• બીમારી બેનિફિટ્સ લેનારાની સંખ્યામાં અભૂતપૂર્વ વધારોઃ

Wednesday 17th August 2022 02:21 EDT
 

કોરોના મહામારી શરૂ થયા પછી વધુ 200,000 લોકો ખરાબ આરોગ્યના કારણે નોકરીધંધા વિનાના થઈ ગયા છે. યુકેમાં નોકરીઓની 1.3 મિલિયન ખાલી જગ્યાઓ હોવાંની સામે આર્થિક રીતે નિષ્ક્રિય હોય અને કામ ઈચ્છતા હોય તેમની સંખ્યા વધીને 1.7 મિલિયન થઈ છે. 514,000 લોકોને લાંબા સમયથી બીમાર તરીકે વર્ગીકૃત કરાયા છે. બીમારી સંબંધિત બેનિફિટ્સ લેનારા લોકોની સંખ્યામાં 200,000નો વધારો થવા સાથે બેનિફિટ્સના ખર્ચમાં વાર્ષિક 2.5 બિલિયન પાઉન્ડનો વધારો થયો છે. ખરાબ આરોગ્યના કારણે કામથી દૂર રહેતા લોકોની ગણતરી સરકારના બેરોજગારીના ડેટામાં કરાતી નથી. લેબર માર્કેટમાંથી બહાર નીકળી જનારા લોકોમાં 50 વર્ષથી વધુ વયના અને બીમારી તથા જેમના માથે સારસંભાળની જવાબદારી આવી હોય તેમનો સમાવેશ થાય છે.

• મ્યુઝિયમ લૂંટાયેલી 72 કલાકૃતિ નાઈજિરિયાને પરત કરશેઃ

હોર્નિમાન મ્યુઝિયમ બેનિન બ્રોન્ઝ્સ સહિતની લૂંટાયેલી કલાકૃતિઓનો સંગ્રહ નાઈજિરિયાને પરત કરવા સંમત થયેલ છે. મ્યુઝિયમ બ્રિટિશ દળો દ્વારા બેનિન સિટીમાંથી ફેબ્રુઆરી 1897માં લૂંટાયેલી બેનિન બ્રોન્ઝ્સ તરીકે ઓળખાતી 12 પિત્તળની કલાકૃતિ સહિત કુલ 72 આઈટમ્સને નાઈજિરિયાની સરકારને પરત કરશે કારણકે નૈતિક રીતે પણ આમ કરવું યોગ્ય છે. હોર્નિમાન મ્યુઝિયમ અને ગાર્ડન્સ ઈન ફોરેસ્ટ હિલના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે આ કલાકૃતિઓ દેખીતી રીતે જ બળ દ્વારા હાંસલ કરાયાના પુરાવાઓ છે. નાઈજિરિયાના નેશનલ કમિશન ફોર મ્યુઝિયમ્સ એન્ડ મોન્યુમેન્ટ્સ (NCMM) દ્વારા જાન્યુઆરીમાં આ કલાકૃતિઓ પરત કરવા વિનંતી કરાઈ હતી.

• ચર્ચ જુલ્મનો સામનો કરે, આર્ચબિશપ વેલ્બીની અપીલઃ

કેન્ટરબરીના આર્ચબિશપ જસ્ટિન વેલ્બીએ એન્ગ્લિકન ચર્ચે ક્લાઈમેટ ઈમર્જન્સી, માઈગ્રન્ટ્સ સાથે અનૈતિક વ્યવહાર અને માનવ અધિકારના શોષણ સહિત તમામ સ્તરે અને પ્રકારે અવાજ ઉઠાવી જુલ્મ અને દમનનો સામનો કરવો જોઈએ તેમ જણાવ્યું છે. એન્ગ્લિકન બિશપોની લેમ્બેથ કોન્ફરન્સને સંબોધતા વેલ્બીએ કહ્યું હતું કે ઘણી કોમ્યુનિટીઓ આવો સામનો કરી શકતી ન હોઈ ચર્ચે અવાજ ઉઠાવવો જોઈએ. આનાથી સરકારો સાથે ઘર્ષણ પણ થઈ શકે છે. મૌન રહેવાથી ચર્ચ પણ દમનકારીઓમાંનું એક બની જાય છે.

• જ્હોન્સન નાણાકીય દખલગીરી નહિ કરેઃ

10 ડાઉનિંગ સ્ટ્રીટે સ્પષ્ટ કર્યું છે કે વડા પ્રધાન બોરિસ જ્હોન્સન કોસ્ટ ઓફ લિવિંગ સહિત કોઈ પ્રકારની નાણાકીય દખલગીરી કરશે નહિ અને નવા વડા પ્રધાન પર તેનો નિર્ણય છોડી દેશે. નીતિ ઘડવાનું કાર્ય નવા વડા પ્રધાનનું રહેશે. આનો અર્થ એ થાય છે કે પાંચ સપ્ટેમ્બર સુધીમાં ટોરી પાર્ટીના નવા નેતા અને વડા પ્રધાનની જાહેરાત થાય ત્યાં સુધી સરકારના કામકાજને લકવો મારી જશે અને અરાજકતા વ્યાપી જશે. પૂર્વ લેબર પ્રાઈમ મિનિસ્ટર ગોર્ડન બ્રાઉને દાવો કર્યો હતો કે સરકારના કેન્દ્રમાં શૂન્યાવકાશ છવાઈ ગયો છે. જ્હોન્સન વેકેશન ગાળવા ગયા હોય તો પણ તેમના ડેપ્યુટી મિનિસ્ટર્સે ઓઈલ અને ગેસના નવા પુરવઠા બાબતે વાટાઘાટો કરવા સાથે નવી સંગ્રહક્ષમતા ઉભી કરવી જોઈએ તેમ પણ ગોર્ડને કહ્યું હતું.

• વણવપરાયેલા PPEના સંગ્રહ પાછળ રોજ £700,000નો ખર્ચઃ

સરકાર ગોદામોમાં PPEનો સંગ્રહ કરવા પાછળ સપ્તાહના 5 મિલિયન પાઉન્ડથી વધુનો ખર્ચ કરે છે એટલે કે આ રક્ષણાત્મક ઉપકરણને રાખવા માટે કરદાતાઓના રોજિંદા 700,000 પાઉન્ડ વેડફી દેવાય છે. નેશનલ ઓડિટ ઓફિસના રિપોર્ટ અનુસાર 14.2 બિલિયન PPE આઈટમ્સ સ્ટોરજમાં પડી રહી છે. કોરોના વાઈરસ મહામારીના ગાળામાં ફ્રન્ટલાઈન ડોક્ટર્સ અને નર્સીસને 17.3 બિલિયન આઈટમ્સ અપાઈ હતી તેના કરતા આ સંખ્યા થોડી જ ઓછી છે. આ વણવપરાયેલા PPEનું કુલ મૂલ્ય 8.6 બિલિયન પાઉન્ડ છે જેમાંથી 9 યુરોફાઈટર ટાઈફૂન્સથી સજ્જ બે એરક્રાફ્ટ કેરિયર વસાવી શકાય. ગત વર્ષે એપ્રિલ અને મે મહિનામાં સ્ટોરેજ પાછળ 259 મિલિયન પાઉન્ડ ખર્ચ કર્યા પછી આ સુરક્ષાત્મક ઉપકરણોનો મોટો ભાગ સગાવી દેવાશે. PPEનો સંગ્રહ કરવા પાછળ દર સપ્તાહે ગોદામો પર 21.4 મિલિયન પાઉન્ડનો ખર્ચ કરાય છે. આ રકમ 36,000થી વધુ બાળકોને પાર્ટ ટાઈમ નર્સરી સારસંભાળમાં મૂકવામાં કામે લાગી શકે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter