• સંક્ષિપ્ત સમાચાર (યુકે -૧)

Wednesday 24th November 2021 08:24 EST
 

ચીનના માલસામાનના બહિષ્કારની હાકલઃ

ઈસ્ટ વોર્ધિંગ એન્ડ શોરહામના ટોરી સાંસદ ટિમ લાઉટને ચીન દ્વારા તેના ઉઈઘૂર મુસ્લિમો સાથેના વર્તનની સજા કરવા તમામ બ્રિટિશરોને ચીનના માલસામાનના બહિષ્કારની હાકલ કરી છે. GB ન્યૂઝ સાથે વાતચીત કરતા સાંસદે ચીન સાથેના તમામ સંબંધો તોડી નાખવાનું પણ સૂચન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ચીન સાથે ભવિષ્યમાં કામ કરવા મુદ્દે શરતો પણ રાખવી જોઈએ. નરસંહાર માટે દોષી સરકારો સાથે આપણે વેપારસોદા કરી શકીએ નહિ. ચીનના શિનજિઆંગ પ્રાંત સાથે વેપાર કરવામાં સરકારે કેટલાક નિયંત્રણો લાદ્યા છે પરંતુ તે પૂરતાં નથી. આ પ્રાંતમાં વસતા ઉઈઘૂર મુસ્લિમો પાસે ગુલામી કરાવી ઉત્પાદન કરાવાતું હોવાની શંકા પણ તેમણે વ્યક્ત કરી હતી.

સંજીવ ગુપ્તાને સ્કોટિશ સરકારની ગેરંટીઃ

મેટલ મેગ્નેટ સંજીવ ગુપ્તાના બિઝનેસને સ્કોટિશ સરકારે કરદાતાઓના ૫૮૬ મિલિયન પાઉન્ડની ગેરન્ટી પૂરી પાડી હોવાનું ફ્રીડમ ઓફ ઈન્ફોર્મેશન એક્ટ હેઠળની માહિતી આપવાની ફરજ પડી હતી. ગુપ્તાની GFG Alliance કંપનીએ ૨૦૧૬માં ફોર્ટ વિલિયમ નજીક લોચાબેરમાં એલ્યુમિનિયમ સ્મેલ્ટર અને તેની પાસેના બે હાઈડ્રોપાવર પ્લાન્ટ્સ રીઓ મટિન્ટો પાસેથી ખરીદ્યા ત્યારે આ ગેરન્ટી અપાઈ હતી. ગુપ્તાની કંપની તેમના પિતાની માલિકીના અન્ય બિઝનેસ પાસેથી ૨૫ વર્ષ સુધી વીજળી ખરીદે તેવી ગેરન્ટીનો કરાર સ્કોટિશ સરકાર સાથે કરવામાં આવ્યો હતો.

ગેસની કિંમતમાં એક દિવસમાં ૧૭ ટકા ઉછાળોઃ

યુરોપમાં ગેસનો સપ્લાય વધારે તેવી પાઈપલાઈનને મંજૂરી આપવાનું જર્મનીએ મુલતવી રાખવા સાથે બ્રિટનમાં ગેસની કિંમતોમાં એક જ દિવસમાં ૧૭ ટકાનો ઉછાળો આવ્યો હતો. શિયાળામાં એનર્જી કટોકટી સર્જાવાના ભય ઉપરાંત, નોર્ડ સ્ટ્રીમ-૨ પાઈપલાઈન અટકાવી દેવાય તો રશિયા અન્ય માર્ગો દ્વારા ગેસ પુરવઠો વધારશે નહિ તેવી પણ ચિંતા છે. બ્રિટને નોર્ડ સ્ટ્રીમ-૨ પાઈપલાઈન સામે પોતાનો વિરોધ દર્શાવ્યો છે. ગેસની કિંમતો વધવાથી કસ્ટમર્સને ઊંચા ભાવ આપવા પડે છે અને બિઝનેસીસ પર દબાણ આવે છે. યુકેમાં વધુ બે એનર્જી સપ્લાયર્સે કામગીરી બંધ કરવી પડી છે.

ચાઈલ્ડ મેઈન્ટેનન્સ નહિ ચુકવાતા બિલિયન્સની માંડવાળઃ

ત્રણ વર્ષમાં ચાઈલ્ડ મેઈન્ટેનન્સ એરિયર્સ બમણું થવા સાથે સરકારે સિંગલ પેરન્ટ્સ માટે એકત્ર કરવાના થતા ફંડના બે બિલિયન પાઉન્ડની માંડવાળ કરી છે. હાઉસ ઓફ કોમન્સ લાઈબ્રેરીના આંકડા અનુસાર જૂન મહિનામાં ચાઈલ્ડ મેઈન્ટેનન્સ સર્વિસ દ્વારા પ્રોસેસ કરાયેલા નહિ ચુકવાયેલા ચાઈલ્ડ સપોર્ટની રકમ ૪૨૧.૫ મિલિયન પાઉન્ડની થઈ હતી જે ૨૦૧૮ની સરખામણીએ ૯૨ ટકા વધુ હતી. હાલની ચાઈલ્ડ સપોર્ટ એજન્સી પહેલાની સંસ્થાએ ૨૦૧૮ પછી એરિયર્સના બે બિલિયન પાઉન્ડથી વધુ રકમની માંડવાળ કરી હતી.

સારવાર માટે રાહ જોતા લોંગ કોવિડ દર્દીઓઃ

દર મહિને લોંગ કોવિડથી પીડાતા આશરે ૫૦૦૦ દર્દીઓને સારવાર માટે સ્પેશિયાલિસ્ટ ક્લિનિકમાં રીફર કરવામાં આવે છે જેમાંથી ત્રીજા ભાગનાએ પોતાની પ્રથમ એપોઈન્ટમેન્ટ માટે ઓછામાં ઓછાં ૧૫ સપ્તાહ રાહ જોવી પડે છે. ગયા વર્ષે NHS દ્વારા ઈંગ્લેન્ડમાં સ્પેશિયાલિસ્ટ લોંગ કોવિડ ક્લિનિક્સ ખોલવામાં આવ્યા હતા. ONS ના અંદાજ અનુસાર યુકેમાં ૧.૨ મિલિયન લોકો લોંગ કોવિડથી પીડાય છે જેમાંથી એક મિલિયન દર્દી ઈંગ્લેન્ડમાં છે. લોંગ કોવિડના દર્દી ઓછામાં ઓછાં ૧૨ મસપ્તાહ સુધી કોવિડના લક્ષણો ધરાવતા હોય છે.

નમાઝ પછી મુસ્લિમ છોકરીઓ પર હુમલોઃ

ગંભીર હેટ ક્રાઈમમાં ચાર મહિલાના જૂથે બે મુસ્લિમ છેકરીઓ પર હુમલો કરી તેમના હિજાબ ફાડી નાખવા પ્રયાસ કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ ઘટના ૧૪ ઓક્ટોબરની સાંજે થઈ હતી. ૧૩ અને ૧૪ વર્ષની બે મુસ્લિમ છોકરીઓ શેફિલ્ડની મસ્જિદમાંથી સાંજે બહાર નીકળી રહી હતી ત્યારે ચાર અજાણી મહિલાએ તેમના પર હુમલો કરી તેમના પરંપરાગત મુસ્લિમ ડ્રેસ અને હિજાબ પકડી કાઢવાની કોસિસ કરી હતી.

૫૦ ફર્મ્સને ફાસ્ટ ટ્રેક ઈક્વિપમેન્ટ કોન્ટ્રાક્ટ્સઃ

કોવિડ-૧૯ મહામારી ફાટી નીકળ્યા પછી બિલિયન્સ પાઉન્ડના પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ્સ પૂરા પાડવા ‘VIP’ ફાસ્ટ ટ્રેક કોન્ટ્રાક્સ અપાયા હોય તેવી ૫૦ કંપનીના નામ સરકારે જાહેર કર્યા છે. આમાંથી ૧૮ કંપનીની ભલામણ કન્ઝર્વેટિવ રાજકારણીઓ દ્વારા કરાઈ હોવાનું હેલ્થ એન્ડ સોશિયલ કેરના ડેટાએ જણાવ્યું છે. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સ અને પૂર્વ હેલ્થ સેક્રેટરી મેટ હેનકોક પણ આમાં સંકળાયેલા હતા.

અઝીમ રફિકે યહુદીવિરોધી મેસેજ માટે માફી માગીઃ

રંગભેદના તોફાનમાં ઘેરાયેલા પૂર્વ ક્રિકેટર અઝીમ રફિકે તેણે ૨૦૧૧માં ફેસબૂક પર મુકેલા એન્ટિ-સેમેટિક મેસેજ માટે માફી માગી છે. રફિકે યોર્કશાયર ક્રિકેટ કાઉન્ટીમાં તેણે સહન કરવા પડેલા રંગભેદી વ્યવહારના આક્ષેપો સંદર્ભે સાંસદોની કમિટી સમક્ષ હાજરી આપી હતી. રફિક અને યોર્કશાયરના પૂર્વ ક્રિકેટર અતીક જાવેદ વચ્ચે ૨૦૧૧માં સંદેશાની આપ-લે થઈ હતી તેમાં યહુદીવિરોધી ટીપ્પણી કરવામાં આવી હતી અને તેના સ્ક્રીનશોટ્સ જાહેર કરાયા હતા. તે સમયે બંનેની વય ૧૯ વર્ષની હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter