• પ્લાન બી નિયંત્રણો પાછા ખેંચવા સાદિકનો ઈનકારઃ

Wednesday 02nd February 2022 04:53 EST
 

લંડનના મેયર સાદિક ખાને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ફેસ માસ્કનો અમલ ચાલુ રાખવા સલાહ આપવાથી ભારે વિરોધ થઈ રહ્યો છે. વડા પ્રધાન જ્હોન્સને ઈંગ્લેન્ડમાં ફેસ માસ્ક સહિતના નિયંત્રણો પર ખેંચવાની સત્તાવાર જાહેરાત કરી હતી જેનાથી સાદિક ખાનનું વલણ તદ્દન અલગ છે. લેખક અને ફ્રીલાન્સ જર્નાલિસ્ટ ક્રિસ્ટોફર સ્નોડેને પ્લાન બીના ચોક્કસ નિયંત્રણો યથાવત રાખવાના નિર્ણય બદલ લંડનના મેયર ખાન, વેલ્સ અને સ્કોટિશ નેતાઓને સત્તાભૂખ્યા ગણાવ્યા હતા. મોટા ભાગના બ્રિટિશરોએ પ્લાન બી નિયંત્રણો પાછા ખેંચવાની તેમજ બૂસ્ટર વેક્સિનેશન કામગીરીને વધાવી લીધી છે.

• ટ્રેઝરી મિનિસ્ટર લોર્ડ એગ્ન્યુનું રાજીનામુઃ

કોરોના મહામારી સંબંધિત આર્થિક સહાય યોજનાઓમાં નાણાકીય છેતરપિંડી રોકવામાં સરકારની નિષ્ફળતા સંદર્ભે ટ્રેઝરી મિનિસ્ટર લોર્ડ એગ્ન્યુએ હોદ્દા પરથી નાટ્યાત્મક રીતે રાજીનામું આપી દીધું છે. કોવિડ-૧૯ ઈમર્જન્સી સ્કીમ્સમાંથી ચોરાયેલા ૫.૮ બિલિયન પાઉન્ડમાંથી ચાન્સેલર રિશિ સુનાકે ૪.૩ બિલિયન પાઉન્ડ માંડવાળ કર્યા હોવાના અહેવાલો પ્રસિદ્ધ થયા પછી લોર્ડ એગ્ન્યુનું રાજીનામું આવ્યું હતું. તેમણે હાઉસ ઓફ લોર્ડ્સ સમક્ષ આ બાબતે નિવેદન આપતા કહ્યું હતું કે છેતરપિંડીઓના કારણે સરકારને વાર્ષિક ૨૯ બિલિયન પાઉન્ડનું નુકસાન જાય છે. ફ્રોડની સમસ્યા હલ કરવાની પ્રક્રિયાઓ અપૂરતી છે. આ સ્થિતિ અસ્વીકાર્ય છે. જો હું કશું કરવા અક્ષમ હોઉં તો આ ભૂમિકા પર રહેવું મને અપ્રામાણિક લાગે છે.’

• લોકડાઉનમાં વડા પ્રધાનના જન્મદિને પણ પાર્ટીઃ

ડાઉનિંગ સ્ટ્રીટે સ્વીકાર્યું છે કે પ્રથમ લોકડાઉન સમયે વડા પ્રધાન બોરિસ જ્હોન્સનનો જન્મદિન ઉજવવા સ્ટાફ ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે એકત્ર થયો હતો. લોકડાઉનમાં બેથી વધુ વ્યક્તિ ઈનડોર ઈવેન્ટમાં એકત્ર થઈ ન શકે તેવા નિયમ છતાં આશરે ૩૦ કર્મચારીએ ૧૯ જૂન ૨૦૨૦ના બપોરના ઈવેન્ટમાં હાજરી આપી હતી. જોકે, વડા પ્રધાન જ્હોન્સન ૧૦ મિનિટથી પણ ઓછો સમય હાજર રહ્યા હતા. આ પાર્ટી વડા પ્રધાન માટે આશ્ચર્ય બની રહી હતી. સ્ટાફે હેપી બર્થડે ગીત ગાયા પછી કેક પીરસાઈ હતી. અન્ય અહેવાલ અનુસાર સાંજે વડા પ્રધાનના પારિવારિક મિત્રો માટે તેમના નિવાસે પાર્ટીનું આયોજન કરાયું હતું.

• યુકેના શહેરોમાં કાર પાર્કિંગ ટેક્સઃ

વધતાં જતાં પોલ્યુશનને રોકવા યુકેના શહેરોની કાઉન્સિલો કાર પાર્કિંગ પર ટેક્સ લાદવા વિચારી રહી છે. લેસ્ટર સિટી કાઉન્સિલના કહેવા મુજબ વર્કપ્લેસ પાર્કિંગ પર ચાર્જ લગાવવાથી એર ક્વોલિટી સુધરશે, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધવા ઉપરાંત, ચાલવાની અને સાઈકલિંગ પ્રવૃત્તિ વધશે. સ્થાનિક બિઝનેસીસ પાસેથી ‘વર્કપ્લેસ પાર્કિંગ લેવી’ ઉઘરાવવાની સત્તા લેબર પાર્ટી દ્વારા ૨૦ વર્ષ અગાઉ અપાઈ હતી. યુકેમાં એક માત્ર નોટિંગહામમાં આ યોજના અમલી છે. લેસ્ટર સિટી કાઉન્સિલે ૧૦થી વધુ પાર્કિંગ સ્પેસ ધરાવતી કંપનીઓ પર આગામી વર્ષથી વાર્ષિક ૫૫૦ પાઉન્ડનો ચાર્જ વસૂલવાની દરખાસ્ત મૂકી છે. આ ચાર્જ પોતે સહન કરવો અથવા કર્મચારીઓ પર લાદવો તેનો નિર્ણય એમ્પ્લોયર્સ લઈ શકે છે. કાઉન્સિલ આ ચાર્જમાંથી આગામી દાયકામાં ૪૫૦ મિલિયનનું ફંડ એકત્ર કરવા માગે છે જેમાંથી ઈલેક્ટ્રિક બસીસનો નવો કાફલો વસાવવા ઉપરાંત, સાયકલ નેટવર્ક વધારી ટ્રેન સ્ટેશનોનું રીનોવેશન કરી શકાશે.

• સેંકડો કન્સલ્ટન્ટ્સનો ખાનગી ક્લિનિક્સમાં હિસ્સોઃ

સેન્ટર ફોર હેલ્થ એન્ડ પબ્લિક ઈન્ટરેસ્ટ (CHPI ) થિન્ક ટેન્કના જણાવ્યા અનુસાર ઈંગ્લેન્ડના સેંકડો NHS કન્સલ્ટન્ટ્સ ખાનગી ક્લિનિક્સ કે હેલ્થ કેર ફર્મ્સ સાથે શેરહોલ્ડર્સ તરીકે નફામાં હિસ્સો ધરાવે છે. આ સંયુક્ત સાહસ વ્યવસ્થામાં છેક ૨૦૧૫થી એક બિલિયન પાઉન્ડથી વધુ રકમની રેવન્યુ ઉભી થઈ છે અને કન્સલ્ટન્ટ શેરહોલ્ડર્સને ડિવિડન્ડ તરીકે અંદાજે ૩૧ મિલિયન પાઉન્ડ મળ્યા હોવાનું પણ જણાવાયું હતું. ઈંગ્લેન્ડના ૪૮૧ NHS કન્સલ્ટન્ટ્સ યુએસ હેલ્થકેર ફર્મ HCAથી માંડી સ્પેકસેવર્સ ઓપ્ટિશિયન્સ સહિત ૩૪ ખાનગી સાહસોમાં હિસ્સો ધરાવે છે તેમ થિન્ક ટેન્કનું કહેવું છે. આ કન્સલ્ટન્ટ્સમાં ૭૩ ટકા NHS ડોક્ટર્સ છે. જોકે, આમાં કશું ‘ખોટું કરાયાનો કે પેશન્ટ્સને જોખમમાં મૂકાયા’ની કોઈ ઘટના જોવાં મળી નથી.

• સરકારે એક્વિન્ડ એનર્જી કેબલ પ્રોજેક્ટ ફગાવ્યોઃ

યુકે સરકારે કન્ઝર્વેટિવ પાર્ટીને અપાયેલા જંગી દાન સાથે સંકળાયેલા ૧.૨ બિલિયન પાઉન્ડનો એક્વિન્ડ ક્રોસ-ચેનલ પાવર એનર્જી કેબલ પ્રોજેક્ટ ફગાવી દીધો છે. બિઝનેસ સેક્રેટરી ક્વાસી ક્વારટેન્ગે પોર્ટ્સમથ અને ફ્રાન્સના નોર્મન્ડી વચ્ચે નવી ઈલેક્ટ્રિસિટી લિન્ક પૂરી પાડવાની એકવિન્ડની યોજનાને નકારવાનો નિર્ણય લીધો છે. કંપનીએ આ નિર્ણય પરત્વે નિરાશા દર્શાવતાં જણાવ્યું હતું કે તે કાનૂની પડકાર આપવા વિચારી રહી છે. એક્વિન્ડ લિમિટેડના અંશતઃ માલિક અને રશિયામાં જન્મેલા પૂર્વ ઓઈલ ટાઈકૂન વિક્ટર ફેડોટોવ તથા પૂર્વ સોવિયેટ સંઘમાં જન્મેલા બ્રિટિશ નાગરિક અને કંપની ડાયરેક્ટર એલેકઝાન્ડર ટેમેર્કોએ અનુક્રમે ઓછામાં ઓછાં ૪૩૦,૦૦૦ પાઉન્ડ અને ૭૩૦,૦૦૦ પાઉન્ડ ટોરી પાર્ટી અને સાંસદોને દાનમાં આપ્યા છે.

• સિવિલ સર્વિસની વેતનવૃદ્ધિની માગણીઃ

સિવિલ સર્વિસના સૌથી મોટા યુનિયન PCS દ્વારા તેના ડિપાર્ટમેન્ટલ સભ્યો માટે વર્ષ ૨૦૨૨ માટે મુખ્યત્વે ૧૦ ટકા વેતનવૃદ્ધિની માગણી કરી છે. યુનિયને લંડન વેઈંગ પેમેન્ટ ચાલુ રાખી ઓછામાં ઓછા ૫,૦૦૦ પાઉન્ડને ચાલુ રાખવા ઉપરાંત, પ્રતિ કલાક ૧૫ પાઉન્ડના ધોરણે લિવિંગ વેજ આપવાની માગણી પણ કરી છે. ચાન્સેલર સુનાકે ઓક્ટોબર મહિનામાં વાર્ષિક ૨૪,૦૦૦ પાઉન્ડથી વધુ વેતન મેળવતા સિવિલ સર્વન્ટ્સ માટે સ્થગિત કરાયેલા પગારની જોગવાઈનો આગામી નાણાકીય વર્ષથી અંત લાવવા જાહેરાત કરી હતી. જોકે, અધિકારીઓના વેતન પર કેટલી અસર થશે તેની કોઈ સ્પષ્ટતા સરકારે કરી નથી. PCS દ્વારા પબ્લિક સેક્ટરના વેતન વિશે નેશનલ બેલેટની જાહેરાત કરી છે જે ૧૪ ફેબ્રુઆરીથી ૨૧ માર્ચ સુધી ચાલશે.

• બીબીસીની લાઈસન્સ ફીનો ૨૦૨૭માં અંતઃ

બીબીસીના ભંડોળને આગામી બે વર્ષમાં સ્થગિત કરવામાં આવશે અને ૨૦૨૭થી લાઈસન્સ ફીનો ૨૦૨૭માં અંત આવશે તેવી સરકારની જાહેરાતના પગલે બ્રોડકાસ્ટરને તેના પ્રોગ્રામ્સના બજેટમાં ભારે કાપ મૂકવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. બીબીસીને લાયસન્સ ફીની આવક કરીકે વાર્ષિક ૩.૨ મિલિયન પાઉન્ડ મળવાના ચાલુ રહેશે પરંતુ, કાર્યક્રમોના નિર્માણ પાછળનો ખર્ચ વધતો રહ્યો છે. લાયસન્સ ફીની નવી સમજૂતી ૨૦૨૭ સુધીના પાંચ વર્ષના ગાળા માટે રહેશે અને લોકો માટે આખરી ત્રણ વર્ષમાં ખર્ચમાં વધારો થશે.

• યુકેના પરિવારોમાં હાથવગી રોકડ ઘટીઃ

ઈન્સ્યુરર સ્કોટિશ વિન્ડોઝના રિપોર્ટ અનુસાર યુકેના પરિવારો માટે હાથવગી રોકડમાં આઠ વર્ષમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે. ઊંચા ફૂગાવા, ઓમિક્રોન વેરિએન્ટની અસર અને આસમાને જતાં એનર્જી બિલ્સના કારણે વધેલા ખર્ચાથી હાથ પરની રોકડ ઘટી છે. ઊંચા નિર્વાહખર્ચથી લોકોના ખિસ્સા પર તરાપ વાગી છે અને ૨૦૧૪ પછી રોકડની પ્રાપ્યતા તળિયે પહોંચી છે. સંસ્થા માટે ૧,૫૦૦ વ્યક્તિનો મત ઈપ્સોસ મોરી અને IHS મર્કિટ દ્વારા લેવાયો હતો. રોયલ સોસાયટી ફોર આર્ટ્સના અન્ય રિપોર્ટ મુજબ સ્ટુડન્ટ લોન્સ દેવું, વધતા ટેક્સીસ અને ઈન્ફ્લેશનના કારણે નિર્વાહખર્ચ કટોકટીથી યુવા વયસ્કોને સૌથી ખરાબ અસર પહોંચી છે. ૧,૦૦૦ યુવા વયસ્કોના સર્વેમાં જણાયું હતું કે ૪૭ ટકા માટે મહિનાના અંતે બે છેડાં ભેગાં કરવાનું મુશ્કેલ બનતું હતું.

• બ્રિટિશરની છીનવાયેલી નાગરિકતા પરતઃ

પોતાની દીકરીના જન્મ સમયે ૨૦૧૭માં બાંગલાદેશ ગયેલા બ્રિટિશરની નાગરિકતા હોમ ઓફિસે છીનવી લીધી હતી તેને નાગરિક તરીકે પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. આમ પાંચ વર્ષ પછી તેને બ્રિટિશ નાગરિકતા પાછી મળી છે. ત્રણ સંતાનના બાંગલાદેશી પિતાનો જન્મ લંડનમાં થયો હતો. કોર્ટના દસ્તાવેજોમાં E3 તરીકે ઉલ્લેખિત વ્યક્તિ બાંગલાદેશ ગયો ત્યારે યુકેમાં કામ કરતો હતો પરંતુ, તેની કમાણી પત્નીને સ્પોન્સર કરવા માટે અપૂરતી હતી. હોમ ઓફિસના દસ્તાવેજોમાં તેનો ઉલ્લેખ ઈસ્લામિસ્ટ કટ્ટરવાદી અને રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ તરીકે કરાયો હતો. તેના વિરુદ્ધ યુકે અથવા અન્યત્ર કોઈ ક્રિમિનલ ગુનો દાખલ કરાયેલો નથી. સરકારે તેની નાગરિકતા પુનર્સ્થાપિત કરી હોવાં છતાં, સરકારના દાવાઓ બાબતે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter