• A&Eમાં વિલંબથી સપ્તાહમાં 500 પેશન્ટના મોતઃ

Friday 13th January 2023 05:28 EST
 

હોસ્પિટલો સ્ટાફની તંગી, સર્જરીના બેકલોગ્સ, ફ્લુ અને કોવિડ સહિતના કારણોનો સામનો કરી રહેલ છે ત્યારે NHSની ઈમર્જન્સી કેરમાં થતાં વિલંબના કારણે દર સપ્તાહે 300થી 500 પેશન્ટના મોત થતાં હોવાની ચેતવણી વરિષ્ઠ ડોક્ટર્સે આપી છે. રોયલ કોલેજ ઓફ ઈમર્જન્સી મેડિસિન (RCEM)ના પ્રમુખ ડો. એડ્રિઅન બોયલે કહ્યું છે કે કામના બોજ હેઠળ દબાયેલી આરોગ્યસેવા પર ફ્લુની ખરાબ સિઝનથી વધુ દબાણ સર્જાઈ રહ્યું છે. એમ્બ્યુલન્સ રિસ્પોન્સ ટાઈમ વધ્યો છે, A&E યુનિટ્સમાં ગ્રિડલોક અને સ્ટાફની અછતના વધેલા દર ટાળી શકાય તેવા મૃત્યુની સંખ્યામાં વધારો કરે છે. વેતન અને કાર્યસ્થળે ખરાબ પરિસ્થિતિના મુદ્દે હજારો પેરામેડિક્સ, નર્સિસ અને ડોક્ટર્સ નોકરીઓ છોડવાની તૈયારીમાં છે. એમ્બ્યુલન્સ સ્ટાફ 11 અને 23 જાન્યુઆરીએ જ્યારે નર્સિસ 18 અને 19 જાન્યુઆરીએ કામકાજનો બહિષ્કાર કરવાના છે. બીજી તરફ, ઈંગ્લેન્ડમાં હડતાળ પાડવા માટે જુનિયર ડોક્ટર્સ દ્વારા 9 જાન્યુઆરીએ મતદાન શરૂ કરાનાર છે.

એક્સ્ટિંક્શન રીબેલિયનનો વિરોધસૂર બદલાયોઃ

ક્લાઈમેટ ચેન્જ મુદ્દે જલદ કાર્યવાહીની માગ કરતી સંસ્થા એક્સ્ટિંક્શન રીબેલિયન (XR) હવે નવા વર્ષથી માર્ગો પર ચોંટી રહેવા, બારીઓ તોડવા અને જાહેરમાં પ્રવાસીઓને કલાકો સુધી વિલંબમાં મૂકવા જેવા વિરોધથી દૂર રહેશે. હવે XR સત્તાના દુરુપયોગ અને અસમતુલાનો જાહેર વિરોધ કરશે. ફોસિલ ફ્યૂલયુગનો અંત લાવી ન્યાયી સમાજ તરફ આગળ વધવા માટે નફાખોરીના લોભી અને લાલચી રાજકારણીઓ પર દબાણ ઉભું કરવા નવી રણનીતિ ઉપયોગમાં લેવાશે. જોકે, જસ્ટ સ્ટોપ ધ ઓઈલ કે ઈન્સ્યુલેટ બ્રિટન સહિત અન્ય પર્યાવરણીય જૂથો મોટરવેઝ બંધ કરી દેવા કે મ્યુઝિયમ્સમાં પ્રદર્શનો યોજવા સહિતના કાર્યક્રમો બંધ નહિ કરે. XR 21 એપ્રિલથી પાર્લામેન્ટ હાઉસીસની ફરતે વિરોધ પ્રદર્શન કરશે જેમાં 100,000 લોકો સામેલ થાય તેવી યોજના છે.

નિષ્ક્રિય બેંકખાતામાં રહેલા નાણાનો સદુપયોગઃ

નિષ્ક્રિય બેંકખાતાઓમાં પડી રહેલા નાણાનો ઉપયોગ કરી સરકાર પછાત વિસ્તારો માટે 700 મિલિયન પાઉન્ડનું ફંડ ઉભું કરવા માગે છે. વ્હાઈટહોલના નિયંત્રણ બહારનું કોમ્યુનિટી વેલ્થ ફંડ લેવલિંગ એજન્ડાને આગળ વધારવાના પ્રયાસમાં દેશના પછાત વિસ્તારોને આ ફંડમાંથી ગ્રાન્ટની વહેંચણી કરશે. ઉપયોગ નહિ કરાતા કે ભૂલાઈ ગયેલાં બેન્ક એકાઉન્ટ્સના નાણા સારા કાર્યોમાં વાપરવાની નિષ્ક્રિય સંપત્તિ યોજના 2008થી કાર્યરત છે તેના હેઠળ નવું ફંડ ઉભું કરાશે. ગયા વર્ષે પસાર કરાયેલા કાયદાના પરિણામે નિષ્ક્રિય ઈન્સ્યુરન્સ પ્રોડક્ટ્સ, સિક્યુરિટીઝ અને પેન્શન્સમાંથી વધારાના 738 મિલિયન પાઉન્ડનો ઉપયોગ ઈંગ્લેન્ડમાં પણ કરી શકાશે. સરકારી ભંડોળ મેળવવામાં નિષ્ફળ અથવા સંઘર્ષ કરી રહેલા અને ખાસ કરીને 10,000થી ઓછી વસ્તી ધરાવતા નાના પછાત વિસ્તારોને આ ફંડમાંથી નાણાકીય મદદ કરવામાં આવશે.

મિલિયન ઘરફોડ ચોરી ઉકેલવામાં પોલીસ નિષ્ફળઃ

લેબર પાર્ટી દ્વારા એનાલિસિસ મુજબ પોલીસ ગયા વર્ષે એક મિલિયનથી વધુ ઘરફોડ ચોરી અને સામાન્ય ચોરીના કેસીસના શકમંદોને શોધવામાં નિષ્ફળ રહી છે. 300,000થી વધુ હિંસક અપરાધ સહિત તમામ અપરાધોમાં બે મિલિયનથી વધુ કેસની તપાસ પડતી મૂકાઈ હોવાનો દાવો આ વિશ્લેષણમાં કરાયો છે. લેબર દ્વારા શેરીઓમાં વધુ 13,000 પોલીસ ગોઠવવા તેમજ નેબરહૂડ ઓફિસરોની સંખ્યા વધારવાની બાંહેધરી પણ અપાઈ છે. પોલીસ વડાઓએ સૌપ્રથમ વખત ઓક્ટોબરમાં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ચોરીના સ્થળ કે ચીજવસ્તુઓને ધ્યાનમાં લીધા વિના તમામ પ્રકારની ચોરીઓની તપાસ માટે વચન આપ્યું હતું. ઓપરેશન ટેનાસિટીની આ બાંહેધરી હેઠળ છ સપ્તાહમાં 1,700 ધરપકડ કરાઈ હતી. જોકે, ગત વર્ષે 1,145,254 કેસીસમાં ઓફિસરો શકમંદને શોધી શક્યા ન હતા અને તપાસ પડતી મૂકાઈ હતી. કોઈ શકમંદ સામે ચાર્જ લગાવવાનો દર ઘટીને 5.4 ટકાનો થઈ ગયો છે જે સાત વર્ષ અગાઉ 15 ટકાનો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter