પાર્લામેન્ટમાં ભારતીય મૂળના કન્ઝર્વેટિવ સાંસદ શૈલેષ વારાએ ઉઠાવેલા પ્રશ્નનો ઉત્તર વાળતા વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સ્પષ્ટ કર્યું હતું કે કોવિડ-૧૯ના ઓમિક્રોન વેરિએન્ટની અન્ય કોમ્યુનિટીઓની સરખામણીએ BAME કોમ્યુનિટી પર થતી વિપરીત અસરો અથવા તફાવતની બાબતે હાલ કોઈ પુરાવા પ્રાપ્ય નથી. શૈલેષ વારાએ મુદ્દો ઉઠાવ્યો હતો કે કોરોના વાઈરસ મહામારીની શરૂઆત વખતે અન્ય કોમ્યુનિટીઓની સરખામણીએ BAME કોમ્યુનિટી વધુ અસલામત હોવાના પુરાવાઓ મળ્યા હતા. ઓમિક્રોન વેરિએન્ટ પણ આ રીતે જ વર્તન કરે છે તેવાં કોઈ વિશ્લેષણ કરાયા છે કે કેમ તેવો પ્રશ્ન વારાએ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે BAME કોમ્યુનિટીના લોકો હેલ્થ અને કેર સહિતના ફ્રન્ટલાઈન સેક્ટર્સમાં ગણનાપાત્ર પ્રમાણમાં કાર્યરત છે ત્યારે આવું વિશ્લેષણ સુસંગત ગણાવું જોઈએ.
• નેશનાલિટી એન્ડ બોર્ડર્સ બિલનો વિરોધઃ
માઈગ્રન્ટ્સ ઓર્ગેનાઈઝ, મીડિયા ડાઈવર્સિફાઈડ અને શીખ કાઉન્સિલ યુકે સહિતના સંગઠનોએ પાર્લામેન્ટની બહાર પ્રદર્શનો સાથે વિવાદાસ્પદ નેશનાલિટી એન્ડ બોર્ડર્સ બિલનો જોરદાર વિરોધ કર્યો હતો. આ બિલના ક્લોઝ નવમાં કોઈ નોટિસ આપ્યાવિના જ તેની નાગરિકતા છિનવી લેવાની જોગવાઈ છે જેનો ભારે વિરોધ થઈ રહ્યો છે. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ દ્વારા લવાયેલા આ બિલને વિભાજનના સાધન તરીકે ગણાવાયું છે. કોમન્સમા પસાર થયેલા આ બિલ પર હાઉસ ઓફ લોર્ડ્સમાં ચર્ચા થઈ રહી છે. આ બિલનો વિરોધ કરતી પિટિશનમાં ૩૦૦,૦૦૦થી વધુ લોકોએ સહી કરી છે. ન્યૂ સ્ટેટ્સમેનના એનાલિસીસ મુજબ આ બિલની જોગવાઈ ૯થી બ્રિટનના આશરે ૬ મિલિયન લોકોને અસર થઈ શકે છે જેમાં અશ્વેત, એશિયન અથવા પૂર્વ યુરોપીય પશ્ચાદભૂના લોકોનું પ્રમાણ સૌથી વધુ છે.
• યુકેમાં ૧.૩ મિલિયન લોકોને લોંગ કોવિડઃ
ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના સર્વે અનુસાર યુકેમાં ૧.૩ મિલિયન લોકોને લોંગ કોવિડની અસર હેઠળ છે. કોરોના વાઈરસના પ્રાથમિક લક્ષણોના ચાર સપ્તાહ પછી પણ તેના લક્ષણો યથાવત જણાય છે. આમાંથી, ૮૯૨,૦૦૦ (૭૦ ટકા)ને ઓછામાં ઓછાં ૧૨ સપ્તાહ અગાઉ તેમજ ૫૦૬,૦૦૦ (૪૦ ટકા)ને ઓછામાં ઓછાં એક વર્ષ અગાઉ વાઈરસનો પ્રથમ વખત ચેપ લાગ્યો હતો. આ સર્વેમાં લગભગ ૩૫૨,૦૦૦ લોકોને તેમના લક્ષણો રેકોર્ડ કરવા જણાવાયું હતું. લોંગ કોવિડ વિશે કોઈ સર્વમાન્ય વ્યાખ્યા નથી અને વિવિધ અભ્યાસોમાં અલગ અલગ વ્યાખ્યા અપાય છે. ઈંગ્લેન્ડમાં હેલ્થ વર્કર્સ માટેની ગાઈડલાઈન્સમાં અતિશય થાક, હાંફ ચડવી, હૃદયના ઝડપી ધબકારા અને મગજમાં ખાલી ચડવા સહિતના લક્ષણો ૧૨થી વધુ સપ્તાહ જોવાં મળે તેને લોંગ કોવિડની નિશાનીઓ ગણાવાઈ છે.
• ટોની બ્લેરને કેર સ્ટાર્મરનું સમર્થનઃ
નાઈટહૂડ વિવાદમાં લેબરનેતા સર કેર સ્ટાર્મરે પૂર્વ વડા પ્રધાન ટોની બ્લેરની તરફેણ કરતા પાર્ટીમાં ગૃહયુદ્ધ શરૂ થઈ ગયું છે. સર સ્ટાર્મરે ITVના ઈન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે સર ટોની આ સન્માનના અધિકારી છે. તેઓ ત્રણ ચૂંટણી જીત્યા હતા અને અતિ સફળ વડા પ્રધાન હતા. લેબર પાર્ટીમાં ઘણા સભ્યો બ્લેરને સન્માનનો વિરોધ કરી રહ્યા છે. બીજી તરફ, સર ટોનીનું નાઈટહૂડ પરત ખેંચવાની પિટિશન ફરતી થઈ છે જેના પર સહીની સંખ્યા ૭૫૦,૦૦૦ને વટાવી ગઈ છે. પિટિશનમાં બ્લેરને અગણિત નિર્દોષ નાગરિકો અને સૈનિકોના મોત સહિત વોર ક્રાઈમ્સ માટે જવાબદાર ગણવાનો મુદ્દો ઉઠાવાયો છે. એક પોલમાં ૬૦ ટકાએ ટોની બ્લેરને નાઈટહૂડ આપવાનો વિરોધ કર્યો છે અને માત્ર ૧૪ ટકાએ આ સન્માન આપવાની તરફેણ કરી હતી.
• રોશડેલ સેક્સ ગ્રૂમિંગ ગેંગને દેશપાર કરવાના શપથઃ
હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે રોશડેલ ગ્રૂમિંગ ગેંગના અપરાધી સભ્યોને પાકિસ્તાનમાં દેશનિકાલ કરવાના શપથ લીધા છે. આ ગેંગના સભ્યોને છ વર્ષ અગાઉ જ યુકેમાંથી હકાલપટ્ટીના આદેશો કરાયા છે. ગ્રૂમિંગ ગેંગની મુખ્ય શિકાર બનેલી અનામી પીડિતાએ ગુનેગારોને દેશ બહાર ધકેલવામાં સરકારની નિષ્ફળતા સામે પ્રશ્ન ઉઠાવી હોમ સેક્રેટરી પાસેથી જવાબ માગ્યો છે. મુખ્ય ૫૧ વર્ષીય આરોપી અબ્દુલ રઉફ ગ્રેટર માન્ચેસ્ટરના રોશડેલમાં ખુલ્લેઆમ ડ્રિન્ક્સ અને ખોરાકનો સપ્લાય ખરીદતો નજરે પડે છે. તેને ૨૦૧૨માં છ વર્ષની સજા થઈ હતી. તેના સહિતના આરોપીઓ સામે ૨૦૧૫માં ડિપોર્ટેશન ઓર્ડર હોવાં છતાં તેઓ રોશડેલ અને ઓલ્ધામમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે. જોકે, નવા ઈમિગ્રેશન નિયમો હેઠળ લાંબી અને ખર્ચાળ કાનૂની લડાઈઓ ટાળી શકાશે તેમ મનાય છે.
• બોર્ડર ફોર્સની હડતાળની ધમકીઃ
હોમ સેક્રેટરી પ્રીતિ પટેલની માઈગ્રન્ટ ક્રોસિંગની ‘પુશ બેક’ યોજનાનો અમલ કરવા બોર્ડર ફોર્સે ઈનકાર કરવા સાથે હડતાળની ધમકી આપી છે. બોર્ડર અને ઈમિગ્રેશન અધિકારીઓનું પ્રતિનિધિત્વ કરતા પબ્લિક એન્ડ કોમર્શિયલ સર્વિસીસ યુનિયને (PCS) જણાવ્યું હતું કે તેમના સભ્યો હોમ સેક્રેટરીની વિવાદાસ્પદ પુશ બેક યોજના સામે કાર્યવાહી કરવા તૈયાર છે. આ યોજના હેઠળ અધિકારીઓએ ચેનલમાં આવતી માઈગ્રન્ટ્સ બોટ્સને પાછી ફ્રેન્ચ જળસીમામાં વાળવાની રહે છે. ગયા વર્ષે નાની બોટ્સમાં ડોવર સ્ટ્રેઈટ્સ ઓળંગી બ્રિટનમાં પ્રવેશતા માઈગ્રન્ટ્સની સંખ્યામાં વિક્રમી વધારો થતાં હોમ સેક્રેટરીએ સપ્ટેમ્બરમાં આ યોજના જાહેર કરી હતી. જોકે, હજુ તેનો અમલ કરાયો નથી. PCS અને Care4Calais રેફ્યુજી ચેરિટીએ આ યોજના મુદ્દે હોમ ઓફિસ વિરુદ્ધ કોર્ટમાં કાર્યવાહી કરી છે. જો કોર્ટમાં તરફેણમાં ચુકાદો નહિ આવે તો હડતાળનો આશરો લેવાશે.
• લંડનની હોસ્પિટલોમાં આર્મીની સહાયઃ
ઓમિક્રોન સંક્રમણના કારણે સ્ટાફની સર્જાયેલી અછતમાં મદદ તરીકે ૪૦ આર્મી ડોક્ટર્સ સહિતના ૨૦૦ લશ્કરી કર્મચારીને ગોઠવવામાં આવ્યા છે. મિનિસ્ટર્સ દ્વારા સ્ટાફની અછતને ગંભીર ગણાઈ રહી છે. લંડનમાં NHSના હજારો કર્મચારીનું દર સપ્તાહે કામ પર આવવાનું ઘટી રહ્યું છે. આર્મીના ૪૦ ડોક્ટર્સ પેશન્ટ્સને તપાસવામાં NHS સ્ટાફને મદદ કરશે જ્યારે મેડિકલ ટ્રેનિંગ વિનાના ૧૬૦ આર્મી કર્મચારીઓ પેશન્ટ્સને દાખલ કરશે, સ્ટોકની ગણતરી રાખશે અને પાયાની તપાસ પણ રાખશે તેમ ડિફેન્સ મિનિસ્ટ્રીએ જણાવ્યું છે. તેઓ જાન્યુઆરીના અંત સુધી હોસ્પિટલોમાં કાર્યરત રહેશે. હોસ્પિટલ્સ ટ્રસ્ટના વડાઓએ લશ્કરની સહાયને આવકારી હતી. કોરોના મહામારીની અગાઉની લહેરોમાં પણ આર્મી કર્મચારીઓ હોસ્પિટલોમાં મદદ માટે ગોઠવાયા હતા.
• બેરોનેસ મિશેલ મોન સામે રેસિસ્ટ સંદેશાની તપાસઃ
ટોરી ઉમરાવ અને બ્રા ટાયકૂન મિશેલ મોનની રેસિસ્ટ સંદેશાઓ મોકલવા બાબતે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવનાર છે. મેટ્રોપોલીટન પોલીસે એક ભારતીય પુરુષ દ્વારા ૫૦ વર્ષીય મિલિયોનેર બેરોનેસ સામે કરાયેલી ફરિયાદની તપાસ હાથ ધરી છે. ટોરી બેરોનેસ મિશેલ મોને ભારતીય મૂળના વ્યક્તિને ૨૦૧૯માં એક વોટ્સએપ મેસેજમાં એમ જણાવ્યું હતું કે તે શ્વેત માણસની ત્વચાનો મેલ છે (‘waste of a white man’s skin’). અન્ય સંદેશાઓમાં તે પુરુષની પાર્ટનરને ‘માનસિક અસ્થિર’ અને ‘પાગલ પંખી’ ગણાવી હોવાનો દાવો કરાયો હતો. અગાઉ લેડી મોન ટેપ ઈન્ટરવ્યૂ માટે પોલીસ અધિકારીઓને મળવાનાં હતાં પરંતુ, છેલ્લી ઘડીએ મુલાકાત રદ કરી હતી. હવે ટુંક સમયમાં નવેસરથી બેઠક યોજાવાની છે.
• કોવિડના પ્રતાપે દેવાંદાર કંપની સદ્ધર બની ગઈઃ
હેલ્થકેર ક્ષેત્રમાં કોઈ અનુભવ ન હોવાં છતાં કોવિડ ટેસ્ટ્સના સરકારી કોન્ટ્રાક્ટ્સ મળવાથી વચેટિયા એન્ટ્રેપ્રીન્યોર્સ ચાર્લ્સ પાલ્મર અને કિમ થોંગર મિલિયોનેર બની ગયા છે. ચાર્લ્સ પાલ્મર પ્રોપર્ટી ક્ષેત્ર અને કિમ થોંગર શૂ રિટેઈલનો અનુભવ ધરાવે છે. તેઓ ડિસર્પ્ટિવ નેનોટેકનોલોજીના સહમાલિક છે. એક સમયે તેમની કંપનીના બેન્ક એકાઉન્ટમાં માત્ર ૮૫ પાઉન્ડ હતા અને ૨૦૧૯ના અંતે તેમની કંપનીનું દેવું ૩૫૯૨ પાઉન્ડ હતું. ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ના અંતે તેમની કંપનીની નેટ એસેટ્સ વધીને ૨૦.૫ મિલિયન પાઉન્ડના આંકડે પહોંચી ગઈ હતી. ડિસર્પ્ટિવ નેનોટેકનોલોજી કંપની પોતાને કેલિફોર્નિયાસ્થિત ઈનોવા મેડિકલ ગ્રૂપ દ્વારા ઉત્પાદિત રેપિડ એન્ટિજન અને એન્ટિબોડી ટેસ્ટ્સના ડિસ્ટ્રિબ્યુટર ગણાવે છે. ઈનોવા કંપની સાથે યુકે સરકારે ટેસ્ટ્સ કિટ પૂરા પાડવા કુલ ૩.૭ બિલિયન પાઉન્ડના કોન્ટ્રાક્ટ્સ કરેલા છે.
• અશ્વેત- એશિયન બ્રિટિશરો સેકન્ડ ક્લાસ સિટિઝન થશેઃ
ઈક્વલિટી કેમ્પેઈનર લોર્ડ સિમોન વૂલીએ ચેતવણી આપી છે કે વિવાદાસ્પદ નેશનાલિટી એન્ડ બોર્ડર્સ બિલ તેમના જેવા અશ્વેત અને એશિયન બ્રિટિશરોને સેકન્ડ ક્લાસ સિટિઝન બનાવી દેશે કારણકે કોઈ નોટિસ આપ્યા વિના તેમની યુકેની નાગરિકતા રદ કરી દેવાવાની શક્યતા રહેલી છે. લોર્ડ વૂલીએ કહ્યું હતું કે તેમની માતા કેરેબિયન્સમાં જન્મેલી હોવાથી સૂચિત બિલની જોગવાઈ ૯ અન્વયે તેમની નાગરિકતા છીનવી લેવાઈ શકે છે. સૂચિત બિલ પર હાઉસ ઓફ લોર્ડ્સમાં ચર્ચા ચાલી રહી છે. તેની જોગવાઈ છે કે જે લોકો અન્ય દેશોની નાગરિકતા મેળવવાની લાયકાત ધરાવે છે તેમની બ્રિટિશ નાગરિકતા ‘રાષ્ટ્રીય હિત’માં રદ કરી શકાશે. લોર્ડ વૂલીએ જણાવ્યું હતું કે ‘આનાથી સ્પષ્ટ થાય છે કે આફ્રિકન, કેરેબિયન અને એશિયન મૂળના લાખો બ્રિટિશરો સેકન્ડ ક્લાસ સિટિઝન છે. અહીં વસતા-જન્મેલા જે લોકોના પેરન્ટ્સ વિદેશી હોય તેમના માટે બ્રિટિશ નાગરિકતા જોખમમાં છે, સરકારે તેને વિશેષાધિકાર ગણાવ્યો છે, અધિકાર નહિ, જેને છિનવી શકાય છે.’
• કેર સ્ટાર્મર છઠ્ઠી વખત સેલ્ફ આઈસોલેટઃ
લેબરનેતા સર કેર સ્ટાર્મર કોવિડ-૧૯ માટે પોઝિટિવ આવતા તેઓ સેલ્ફ-આઈસોલેટ થયા છે. તેઓ બીજી વખત કોવિડ-૧૯ પોઝિટિવ આવ્યા છે. અગાઉ, ગત ઓક્ટોબરમાં બજેટના દિવસે તેઓ કોવિડ પોઝિટિવ આવ્યા હોવાથી બજેટચર્ચા અને PMQsમાં ભાગ લઈ શક્યા ન હતા. સર કેરને કોવિડ-૧૯ના કોઈ લક્ષણો દેખાતા ન હતા પરંતુ, નિયમિત ટેસ્ટિંગમાં ઈન્ફેક્શન હોવાનું પકડાયું હતું. ડેપ્યુટી લેબરનેતા એન્જેલા રાયનેરે ડિસ્પેચ બોક્સમાં જવાબદારી સંભાળી હતી. અગાઉ પણ તેમણે કોવિડ પોઝિટિવ વ્યક્તિઓના સંપર્કમાં આવવાના કારણે ચાર વખત સેલ્ફ આઈસોલેટ થવું પડ્યું હતું.

