• કેપ્ટન ટોમ ડે ઈવેન્ટ મુલતવીઃ

Tuesday 01st March 2022 14:33 EST
 

ફંડરેઈઝર કેપ્ટન સર ટોમની ચેરિટીની નાણાકીય બાબતો વિશે અવનવા ઘટસ્ફોટ થયા પછી જૂન મહિનામાં યોજાનોરો ફંડ રેઈઝિંગ ઈવેન્ટ કેપ્ટન ટોમ ડે મુલતવી રાખવામાં આવ્યો છે. કેપ્ટન ટોમ ફાઉન્ડેશનને આ ઈવેન્ટના આયોજનમાં મદદ કરી રહેલાં ડેમ એસ્થર રેન્ટઝેને જણાવ્યું હતું કે ચેરિટી કમિશન દ્વારા તપાસ હાથ ધરાઈ હોવાના કારણે ઈવેન્ટ મુલતવી રખાયો છે. ડેમ એસ્થરે એવો સંકેત પણ આપ્યો હતો કે તપાસમાં કશું નહિ મળે તો પણ તેઓ ફાઉન્ડેશન સાથેના સંબંધો તોડી નાખશે. ફાઉન્ડેશને દિવંગત કેપ્ટનના પુત્રી હાન્નાહ ઈન્ગ્રામ-મૂર અને તેના પતિ દ્વારા સંચાલિત કંપનીઓને હજારો પાઉન્ડની ચૂકવણી કરી હોવાનું બહાર આવ્યું છે. ચેરિટી કમિશને ગયા વર્ષે ફાઉન્ડેશનના સીઈઓ તરીકે હાન્નાહની નિયુક્તિને અટકાવી હોવાનું પણ જાણવા મળે છે. પોતાના ગાર્ડનમાં સતત ચાલીને NHS ચેરિટીઝ માટે 39 મિલિયન પાઉન્ડ જેટલી રકમનું દાન એકત્ર કરનારા કેપ્ટન સર ટોમ મૂરનું ગયા વર્ષની ફેબ્રુઆરીમાં મૃત્યુ થયા પછી મે 2020માં કેપ્ટન ટોમ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી હતી.

• કોકેઈનની દાણચોરી બદલ 5 વર્ષની સજાઃ

બર્મિંગહામ એરપોર્ટ પર શૂઝમાં છુપાવીને કોકેઈનનું સ્મગલિંગ કરવાના ગુનામાં ડેગનહામના સામ પેકને 5 વર્ષ અને 8 મહિનાની સજા ફરમાવાઈ છે. જમૈકાથી બર્મિંગહામ આવેલી ફ્લાઈટમાં મે 1, 2019ની ઘટનામાં કસ્ટમ્સ ઓફિસર્સને ૪૪ વર્ષીય ડ્રગ્સ કુરિયર સામ પેક પાસેથી સ્યૂટકેસમાં સાડા ત્રણ કિલો કોકેઈન મળી આવ્યું હતું જેની કિંમત 280,000 પાઉન્ડ થતી હતી. સ્યૂટકેસમાં કપડાં ઉપરાંત, સ્ત્રી-પુરુષના પગરખાં પણ હતા જેના સોલમાં કોકેઈન છુપાવાયું હતું. આ કોકેઈન પોતાની ગર્લફ્રેન્ડ માટે લાવ્યો હોવાનું પેકે જણાવ્યું હતું.

• રિશિ સુનાકને પાર્ટીગેટ પ્રશ્નાવલિઃ

કોરોના લોકડાઉનના ગાળામાં વ્હાઈટહોલમાં પાર્ટીઓના આયોજન સંબંધે તપાસ કરી રહેલી મેટ્રોપોલિટન પોલીસે ચાન્સેલર રિશિ સુનાકને પણ પ્રશ્નાવલિ મોકલી આપી છે. તપાસ હેઠળની ઘટનાઓમાં ચાન્સેલર હાજર હતા કે કેમ અને તેમને હાજરી આપવાનું શું કારણ હતું તે જણાવવા પોલીસે કહ્યું છે. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન બોરિસ જ્હોન્સન સહિત 80થી વધુ લોકોને આ ક્વેશ્ચનેર મોકલાઈ છે. આનો અર્થ એ છે કે સુનાકની સાવધાની હેઠળ પૂછપરછ કરાઈ રહી છે અને જો તેમણે કોવિડ નિયંત્રણોનો ભંગ કર્યાનું જાણમાં આવશે તો ફિક્સ્ડ પેનલ્ટી 100 પાઉન્ડ અથવા તેથી વધુનો દંડ થઈ શકે છે. વડા પ્રધાન જ્હોન્સનના 2020ની 19 જૂનના જન્મદિને નંબર 10ના કેબિનેટ રુમમાં અચાનક યોજાએલી પાર્ટીમાં સુનાક હાજર રહ્યા હતા. આ ઈવેન્ટમાં 30થી વધુ લોકો હાજર રહ્યા હતા જેની તસવીરો પણ પોલીસ પાસે છે.

• કેશ-ફોર-ઓનર્સ કેસમાં પ્રિન્સ હેરીની પૂછપરછ શક્યઃ

પ્રિન્સ ચાર્લ્સના ફાઉન્ડેશનને સાઉદી બિલિયોનેર દ્વારા અપાયેલા ડોનેશનના બદલામાં બ્રિટિશ ઓનર અને નાગરિકત્વ મેળવવાના મુદ્દે પ્રિન્સ હેરીની પૂછપરછ પણ મેટ્રોપોલીટન પોલીસ કરી શકે છે. સાઉદી બિલિયોનેર માહફૂઝ મારાઈ મુબારક બિન માહફૂજ દ્વારા પ્રિન્સ ચાર્લ્સ અને પ્રિન્સ હેરીની ચેરિટીઝને દાન અપાયાં હતાં. પ્રિન્સ હેરીએ તેમની બે ચેરિટી માટે 50,000 અને 10,000 પાઉન્ડનું દાન માહફૂજ પાસેથી મેળવ્યું હતું. હેરીએ ડિસેમ્બર 2021માં સાઉદી બિલિયોનેર સાથે સંબંધો તોડી નાખ્યાનું જાહેર કર્યું હતું.

•NHSના વર્કર્સ નોકરી છોડી રહ્યા છેઃ

કોવિડ મહામારીના બે વર્ષોમાં તણાવનો સતત સામનો કરવાથી ભાંગી પડેલા NHSના વર્કર્સ મોટા પાયે નોકરી છોડી રહ્યા છે. ઈંગ્લેન્ડમાં આરોગ્ય સંસ્થાના કર્મચારીઓ દર સપ્તાહે 400થી વધુના હિસાબે નોકરી છોડતા હોવાથી આરોગ્યની કાળજી અને સારસંભાળ બાબતે ચિંતા સર્જાઈ છે.ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોશિયલ કેરના પૂર્વ સ્ટ્રેટેજી ડાયરેક્ટર જ્હોન હોલ દ્વારા એન્ગેજ બ્રિટેન ચેરિટી માટે હેલ્થ સર્વિસનું મૂલ્યાંકન કરાયું છે. NHS Digitalના આંકડા મુજબ ઈંગ્લેન્ડમાં દર સપ્તાહે ઓછામાં 400 કર્મચારી પોતાના કાર્ય અને જીવનની સમતુલા સુધારવા નોકરી છોડી રહ્યા છે. તાજેતરના અંદાજ જણાવે છે કે વર્ષ 2020-21 દરમિયાન 34 ટકા કેર વર્કર્સે પોતાની ભૂમિકા છોડી દીધી છે.

• કાઉન્સિલનો £73 મિલિયનનો ગોટાળોઃ

નાણાકીય અછતનો સામનો કરી રહેલી ક્રોયડોન કાઉન્સિલ મુશ્કેલીમાં આવી પડી છે કારણકે ટાઉન હોલના 2020-2021ના વાર્ષિક હિસાબો પર સહી કરવા ઓડિટર્સ ઈનકાર કરી રહ્યા છે. હાઉસિંગ કંપનીઓ સાથે ગઠબંધનના પરિણામે હિસાબોમાં 73 મિલિયન પાઉન્ડની ગરબડ બહાર આવી છે. કાઉન્સિલે 18 મહિનામાં બીજી વખત નાદારીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. ક્રોયડન કાઉન્સિલ 2020માં નાણાકીય પતન પછી વહીવટ અને હિસાબોના મુદ્દે કડક ટીકાઓનો સામનો કરતી રહી છે. બાહ્ય ઓડિટર્સ ગ્રાન્ટ થોર્ન્ટને રિપોર્ટ ઈન ધ પબ્લિક ઈન્ટરેસ્ટમાં કાઉન્સિલ કાયદેસર કામ કરવામાં ચોકસાઈ રાખવામાં નિષ્ફળ ગઈ હોવાની ટીપ્પણી કરી છે.

• ફ્રી ટેસ્ટ બંધ થવાથી પેશન્ટ્સને મુશ્કેલીઃ

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને 1એપ્રિલથી સામાન્ય પબ્લિક માટે ફ્રી કોવિડ ટેસ્ટ બંધ કરવાની અને ‘લિવિંગ વિથ કોવિડ’ પ્લાનની જાહેરાત કરી છે. બ્રેડફોર્ડશાયરના લુટનમાં રહેતા 33 વર્ષીય જીપી ડો. નિશાંત જોશીએ ચિંતા વ્યક્ત કરી છે કે NHS સ્ટાફ માટે કોરોના વાઈરસ ફ્રી ટેસ્ટિંગ બંધ કરાવાથી પેશન્ટ્સ કેર માટે મુશ્કેલી સર્જાશે. તેમણે કહ્યું હતું કે ડોક્ટર્સ દરરોજ પેશન્ટ્સને જોવા કેર હોમ્સ, રેસિડેન્સિયલ હોમ્સ અને તેમના ઘરમાં જતા હોય છે. આ પેશન્ટ્સ અસુરક્ષિત હોય છે. સ્ટાફે પોતાના માટે ટેસ્ટ્સ કરાવવા પડે તેનો ખર્ચ પણ વધી જશે. બ્રેડ અને દૂધના ખર્ચ થતા હોય છે તેમ ઘરના બજેટમાં કોવિડ ટેસ્ટના ખર્ચની પણ જોગવાઈ કરવી પડશે? બીજી તરફ, હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે કહ્યું છે કે જો NHS સ્ટાફ માટે ટેસ્ટ જરૂરી લાગશે તો તે પૂરા પડાશે. તેનો નિર્ણય NHSનો હશે.

• રોયલ ચેરિટીનો સ્ટાફ પાછળ જંગી ખર્ચઃ

પ્રિન્સ હેરીની લાઈફ કોચિંગ ફર્મ સાથે પાર્ટનરશિપ ધરાવતી રોયલ ચેરિટી ક્વીન્સ કોમનવેલ્થ ટ્રસ્ટ (QCT) દ્વારા એક વર્ષમાં એકત્ર મેળવાયેલી દાનની રકમના 98 ટકા ખર્ચ માત્ર 10 કર્મચારીને ચૂકવણી પાછળ કરી નાખ્યો છે. QCTને દાતાઓ પાસેથી 796,106 પાઉન્ડનું દાન મળ્યું હતું પરંતુ, માર્ચ 2021 સુધીના 12 મહિનામાં ટ્રસ્ટે 787,314 પાઉન્ડ એટલે કે આવકના 98 ટકાનો ખર્ચ તેના 10 કર્મચારીને વેતન ચૂકવવામાં કર્યો હતો. આ ખર્ચનો અડધો હિસ્સો એટલે કે 420,000 પાઉન્ડ માત્ર પાંચ સૌથી સીનિયર એક્ઝિક્યુટિવ્ઝને ચૂકવાયા હતા. ચીફ એક્ઝિ્ક્યુટિવ ક્રિસ કેલીને ઓછામાં ઓછાં 140,000 પાઉન્ડ ચૂકવાયા હતા. QCT ઓનલાઈન કોચિંગ કંપની BetterUp ને પ્રમોટ કરી રહેલ છે જેમાં, પ્રિન્સ હેરી ચીફ ઈમ્પેક્ટ ઓફિસરની કામગીરી બજાવે છે. ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સે એક વર્ષ અગાઉ શાહી ફરજોનો ત્યાગ કર્યો તે પહેલા QCT ના પ્રેસિડેન્ટ અને વાઈસ પ્રેસિડેન્ટ હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter