• લાંબી બીમારી સાથેના લોકોની સંખ્યા વધીઃ

Wednesday 16th March 2022 01:22 EDT
 

કોવિડ મહામારીના કારણે લાંબા સમયની બીમારી ધરાવતા લોકોની સંખ્યામાં બે વર્ષમાં 1.2 મિલિયનનો ઉછાળો આવ્યો છે. યુકેમાં કામકાજ કરતા ત્રીજા ભાગથી વધુ લોકો લાંબા સમયની બીમારી ભોગવી રહ્યા છે જેમાં, લોંગ કોવિડ, શ્વાસ લેવામાં તકલીફ અને માનસિક આરોગ્યની સમસ્યા મુખ્ય છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના વિશ્લેષણ મુજબ યુકેમાં 16થી 64 વર્ષના 14.2 મિલિયન લોકો 2021માં 12 મહિના સુધી લાંબી ચાલતી બીમારીનો શિકાર બન્યા હતા. કોવિડના બે વર્ષમાં આ 1.2 મિલિયનનો ઉછાળો છે. 2014થી 2018ના ગાળામાં દર વર્ષે લાંબા સમયની બીમારીના સરેરાશ 275, 000 કેસ જોવા મળતા હતા. 2018-19ની સરખામણીએ 2020-21માં આશરે 800,000થી વધુ લોકો માનસિક આરોગ્યની સમસ્યાથી પીડાતા હતા.

• ડચ ડાયમન્ડ ડીલર લૂંટ બદલ દોષિતઃ

ડચ ડાયમન્ડ ડીલર ૫૫ વર્ષીય મિશ્કા વાન ગેલ્ડરને ઈન્સ્યુરન્સ કૌભાંડના ભાગરુપે 4.1 મિલિયન યુરો (3.4 મિલિયન પાઉન્ડ) ના હીરાની સશસ્ત્ર લૂંટ બદલ દોષિત ઠરાવાયો છે. ગેલ્ડરને 6 મહિનાની સસ્પેન્ડેડ જેલની સજા અને 240 કલાકની કોમ્યુનિટી સર્વિસની સજા કરાઈ હતી. ગેલ્ડરે 76 દિવસ જેલમાં વીતાવ્યા છે. ભાડે રાખેલા લૂંટારાઓને પોતાના સ્ટોરના વોલ્ટમાં ઘૂસવા દઈ પોતાને બાંધવા દીધો હતો. આ પછી તેણે લૂંટાયેલા ડાયમન્ડનું મૂલ્ય ઈન્સ્યુરન્સ કંપની પાસેથી મેળવવા ક્લેઈમ કર્યો હતો. મિશ્કા વાન ગેલ્ડરે એમ્સ્ટર્ડેમની કોર્ટને જણાવ્યું હતું કે તેણે નાણાકીય મુશ્કેલીના કારણે અન્ય ત્રણ વ્યક્તિ સાથે 2016માં આ યોજના ઘડી હતી. તેણે પોલીસને એમ જણાવ્યું હતું કે તેને બંદૂકની અણીએ વોલ્ટ ખોલવાની ફરજ પડાઈ હતી. ગેલ્ડરની ધરપકડ કરાઈ તે પહેલા ઈન્સ્યુરન્સ કંપનીએ 3.5 મિલિયન યુરો (3.9 મિલિયન પાઉન્ડ)ની ચૂકવણી કરી દીધી હતી. તેનો એક સાથી પકડાયો હતો અને હીરા હજુ સુધી પાછાં મળ્યા નથી.

• ગાવિન વિલિયમસનને નાઈટહૂડ સામે પ્રશ્નઃ

પૂર્વ એજ્યુકેશન સેક્રેટરી અને સાઉથ સ્ટેફોર્ડશાયરના સાંસદ ગાવિન વિલિયમસનને સરકારમાંથી હકાલપટ્ટી કરાયાના માત્ર 6 મહિનામાં જ ‘સર’ પદવીની નવાજેશથી ભારે આશ્ચર્ય સર્જાયું છે. ઘણા લોકોનું કહેવું છે આ તો તેમની નિષ્ફળતાને સરપાવ છે. શાળાઓ ખુલ્લી રાખવાની ભારપૂર્વકની વાતો કર્યાના દિવસોમાં જ તેમણે ત્રીજા લોકડાઉનમાં શાળાઓ બંધ કરવાની જાહેરાત કરવી પડી હતી. વિદ્યાર્થીઓની પરીક્ષાઓ બાબતે પણ તેમનો ફિઆસ્કો જાણીતો હતો. અગાઉ 2019માં પૂર્વ વડા પ્રધાન થેરેસા મેએ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલનું ટોપ સીક્રેટ લીક થવાના મુદ્દે ગાવિનને ડિફેન્સ સેક્રેટરીપદેથી ફારેગ કર્યા હતા.

• સારાહ એવરાર્ડ પછી યુકેમાં 125 મહિલાની હત્યાઃ

પુરુષ દ્વારા અથવા તે મુખ્ય શકમંદ હોય તેવી સ્ત્રીઓની હત્યાને રેકોર્ડ કરનારી કેમ્પેઈન વેબસાઈટ ‘કાઉન્ટિંગ ડેડ વિમેન’ના જણાવ્યા અનુસાર 2021ની 3 માર્ચે સારાહ એવરાર્ડના અપહરણ અને હત્યાની ઘટના પછી યુકેમાં ઓછામાં ઓછી 125 મહિલાની હત્યા કરાઈ છે. કેમ્પેઈનર્સનું કહેવું છે કે પોલીસ ડેટા, કોર્ટ રેકોર્ડ્સ અને મીડિયા રિપોર્ટના વિશ્લેષણે દર્શાવ્યું છે કે રાષ્ટ્રવ્યાપી રોષ ફેલાવનારી હત્યાના એક વર્ષ પછી પણ પરિસ્થિતિમાં કોઈ ફેર પડ્યો નથી. મેટ્રોપોલીટન પોલીસ ઓફિસર વાયને કુઝેન્સ દ્વારા મિસ સારાહનું અપહરણ અને હત્યા કરાયા હતા. વૃદ્ધ અથવા વંશીય લઘુમતી મહિલાઓની હત્યાને મિસ સારાહની ઘટના જેટલું મહત્ત્વ મળ્યું નથી. સરકાર બૂમાબૂમ કરે છે પરંતુ, નક્કર પગલાં લેતી નથી તેમ કેમ્પેઈનર્સનું કહેવું છે.

• બળાત્કારીને 6 વર્ષની જેલઃ

ડેટિંગ વેબસાઈટ Plenty of Fish પર મળેલી બે મહિલાને નિશાન બનાવનારા 30 વર્ષીય બળાત્કારી રાયન કોનોરને સ્ટોક-ઓન-ટ્રેન્ટ ક્રાઉન કોર્ટે 6 વર્ષની જેલની સજા ફરમાવી છે. ઓનલાઈન મુલાકાત પછી કોનોર આ બે મહિલાને પોતાને ઘેર લઈ ગયો હતો. બળાત્કારની ઘટનાઓ વચ્ચે 3 કરતાં વધુ વર્ષનું અંતર હોવાની કોર્ટને રજૂઆત કરાઈ હતી. મહત્ત્વની બાબત એ હતી કે આ મહિલાઓએ સેક્સ સંબંધ માટે તૈયારી દર્શાવી ન હતી. કોનોર ટુંકા સંબંધો માટે ડેટિંગ વેબસાઈટનો ઉપયોગ કરતો હતો. કોનોરને આજીવન સેક્સ ઓફેન્ડર્સ રજિસ્ટરમાં મૂકવામાં આવ્યો હતો.

• દરોડામાં 17,000થી વધુ ગેરકાયદે સિગારેટ્સ ઝડપાઈઃ

કાઉન્સિલ ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ્સ અને નોર્થમ્બ્રીઆ પોલીસના સંયુક્ત દરોડામાં બેનશામની બે દુકાનોના ગુપ્ત કમ્પાર્ટમેન્ટમાંથી 17,000થી વધુ ગેરકાયદે સિગારેટ્સ અને 5 કિલો ગેરકાયદે તમાકુ મળી આવ્યા હતા. સ્નિફર ડોગ કૂપરે તમાકુ શોધવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બેનશામના કોટ્સવર્થ રોડ પરની અલી બાબા તેમજ રોલિંગ રોડ પરની વ્હાઈટહોલ કોર્નર શોપમાંથી ગેરકાયદે સામાન ઝડપી લેવાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter