પત્રોની સંખ્યામાં સતત ઘટાડો અને ખર્ચમાં વધારાના કારણે રોયલ મેઈલ દ્વારા ફર્સ્ટ ક્લાસ સ્ટેમ્પની કિંમત 10pના વધારા સાથે 95p કરવામાં આવી છે. લગભગ 12 ટકાનો ભાવવધારો 4 એપ્રિલથી અમલમાં આવશે જ્યારે સેકન્ડ ક્લાસ સ્ટેમ્પ્સની કિંમત પણ 2pના વધારા સાથે 68p થશે. રોયલ મેઈલના જણાવ્યા મુજબ 2000ના દાયકાની મધ્યથી પત્રોની સંખ્યામાં વધુ 60 ટકાનો તેમજ મહામારીના આરંભથી આશરે 20 ટકાનો ઘટાડો નોંધાયો છે. રોયલ મેઈલના પોસ્ટલ વર્કર્સ દ્વારા વર્ષ 2004 -2005માં સૌથી વધુ 20 બિલિયન પત્રોનું વિતરણ કરાતું હતું તે આજે ઘટીને 7 બિલિયન થઈ ગયું છે. લગભગ 140,000 કર્મચારી ધરાવતા રોયલ મેઈલે ખર્ચ ઘટાડવા વર્ષની શરૂઆતમાં 700 મેનેજર્સને લે-ઓફ આપવાની જાહેરાત કરી હતી જેના પરિણામે વર્ષે 40 મિલિયન પાઉન્ડની બચત થઈ શકશે.
• પાકિસ્તાની કોમ્યુનિટી રેડિયોને પેનલ્ટીઃ
ઓફકોમ દ્વારા ધ પાકિસ્તાન મુસ્લિમ સેન્ટર (શેફિલ્ડ) લિમિટેડને તેના કોમ્યુનિટી રેડિયો રેડિયો લિન્ક FM 96.7 ના સંદર્ભે બ્રોડકાસ્ટિંગ નિયમોના ભંગ બદલ 2000 પાઉન્ડની પેનલ્ટી ફટકારાઈ છે. લિન્ક FM 96.7 દ્વારા 16 ડિસેમ્બર 2020ના દિવસે તેના બ્રેકફાસ્ટ શોના એપિસોડમાં ‘Jundullah’ ટાઈટલના નાશિદનું બ્રોડકાસ્ટિંગ કરાયું હતું. આ જ કાર્યક્રમનો અલગ એપિસોડ 22 ડિસેમ્બરે પ્રસારિત કરાયો હતો. ઓફકોમને જણાયું હતું કે નાશિદ કાર્યક્રમની સામગ્રી લોકોને હિંસક કૃત્યોમાં ભાગ લેવાનું, ગુનો કરવા અથવા અરાજકતા ફેલાવવા પ્રોત્સાહન આપતી જણાઈ હતી. આ કાર્યક્રમો બ્રોડકાસ્ટિંગ કોડના નિયમો 3.1 અને 2.3નો ભંગ કરતા હતા. ઓફકોમે લાયસન્સીને 2000 પાઉન્ડની નાણાકીય પેનલ્ટી તેમજ ઓફકોમના કહેવા અનુસારની તારીખે તેના તારણો નું નિવેદન પ્રસારિત કરવા જણાવાયું છે.
• પૂર્વ સ્પીકર જ્હોન બેર્કો પર આજીવન પ્રતિબંધઃ
તુમાખીભર્યો સ્વભાવ અને વર્તન ધરાવતા હાઉસ ઓફ કોમન્સના પૂર્વ સ્પીકર જ્હોન બેર્કો પર આજીવન પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પાર્લામેન્ટરી કમિશનર ફોર સ્ટાન્ડર્ડ્સના રિપોર્ટમાં 2009થી 2019 દરમિયાન સ્પીકરપદ સંભાળનારા જ્હોન બેર્કો વિરુદ્ધ ગેરવર્તનના 21 દાવામાં તેમને દોષિત ગણાવાયા હતા. બેર્કોને સત્તાવાર ઠપકો અપાયો છે જેનો અર્થ એ છે કે હાઉસ ઓફ કોમન્સનું સ્પીકરપદ છોડ્યા પછી ઉમરાવપદ નહિ મેળવી શકનારા તેઓ પ્રથમ સ્પીકર બનશે. સામાન્યપણે પૂર્વ રાજકારણીઓને કોમન્સનો પાસ અપાતો હોય છે તે પણ બેર્કોને નહિ અપાય. સ્ટાફ અને સાંસદો સાથે ધમકીપૂર્ણ વ્યવહાર દાખવવા બદલ કુખ્યાત બનેલા જ્હોન બેર્કોએ 2019માં રાજીનામું આપ્યું ન હોત તો તેમની હકાલપટ્ટી કરાવાની શક્યતા હતી. ગયા વર્ષે ટોરી પાર્ટી છોડી લેબર પાર્ટીમાં આવેલા બેર્કોને પાર્ટીમાંથી હાંકી કાઢવાની માગણી પણ થઈ રહી છે.
• સમાધાનના પગલે એન્ડ્રયુ સામે કેસ ડિસમિસઃ
પ્રિન્સ એન્ડ્રયુ અને તેમની સામે કાનૂની દાવો માંડનાર વર્જિનિયા ગિયુફ્રે વચ્ચે સમાધાનના પગલે ન્યૂ યોર્કના ડિસ્ટ્રિક્ટ જજ લૂઈ કાપ્લાને 8 માર્ચ મંગળવારે પ્રિન્સ એન્ડ્રયુ સામેનો કેસ રદ જાહેર કર્યો છે. દરેક પક્ષકારે પોતાનો ખર્ચ અને કાનૂની ફી ભોગવવાની રહેશે. આ સમાધાનની રકમ જાહેર કરાઈ નથી પરંતુ 13થી 15 મિલિયન ડોલરમાં સમાધાન થયું હોવાનું ચર્ચાય છે. જાતીય હુમલા સંદર્ભે ગત એપ્રિલમાં પ્રિન્સ સામે કેસ દાખલ કરાયો હતો. જજ દ્વારા બંને પક્ષકારોને સમાધાન પર આવવા 15 માર્ચ સુધીનો સમય અપાયો હતો અને તે શક્ય ન બને તો ટ્રાયલની તારીખ જાહેર કરાવાની હતી. એન્ડ્રયુ અને ગિયુફ્રેના વકીલોએ ફેડરલ જજને નોટિસ મોકલી સત્તાવાર સમાધાન થયું હોવાથી કેસ ડિસમીસ કરવા જણાવ્યું હતું.
• બિલિયોનેર રિચાર્ડ બ્રાન્સન સામે કાનૂની દાવોઃ
વર્જિન ગેલેક્ટિક કંપનીના 71 વર્ષીય બિલિયોનેર માલિક રિચાર્ડ બ્રાન્સન સામે તેમણે અવકાશમાં ખામીપૂર્ણ રોકેટશિપ્સ મોકલ્યાના આક્ષેપ સાથે કાનૂની દાવો કરાયો છે. વર્જિન ગેલેક્ટિક કંપનીના શેરહોલ્ડર્સના આક્ષેપ મુજબ બ્રાન્સને બે પ્રોટોટાઈપ સ્પેસશિપ – યુનિટી સ્પેસક્રાફ્ટ અને ઈવ મધરશિપની ખામીઓ છુપાવી હતી તેમજ કંપનીના સ્ટોક્સના ભાવ કૃત્રિમ રીતે ઊંચા રખાવી 346 મિલિયન પાઉન્ડના સ્ટોક્સનું વેચાણ કર્યું હતું. આ બે સ્પેસશિપ ઉડ્ડયનને લાયક ન હોવાં છતાં અવકાશમાં મોકલાયાં હતાં. જોકે, વર્જિન ગેલેક્ટિક દ્વારા આક્ષેપોને નકારી કઢાયા છે. કોર્ટ ડોક્યુમેન્ટ્સ મુજબ આ પ્રોટોટાઈપ સ્પેસશિપ્સ અવકાશમાં લઈ જવા માટે ન હતા પરંતુ, કંપની તેમના થકી સલામત અને ઉડ્ડયનક્ષમ કોમર્શિયલ ગ્રેડ વ્હીકલ બનાવી શકે તે માટે હતા. એવો દાવો પણ કરાયો છે કે ગયા વર્ષે વધાવી લેવાયેલ સ્પેસ લોન્ચમાં જે રોકેટનો ઉપયોગ કરાયો તેને અધવચ્ચે જ નુકસાન પહોંચ્યું હતું અને ચાવીરુપ લોકેશન્સ પર તિરાડો જોવાં મળી હતી.
• જ્હોન્સન વધુ 20,000 પોલીસની ભરતી કરશેઃ
ઈન્સ્પેક્ટોરેટ કોન્સ્ટેબ્યુલરીના રિપોર્ટમાં ચેતવણી અપાઈ છે કે વધુ 20,000 પોલીસની ભરતી કરવાની જ્હોન્સન સરકારની યોજના વધુ મુશ્કેલી લાવશે. ભરતીમાં યોગ્ય ચકાસણીના અભાવે રેસિસ્ટ અને મહિલાદ્વેષી લોકોની પોલીસદળોમાં ભરતી થવાનું જોખમ રહેલું છે. સારાહ એવરાર્ડની હત્યા, ચેરિંગ ક્રોસ પોલીસ સ્ટેશન કૌભાંડ તેમજ મેટ પોલીસનો કોન્સ્ટેબલ નીઓ-નાઝી ટેરરિસ્ટ ગ્રૂપનો પૂર્વ સભ્ય હોવાનું બહાર આવ્યા પછી ચકાસણી પ્રક્રિયા સામે જ સવાલ ઉઠ્યાં છે. ઉલ્લેખનીય છે કે 2019માં વડા પ્રધાન બન્યા સાથે જ બોરિસ જ્હોન્સને વધુ 20,000 પોલીસ ઓફિસર્સની ભરતી કરવાનું વચન આપ્યું હતું. જોકે, નેશનલ પોલીસ ચીફ્સ કાઉન્સિલના વડા માર્ટિન હેવિટે ચેતવણી આપી છે કે દર વર્ષે નિવૃત્ત થતા કે રજા લેતા ઓફિસરોની સંખ્યા સંદર્ભે આશરે 50,000 ઓફિસર્સની ભરતી કરવી પડશે.

