મેટ્રોપોલીટન પોલીસે બે વર્ષના ગાળામાં 650 બાળકોને પોલીસે જડતી સાથે તપાસ્યાં હતાં. આ તપાસ દરમિયાન કોઈ પુખ્ત વ્યક્તિ હાજર ન હતી અને મોટા ભાગના બાળકો તેમના વિરુદ્ધની શંકામાં નિર્દોષ પુરવાર થયાં હતાં. ઈંગ્લેન્ડના ચિલ્ડ્રન્સ કમિશનરે બાળસુરક્ષા મુદ્દે મેટ પોલીસના રેકોર્ડને વખોડ્યો હતો. પોલીસ ડેટા જ જણાવે છે કે વૈધાનિક ગાઈડન્સ હોવાં છતાં, જડતી અને તપાસના 23 ટકા કેસીસમાં યોગ્ય પુખ્ત વ્યક્તિની હાજરી ન હતી. 2018થી 2020 સુધીના ગાળામાં 10-17 વયજૂથના બાળકોની જડતી અને તપાસ કરાઈ તેમાંથી 58 ટકા બાળકો અશ્વેત હતા. માત્ર 2018માં જ આ સંખ્યા 75 ટકા સુધી ઊંચે ગઈ હતી. ગ્રેટર લંડનમાં 10-17 વયજૂથના બાળકોની જડતી અને તપાસમાં 19 ટકા બાળકો અશ્વેત હતા.
• 1 મિલિયનથી વધુ લોકોને સારસંભાળની રાહઃ
NHS ઈંગ્લેન્ડના લીક થયેલા ડોક્યુમેન્ટ મુજબ 1 મિલિયનથી વધુ લોકો આઉટ પેશન્ટ તરીકે ફીઝિયોથેરાપી, કમર અને પીઠ અને ઘૂંટણના દુઃખાવા સહિતની સારસંભાળની રાહ જોઈ રહ્યા છે. આમાંથી ઘણા લોકો તો કોમ્યુનિટી હેલ્થ સર્વિસીસ માટે 120 સપ્તાહ જેટલા લાંબા સમય રાહ જોવાના વિલંબનો સામનો કરી રહ્યા છે. હોસ્પિટલ બહાર સારસંભાળ કે સારવારનો વિલંબ સહી રહેલા લોકોમાં 300,0000 બાળકોનો સમાવેશ થાય છે. ઈંગ્લેન્ડમાં જાન્યુઆરી મહિનામાં આવ રીતે રાહ જોનાર લોકોની સંખ્યા 900,000 હતી જે વધીને મે મહિનામાં 1.05 મિલિયનની થઈ હતી. હેલ્થ સર્વિસ જર્નલના રિપોર્ટ અનુસાર કેટલાકને મદદ મળે ત્યાં સુધી 120 સપ્તાહ જેટલી લાંબી રાહ જોવી પડે છે. હોસ્પિટલમાં સર્જરી સહિત સારવાર માટે રાહ જોતા લોકોની સંખ્યા હાલ 6.6 મિલિયન છે તેનાથી હોસ્પિટલની બહાર રાહ જોનારાની સંખ્યા અલગ છે.
• પુખ્તોને હાડકાં મજબૂત રાખવા વિટામીન ડી સપ્લિમેન્ટની જરૂર નથીઃ
હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ દાવો કર્યો છે કે મોટી વયના પુખ્ત લોકોમાં હાડકાને મજબૂત રાખવા માટે વિટામીન ડી સપ્લિમેન્ટની જરૂર હોતી નથી. સંશોધકોએ યુનાઈટેડ સ્ટેટ્સમાં પાંચ વર્ષના ગાળા સુધી 26,000 પુખ્ત વ્યક્તિ પર અભ્યાસ કર્યો હતો. અડધા લોકોને હાઈ ડોઝ વિટામીન ડી સપ્લિમેન્ટ અપાયું હતું જ્યારે અડધાને પ્લેસિબો અપાયું હતું. જે લોકોની સરેરાશ વય 67 હતી તેમના પર ધ્યાન રખાયું હતું કે વધારાનું વિટામીન ડી લેવાથી ઓસ્ટિઓપોરોસિસ કે હાડકાં બરડ બનવાની હાલતને અટકાવી શકાય છે કે કેમ. ન્યુ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસીનમાં પ્રસિદ્ધ અભ્યાસ અનુસાર આ બંને જૂથમાં ફ્રેક્ચરની સંખ્યામાં કોઈ તફાવત જણાયો ન હતો. આમ, ઉણપ ન હોય ત્યારે વિટામીનની ગોળીઓ ગળવાની કોઈ જરૂર હોતી નથી તેમ સંશોધનના તારણોમાં જણાવાયું હતું.
• બોરિસને સરકારમાં કોઈ સ્થાન નહિઃ
કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાપદના બે ઉમેદવાર- ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસ અને પૂર્વ ચાન્સેલર રિશિ સુનાકે તેઓ સફળ થાય તો બોરિસ જ્હોન્સનને સરકારમાં કોઈ ભૂમિકા ભજવવા દેવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. ફોરેન સેક્રેટરી ટ્રસે જણાવ્યું હતું કે આટલા મુશ્કેલ સમય પછી જ્હોન્સનને સારા વિરામની આવશ્યકતા છે અને તેઓ તેમની ટોપ ટીમનો કોઈ હિસ્સો બની રહેશે નહિ. બીબીસી પર નેતાપદની ચર્ચા દરમિયાન સુનાકે સુનાકે આ મુદ્દે સ્પષ્ટ નકારમાં ઉત્તર આપતા કહ્યું હતું કે મારો ઉત્તર ના છે. આપણે આ સ્થાનેથી આગળ વધી જવાનું છે અને તેથી જ તેઓ વડા પ્રધાન બનવા ઈચ્છે છે. લિઝ ટ્રસે વડા પ્રધાન તરીકેની કામગીરી માટે જ્હોન્સનને 10માંથી 7 માર્ક આપ્યા હતા. સુનાકે સ્પષ્ટ કર્યું હતું કે બ્રેક્ઝિટની ડિલિવરી અને ઈલેક્શન જીતવામાં તેમના 10માંથી 10 માર્ક મળે. જ્યારે તેઓઔ મહાન હતા ત્યારે તેમની કામગીરી પણ મહાન હતી.
• નાદાર સ્લાઉ કાઉન્સિલ ટેક્સ વધારશેઃ
સ્થાનિક સત્તામંડળ સ્લાઉ કાઉન્સિલે ભારે દેવાંબોજના કારણે એક વર્ષ અગાઉ નાદારી જાહેર કરી હતી. ગવર્મેન્ટ કમિશનરોની ટીમના રિપોર્ટમાં કાઉન્સિલને કાઉન્સિલના મકાનો સહિતની હજારો સંપત્તિઓ વેચી નાણા ઉભાં કરવા જણાવાયું છે. સ્લાઉ કાઉન્સિલ આગામી ત્રણ વર્ષ સુધી વાર્ષિક12થી 20 ટકા સુધી ટેક્સ પણ વધારી શકે છે. લેબર પાર્ટીના સંચાલન હેઠળની સ્લાઉ કાઉન્સિલ હજારો મિલિયન્સ પાઉન્ડનું દેવું ધરાવે છે. એક વર્ષ અગાઉ નાદારી જાહેર કરાયા પછી સરકારી વહીવટદારોએ સંચાલન સંભાળ્યું હતું અને તેની નાણાકીય હાલત વિશે રિપોર્ટ જાહેર કરાયો છે. સ્લાઉ કાઉન્સિલ પાસે 6700 કાઉન્સિલ મકાનો છે અને ઘરનિર્માણ માટે અનેક ડેવલપિંગ સાઈટ્સ પણ છે. જોકે, રિપોર્ટમાં ચેતવણી અપાઈ છે કે માર્ગો અને બગીચાઓ સિવાય મોટા ભાગની સંપત્તિ વેચી નખાય તો પણ દેવું સરભર થશે નહિ અને આગામી 8 વર્ષ સુધી સરકાર પાસેથી નાણાકીય સપોર્ટ મેળવવાની જરૂર પડશે.

