• ડચેસ કેમિલ્લાનો સિડાર બિઝનેસઃ

Wednesday 19th January 2022 05:26 EST
 

ડચેસ ઓફ કોર્મવોલ કેમિલ્લાએ પોતાની એસ્ટેટમાં ઉગાડાતાં સફરજન પૂરા પાડી સિડાર બિઝનેસમાં પગરણ માંડ્યાં છે. પ્રિન્સ ચાર્લ્સના ગ્લોસ્ટરશાયરસ્થિત નિવાસ હાઈગ્રોવ તેમજ વિલ્ટશાયરમાં કેમિલ્લાની રે મિલ એસ્ટેટ ખાતે ઉગાડાતાં બ્રિટિશ સફરજનમાંથી ‘હાઈગ્રોવ ઓર્ગેનિક સિડાર’ પીણું તૈયાર કરવામાં આવે છે. આ સિડારની કિંમત ૨૭clની બોટલ માટે ૨.૯૫ પાઉન્ડ અને ડિલિવરી ચાર્જ ૭.૯૫ પાઉન્ડ છે. જોકે, આ સિડારની નિકાસ કેટલાક નિયમનોના કારણે ઈયુ દેશોમાં કરી શકાતી નથી. રોયલ કલેક્શન ટ્રસ્ટ દ્વારા બકિંગહામ પેલેસ ગાર્ડનની ૧૨ વિવિધ વનસ્પતિમાંથી તૈયાર કરાયેલ ડ્રાય જિન ૨૦૨૦માં લંડનમાં લોન્ચ કરાયો હતો જે દેશભરના પેલેસીસમાંથી ખરીદી શકાય છે. જોકે, કેમિલ્લાના સાસુમા ક્વીન એલિઝાબેથ દ્વિતીય કોઈ પણ ડ્રિન્ક ચાખે તેવી શક્યતા નથી કારણકે ડોક્ટરોની સલાહ માની તેમણે ગયા વર્ષે આલ્કોહોલ લેવાનું છોડી દીધું છે.

બીબીસી હાઉસની બહાર સ્ટેચ્યુને નુકસાનઃ

બીબીસી બ્રોડકાસ્ટિંગ હાઉસની બહાર એરિક ગિલ દ્વારા બનાવાયેલા સ્ટેચ્યુને નુકસાન કરવા બદલ બુધવાર, ૧૨ જાન્યુઆરીએ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. સેન્ટ્રલ લંડનના પોર્ટલેન્ડ પ્લેસની ઈમારત પર ચડીને છીણીના ઉપયોગથી એક પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું હતું. લંડન ફાયર બ્રિગેડે ભારે જહેમત લઈને તે પુરુષને નીચે ઉતાર્યો હતો. સ્ટેચ્યુ અને બિલ્ડિંગને ગુનાઈત નુકસાન કરવાના ગુનામાં તેને સાથ આપવાની શંકાએ વધુ એક વ્યક્તિની પણ ધરપકડ કરી કસ્ટડીમાં લેવાયો હતો. શેક્સપિયરની ધ ટેમ્પેસ્ટ કૃતિના બે પાત્રો પ્રોસ્પેરો અને અર્ધનગ્ન એરિયલના પૂતળાં ૧૯૩૩માં બીબીસીના હેડક્વાર્ટર્સની બહાર મૂકાયાં હતાં. શિલ્પકાર એરિક ગિલ ૨૦મી સદીના પૂર્વાર્ધમાં પ્રખ્યાત બ્રિટિશ શિલ્પકારોમાં એક હતો.

પ્રિન્સ એન્ડ્રયુ અને વર્જિનિયા વચ્ચે સમાધાનની વાતોઃ

યુએસ કોર્ટ જજ લેવિસ કાપ્લાને ૬૧ વર્ષના ડ્યૂક ઓફ યોર્ક પ્રિન્સ એન્ડ્રયુ વિરુદ્ધ વર્જિનિયા ગિયુફ્રેના સેક્સ એબ્યુઝ આક્ષેપો ફગાવી દેતા હવે કોર્ટમાં સુનાવણી નિશ્ચિત બની છે. પ્રિન્સ આ ટ્રાયલ અટકાવવા વર્જિનિયા સાથે કોર્ટ બહાર સમાધાન કરે તેવી અટકળો ચાલી રહી છે. આ માટે પ્રિન્સ તેમની સ્વિસ સંપત્તિના વેચાણમાંથી ૧૦ મિલિયન પાઉન્ડની રકમ આપશે તેમ કહેવાય છે. વર્જિનિયા ગિયુફ્રેએ તે ૧૭ વર્ષની હતી ત્યારે પ્રિન્સ એન્ડ્રયુએ સેકસ્યુઅલ દુરુપયોગ કર્યો હોવાનો આરોપ મૂક્યો છે. ક્વીનની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણી નજીક આવી રહી છે ત્યારે સમગ્ર રાજાશાહીને કીચડમાં ખેંચી જવાના બદલે વર્જિનિયા સાથે કોર્ટ બહાર નાણાકીય સમાધાન કરી લેવાની સલાહ પ્રિન્સને મળી છે. જોકે, કહેવાય છે કે વર્જિનિયા ગિયુફ્રે ટ્રાયલ માટે મક્કમ છે ત્યારે તેના વકીલે સમાધાન હંમેશાં શક્ય હોવાનું જણાવતા અટકળો વધુ તેજ બની છે. બીજી તરફ, બકિંગહામ પેલેસમાં ક્વીનના પ્રવક્તાએ આ કાનૂની મુદ્દે કોઈ ટીપ્પણી કરવાનો ઈનકાર કર્યો છે. ક્વીનની પ્રતિષ્ઠા પણ દાવ પર લાગી છે. આ ટ્રાયલ સપ્ટેમ્બરથી નવેમ્બરની વચ્ચે શરૂ થઈ શકે છે. પ્રિન્સને હાજર રહેવાની ફરજ પાડી શકાય તેમ નથી પરંતુ, તેમના નિવેદન અને વીડિયોલિન્કથી પૂછપરછની શક્યતા રહે છે. ફેબ્રુઆરીમાં તેમની જુબાની મેળવાય તે પણ શક્ય છે.

લંડનમાં ૧ મિલિયન સ્પીડિંગ ફાઈન્સનું લક્ષ્યઃ

ટ્રાન્સપોર્ટ ફોર લંડન-TfL દ્વારા લંડનમાં એક વર્ષમાં એક મિલિયન સ્પીડિંગ ફાઈન્સનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ દરમિયાન અનુક્રમે ૨૬૩,૦૦૦ અને ૩૬૦,૦૦૦થી વધુ સ્પીડિંગ પ્રોસીક્યુકન્સ કરાયા હતા. લંડનમાં ૫૬૪ પોલીસ કોમ્યુનિટી સપોર્ટ ઓફિસર્સને ટ્રાફિકઅમલપાલન કરાવવાની સત્તા આપવામાં આવનાર છે. આ વધારાના અધિકારીઓ સવારના ૬થી રાત્રિના ૧૦ સુધીના ગાળામાં લંડનના માર્ગો પર વાહનોની સ્પીડ પર નજર રાખશે. TfL દ્વારા માર્ચ ૨૦૨૦થી લંડનના સેન્ટ્રલ કન્ડેશન ચાર્જ વિસ્તારોમાં પ્રતિ કલાક ૨૦ માઈલની સ્પીડ લિમિટ રાખવામાં આવી છે અને આ ગતિમર્યાદા લંડનની આસપાસના અન્ય માર્ગો પર પણ દાખલ કરવામાં આવી શકે છે.

ઓનલાઈન સિક્યુરિટી મુદ્દે બેન્કોને ચેતવણીઃ

બ્રિટનમાં સહેલી રીતે અનુમાન લગાવી શકાય તેવા બેન્ક સંબંધિત પાસવર્ડ્સ જાહેર થયા છે તે સંદર્ભે બેન્કોને ઓનલાઈન સિક્યુરિટી જાળવવા મુદ્દે ચેતવણી અપાઈ છે. ઠગાઈની ઘટનાઓ વધી રહી છે ત્યારે બેન્કોએ પોતાના ગ્રાહકોને પ્રમાણમાં સરળ અને સહેલાઈથી જાણી શકાય તેવા પાસવર્ડ્સ રાખવાની છૂટ આપેલી છે. પોતાના નાણાકીય વ્યવહારો ઓનલાઈન ચલાવતા લોકો ક્રિમિનલ ગેંગ્સનો શિકાર બનવાનું જોખમ વધ્યું છે. કન્ઝ્યુમર ગ્રૂપ Which?ના રિપોર્ટમાં બ્રિટનની સૌથી માટી નાણાકીય સંસ્થાઓ સિક્યુરિટી સુરક્ષાઓ તરફ દુર્લક્ષ સેવતી બોવાનો આગ્રહ કરાયો છે. HSBC, નેટવેસ્ટ, સેન્ટેન્ડર, સ્ટારલિંગ, વર્જિન મની, કો-ઓપરેટિવ બેન્ક સહિત ઘણી બેન્કોએ ગ્રાહકોને તેમના પરિવારજનો કે મિત્રોના ફર્સ્ટ નામનો પાસવર્ડ તરીકે ઉપયોગ કરવાની છૂટ આપેલી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter