• બાળસુરક્ષા માટે ઈન્ટરનેટ સામગ્રી પર નજર રાખોઃ

Wednesday 19th January 2022 05:22 EST
 

બાળસુરક્ષા નિષ્ણાતોએ જણાવ્યું છે કે ૭-૧૦ વયજૂથના બાળકોને શોષણખોરોથી બચાવવા તેમના માટેની ઈન્ટરનેટ સામગ્રી પર ધ્યાન રાખવું જરૂરી છે. ઈન્ટરનેટ વોચ ફાઉન્ડેશન અનુસાર ૭-૧૦ વયજૂથના બાળકોને સાંકળતા સેક્સ એબ્યુઝના ફોટો અને વીડિયોની સામગ્રીમાં ૧૮૬ ટકાનો વધારો થયો છે. બાળકોનું ચિત્રણ કરતી આવી સામગ્રીનું રિપોર્ટિંગ ૨૦૨૦માં ૫૯૦૦ હતું જે ૨૦૨૧માં વધીને ૧૬,૮૭૮ થયું હોવાનું સંસ્થાના રિપોર્ટમાં જણાવાયું છે. બીજી તરફ, ૧૧-૧૩ વયજૂથના છોકરી-છોકરાઓને લગતી સામગ્રીનું રિપોર્ટિંગ ૨૦૨૦માં ૩૮,૪૯૮ થી વધીને ૨૦૨૧માં ૯૧,૫૩૫ તેમજ ૧૪-૧૫ વયજૂથ માટે ૨૦૨૦માં ૧૪૧૧થી વધીને ૨૦૨૧માં ૪,૧૪૮ થયું હતું.

ટ્રબલ્સ લિગસી બિલ મુશ્કેલીમાંઃ

વિવાદાસ્પદ વારસાઈના કેસીસ સંબંધિત ‘ટ્રબલ્સ લિગસી બિલ’ મુશ્કેલીમાં આવી પડ્યું છે અને કદાચ ઉનાળા સુધીમાં તે કાયદાનું સ્વરુપ લઈ શકશે નહિ. સરકાર આ ખરડાની જોગવાઈઓને આખરી સ્વરુપ આપી રહી હોવાથી તે વિલંબમાં પડ્યું છે. મ્નિસ્ટર્સની યોજના આ બિલને ક્રિસમસ અગાઉ જ લાવવાની હતી જેથી પાંચ મેના નોર્ધર્ન આયર્લેન્ડ એસેમ્બલી ઈલેક્શન પહેલા તેને પાર્લામેન્ટમાં પસાર કરાવી શકાય. જોકે, વિષય નાજૂક હોવાથી સરકાર પાર્લામેન્ટમાં ઉતાવળે ખરડો પસાર કરાવવાના બદલે તેની જોગવાઈઓને કાળજીપૂર્વક આખરી સ્વરુપ આપવા માગે છે. બોરિસ જ્હોન્સને આ બિલ મુદ્દે ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમા ઉકેલ લાવવાની ખાતરી આપ્યા પછી અત્યાર સુધીમાં આઠ સમયમર્યાદા ચૂકી જવાઈ છે.

પાર્લામેન્ટમાં ૧૦૦થી વધુ હેરાનગતિના કેસઃ

ગત પાંચ વર્ષમાં બે સાંસદની હત્યાના પગલે રાજકારણીઓ સામે જોખમનું પ્રમાણ વધ્યું છે તેમજ પાર્લામેન્ટમાં હેરાનગતિ અને ચોરીછૂપીથી પીછો કરવાની ૧૦૦થી વધુ ઘટનાઓ બહાર આવી છે. આ ઉપરાંત, પાર્લામેન્ટ વિસ્તારમાં પ્રવેશતા લોકો પાસેથી છ ચાકુ પણ જપ્ત કરાયા હતા. ડેઈલી મેઈલ દ્વારા મેળવાયેલી વિગતો મુજબ જાન્યુઆરી ૨૦૨૦થી સપ્ટેમ્બર ૨૦૨૧ના ગાળામાં પાર્લામેન્ટના બંને ગૃહોમાં કનડગત અથવા ચિંતા વધારવાના હેતુસર મોકલાતા પત્રો સહિત હેરાનગતિ અને ચોરીછૂપીથી પીછો કરવાની ૧૧૭ ઘટનાઓ બહાર આવી છે. જોકે, મોટા ભાગની કહેવાતી ઘટનાઓ ઓનલાઈન અથવા અન્યત્ર થઈ હોવાનું મનાય છે. બીજી તરફ, ફ્રીડમ ઓફ ઈન્ફોર્મેશન એક્ટ હેઠળ મેળવાયેલી માહિતી અનુસાર ગત બે વર્ષમાં‘ પાર્લામેન્ટરી એસ્ટેટના પ્રવેશદ્વારે નાના લોક નાઈફ, સ્વિસ આર્મી નાઈફ સહિત છ શસ્ત્રો જપ્ત કરવામાં આવ્યા હતા.

ચર્ચિલની પ્રતિમા તોડી નાખવા માગણીઃ

ગુલામીવિરોધી કેમ્પેઈનર કોફી માવુલી ક્લુએ પૂર્વ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલને ‘હત્યારા’ ગણાવી પાર્લામેન્ટ સ્ક્વેરમાં આવેલી તેમની પ્રતિમાને તોડી પાડવાની માગણી કરતા વિવાદ થયો છે. બ્રિસ્ટોલમાં ગુલામોના વેપારી એડવર્ડ કોલ્સ્ટોનના પૂતળાને ઉખાડી નાખવાના કેસમાં ચાર વ્યક્તિને આરોપમુક્ત કરાયા પછી પેનલચર્ચામાં તેમણે આ માગણી કરી બ્રિટિશરોને જાગૃત થવા જણાવ્યું હતું. સાથી પેનલિસ્ટોએ તેમના વિધાનનો જોરદાર વિરોધ પણ કર્યો હતો. પૂર્વ બ્રિટિશ MEP રોજર હેલ્મરે વિન્સ્ટન ચર્ચિલને ૨૦મી સદીના મહાન વડા પ્રધાન ગણાવ્યા હતા.

એસાઈલમ સિસ્ટમમાં દૈનિક £૧ મિલિયન ખર્ચવૃદ્ધિઃ

બોટ્સમાં ચેનલ ઓળંગી આવતા ગેરકાયદે માઈગ્રન્ટ્સના કારણે બ્રિટનની એસાઈલમ સિસ્ટમમાં દૈનિક લગભગ એક મિલિયન પાઉન્ડની ખર્ચવૃદ્ધિ થાય છે. વર્ષ ૨૦૨૧માં ૨૮,૪૩૧ લોકોએ ખતરનાક યાત્રા કરી બ્રિટનમાં પ્રવેશ મેળવ્યો હતો. આના પરિણામે તેમના ક્લેઈમ્સના પ્રોસેસિંગ પાીછળ બ્રિટિશ કરદાતાઓના ૩૩ મિલિયન પાઉન્ડનું બિલ આવ્યું હતું. આ ખર્ચ દૈનિક ધોરણે ૯૨૦,૬૧૯ જેટલો હતો. આ ખર્ચ હિમશીલાના ટોપકા સમાન છે કારણકે તેમાં નવા આવનારા લોકોના હેલ્થકેર, શિક્ષણ અથવા હાઉસિંગ પાછળ કરાતા ખર્ચનો સમાવેશ થતો નથી. માઈગ્રેશન વોચ યુકે અનુસાર દરેક વખતે એક માઈગ્રન્ટ કેન્ટના કાંઠે પગ મૂકે છે તેની સાથે તેમની અરજીના પ્રોસેસિંગ, અટકાયત અને લિવિંગ એલાવન્સના બિલમાં ૧૨,૦૦૦ પાઉફન્ડનો વધારો થાય છે. ગત ત્રણ વર્ષમાં આ બિલ બમણાથી વધુ અને ગયા વર્ષમાં જ ૪૨ ટકા વધ્યું છે. એસાઈલમ ક્લેઈમ્સનું બિલ ૧.૪ બિલિયન પાઉન્ડની નવી ટોચે પહોંચ્યું છે તેમજ ૫૫,૦૦૦ અરજદારોએ તેમના કેસ પૂર્ણ થાય તે માટે ત્રણ વર્ષ રાહ જોવી પડે છે.

યુકેના અર્થતંત્રને £૩૫ બિલિયનનો મારઃ

યુકેના અર્થતંત્રને જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ઉત્પાદનમાં નુકસાનના કારણે ૩૫ બિલિયન પાઉન્ડ (૪૮ બિલિયન ડોલર)નો માર સહન કરવો પડશે. સન્ડે ટાઈમ્સના અહેવાલ મુજબ કોવિડ-૧૯ બીમારી અને તે સંબંધિત ફરજિયાત આઈસોલેશનના કારમે સ્ટાફની અછતનું આ પરિણામ હશે. સરકારની ૨૫ ટકા ગેરહાજરીની પ્લાનિંગ ધારણાઓના આધારે અંદાજિત નુકસાન ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટના ૮.૮ ટકા જેટલી હશે તેમ સેન્ટર ફોર ઈકોનોમિક્સ એન્ડ બિઝનેસ રિસર્ચ (CEBR)ના અભ્યાસમાં જણાયું હતુ. જોકે, સંસ્થાએ જણાવ્યું હતું કે ગુમાવાયેલું મોટા ભાગનું નુકસાન બાકીના વર્ષના ગાળામાં સરભર થઈ શકશે.

બીબીસીના લાયસન્સધારકોના નાણાનો ઉડાઉ ખર્ચઃ

બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ સર્વિસ (BBC)ના બીબીસી રેડિયોની ૧૯૨૨માં સ્થાપના કરાયા પછી બીબીસીએ ૨૦૨૨માં તેની ૧૦૦મી વર્ષગાંઠ નિમિત્તે આત્મપ્રશંસાના કાર્યક્રમો પાછળ લાયસન્સધારકોના હજારો પાઉન્ડનો ખર્ચ કરવાની યોજનાઓ ઘડી છે તેનો વિરોધ થઈ રહ્યો છે. બીબીસીની સ્થાપના કરાયા પછી કોર્પોરેશનના ઈતિહાસ અને જાહેર જીવન પર તેની અસરો દર્શાવતી ટીવી અને રેડિયો ડોક્યુમેન્ટરીઝ તૈયાર કરાઈ રહી છે. કેમ્પેઈનર્સ આ કાર્યક્રમોને લોકોનો વિશ્વાસ પુનઃ જીતવાના નિષ્ફળ પ્રયાસ તરીકે ગણાવી રહ્યા છે. તાજેતરના વર્ષોમાં સંસ્થાથી થતા લાભ વિશે લોકોમાં વધુ શંકા સર્જાઈ રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter