• જ્હોન્સનના જૂઠાણાં દર્શાવતો વીડિયો વાઈરલઃ
વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના પાર્લામેન્ટ સમક્ષ કહેવાતા જૂઠાણાં દર્શાવતો વીડિયો વાઈરલ બન્યો છે અને ૩૦ મિલિયનથી વધુ લોકોએ નિહાળ્યો હોવાનું કહેવાય છે. ગત વર્ષના ઓગસ્ટ મહિનામાં વકીલ પીટર સ્ટેફાનોવિકે બે મિનિટનો વીડિયો અપલોડ કર્યો હતો જેમાં તેમણે જ્હોન્સને વડા પ્રધાન બન્યા પછી કરેલા મોટા દાવાઓની હકીકતો ચકાસી હતી. આ દાવાઓમાં એમિશન્સમાં ઘટાડા, આર્થિક વૃદ્ધિ, નર્સીસના વેતન, હોસ્પિટલ કાર પાર્કિંગ, NHSના ખર્ચ, કોવિડ ૧૯ની ટ્રેક એન્ડ ટ્રેસ એપ તેમજ યુકેમાં ગરીબીનો સમાવેશ થાય છે. એક વર્ષ પછી વીડિયોના ૩૦ મિલિયનથી વધુ વ્યૂ થયા છે અને પાર્લામેન્ટ પ્રોસેસમાં ઉત્તરદાયિત્વનો પ્રશ્ન ઉભો કરાયો છે. બીજી તરફ, બોરિસ જ્હોન્સને દેશ સમક્ષ વારંવાર અસત્ય ઉચ્ચાર્યું હોવાનો આક્ષેપ લગાનારા લેબર પાર્ટીના બ્રેન્ટના સાંસદ ડોન બટલરની હાઉસ ઓફ કોમન્સમાંથી હકાલપટ્ટી કરાઈ હતી.
• લોન્ગ કોવિડથી પીડાતા ૩૦૦૦૦થી વધુ બાળકોઃ
નિષ્ણાતો ૧૨ વર્ષથી વધુ વયના તમામ બાળકો માટે વેક્સિનની તરફેણ કરી રહ્યા છે ત્યારે ૩૦૦૦૦થી વધુ બાળકો લોન્ગ કોવિડથી પીડાતા હોવાનું બહાર આવ્યું છે. યુવા કુશોરોને વેક્સન અપાય તો હર્ડ ઈમ્યુનિટીની શક્યતા વધી શકે છે. સપ્ટેમ્બરથી શાળાઓમાં કોવિડનું સંક્રમણ અટકાવવા બાળકોને વેક્સિન આપવી જરૂરી હોવાનું કહેવાય છે.યુકેમાં અંદાજે ચોથી જુલાઈ સુધીના એક મહિનામાં ૩૪,૦૦૦ (૨-૧૧ વયજૂથના ૧૧,૦૦૦ અને ૧૨-૧૬ વયજૂથના ૨૩,૦૦૦ ) બાળકો નબળાઈ, શ્વાસ લેવામાં તકલીફ સહિત કોવિડના લાંબો સમય ચાલતા લક્ષણો અનુભવી રહ્યા હોવાનું ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના આંકડા કહે છે. આનાથી બાળકોમાં લોન્ગ કોવિડની સ્થિતિ ‘દુર્લભ’ હોવાની ધારણાને પડકાર મળી રહ્યો હોવાનું નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ રિસર્સ- NIHRના વૈજ્ઞાનિક સલાહકાર ડો. ઈલેન મેક્સવેલ કહે છે.
• મેડિકલ અને ડેન્ટલ કોર્સીસમાં વધુ જગ્યાઓઃ
ઈંગ્લેન્ડમાં પરીક્ષાઓ રદ કરાયા પછી મેડિકલ અને ડેન્ટલ કોર્સીસમાં વધુ વિદ્યાર્થીઓ જોડાઈ શકશે. ભારે સંખ્યામાં વિદ્યાર્થીઓ ક્વોલિફાઈડ થવાના કારણે સરકારને ઈંગ્લેન્ડની યુનિવર્સિટીઓમાં મેડિકલ અને ડેન્ટલ કોર્સીસમાં સેંકડો વધુ જગ્યાઓ ઉભી કરવાની ફરજ પડી છે. A- લેવલ ગ્રેડ્સના ઊંચા ઐતિહાસિક પ્રમાણથી યુનિવર્સિટીઓમાં અરજી કરનારાની સંખ્યામાં પણ અભૂતપૂર્વ વધારો થયો છે. ડિપાર્ટમેન્ટ ફોર એજ્યુકેશને મેડિકલ અને ડેન્ટલ સ્કૂલ્સમાં વધારાની બેઠકોની જાહેરાત કરી છે. નર્સિંગ સ્કૂલ્સમાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને સ્વીકારવામાં આવશે. બીજી તરફ, ઉચ્ચ શૈક્ષણિક સૂત્રોએ જણાવ્યા અનુસાર માત્ર ૨૫૦ વધારાની બેઠક ઓફર કરાશે પરંતુ, તેનાથી સેંકડો વિદ્યાર્થીઓની માગ સંતોષાશે નહિ. ૨૦૧૯માં ૮,૩૪૦ બેઠકો ભરાઈ ગઈ હતી અને સરકારે આ વર્ષ માટે વધુ ૪૫૦ બેઠકની જાહેરાત કરી જ દીધી હતી.
• બાળ શરણાર્થીઓને સેક્સ હુમલાનો ભયઃ
હોમ ઓફિસના અધિકારીઓએ બાળ શરણાર્થીઓને કોઈના સાથ વિના હોટેલ્સમાં રખાશે તો તેમના પર સેક્સ હુમલાનો ભય હોવાની ચેતવણી મિનિસ્ટર્સને આપી છે. નાની બોટ્સમાં ઈંગ્લિશ ચેનલ પાર કરીને આવનારામાં બાળ શરણાર્થીઓની સંખ્યા ઘણી વધુ છે. આ બાળકોમાં હતાશા વધુ જણાય છે અને કશું ખોટું થવાની ચિંતા રહે છે. બાળકોમાં આપઘાતના પ્રયાસ, લાપતા થવા કે ભાગી જવાની ઘટનાઓનું ભારે જોખમ રહેલું છે. એક હોટેલે કંટાળેલા બાળકોને પ્રવૃત્તિમય રાખવા ઉપરાંત વધારાના કપડાની માગણી પણ કરી છે.
• ઈમિગ્રેશન નિયમો હળવાં કરવા અનુરોધઃ
દેશભરના સુપરમાર્કેટ્સની અભરાઈઓ ખાલી જણાય છે અને પરિસ્થિતિ વધુ અરાજક બને તેવાં એંધાણ છે ત્યારે સપ્લાય ચેઈનને જાળવી રાખવા વિદેશના લોરી ડ્રાઈવર્સ અને સપ્લાય ચેઈન્સના અન્ય વર્કર્સ માટે ઈમિગ્રેશન નિયમો કામચલાઉ હળવાં કરવા ઉદ્યોગોએ સરકારને અનુરોધ કર્યો છે. યુકેમાં લોરી ડ્રાઈવર્સની ભારે અછત વર્તી રહી છે. લોજિસ્ટિક્સ ગ્રૂપ્સના જણાવ્યા અનુસાર મહામારીના ગાળામાં સંખ્યાબંધ લોકો નિવૃત્ત થયા હતા અથવા નોકરીઓ બદલી નાખી હતી. વિદેશી લોરી ડ્રાઈવરો પણ સરકારના બ્રેક્ઝિટ પછીના ઈમિગ્રેશન નિયમોના કારણે દેશ છોડી ગયા હતા. સપ્લાય ચેઈન ખોરવાઈ ગયા પછી સોશિયલ મીડિયામાં સુપરમાર્કેટ્સની ખાલી અભરાઈઓના ચિત્રો મોટા પ્રમાણમાં દેખાવા લાગ્યા છે. જોકે, અછત માત્ર ડ્રાઈવર્સ પૂરતી નથી. ફ્રેશ પ્રોડ્યુસ કોન્સોર્ટિયમના સર્વે મુજબ તેમના સભ્યોને દરરોજ સરેરાશ ૧૦થી ૨૦ ટકા વર્કર્સ ઓછાં મળે છે.
• લંડનમાં ફરજિયાત માસ્ક માટે કાયદાની માગઃ
મેયર સાદિક ખાનેઅંડરગ્રાઉન્ડ સહિત પબ્લિક ટ્રાન્સપોર્ટમાં માસ્ક નહિ પહેરતા પેસેન્જર્સને દંડ કરી શકાય તે માટે નવા કાયદાની માગણી કરી છે. ઉલ્લેખનીય છે કે ફ્રીડમ ડે પછી માસ્ક પહેરવાની કાનૂની ફરજ પડતી મૂકાઈ છે. ટ્રાન્સપોર્ટ ફોર લંડન માટે માસ્ક પહેરવો કાનૂની જરૂરિયાત નહિ પરંતુ, વાહનમાં બેસવા માટેની શરત હોવાના કારણે તેનો અમલ ન થાય તો દંડ કરવાની જોગવાઈ નથી. પ્રવાસીને પ્રવેશનો ઈનકાર કરાય અથવા સ્થળ છોડી દેવા જણાવી શકાય છે. લોકડાઉન દરમિયાન માસ્ક નહિ પહેરવા બદલ ૨૦૦ પાઉન્ડથી માંડી વારંવાર કાયદો તોડનારા માટે ૬,૪૦૦ પાઉન્ડનો દંડ પણ કરાતો હતો. મેયર ખાન દંડ કરવા માટે નવો પેટાકાયદો લાવવા માગે છે. નવા કાયદાથી માસ્ક પહેરવામાં તબીબ અપવાદરૂપ પ્રવાસીને અસર નહિ થાય. મેયર તમામ પ્રવાસીઓને ફેસ માસ્ક પહેરવાનો અનુરોધ કરે છે જેથી ટ્યૂબ થકી કોવિડને ફેલાતો અટકાવવામાં મદદ મળે.