• બીબીસી દ્વારા ડાયેનાની ચેરિટીઝને ડોનેશનઃ

Wednesday 07th September 2022 06:09 EDT
 

બીબીસીના ડાયેના પેનોરમાના માર્ટિન બશીરના વિવાદાસ્પદ ઈન્ટરવ્યૂમાંથી મળેલી આવકમાંથી 1.4 મિલિયન પાઉન્ડથી વધુ રકમ પ્રિન્સેસ ઓફ વેલ્સ ડાયેના દ્વારા સપોર્ટ કરાયેલી અલગ અલગ ચેરિટીને દાનમાં આપવામાં આવી છે. બીબીસીએ જણાવ્યું છે કે 1995ના ઈન્ટરવ્યૂના કોમર્શિયલ્સમાંથી મળેલી આવક લેપ્રસી મિશન, નેશનલ એઈડ્ઝ ટ્રસ્ટ અને ડાયેના એવોર્ડ્સ સહિત સાત ચેરિટીઝ વચ્ચે વહેંચાશે. આ દાન બીબીસીને મળતી લાઈસન્સ ફીમાંથી નહિ હોય. ઓગસ્ટ 1997ના અકસ્માતમાં પ્રિન્સેસનાં મૃત્યુ પછી ગયા વર્ષે બીબીસીએ ‘ગિલ્ટ મની’ તરીકે ઓળખાયેલી આવકને ડોનેશનમાં આપવાની જાહેરાત કરી હતી.

• લંડન ટ્રાન્સપોર્ટને £1.16 બિલિયનની વધુ સહાયઃ

બ્રિટિશ સરકાર ટ્રાન્સપોર્ટ ફોર લંડન (TfL)ને માર્ચ 2024ના અંત સુધીમાં ટ્યૂબ્સ અને બસીસ સહિત લંડન ટ્રાન્સપોર્ટને વધુ 1.16 બિલિયન પાઉન્ડ (1.35 બિલિયન ડોલર)ની નાણાસહાય આપવા સંમત થઈ છે. આ ફંડિંગ પેકેજ TfLને ગત બેઈલઆઉટના બદલામાં રહેશે જે 2020ની કોવિડ મહામારીની શરૂઆત પછી ચોથી સહાય હતી. ટ્રાન્સપોર્ટ ફોર લંડનના પ્રવક્તાએ જણાવ્યું છે કે 2024ના અંત સુધીમાં તે નાણાકીય રીતે સક્ષમ બની જવાની ધારણા રાખે છે.

• અસ્ડા 132 કો-ઓપ સુપરમાર્કેટ્સ હસ્તગત કરશેઃ

સુપરમાર્કેટ જાયન્ટ અસ્ડાએ સમગ્ર રાષ્ટ્રમાં 132 કન્વિનીઅન્સ સ્ટોર્સ હસ્તગત કરવા The Co-op સાથે 600 મિલિયન પાઉન્ડનો સોદો કર્યો છે. સ્ટોર્સની સંપૂર્ણ યાદી જાહેર કરાઈ નથી પરંતુ, લેસ્ટરશાયરના કેટલાક સ્ટોર્સનો સમાવેશ કરાયો હોવાનું જણાવાય છે. આ સોદામાં 438 મિલિયન પાઉન્ડની કેશ વેલ્યુ તેમજ આશરે 162 મિલિયન પાઉન્ડની લીઝ જવાબદારીઓનો સમાવેશ થાય છે. આ કો-ઓપ સ્ટોર્સમાં કામ કરતા આશરે 2,300 કર્મચારીની રોજગારી અસ્ડા ખાતે ટ્રાન્સફર થઈ જશે. ઉલ્લેખનીય છે કે અસ્ડાના માલિકો મૂળ ભારતીય મોહસીન ઈસા અને ઝૂબેર ઈસા છે.

• પાઈપ નેટવર્ક બદલવા 2000 વર્ષ લાગી જશેઃ

ઈંગ્લેન્ડમાં વોટર પાઈપ નેટવર્ક્સ જરીપુરાણું થઈ રહ્યું છે ત્યારે લીક થયેલા ડેટા મુજબ ઈંગ્લેન્ડની પાઈપ કંપનીઓને વર્તમાન કામગીરીના ધોરણે પાઈપ નેટવર્ક બદલવામાં 2000 વર્ષ લાગી જશે. એન્ગલિંગ ટ્રસ્ટ દ્વારા વોટર યુકે 2021ના ડેટાના વિશ્લેષણમાં જણાયું છે કે વોટર કંપનીઓ સરેરાશ દર વર્ષે તેમની પાઈપ નેટવર્ક્સના 0.05 ટકા પાઈપ જ બદલે છે. સધર્ન વોટર અને સેવર્ન ટ્રેન્ટનું કામ ધીમું છે જેઓ સરેરાશ પાઈપ નેટવર્ક્સના 0.03 ટકા પાઈપ જ બદલે છે જ્યારે નોર્થમ્બ્રીઅન અને સાઉથ વેસ્ટ વોટર તેમની નેટવર્ક્સના 0.02 ટકા પાઈપ જ બદલે છે. યુરોપીય દેશોની સરેરાશ દર્શાવે છે કે ત્યાંની કંપનીઓ વર્ષે સરેરાશ 0.5 ટકા પાઈપ્સ બદલે છે જેના પરિણામે પાઈપ્સની અપેક્ષિત લાઈફ 200 વર્ષની રહે છે. જમીનની સ્થિતિ અને અન્ય પરિબળોને ધ્યાનમાં લેતાં આધુનિક પીવીસી પાઈપનું આયુષ્ય 50થી 100 વર્ષની વચ્ચે રહે છે.

• ક્રેડિટ કાર્ડ્સના સૌથી ઊંચા વ્યાજદરઃ

યુએસએમાં ક્રેડિટ કાર્ડના સરેરાશ વ્યાજદર હાલ 17.96 ટકાએ પહોંચી ગયા છે અને હજુ ઊંચા જવાની શક્યતા છે. આ વ્યાજદર 1996 પછી સૌથી ઊંચા છે. ગયા વર્ષે આ વ્યાજદર 16.21 ટકા હતા. ફૂગાવાને ડામવા માટે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજમાં કરાતા આક્રમક વધારાનું આ પરિણામ છે. બીજી તરફ, ફૂગાવાના કારણે ઊંચી કિંમતોના પરિણામે ગ્રાહકો વધુ પ્રમાણમાં ક્રેડિટ કાર્ડના આશરે જતા જણાય છે. માસ્ટરકાર્ડ ઈન્ક.ના જણાવ્યા મુજબ યુએસ ગ્રાહકો દ્વારા ક્રેડિટ કાર્ડ્સથી ખરીદીમાં 25 ટકાનો વધારો જોવાયો છે. બેન્ક ઓફ અમેરિકાના અભ્યાસ મુજબ વાર્ષિક 20,000 ડોરલથી ઓછી આવક ધરાવતા પરિવારોમાં જુલાઈ મહિનામાં ક્રેડિટ કાર્ડ્સના ઉપયોગમાં નોંધપાત્ર વધારો થયો હતો.

• કાર્નિવલની સફાઈમાં 3.5 ટન લાફિંગ ગેસ કેનિસ્ટરઃ

નોટિંગ હિલ કાર્નિવલની સફાઈ કામગીરી દરમિયાન 3.5 ટન લાફિંગ ગેસ કેનિસ્ટર એકત્ર કરવામાં આવ્યા છે અને જથ્થો વધીને 5 ટન સુધી પહોંચી જવાની ગણતરી છે. આટલી મોટી સંખ્યામાં કેનિસ્ટરનો કચરો સફાઈ કામદારો માટે શિરદર્દ બની રહ્યો છે અને સમગ્ર સફાઈ કામગીરીમાં વિલંબ થયો છે. સલામતીના કારણોસર નાઈટ્રસ ઓક્સાઈડના કેનિ્સ્ટર્સને અન્ય સામાન્ય કચરાથી અલગ પાડવાનું કામ મુશ્કેલ બન્યું છે.

• સાદિકના હાથે ક્રેસિડા ડિકની હકાલપટ્ટી અયોગ્યઃ

લંડનના મેયર સાદિક ખાન દ્વારા મેટ્રોપોલિટન કમિશનર ક્રેસિડા ડિકની હકાલપટ્ટી કરાવામાં ‘યોગ્ય પ્રક્રિયા’ અનુસરાઈ ન હોવાનું સત્તાવાર રિપોર્ટમાં જણાવાયું છે. મેયર ખાને બચાવમાં કહ્યું છે કે કમિશનરની હકાલપટ્ટી મુદ્દે રિપોર્ટ સ્પષ્ટપણે પક્ષપાતી અને હકીકતોની અવગણના કરનારો છે. પૂર્વ પોલીસ વોચડોગ સર થોમસ વિન્સરે જણાવ્યું હતું કે શ્રેણીબદ્ધ કૌભાંડોના પગલે ડેમ ક્રેસિડાને સપોર્ટ ખેંચી લેવામાં મેયર સાદિક ખાને યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યું ન હતું તેમજ લેજિસ્લેટિવ સ્કીમને સુસંગત વ્યવહાર કર્યો ન હતો. ખાન કમિશનરની વ્યક્તિ તરીકે અને ઉચ્ચ પદાધિકારી તરીકેની ગરિમા જાળવવામાં નિષ્ફળ રહ્યા હતા. ડેમ ક્રેસિડાની કામગીરીથી સંતુષ્ટ ન હોવાનું મેયરે જાહેર કર્યા પછી મેટ કમિશનરે હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું.

• કોવિડ બાઉન્સ બેક લોન્સમાં £1.1 બિલિયન શંકાસ્પદ ફ્રોડઃ

કોવિડ મહામારીના ગાળામાં ઈમર્જન્સી ધીરાણ યોજના તરીકે અપાયેલી સ્મોલ બિઝનેસ લોનમાંથી આશરે 1.1 બિલિયન પાઉન્ડ (1.27 બિલિયન ડોલર)ની રકમને સરકારે શંકાસ્પદ ફ્રોડ તરીકે વર્ગીકૃત કરી લીધી છે. બ્રિટિશ બેન્કોએ મે 2020થી સરકારની ગેરન્ટી હેઠળ કુલ 47 બિલિયન પાઉન્ડની લોન્સ કોવિડ લોકડાઉન્સથી ઘેરાયેલા સ્મોલ બિઝનેસીસને પૂરી પાડી હતી. હાલના ડેટા મુજબ 1.1 બિલિયન પાઉન્ડની લોન રકમ શંકાસ્પદ ગણાઈ છે. જોકે, સરકારના માનવા મુજબ બાઉન્સ બેક લોન્સમાં ફ્રોડ કુલ ધીરાણના 7.5 ટકા અથવા 3.3 બિલિયન પાઉન્ડના આંકડે પહોંચી જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter