોર્ધન આયર્લેન્ડના વિવિધ સ્થળો અને ગ્લાસગોમાં પણ બૂક ઓફ કોન્ડોલન્સ મૂકાયેલ છે. યુએસ પ્રમુખ જો બાઈડને ક્વીનના નિધનના સમાચાર પછી ગુરુવારે વોશિંગ્ટનસ્થિત બ્રિટિશ એમ્બેસીમાં બૂક ઓફ કોન્ડોલન્સમાં સહી કરી હતી.

• સુરક્ષા વ્યવસ્થામાં 10,000 પોલીસ ઓફિસર્સ તહેનાતઃ

આગામી દિવસોમાં ક્વીન એલિઝાબેથના નિધનનો આઘાત અને શોક વ્યક્ત કરવા લાખોની સંખ્યામાં ઉમટી પડશે તેમજ ક્વીનના ફ્યુનરલને ધ્યાનમાં લેતાં પોલિસિંગ અને સિક્યુરિટી વ્યવસ્થા મુશ્કેલ બની જવાની છે. ક્વીનના ફ્યુનરલ સુધી દેશમાં સૌથી મોટા સિક્યુરિટી ઓપરેશનમાં લંડનમાં દરરોજ આશરે 10,000 પોલીસ ઓફિસર્સને ફરજ પર તહેનાત કરવામાં આવનાર છે. સુનિયોજિત અને જટિલ સિક્યુરિટી ઓપરેશનમાં યુકેમાંથી આસપાસની હોમ કાઉન્ટીઝ અને બહારના દળોના સ્પેશિયાલિસ્ટ ઓફિસર્સની મદદ પણ લેવામાં આવશે. પોલીસ દળોની તમામ રજા અને ટ્રેનિંગ રદ કરવામાં આવે તેવી શક્યતા છે. ક્વીનને શ્રદ્ધાંજલિ અને અંતિમ દર્શન માટે શોકાતુર લોકોની લાંબી કતારો બુધવારથી રાત્રિના સમય સાથે કલાકો સુધી ચાલશે. ફ્યુનરલ સમયે ક્વીનની સ્મશાનયાત્રાને નિહાળવા એકત્ર થયેલા લોકો માટે રોડ બેરિયર્સ ગોઠવવાનું કાર્ય પણ સમય અને આયોજન માંગી લે છે. લંડનમાં 2012ના ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સ દરમિયાન દરરોજ આશરે 10,000 પોલીસ ઓફિસર્સને ફરજ પર મૂકાયા હતા. મેટ્રોપોલીટન પોલીસ માટે દર વર્ષે નોટિંગ હિલ કાર્નિવલ ઈવેન્ટમાં દરરોજ 6000 ઓફિસર ફરજ બજાવે છે. સુરક્ષાની તૈયારીમાં સિટી ઓફ લંડન અને બ્રિટિશ ટ્રન્સપોર્ટ પોલીસ તેમજ રોયલ પાર્ક્સ, ટ્રાન્સપોર્ટ ફોર લંડન અને વેસ્ટમિન્સ્ટર કાઉન્સિલના કર્મચારીઓ પણ સામેલ થશે.

• કિંગ ચાર્લ્સ સાથે યુકે પ્રવાસમાં લિઝ ટ્રસ નહિ જોડાયઃ

વડા પ્રધાન લિઝ ટ્રસ કિંગ ચાર્લ્સના યુકેના દેશોના પ્રવાસમાં જોડાશે તેવા અહેવાલો પર 10 ડાઉનિંગ સ્ટ્રીટે ઠંડુ પાણી ફેરવી દીધું છે. વડા પ્રધાન ટ્રસના પ્રવક્તાએ જણાવ્યું છે કે વડા પ્રધાન માત્ર સર્વિસીસમાં કિંગની સાથે જોડાશે. અગાઉના અહેવાલો હતા કે નવા રાજા સ્કોટલેન્ડ, નોર્ધર્ન આયર્લેન્ડ અને વેલ્સના પ્રવાસ કરશે તેમની સાથે વડા પ્રધાન લિઝ ટ્રસ પણ સામેલ થાય તેવું આયોજન ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા કરાઈ રહ્યું છે. આ અહેવાલોથી ઘણા સાંસદો અને વિપક્ષમાં કચવાટ સર્જાયો હતો. જોકે, ડાઉનિંગ સ્ટ્રીટે સ્પષ્ટતા કરી છે કે વડા પ્રધાન માત્ર સ્કોટલેન્ડ, નોર્ધર્ન આયર્લેન્ડ અને વેલ્સમાં યોજાનારી સર્વિસીસમાં હાજરી આપવાના છે. કિંગ સાથે પ્રવાસમાં સાથે જોડાવાનો તેમનો કદી ઈરાદો હતો પણ નહિ. સ્કોટલેન્ડ અને વેલ્સના ફર્સ્ટ મિનિસ્ટર્સ અનુક્રમે નિકોલા સ્ટર્જન અને માર્ક ડ્રેકફોર્ડ તેમજ નોર્ધર્ન આયર્લેન્ડના થનારા ફર્સ્ટ મિનિસ્ટર મિશેલ ઓ‘નીલ તેમની સંબંધિત રાજધાનીઓમાં મેમોરિયલ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે.

• રાષ્ટ્રીય મૌનની જાહેરાત, સમય બાબતે અસમંજસઃ

ક્વીન એલિઝાબેથ દ્વિતીયના નિધન સંદર્ભે એક મિનિટના રાષ્ટ્રીય મૌનની જાહેરાત કરવામાં આવી છે પરંતુ, લોકોને તેના સમય બાબતે થોડી અસમંજસ છે. ક્વીનના જીવન અને વારસાની યાદ કરવા રવિવાર, 18 સપ્ટેમ્બરે રાત્રે 8 વાગ્યે એક મિનિટનું મૌન રાખવા 10 ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા જાહેર પ્રજાને અનુરોધ કરાયો છે. જોકે, ટ્વીટરના ઉપયોગકર્તાઓ આ સમય બાબતે કહે છે કે ‘રાત્રિના 8 વાગ્યાનો સમય શા માટે? આ સમય વિચિત્ર છે. મોટા ભાગના લોકો રાત્રે 8 વાગ્યે કોઈ વાતચીત કરતા ન હોય ત્યારે મૌન રાખવાનો શો અર્થ છે...?

પ્રાઈમ મિનિસ્ટરના સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું છે કે,‘ શાહી ફ્યુનરલની આગલી રાત્રે રવિવાર, 18 સપ્ટેમ્બરે રાત્રે 8 વાગ્યે એક મિનિટનું મૌન રાખવામાં આવશે જ્યારે જાહેર પ્રજાને ક્વીન એલિઝાબેથ દ્વિતીયની ધરોહર અને જીવનનું સ્મરણ અને શોક અભિવ્યક્ત કરવા આમંત્રિત કરવામાં આવે છે. આ મૌન તમારા ઘરમાં ખાનગીમાં કે મિત્રો અથવા પડોશીઓની સાથે તમારા ઘરનાં આંગણે કે પડોશીઓ સાથે શેરીમાં,અથવા સ્થાનિક રીતે આયોજિત કોમ્યુનિટી કાર્યક્રમો અને વિજિલ-જાગરણોમાં રાખી શકાશે. જો તમે દરિયાપાર હો તો લોકોને તેમના સ્થાનિક સમયે મૌન રાખવા પ્રોત્સાહિત કરાશે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter