• યુકેમાં 50,000 યુક્રેની નિર્વાસિતો બેઘર બની જશેઃ

Tuesday 30th August 2022 14:56 EDT
 

હોમ્સ ફોર યુક્રેન યોજનાના સ્પોન્સર્સ માટે કોઈ નવું સપોર્ટ પેકેજ ઓફર કરાયું નથી. છ મહિનાના પ્લેસમેન્ટ માટેનું પ્રથમ જૂથ હવે અંત તરફ આગળ વધી રહ્યું છે. આના પરિણામે આગામી વર્ષે યુકેમાં 50,000 યુક્રેની નિર્વાસિતો બેઘર બની જવાની આશંકા છે. જોકે, મિનિસ્ટર્સ આ કટોકટી તરફ કોઈ ધ્યાન આપી રહ્યા નથી. રશિયા સાથે યુદ્ધનો અંત અને જીવનનિર્વાહ કટોકટીનો અંત નજર સામે દેખાતો નથી. માર્ચ મહિનામાં હોમ્સ ફોર યુક્રેન યોજના શરૂ કરાયા પછી કુલ 83,900 નિર્વાસિત આવી પહોંચ્યા છે. નિર્વાસિતોને પોતાના ઘરમાં 6 મહિના રાખવા તૈયાર થનારા સ્પોન્સર્સને માસિક 350 પાઉન્ડ ચુકવાતા હતા. ફેબ્રુઆરીમાં યુદ્ધ શરૂ થયા પછી બાળકો સાથેના 945 પરિવારો સહિત1,335 યુક્રેની પરિવારો બેઘર તરીકે નોંધાયેલા છે. આગામી મહિનાથી તેમા વધારો થશે. શિયાળા સુધીમાં 15,000થી 21,000 યુક્રેનીઓ ઘરવિહોણાં બની જશે અને આગામી વર્ષના મધ્ય સુધીમાં સંખ્યા વધીને 50,000ને વટાવી જશે.

• ફ્રાન્સે યુકે પાસે વધુ €110 મિલિયન માગ્યાઃ

ઈંગ્લિશ ચેનલ થકી ગેરકાયદે માઈગ્રન્ટ્સની અવરજવર વધી રહી છે ત્યારે ફ્રાન્સે ચેનલ માઈગ્રન્ટ પેટ્રોલ્સ માટે યુકે પાસેથી વધારાના 110 મિલિયન યુરોની માગણી કરી છે. યુકેએ ગત ચાર વર્ષમાં ચેનલના કાંઠાવિસ્તારોમાં પાર્ટ-ટાઈમ પોલિસીંગ, કેલે પોર્ટની આસપાસ ફેન્સિંગ તેમજ સીસીટીવી અને નાઈટ વિઝન કેમેરાઝ માટે ફ્રાન્સને 100 મિલિયન યુરોથી વધુ રકમ ચૂકવી છે. જોકે, ફ્રાન્સના સત્તાવાળાના કહેવા અનુસાર લોકોની તસ્કરીની કામગીરી વધી રહી છે તેને જોતાં વધુ નાણા જરૂરી છે. સ્મગલર્સ દ્વારા ઉપયોગમાં લેવાતા 160 કિલોમાીટરની કોસ્ટલાઈન પર દેખરેખ રાખવાના સ્રોતોની તંગી છે. ચેનલ ઈમિગ્રેશન મુદ્દે નવા કરારની બ્રિટન-ફ્રાન્સની વાટાઘાટો હાલ અટકી પડી છે જેમાં યુકેમાં વડા પ્રધાન બદલાવાનું કારણ પણ છે.

• પૂર્વ બ્રિટિશ રાજદૂતની મ્યાંમારમાં ધરપકડઃ

મ્યાંમારમાં પૂર્વ બ્રિટિશ એમ્બેસેડર મિસ વિકી બાઉમેનની ઈમિગ્રેશન કાયદાના ઉલ્લંઘનના આરોપસર ધરપકડ કરાઈ છે. લશ્કરી સરકારે જણાવ્યું છે કે 2002-2006ના ગાળામાં બ્રિટિશ રાજદૂત રહેલાં મિસ બાઉમેને તેમનું બદલાયેલું સરનામું રજિસ્ટર કરાવ્યું ન હતું. મિસ બાઉમેન હાલ મ્યાંમારમાં બિઝનેસ એથિક્સ એડવાઈઝરી ગ્રૂપના વડા છે. ગયા વર્ષે મિસ બાઉમેન અને તેમના પતિએ રજિસ્ટર્ડ સરનામાએથી સ્થળાંતર કર્યા પછી નવા સરનામાની જાણ સત્તાવાળાને કરી ન હતી. તેમણે મ્યાંમારમાં બિઝનેસ કરવા માટે વિઝાની માગણી કરી હતી પરંતુ, વિદેશીઓ સંબંધિત નિયમોનો અમલ કર્યો ન હોવાથી વિઝા નિયમોના ભંગ બદલ ધરપકડ થઈ હતી. સત્તાવાર નિવાસના પરમિટ કાર્ડ પર સરનામું બદલવામાં નિષ્ફળતા માટે તેમને 6 મહિનાથી 5 વર્ષ સુધીની સજા થઈ શકે છે. મિસ બાઉમેને 1990-93નામ ગાળામાં પણ બ્રિટિશ એમ્બેસીના સેકન્ડ સેક્રેટરી તરીકે કામગીરી બજાવી હતી.

• ગેમિંગ જાયન્ટ પ્લેસ્ટેશન સામે £5 બિલિયનનો દાવોઃ

સોની પ્લેસ્ટેશનના લાખો ગ્રાહકો ડિજિટલ ગેઈમ કંપની વિરુદ્ધ 5 બિલિયન પાઉન્ડના સામૂહિક દાવામાં હિસ્સો મેળવી શકે છે. પ્લેસ્ટેશન ડિજિટલ ગેઈમ્સ અને ઈન-ગેઈમ ખરીદીમાં વધુપડતી કિંમત વસૂલી ગ્રાહકોને બરબાદ કરે છે તેવો દાવો કોમ્પિટિશન અપીલ ટ્રિબ્યુનલ સમક્ષ કરાયો છે. ગ્રાહક અધિકારોના હિમાયતી એલેક્સ નેઈલ દ્વારા કરાયેલા સામૂહિક દાવામાં આક્ષેપ કરાયો છે કે સોની તેનમા બજાર પ્રભુત્વનો ગેરલાભ લઈ ગેઈમ ડેવલપર્સ અને પબ્લિશર્સ પર ગેરવાજબી શરતો લાદે છે તેમજ ઓનલાઈન પ્લેસ્ટેશન સ્ટોર પરથી ખરીદાતી દરેક ડિજિટલ ગેઈમ્સ અને ઈન-ગેઈમ માટે 30 ટકાનું કમિશન વસૂલે છે જેનાથી ગ્રાહકોએ વધુ કિંમતો ચૂકવવી પડે છે. ગ્રાહકો પાસેથી છ વર્ષના ગાળામાં 5 બિલિયન પાઉન્ડથી વધુ રકમ વસુલાઈ હોવાનો આક્ષેપ પણ કરાયો છે.

• સેંકડો આફ્ટર-સ્કૂલ ક્લબ્સ બંધ થવાનું જોખમઃ

મહામારી, જીવનનિર્વાહ કટોકટી અને સ્ટાફની તંગીથી ‘રેપઅરાઉન્ડ’ કેર સેક્ટર ભારે મુશ્કેલીમાં છે. ગયા વર્ષે આશરે 700 બ્રેકફાસ્ટ અને આફ્ટર-સ્કૂલ ક્લબ્સ કરવાની ફરજ પડી હતી અને વધુ સેંકડો ક્લબ્સ બંધ થવાનું જોખમ ધરાવે છે. સમગ્ર દેશમાં સ્ટાફની તંગી તેમજ એનર્જી, ભાડાં અને ફૂડલ્સની વધી રહેલી કિંમતોના કારણે બાળકોની શાળાઓ બંધ થઈ રહી છે અથવા તેમના કલાકો ઘટ્યા છે. આશરે 40 ટકા પેરન્ટ્સ શાળાના સમય પછી ‘રેપઅરાઉન્ડ’ કેર પર આધાર રાખે છે પરંતુ, આ સેક્ટર પણ મુશ્કેલીમાં આવી પડ્યું છે. ખર્ચા વધવાનો અર્થ એ છે કે પેરન્ટ્સે આ ક્લબ્સમાં બાળકોને રાખવા વધુ ચૂકવણી કરવી પડશે અથવા સંભાળની સુવિધા ગુમાવવી પડશે.

• સરકારે £3.25બિલિયન કન્સલ્ટન્સી ફી ચૂકવીઃ

સરકારે કન્સલ્ટન્સી ફી પાછળ મોટા પાયે કરદાતાના નાણા વેડફી નાખ્યાનો આક્ષેપ કરાયો છે. સરકારે 2016-2017ના ગાળામાં 447 મિલિયન પાઉન્ડથી માંડી 2020-21માં 911 મિલિયન પાઉન્ડની કન્સલ્ટન્સી ફી ચૂકવેલી છે. પાંચ વર્ષના ગાળામાં સરકારના વિવિધ ડિપાર્ટમેન્ટ્સે 3.25બિલિયન પાઉન્ડની ધરખમ કન્સલ્ટન્સી ફી ચૂકવી છે. સૌથી વધારે ફી ટ્રેઝરી (759 મિલિયન પાઉન્ડ) તેમજ ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ, એનર્જી એન્ડ ઈન્ડસ્ટ્રિયલ સ્ટ્રેટેજી (730 મિલિયન પાઉન્ડ) દ્વારા ચૂકવાઈ છે. દર વર્ષે ચૂકવાતી કન્સલ્ટન્સી ફી વધતી જ રહે છે. આ પછી ડિફેન્સ મિનિસ્ટ્રીએ 435 મિલિયન પાઉન્ડથી વધુ ફી ચૂકવેલી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter