હોમ ઓફિસે એસાઈલમ સીકર્સને રાખવા માટે હોટેલ્સનો ઉપયોગ ઘટાડવાની ખાતરી આપવાં છતાં 2021ના અંત સુધીમાં તેમાં ત્રણ ગણો વધારો થયો છે. રેફ્યુજી કાઉન્સિલે જણાવ્યા મુજબ 2021ના અંત સુધીમાં 26,380 એસાઈલમ સીકર્સને હોટેલ્સમાં કામચલાઉ રહેઠાણ અપાયું હતું. આ રહેઠાણ કામચલાઉ ગણાવાતું હોવાં છતાં, 378 લોકોને એક વર્ષથી વધુ અને 2,826લોકોને છ મહિનાથી વધુ સમય હોટેલના રૂમમાં રખાયા હતા. હોમ ઓફિસે એસાઈલમ સીકર્સને રાખવા માટે 2021ના છેલ્લાં ત્રણ મહિનામાં 207 હોટેલ્સનો ઉપયોગ કર્યો હતો જ્યારે 2019ના છેલ્લાં ત્રણ મહિનામાં માત્ર 24 હોટેલ્સનો ઉપયોગ કરાયો હતો. રેફ્યુજી કાઉન્સિલે ફ્રીડમ ઓફ ઈન્ફોર્મેશન અધિકાર હેઠળ હોમ ઓફિસ પાસેથી મેળવેલા ડેટા મુજબ સિંગલ હોટેલ રૂમ્સમાં રખાયેલા પરિવારોની સંખ્યામાં 2021માં લગભગ ત્રણ ગણો અથવા તો 27 ટકાનો વધારો થયો હતો જેમાં બાળકોની સંખ્યા 2,500થી વધુ હતી.
• HMRCમાં નવા 2000 કર્મચારીની ભરતીની યોજનાઃ
રેવન્યુ અને કસ્ટમ વિભાગમાં નાણાકીય વર્ષમાં નવા 2000 કર્મચારીની ભરતીની યોજના મૂકાઈ છે. વધારાના અધિકારીઓનું કામ વિભાગની 41.6બિલિયન પાઉન્ડની દેવાંની સમતુલા ઘટાડવાનું રહેશે. સરકાર સિવિલ સર્વિસના કર્મચારીની સંખ્યામાં 20 ટકા ઘટાડાની દરખાસ્તો ધરાવે છે ત્યારે પરમેનન્ટ સેક્રેટરી જિમ હારા દ્વારા નવી ભરતીની દરખાસ્ત મૂકાઈ છે. કોરોના મહામારીના ગાળામાં વિભાગ દ્વારા બાકી પડતા નાણાની વસૂલાતની કામગીરી લગભગ અટકી પડી હતી. આના પરિણામે, વિભાગ દ્વારા બાકી લેણાં નીકળતા ટેક્સ અને ટેક્સ ક્રેડિટ દેવાં તરીકે કહેવાતી ડેટ બેલેન્સ રકમ ઓગસ્ટ 2020માં વધીને 72બિલિયન પાઉન્ડના આંકડે પહોંચી હતી. આ વર્ષના માર્ચમાં આ રકમ ઘટીને 41.6બિલિયન પાઉન્ડ થઈ છે પરંતુ, મહામારી અગાઉના વર્ષોની સમકક્ષ થવામાં થોડાં વર્ષો લાગી જશે તેમ મનાય છે.
• £1 મિલિયન લોટરી જેકપોટનો કોઈ દાવેદાર નથીઃ
લેસ્ટરશાયરમાંથી ખરીદાયેલી નેશનલ લોટરી ટિકિટને 1 મિલિયન પાઉન્ડનું જેકપોટ ઈનામ લાગ્યું છે પરંતુ, તેનો કોઈ દાવેદાર મળ્યો નથી અને હવે દાવો કરવાનો સમય પણ વીતી ગયો છે. લોટરી કંપની કેમલોટે જાહેરાત કરી છે કે 21 જાન્યુઆરીએ યુરોમિલિયન્સ ડ્રોના ભાગરૂપે યુરોપિયન મિલિયોનેર મેકર કોમ્પિટિશનમાં એક મિલિયન પાઉન્ડનું જેકપોટ ઈનામ લાગ્યું હતું. એ દિવસે કુલ 100 લોકો મિલિયોનેર બની ગયા હતા પરંતુ, લેસ્ટરશાયરમાં હિન્કલી અને બોશવર્થ એરિયામાં કોઈ દુકાનમાંથી ખરીદાયેલી અને જીતાયેલી એક ટિકિટ માટે કોઈ દાવો કરાયો નથી. દાવો કરવા માટે 180 દિવસની સમયમર્યાદા હોય છે. હવે આ ઈનામની રકમનો ઉપયોગ નેશનલ લોટરી દ્વારા દેશભરમાં સપોર્ટ કરાતા પ્રોજેક્ટ્સ માટે કરાશે જેના માટે દર સપ્તાહે નેશનલ લોટરી ફંડમાં 30 મિલિયન પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરાય છે.
• એક જ સેક્સના દંપતીનું બાળકના પેરન્ટ્સ તરીકે રજિસ્ટ્રેશનઃ
સારાહ ઓસ્બોર્ન અને તેની પાર્ટનર હેલન આર્નોલ્ડ તેમના પ્રથમ બાળકના જન્મ સર્ટિફિકેટમાં પેરન્ટ્સ તરીકે રજિસ્ટ્રેશન કરાવી શકે તેવો ચુકાદો હાઈ કોર્ટે આપ્યો છે. 48 વર્ષીય બંને મહિલાના બાળકનો જન્મ 2014માં IVF થકી થયો હતો પરંતુ, કેમ્બ્રીજશાયર કાઉન્સિલે બાળકના બર્થ સર્ટિફ્કેટમાં પેરન્ટના નામમાં ઓસ્બોર્નને ઉમેરવા ઈનકાર કર્યો હતો જેના પરિણામે ઓસ્બોર્ને તેને દત્તક લેવાની ફરજ પડી હતી. હાઈ કોર્ટે એડોપ્શનને ઉલટાવી ઓસ્બોર્નનું નામ પેરન્ટ તરીકે રજિસ્ટ્રેશનમાં ઉમેરવા આદેશ આપ્યો હતો. રજિસ્ટ્રારે આગ્રહ રાખ્યો હતો કે એક જ સ્ત્રીનું નામ માતા તરીકે મૂકી શકાય અને બાળક છ મહિનાનું થાય તે પછી ઓસ્બોર્ને સ્ટેપ-પેરન્ટ તરીકે અરજી કરવી જોઈએ. જોકે, કાયદા અનુસાર એક જ જાતિના સ્ત્રી દંપતી IVF થકી બાળક મેળવે અને બંનેએ પેરન્ટ ગણાવવા સંમતિ દર્શાવી હોય તો બાળકના બર્થ સર્ટિફિકેટ પર બંનેના નામ લખાવા જોઈએ. જોકે, દંપતીને 2018માં બીજું બાળક થયાં પછી રજિસ્ટ્રારને પોતાની ભૂલ સમજાઈ હતી.
• આલોક શર્મા નેટ ઝીરો મુદ્દે રાજીનામું આપવા તૈયારઃ
ગયા વર્ષે ગ્લાસગોમાં Cop26 ક્લાઈમેટ ચેન્જ શિખર પરિષદને સફળતા અપાવનારા પ્રેસિડેન્ટ આલોક શર્માએ સ્પષ્ટ કર્યું છે કે જો નવા વડા પ્રધાન નેટ ઝીરો મુદ્દે સંપૂર્ણ પ્રતિબદ્ધ નહિ જણાય તો તેઓ કેબિનેટમાંથી રાજીનામું આપી શકે છે. શર્માએ વડા પ્રધાનપદના ઉમેદવારોને નેટ ઝીરો એજન્ડા અને ગ્રીન વિકાસ મુદ્દે સક્રિય સમર્થન જાહેર કરવા અનુરોધ કર્યો હતો. અગાઉ,નેતાપદના એક ઉમેદવાર કેમી બેડનોકે 2050 સુધીમાં નેટ ઝીરો એમિશનના યુકેના લક્ષ્યાંકને સપોર્ટ નહિ કરતા હોવાનું જાહેર કર્યું હતુ. અન્ય ઉમેદવારોએ આ નીતિ પ્રત્યે ખાસ ઉત્સાહ દર્શાવ્યો ન હતો. ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસે નેટ ઝીરો લક્ષ્ય હાંસલ કરવાના વધુ સારા માર્ગ હોવાનું જણાવી ડોમેસ્ટિક એનર્જી બિલ્સ પરની ગ્રીન લેવી પર કામચલાઉ પ્રતિબંધ લાદવા જણાવ્યું હતું.
• ગ્રીનસિલની લોન ગેરન્ટીઝ પાછી ખેંચાઈઃ
યુકે સરકારે મેડલ મેગ્નેટ સંજીવ ગુપ્તા સાથે સંકળાયેલી કંપનીઓને ગ્રીનસિલ કેપિટલ દ્વારા અપાયેલી 400 મિલિયન પાઉન્ડની લોન્સ પરની ગેરન્ટીઝ પાછી ખેંચી લીધી છે. ગુપ્તાના બિઝનેસ શંકાસ્પદ ફ્રોડ અને મની લોન્ડરિંગ બાબતે ક્રિમિનલ તપાસ હેછળ છે અને જર્મનીમાં ભારે ખોટ સહન કરવાની હાલતમાં છે. યુકેની ઈમર્જન્સી કોરોનાવાઈરસ ધીરાણ યોજનાઓ ચલાવનાર સરકારી ધીરાણકાર બ્રિટિશ બિઝનેસ બેન્કે મોટા બિઝનેસીસને આપેલી લોન્સમાં ગ્રીનસિલને અપાયેલી લોન ગેરન્ટીઝ પાછી લેવાની જાહેરાત કરી છે. ગ્રીનસિલના સલાહકાર તરીકે લાખો પાઉન્ડ્સ કમાનાર યુકેના પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરન ગ્રીનસિલના લોબિઈંગ મુદ્દે વિવાદમાં આવ્યા હતા. ગ્રીનસિલે 2020માં કોરોનાવાઈરસ લાર્જ બિઝનેસ ઈન્ટરપ્શન લોન સ્કીમ (CLBILS) હેઠળ 400 મિલિયન પાઉન્ડનું ધીરાણ કર્યું હતું. જે કંપનીઓને આ લોન્સ અપાઈ હતી તે ગુપ્તાની માલિકીની હતી કે તેની સાથે સંકળાયેલી હતી.
• વોલસાલ હોસ્પિટલની એશિયનવિરોધી નર્સે નોકરી ગુમાવીઃ
ઈંગ્લેન્ડમાં બુરખાઓ પર પ્રતિબંધ ઈચ્છતી તેમજ એસિડ એટેક્સ માટે એશિયનોને દોષિત ઠરાવતી વોલસાલની ‘રેસિસ્ટ’ કોમ્યુનિટી સાઈકીઆટ્રિસ્ટ NHS નર્સ સારાહ હ્યુસ્ટનને નોકરીમાંથી દૂર કરાઈ છે. હ્યુસ્ટનના સાથી કર્મચારીઓએ તેની ‘ઓફેન્સિવ’ ટીપ્પણીઓ વિશે રિયાદ કરી હતી. સારાહે આ દેશમાં ઘણા પોલીશ લોકો રહે છે અને તેમને પાછા મોકલી દેવા જોઈએ, પૂર્વ યુરોપિયનો બિનિફિટ્સ સિસ્ટમનો ગેરલાભ લે છે તેમજ એશિયન પુરુષો ગ્રૂમિંગ માટે જવાબદાર છે અને તેઓ બધા પોતાના કઝિન્સને પરણે છે સહિતની ઘણી રિમાર્ક્સ કરી હતી. નર્સિંગ એન્ડ મિડવાઈફરી કાઉન્સિલના પેનલ રિપોર્ટમાં જણાવાયું હતું કે નર્સિંગ પ્રોફેશનમાં રેસિઝમને કોઈ સ્થાન નથી. પેનલને નર્સ સારાહની વર્તણૂંક ગેરવર્તન સમાન લાગી હતી.

