• NHS સ્ટાફ માટે પેઈડ કોવિડ લીવના નિયમો બદલાતા રોષઃ

Wednesday 13th July 2022 02:49 EDT
 

નવા બે વેરિએન્ટના કારણે દેશમાં કોવિડના કેસીસ વધી રહ્યા છે ત્યારે ઈંગ્લેન્ડમાં કોવિડ સંબંધિત બીમારી સંદર્ભે NHS સ્ટાફને પેઈડ કોવિડ લીવ અપાતી હતી તે હવે નાબૂદ કરી દેવાતા ભારે રોષ ફેલાયો છે. રોયલ કોલેજ ઓફ નર્સિંગે જણાવ્યું હતું કે સરકાર નર્સિંગ સ્ટાફની જરા પણ દરકાર કરતી નથી તે આ નિર્ણય દર્શાવે છે. કોવિડ વર્કફોર્સ ગાઈડન્સની સ્ટાફ ટર્મ્સ એન્ડ કંડિશન્સને 7 જુલાઈથી પાછી ખેંચી લેવાઈ છે. આનો અર્થ એ છે કે બીમારીના નવા સમયગાળા માટે ખાતરીબદ્ધ સિક પેનો તાત્કાલિક અંત આવશે. સેલ્ફ આઈસોલેશનના હેતુસર સ્પેશિયલ રજાની સવલત પણ પાછીં ખેંચાઈ છે. NHS સ્ટાફને તેમની નોકરી કેટલા વર્ષની તે ધ્યાનમાં લીધા વિના જ કોવિડ સંબંધિત બીમારીમાં ગેરહાજરી સંપૂર્ણપણે વેતન સાથેની રહેતી હતી. ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોશિયલ કેર દ્વારા જણાવાયું હતું કે આ ગાઈડન્સ કામચલાઉ હતું અને આ નિયમમાં બદલાવ હવે કોવિડની સાથે જ રહીને જીવન જીવતા શીખવાના હિસ્સારૂપ છે.

• નવી જાહેર ઈમારતોમાં સિંગલ સેક્સ ટોઈલેટ ફરજિયાતઃ

એક સર્વે અનુસાર 10માંથી 4 બ્રિટિશ વર્કર્સ તેમના એમ્પ્લોયર જેન્ડર- ન્યૂટ્રલ ટોઈલેટ્સ દાખલ કરે તેમ ઈચ્છતા નથી. આ સંદર્ભે નવા બંધાનારા તમામ જાહેર બિલ્ડિંગ્સમાં સિંગલ સેક્સ ટોઈલેટ ફરજિયાત બનાવવાની યોજના છે. નવા ઓફિસ બિલ્ડિંગ્સ, સ્કૂલ્સ, હોસ્પિટલ્સ અને ચોક્કસથી વધુ કદના એન્ટરટેઈન્મેન્ટ સ્થળોને આ નવો નિયમ લાગુ પડશે. જાહેર બિલ્ડિંગ્સ કે સ્પેસીસમાં માત્ર જેન્ડર- ન્યૂટ્રલ સવલતો ન રખાય તે માટે આ નિયમ છે. સ્ત્રી અને પુરૂષો માટે એક જ ટોઈલેટ રાખવાથી સ્ત્રીની પ્રાઈવસીનો ભંગ થાય છે તેમજ લાંબી લાઈનનો સામનો કરવો પડે છે. પબ્લિક ટોઈલેટ્સના ઉપયોગ સમયે સ્ત્રીઓની સુરક્ષા અને માનસિક હશવાશનો મુદ્દો પણ ધ્યાનમાં લેવો જરૂરી હોવાનું કેમ્પેઈન ગ્રૂપ્સે જણાવ્યું હતું.

• યુકેમાં ઈયુના નાગરિકોના અધિકાર મુદ્દે પડકારઃ

યુકેમાં બ્રેક્ઝિટ પછી રહેલા ઈયુના નાગરિકોના અધિકારો મુદ્દે હોમ ઓફિસને કાનૂની પડકારનો સામનો કરવો પડશે. ઈન્ડિપેન્ડન્ટ મોનિટરિંગ ઓથોરિટી (IMA)એ હાઈ કોર્ટ સમક્ષ ન્યાયિક સમીક્ષા માટે રજૂઆત કરી છે કે ઈયુના જે નાગરિકોએ રેસિડેન્સી માટે સમયસર અરજી કરી ન હોય તેમના અધિકારો નાબૂદ કરવાના નિયમો જે નાગરિકો બ્રેક્ઝિટ અગાઉ યુકેમાં હતા તેમના અધિકારોની ખાતરી આપતા વિથ્ડ્રોઅલ એગ્રીમેન્ટનો ભંગ કરે છે. હાઈ કોર્ટે સમીક્ષાની પરવાનગી આપી છે. હોમ ઓફિસના નિયમથી યુકેમાં રહેતા 2.5 મિલિયન યુરોપિયન નાગરિકોને અસર થઈ છે. બ્રેક્ઝિટ પહેલા પાંચ કરતાં ઓછાં વર્ષથી યુકેમાં રહેતા ઈયુ નાગરિકો પરમેનન્ટ રેસિડેન્સી સ્ટેટસ માટે સમયસર અરજી ન કરે તો તેમના અધિકારો નાબૂદ કરવાનો નિયમ હોમ ઓફિસે જાહેર કરેલો છે. આ નિયમનો અર્થ એ થાય છે આ નાગરિકો દસ્તાવેજવિહોણા માઈગ્રન્ટ્સ ગણાશે અને યુકેમાં રહેવા, કામ કરવા, પ્રોપર્ટી ભાડે આપવા અથવા NHS સહિતની સેવાઓનો લાભ લેવાનું ગુમાવશે. તેઓ પર દેશનિકાલ થવાની તલવાર પણ તોળાયેલી રહેશે.

• વ્હીસલબ્લોઅર વકીલને ફોરેન ઓફિસ નાણા ચૂકવશેઃ

ઈયુના સૌથી મોટા ફોરેન મિશનમાં શંકાસ્પદ ભ્રષ્ટાચાર વિશે જાહેરાત કર્યા પછી ફોરેન ઓફિસની નોકરી ગુમાવનારા વકીલ મારીઆ બામીએહને ફોરેન ઓફિસ સમાધાન તરીકે 423,000 પાઉન્ડ ચૂકવશે. મારીઆએ આક્ષેપ કર્યો હતો કે ઈયુના ફોરેન મિશનમાં ભ્રષ્ટાચારના પુરાવાની અવગણના કરવા તેને જણાવાયું હતું. મારીઆએ આક્ષેપ કર્યો હતો કે ગત આઠ વર્ષથી ઈયુના રૂલ ઓફ લો મિશન EULEXના અધિકારીઓ અને કોસોવોના શંકાસ્પદ અપરાધીઓ વચ્ચેની સંભવિત સાંઠગાંઠના પર્દાફાશ કરવામાં ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (FCDO) દ્વારા સાથ અપાયો ન હતો અને સરકારી અધિકારીઓ દ્વારા આવી સાંઠગાંઠના પુરાવાની અવગણના કરવા સૂચના અપાઈ હતી. આ પછી મારીઆની નોકરીમાંથી હકાલપટ્ટીકરાઈ હતી. મે અને જૂન મહિનામાં એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલમાં મારીઆના કેસની સુનાવણી થવાની હતી પરંતુ, તે પહેલા જ સમાધાન થયું હતું.

• HGV ટ્રેનિંગ પ્રોવાઈડર દ્વારા છેતરપીંડીઃ

રિકમેન્સવર્થના લોરી ટ્રેનિંગ પ્રોવાઈડર ઉસ્માન કુરેશીને ગ્રાહકો સાથે 63,293 પાઉન્ડની છેતરપીંડી કરવા બદલ હેરો ક્રાઉન કોર્ટે 12 મહિનાની સસ્પેન્ડેડ જેલની સજા અને 28,000 પાઉન્ડનો દંડ ફટકાર્યો છે. હાલ દુબઈમાં રહેતા કુરેશીને પાંચ વર્ષ માટે ડાયરેક્ટર બનવા સામે પ્રતિબંધ લગાવાયો છે. ન્યૂ વેવ ડ્રાઈવિંગ સ્કૂલના નામે ધંધો કરતા 39 વર્ષીય કુરેશીએ હેવી ગુડ્ઝ વ્હીકલ ટ્રેનિંગ મેળવવાની સેવા આપવાના નામે ગ્રાહકોને છેતર્યા હતા. હેરો કાઉન્સિલે જણાવ્યું હતું કે કુરેશીની વેબસાઈટ પર ટ્રેનિંગ પૂર્ણ કરવામાં થોડા મહિના લાગવાનો દાવો કરાયો હતો. જોકે, ગ્રાહક પાસેથી 4,500 પાઉન્ડ લઈ લેવાયા હતા અને ક્રેડિટ એગ્રીમેન્ટ્સ પણ થયા હતા. બ્રેન્ટ એન્ડ હેરો ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ્સ સમક્ષ 23 ફરિયાદ આવી હતી.

• કરમજિત સિંહ રીલની હત્યામાં બેની ધરપકડઃ

હંસલોના 31 વર્ષીય કરમજિત સિંહ રીલની હત્યાના સંદર્ભે વેસ્ટ લંડનના ઈલિંગના 32 અને 23 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરાઈ છે. શનિવાર, 25 જૂને સ્ટેઈન્સ રોડ પરની મૂન અંડર વોટર પબની બહાર કરમજિત સિંહ રીલ પર હુમલો કરાયો હતો અને ચાકુના અસંખ્ય ઘા માર્યા હતા. તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. કરમજિત સિંહ બાથરૂમ ઈન્સ્ટોલેશન સ્પેશિયાલિસ્ટ માટે કામ કરતા હતા. તેમના સાથીઓએ શોકગ્રસ્ત પરિવાર માટે 2000 પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરી હતી.

• સાંસદ ક્રિસ પિન્ચેરે ટોરી વ્હીપ ગુમાવ્યોઃ

લંડનના પિકાડેલી ખાતે પ્રાઈવેટ મેમ્બર્સ ક્લબમાં શરાબના નશામાં બે પુરુષ સાથે અસભ્ય વર્તન કરનારા કન્ઝર્વેટિવ સાંસદ ક્રિસ પિન્ચર પાસેથી ટોરી વ્હીપ ખૂંચવી લેવાયો છે. સાંસદ પિન્ચરે ડેપ્યુટી ચીફ વ્હીપના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. સાંસદ ક્રિસ પિન્ચર સામે ઈન્ડિપેન્ડન્ટ કમ્પ્લેઈન્ટ્સ એન્ડ ગ્રીવન્સ સ્કીમ હેઠળ તપાસ થઈ રહી છે ત્યારે બોરિસ જ્હોન્સને તેમનો વ્હીપ સસ્પેન્ડ કરવા સંમતિ દર્શાવી હતી. તપાસ ચાલી રહી છે તે ગાળામાં પિન્ચર સ્વતંત્ર સાંસદ તરીકે હાઉસ ઓફ કોમન્સમાં બેસી શકશે. પિન્ચરના સ્થાને કેલી ટોલહર્સ્ટની ડેપ્યુટી ચીફ વ્હીપ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

• વોટ્સએપમાં રંગભેદી મેસેજીસ બદલ હકાલપટ્ટીઃ

વોટ્સએપ ગ્રૂપમાં ડચેસ ઓફ સસેક્સ બાબતે રેસિસ્ટ જોક સહિત ટીકાપાત્ર અને ભેદભાવપૂર્ણ મેસેજીસ કરવા બદલ મેટ્રોપોલિટન પોલીસના બે કોન્સ્ટેબલની હકાલપટ્ટી કરવામાં આવી છે. ઈસ્ટ લંડનના બેથનાલ ગ્રીન પોલીસ સ્ટ્શનમાં કામ કરતા PCસુખદેવ જીર અને Pcપોલ હેફોર્ડે 2018માં આ મેસેજીસ ગ્રૂપ ચેટમાં મૂક્યા હતા. ટ્રિબ્યુનલે તેમની વર્તણૂકને સંપૂર્ણ ગેરવર્તન ગણાવ્યું હતું. હવે તેઓ અન્ય કોઈ ફોર્સમાં કામ કરી શકશે નહિ.

• ડોક્ટર્સની સંખ્યા તળિયે પહોંચીઃ

ઈંગ્લેન્ડમાં GPની સંખ્યા સાત વર્ષમાં સૌથી તળિયે પહોંચી છે. Gpની ભરતી વધારવા રાજકારણીઓની હાકલ છતાં ફેમિલી ડોક્ટર્સ મોટા પાયે કામગીરી છોડી રહ્યા હોવાનું NHS દ્વારા જણાવાયું છે. ઈંગ્લેન્ડમાં હાલ સંપૂર્ણ ક્વોલિફાઈડ 27,627 જીપી કામ કરે છે અને ગત વર્ષે તેમની સંખ્યા 28000થી વધુ હતી. વર્ષ 2015ની સરખામણીએ હાલ 2000 જેટલા જીપી ઓછાં છે. મિનિસ્ટર્સ કબૂલ કરે છે કે 2024 સુધીમાં વધુ 6000 ફેમિલી ડોક્ટર્સની ભરતી કરવાનું ટોરી મેનિફેસ્ટોનું વચન પૂર્ણ કરી શકાશે નહિ. લાખો પેશન્ટ્સ માટે ફેમિલી ડોક્ટર્સની મુલાકાત લેવાનું મુશ્કેલ બની રહ્યું છે. કેટલાક જીપી હાલ 2500 પેશન્ટ્સની જવાબદારી સંભાળી રહ્યા છે.

• પ્રાઈવેટ પાર્કિંગ ફર્મ્સ દ્વારા દંડમાં ભારે વધારોઃ

એક વર્ષના ગાળામાં પ્રાઈવેટ પાર્કિંગ ફર્મ્સ દ્વારા વાહનચાલકોને વિક્રમી 8.6 મિલિયન પાર્કિંગ ટિકિટ્સ અપાઈ હતી. ચાર વર્ષમાં ફાઈન્સમાં 50 ટકાની વૃદ્ધિ થઈ હતી. ડ્રાઈવર એન્ડ વ્હીકલ લાઈસન્સિંગ ઓથોરિટી (DVLA)ના આંકડા અનુસાર એપ્રિલ 2021થી માર્ચ 2022ના ગાળામાં દૈનિક સરેરાશ 23000 પાર્કિંગ ટિકિટ્સ અપાતી હતી. જે ચાર વર્ષ અગાઉની સરખામણીએ 50 ટકાથી વધુ છે. વર્ષ 2019-20માં 8.4 મિલિયન, 2018-19 માં 6.8 મિલિયન અને તેના પહેલા 20127-18ના વર્ષમાં 5.7 મિલિયન પાર્કિંગ ટિકિટ્સ અપાઈ હતી. એપ્રિલ 2020થી માર્ચ 2021ના ગાળામાં કોરોના વાઈરસ લોકડાઉન્સના કારણે સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter