• ટોરીઝમાં સુનાકથી વધુ જ્હોન્સન લોકપ્રિયઃ

Thursday 12th January 2023 05:22 EST
 

ટોરીઝ કાર્યકરોના મિનિસ્ટર ઓફ ધ યર સર્વેમાં વડા પ્રધાન રિશિ સુનાક પૂર્વ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન, બેન વોલેસ અને સુએલા બ્રેવરમાનથી પણ પાછળ છે. આનાથી જણાય છે કે સુનાકે પાયાના ટોરી સભ્યોનો વિશ્વાસ જીતવા હજુ ઘણું કરવાનું છે. કન્ઝર્વેટિવ હોમ વેબસાઈટ દ્વારા ટોરી સભ્યોના મિનિસ્ટર ઓફ ધ યર મતદાનમાં ડિફેન્સ સેક્રેટરી બેન વોલેસ સૌથી આગળ (133 મત) રહ્યા હતા. ત્રણ વડા પ્રધાનો માટે કામ કરનારા વોલેસ રશિયન આક્રમણ મુદ્દે પ્રતિકારમાં યુક્રેનને બ્રિટનના સમર્થન બાબતે સૌથી લોકપ્રિય રહ્યા છે. ઈન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી કેમી બેડનોક (72 મત), હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમાન (65 મત), પૂર્વ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન (45 મત) તેમજ પાંચમા સ્થાને રિશિ સુનાક (40મત) પછી ચાન્સેલર જેરેમી હન્ટ (35 મત) ધરાવે છે. સૌથી ઓછો સમય વડા પ્રધાન રહેલાં લિઝ ટ્રસ 31 મત સાથે સાતમા સ્થાને રહ્યાં હતાં. આ સપ્તાહે બેકબેન્ચર ઓફ ધ યર સર્વેમાં એશફિલ્ડના સાંસદ લી એન્ડરસન પ્રથમ અને બોરિસ જ્હોન્સન બીજા સ્થાને રહ્યા હતા.

• દુકાનો બંધ થવામાં 50 ટકાનો વધારોઃ

યુકેમાં આર્થિક ઉથલપાથલ અને ઈકોમર્સની વધતી લોકપ્રિયતાના કારણે ગત વર્ષે 17,000થી વધુ દુકાનો બંધ થવા સાથે આ દરમાં તીવ્ર વધારો નોંધાયો છે. દરરોજ આશરે 47 શોપ બંધ કરાતી હતી. સેન્ટર ફોર રીટેઈલ રિસર્ચના પ્રાથમિક અંદાજો મુજબ 2021માં 11,449 શોપ્સ બંધ થઈ હતી તેની સરખામણીએ ગયા વર્ષે લગભગ 50 ટકાના વધારા સાથે 17,145 દુકાનો બંધ કરી દેવાઈ હતી. આમાંથી 5,509 દુકાનો બિઝનેસની નાદારીના કારણે તેમજ બાકીની દુકાનો ફૂગાવાના વધેલા દરના લીધે ખર્ચા વધવાથી નાની અને મોટી બિઝનેસ ચેઈન્સ દ્વારા ખર્ચકાપથી બંધ કરાઈ હતી. નવેમ્બરમાં ફૂગાવો 10.7 ટકા અને ડિસેમ્બરમાં 11.1 ટકાના 41 વર્ષના સર્વોચ્ચ દરે પહોંચ્યો હતો. મોટા રીટેઈલર્સે 6,055 અને સ્વતંત્ર બિઝનેસીસની 11,090 દુકાનો બંધ પડી હતી. રીટેઈલ સેક્ટરમાં આશરે 151,474 નોકરીઓ ગુમાવવી પડી હતી જે તેની અગાઉના વર્ષ કરતાં 43 ટકા વધુ હતી.

• ગેરવર્તન કરનારા ઈમિગ્રેશન કર્મચારીની ધરપકડઃ

ઈમિગ્રેશન અપરાધની શંકાએ હોમ ઓફિસ ઈમિગ્રેશન સ્ટાફના એક સભ્યની ધરપકડ કરાયા પછી જામીન પર મુક્ત કરાયો હતો. હોમ ઓફિસ એન્ટ-કરપ્શન યુનિટ દ્વારા જાહેરમાં ગેરવર્તન અને ચોરીની શંકાએ ઈમિગ્રેશન સ્ટાફના અન્ય ત્રણ સભ્યો સાથે આ અધિકારીની પુનઃ અટકાયત કરાઈ હતી. સ્ટાફના ચાર સભ્યની 6 ડિસેમ્બરે અટકાયત થઈ હતી. તપાસ ચાલે ત્યાં સુધી તેમને સસ્પેન્ડ કરવા સાથે જામીન પર મુક્ત કરાયા હતા.

• ફાર્મસીઝ પેશન્ટ્સની મદદ કરવામાં અગ્રેસરઃ

લાખો પેશન્ટ્સ ટેસ્ટ્સ અને નાની બીમારીઓની સારવાર માટે તેમના GPના બદલે ફાર્માસિસ્ટ્સની મદદ મેળવી રહ્યા છે. 2022માં GP અથવા 111ના રેફરલ્સ પછી 440,000 થી વધુ લોકોએ સામાન્ય બીમારીઓ અને નજીવી ઈજાઓની સારવાર તેમની સ્થાનિક ફાર્મસી ખાતે મેળવી હતી. કોમ્યુનિટી ફાર્મસીઝને વધુ જવાબદારી સોંપવાના NHSના અભિયાન પછી 2021ની સરખામણીએ આ સંખ્યા લગભગ બમણી થઈ છે. પેશન્ટ્સ હવે નાની બીમારીઓ માટે તેમના ડોક્ટર પાસે ગયા વિના તેમના હાઈ સ્ટ્રીટ કેમિસ્ટને રીફર કરી શકાશે. હવે ફાર્માસિસ્ટ્સ કેન્સર પેશન્ટ્સને પણ હોસ્પિટલના સ્પેશિયાલિસ્ટ્સને સીધા રીફર કરી શકશે. કોર્નવોલના પાઈલટ પ્રોજેક્ટ હેઠળ વારંવાર કફની દવાઓ લેતા પેશન્ટસને વધુ પરીક્ષણો માટે ફેફસાના કેન્સરના સ્પેશિયાલિસ્ટને રીફર કરી શકાશે. NHSના આંકડા મુજબ ફાર્મસીઝ ખાતે ફ્રી બ્લડ પ્રેશરની તપાસની યોજના ઓક્ટોબર 2021માં શરૂ કરાયા પછી આશરે 500,000 લોકોએ તેનો ઉપયોગ કર્યો હતો. આવી પ્રત્યેક તપાસ માટે સ્થાનિક ફાર્મસીને 45 પાઉન્ડ સુધીની ચૂકવણી કરાય છે.

• સ્મોલ બિઝનેસીસને લોન્સ મેળવવામાં મુશ્કેલીઃ

યુકેમાં નાની કંપનીઓને પોસાય તેવી બેન્ક લોન્સ મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એક રિસર્ચ અનુસાર આ બિઝનેસીસ કોવિડ કટોકટી પહેલાની સરખામણીએ વધારાના 36 બિલિયન પાઉન્ડના દેવાં પણ ધરાવે છે. લોબી ગ્રૂપ ધ ફેડરેશન ઓફ સ્મોલ બિઝનેસીસ (FSB)ના સભ્યોના સર્વેમાં જાણવા મળ્યું છે કે બેન્ક લોન્સ અને અન્ય ફાઈનાન્સીસની સફળ અરજીઓનું પ્રમાણ નોંધપાત્રપણે ઘટ્યું છે. FSB ના રિપોર્ટ મુજબ કોવિડ-19 પહેલા ત્રણમાંથી લગભગ બે અરજીની સફળતાની સરખામણીએ 2022ના ત્રીજા ક્વાર્ટરમાં અડધાથી પણ ઓછી અરજીને સફળતા મળી હતી. બિઝનેસ જેટલો નાનો હોય તેની બેન્ક લોન અરજી માન્ય રાખવાની શક્યતા ઘટી ગઈ છે.

• કેન્સરથી મોત ઘટાડવા ધૂમ્રપાનની વય વધારવા માગઃ

ધૂમ્રપાનને અટકાવવા સખત કાયદો અમલી ન બનાવાય તો 2040 સુધીમાં સિગારેટ્સના કારણે એક મિલિયન લોકોને કેન્સર થશે તેવો રિપોર્ટ કેન્સર રિસર્ચ સેન્ટર દ્વારા જારી કરાયો છે. કેન્સરનું આક્રમણ ખાળવા લોકો તમાકુ ખરીદી શકે તેની 18 વર્ષની કાયદેસર વયને વધારવા, તમાકુ ઈન્ડસ્ટ્રી પર લેવી લાદવા તેમજ સ્ટોપ-સ્મોકિંગ ક્લિનિક્સ પાછળ લાખો પાઉન્ડના ખર્ચ સહિતના પગલાં મદદરુપ બની શકે છે. સરકારે દેશને 2030 સુધીમાં ધૂમ્રપાનમુક્ત બનાવવાનું લક્ષ્ય 2019માં જાહેર કર્યું હતું જેમાં દેશની પાંચ ટકાથી ઓછી વસ્તી ધૂમ્રપાન કરતી હોય. જોકે, કેન્સર રિસર્ચ સેન્ટરના વિશ્લેષણ મુજબ આ લક્ષ્ય 2039 સુધીમાં પાર પાડી શકાશે. આના પરિણામે હજારો લોકોને કેન્સરથી સહન કરવું પડશે. જો 2030 સુધીમાં ધૂમ્રપાનમુક્તિ લક્ષ્ય પાર પાડવું હોય તો તેના સ્મોકિંગ દરમાં 70 ટકાની ઝડપે ઘટાડો મેળવવો પડશે. ગયા વર્ષે વસ્તીના 13.3 ટકા એટલે કે 6.6 મિલિયન લોકો ધૂમ્રપાન કરતા હતા. આ ટકાવારી 2020માં 14 ટકાની અને 2011માં 20.2 ટકા હતી. યુકેમાં દર વર્ષે ધૂમ્રપાનના કારણે 78,000 લોકોના મોત નીપજે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter