• હાઉસ ઓફ લોર્ડ્સ નાબૂદ કરવા લેબર પાર્ટીની તરફેણઃ

Wednesday 28th September 2022 06:56 EDT
 

લેબર પાર્ટીના પૂર્વ વડા પ્રધાન ગોર્ડન બ્રાઉનના અધ્યપદ હેઠળના બંધારણીય સમીક્ષા કમિશને ઉપલા ગૃહ હાઉસ ઓફ લોર્ડ્સને નાબૂદ કરી તેના સ્થાને એસેબ્લી ઓફ રીજિયન્સ એન્ડ નેશન્સ સ્થાપવાની ભલામણ કરી છે. બંધારણીય સમીક્ષાના મુસદ્દામાં સ્થાનિક વિસ્તારો અને નેશન્સને ટેક્સ સહિતની નવી આર્થિક સત્તાઓ સુપરત કરવાનું સૂચન કરાયું છે. લોકશાહી રીતે ચૂંટાયેલી સ્થાનિક ઓથોરિટીઝને પાર્લામેન્ટમાં બિલ્સ રજૂ કરવા, નાગરિકોને સામાજિક અને આર્થિક અધિકારોની ગેરંટી તેમજ સ્થાનિક એજ્યુકેશન, ટ્રાન્સપોર્ટ અને રિસર્ચ ફંડિંગની સત્તા મેયરને સોંપવા સહિતના પગલાંની ભલામણ કરાઈ છે. પાર્લામેન્ટના ધારાધોરણોમાં વ્યાપક ફેરફારોમાં સાંસદો વિરુદ્ધ ફરિયાદોના નિકાલ માટે જ્યુરી ઓફ સિટીઝન્સની સ્થાપના, મિનિસ્ટરિઅલ કોડના બદલે નવો કોડ ઓફ કન્ડક્ટ અને સાંસદોની બીજી નોકરી પર પ્રતિબંધ સહિતનો સમાવેશ થાય છે. સમીક્ષાની સંમત ભલામણો આ વર્ષના ઉત્તરાર્ધમાં જાહેર થઈ શકે છે.

ગુપ્તાના સ્ટીલ બિઝનેસ ઓડિટરનું રાજીનામુંઃ

સંજીવ ગુપ્તાના મુખ્ય બ્રિટિશ સ્ટીલ બિઝનેસીસના બે ઓડિટર્સે રાજીનામું આપી દીધું હોવાનું કંપનીઝ હાઉસમાં ફાઈલિંગ્સમાં જણાવાયું છે. ગુપ્તાના GFG એલાયન્સ ગ્રૂપની ચાર કંપનીઓના ઓડિટ બાબતે એકાઉન્ટિંગ રેગ્યુલેટર ફાઈનાન્સિયલ રિપોર્ટિંગ કાઉન્સિલ દ્વારા કિંગ એન્ડ કિંગ ઓડિટર્સ તપાસ હેઠળ છે. આ ઓડિટર્સે ગુપ્તાની કંપનીઓ લિબર્ટી સ્પેશિયાલિટી સ્ટીલ્સ અને લિબર્ટી સ્ટીલ ડેલઝેલમાંથી રાજીનામું આપી દીધું છે. કિંગ એન્ડ કિંગ દ્વારા રાજીનામાનું કારણ દર્શાવાયું નથી. આ બંને બિઝનેસ માર્ચ 2020ના અંત સુધીના વર્ષ માચે તેમના હિસાબો માર્ચ 2021ની સમયમર્યાદા સુધી ફાઈલ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. લિબર્ટી સ્પેશિયાલિટી સ્ટીલ્સ સાઉથ યોર્કશાયરના રોધરહામ અને સ્ટોક્સબ્રિજ ખાતે જ્યારે લિબર્ટી સ્ટીલ ડેલઝેલ સ્કોટલેન્ડના મધરવેલ ખાતે પ્લાન્ટ્સ ધરાવે છે. ગ્રૂપના મુખ્ય ધીરાણકાર ગ્રીનસિલ કેપિટલના ગત વર્ષે માર્ચમાં પતન થયા પછી ગુપ્તા નવા ફાઈનાન્સિંગ માટે દોડધામ કરી રહ્યા છે પરંતુ, લાંબા ગાળાનો વિકલ્પ મેળવી શક્યા નથી.

એસાઈલમ સીકર્સને રવાન્ડા મોકલવા ચેતવણીઃ

સરકારે ક્વીનના નિધનના રાષ્ટ્રીય શોકના ગાળામાં એસાઈલમ સીકર્સને રવાન્ડા મોકલવા ચેતવણી મોકલી આપી છે. કાનૂની યુદ્ધ ચાલી રહ્યું હોવાં છતાં, નવા હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમાને જૂની નીતિ યથાવત રાખી છે. એક વ્યક્તિને 13 સપ્ટેમ્બરે પાઠવેલી નોટિસમાં જણાવાયું હતું કે ઈંગ્લિશ ચેનલ ઓળંગી યુકેમાં આવતા પહેલા તે ફ્રાન્સમાં હાજર હોવાથી તેને રક્ષણ માટે યુકેમાં પ્રવેશને પાત્ર ન હોવાનું જાહેર કરી શકાય છે. યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઈટ્સ દ્વારા છેલ્લી ઘડીએ મનાઈહુકમના પગલે રવાન્ડા જતી ફ્લાઈટ જૂન મહિનામાં રદ કરવી પડી હતી. આ પછી હાઈ કોર્ટમાં બે કાનૂની પડકારો ચાલી રહ્યા છે. કહેવાય છે કે કેટલાક એસાઈલમ સીકર્સે તેમને રવાન્ડા ફ્લાઈટમાં‘ મોકલાય તો પોતાને ઈજા કરવાની અને આત્મહત્યા કરવાની ધમકીઓ આપી હતી. વર્ષ 2022માં અત્યાર સુધી નાની હોડીઓમાં ઈંગ્લિશ ચેનલ પાર કરવામાં 30,500થી વધુ લોકોને ઝડપી લેવાયા હતા. રવાન્ડા નીતિ અવરોધક બની રહેશે તેવી વારંવાર જાહેરાતો છતાં, આ સંખ્યા સતત વધતી રહી છે.

હોમ ઓફિસના કોન્ટ્રાક્ટર સામે બરતરફીના કાનૂની દાવાઃ

હોમ ઓફિસ વતી કામ કરતા કેટલાક સિક્યુરિટી સ્ટાફ દ્વારા કામકાજના સ્થળે ભેદભાવ અને ગેરવાજબી બરતરફીને કાનૂની પડકાર અપાયો છે. હોમ ઓફિસના કોન્ટ્રાક્ટર મિટી કેર એન્ડ કસ્ટડીના ઓછામાં ઓછાં 15 કર્મચારીએ કંપની વિરુદ્ધ દાવા ટ્રિબ્યુનલમાં માંડ્યા છે. આ કર્મચારીઓ ડિટેન્શન અને ડિપોર્ટેશન ટીમના હિસ્સારૂપ છે. હોમ ઓફિસ વતી કામગીરી દરમિયાન તેમને જાતિ-વંશ, લિંગ અને અક્ષમતા સંબંધિત ભેદભાવ સહન કરવો પડ્યો હોવાનું અને ગેરવાજબી રીતે નોકરીમાંથી બરતરફ કરાયા હોવાનું કર્મચારીઓએ જણાવ્યું છે. મોટા ભાગના કર્મચારી દેશનિકાલને પાત્ર લોકોને ડેઝિગ્નેટેડ ડિટેન્શન સેન્ટરમાંથી એકઠા કરી તેમને એરપોર્ટ સુધી પહોંચાડવાની કામગીરીમાં જોડાયેલા હતા. ઓછામાં ઓછી 6 વ્યક્તિના કેસમાં વંશીય ભેદભાવનો તેમજ ઘણા કેસ ગેરવાજબી બરતરફી અને થોડા કેસ જાતિય હેરાનગતિ સંબંધિત છે. તપાસમાં જણાયું છે કે મોટા ભાગની ફરિયાદ માત્ર બે વર્ષ અગાઉ કરવામાં આવી છે પરંતુ, સંસ્થા દ્વારા તેનું નિરાકરણ કરાયું નથી.

ડોક્ટર્સ વેઈટિંગ લિસ્ટ ઘટાડવાની યોજનાઃ

નેશનલ હેલ્થ સર્વિસ-NHSમાં સ્ટાફિંગ કટોકટીને નિવારવા કોઈ પગલાં લેવાઈ રહ્યા ન હોવાની ટીકાઓ મધ્યે બ્રિટિશ હેલ્થ સેક્રેટરી થેરેસ કોફેએ ડોક્ટર્સની એપોઈન્ટમેન્ટ્સ માટે રાહ જોવાનો સમય ઘટાડવા ખાતરી ઉચ્ચારી હતી અને સોશિયલ કેરને સપોર્ટ કરવા 500 મિલિયન પાઉન્ડનું ફંડ લોન્ચ કર્યું હતું. સરકારી ભંડોળ ધરાવતી NHS 1948થી લોકોને મફત હેલ્થકેર પૂરી પાડે છે અને કોવિડ મહામારીના ગાળામાં પેશન્ટ્સની સંખ્યા વધી જવાથી અને હજારો જગ્યાઓ ખાલી પડી હોવાથી વિક્રમી બેકલોગ સર્જાયો છે. જનરલ પ્રેક્ટિશનર્સ સાથે રુબરૂ મુલાકાતની એપોઈન્ટમેન્ટ્સ મળતી નથી. કોફેએ જણાવ્યું હતું કે તેમની પ્રાથમિકતામાં એમ્બ્યુલન્સીસ, બેકલોગ્સ, આરોગ્યસંભાળ તથા ડોક્ટર્સ અને ડેન્ટિસ્ટ્સનો સમાવેશ થાય છે.

સ્કોટલેન્ડમાં હજારો કુપોષિત બાળકોની સારવારઃ

સ્કોટિશ હોસ્પિટલોમાં હજારો કુપોષિત બાળકોની સારવાર કરવામાં આવી છે. વર્ષ 2018થી 2022ના ગાળામાં NHS ગ્રેટર ગ્લાસગો એન્ડ ક્લાઈડ ખાતે જ 18 વર્ષથી ઓછી વયનાં 3,895 બાળકોને કુપોષણના કારણે દાખલ કરાયાં હતાં. ગયા વર્ષે દાખલ બાળકોની સંખ્યા 572થી વધીને આશરે 1000 જેટલી એટલે કે બમણી થઈ હતી. સ્કોટિશ સરકારે જણાવ્યું છે કે તે બાળગરીબીને રાષ્ટ્રીય મિશન તરીકે હાથ ધરી રહી છે. ફૂડ પોલિસી ઓર્ગેનાઈઝેશન નરિશ સ્કોટલેન્ડના જણાવ્યા મુજબ કોવિડ મહામારીથી બાળકોનાં શારિરીક અને માનસિક આરોગ્યને ગંભીર અસર પહોંચી હતી. આરોગ્ય નિષ્ણાતોએ વધતા ફૂગાવા અને આસમાને પહોંચતી કિંમતોથી સર્જાયેલી જીવનનિર્વાહ કટોકટીથી પરિસ્થિતિ વધુ ગંભીર થવાની આશંકા વ્યક્ત કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter