ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના આંકડા મુજબ વર્ષ ૨૦૨૨ના પ્રથમ સપ્તાહ એટલે કે ૭ જાન્યુઆરી સુધીમાં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં કોવિડના કારણે ૯૨૨ મોત થયા હતા. તમામ મૃત્યુમાં કોવિડથી થયેલા મોતનું પ્રમાણ ૭.૫ ટકા રહ્યું હતું જે ૨૦૨૧ના આખરી સપ્તાહના ૬.૯ ટકાના પ્રમાણથી ઊંચું છે. જોકે, ડિસેમ્બરના આખરી સપ્તાહમાં ક્રિસમસ અને બેન્ક હોલીડેઝના કારણે રજિસ્ટર ઓફિસીસ બંધ હોવાથી નોંધણીમાં ફરક જણાયો છે. નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં કેર હોમ્સના ૧૩૦ નિવાસી કોવિડથી મોતનો શિકાર બન્યા હતા. અગાઉના સપ્તાહમાં આ સંખ્યા ૬૪ની હતી. પોઝિટિવ કોવિડ ટેસ્ટના ૨૮ દિવસમાં થયેલાં મોતની કુલ સંખ્યા ૧૫૨,૦૦૦થી વધુ રહી હતી.
• વળતર મેળવવા ખોટી તસવીર વાઈરલઃ
ખુરશી સાથે હાથ-પગ બાંધી અને મોઢા પર બંધનની તસવીરને વાઈરલ કરાવાથી સિવિલ સર્વન્ટને ૫૦૦,૦૦૦ પાઉન્ડના દાવાથી હાથ ધોવા પડ્યા છે. મરિન સ્કોટલેન્ડની વર્કર ડીએન ફિટ્ઝપેટ્રિકે ૨૦૧૮માં દાવો કર્યો હતો કે ઓફિસમાં ખરાબ વર્તણૂકની સામે સીટી વગાડવાના લીધે તેની સાથે અયોગ્ય અને યાતનાપૂર્ણ વ્યવહાર કરાયો હતો. તેના હાથ-પગ ખુરશી સાથે બાંધી દઈ મોઢાં પર પટ્ટી મારી દેવાઈ હતી. આ પછી ફિટ્ઝપેટ્રિકને નોકરીમાંથી બરતરફ કરાતાં તેણે એમ્પ્લોયર સામે દાવો કરી ૫૦૦,૦૦૦ પાઉન્ડનું વળતર માગ્યું હતું. એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલે ઠરાવ્યું હતું કે આ તસવીર ઉભી કરાયેલી છે અને બે પુરુષ વર્કરે રમૂજ માની ખુરશી સાથે હાથ-પગ બાંધ્યાં હતા.
• બ્રિટિશ પાસપોર્ટ મેળવવા કાનૂની કાર્યવાહીઃ
ગુઆન્ટાનામોના પૂર્વ અટકાયતી મોઆઝામ બેગ પોતાનો બ્રિટિશ પાસપોર્ટ પાછો મેળવવા હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ સામે કાનૂની કાર્યવાહી કરવા માગે છે. બેગે આઠ વર્ષ અગાઉ સીરિયાની બે મુલાકાત લીધા પછી તેનો પાસપોર્ટ રદ કરાયો હતો. પોલીસે બેગ નિર્દોષ હોવાનું સ્વીકાર્યા પછી તેની સામે ત્રાસવાદ સંબંધિત કાર્યવાહી ૨૦૧૪માં નિષ્ફળ ગયા પછી નવો પાસપોર્ટ મેળવવાની તેની અરજી સપ્ટેમ્બર ૨૦૨૧માં ફગાવી દેવાઈ હતી. હોમ ઓફિસ દ્વારા ખુલાસો નહિ અપાતા બેગે જણાવ્યું હતું કે તેની પાસે ન્યાયિક સમીક્ષા સિવાય કોઈ માર્ગ રહ્યો નથી. બેગની ધરપકડ ફેબ્રુઆરી ૨૦૦૨માં પાકિસ્તાનમાં કરાયા પછી અમેરિકી દળોને તેની સોંપણી કરાઈ હતી અને પાછળથી તેને ગુઆન્ટાનામો બે જેલમાં મોકલાયો હતો.
• ઈયુના ૫ મિલિયન નાગરિકોની અરજી મંજૂરઃ
બ્રેક્ઝિટ પછી યુકેમાં વસવાટ માટે ૫.૨ મિલિયન ઈયુ નાગરિકોની અરજીઓને ડિસેમ્બરના અંત સુધીમાં મંજૂરી આપી દેવાઈ છે. હોમ ઓફિસના અંદાજ કરતાં ૧.૭ મિલિયન વધુ અરજી મળી હતી. બ્રેક્ઝિટ પછી ઈયુના કેટલા નાગરિકો યુકેમાં રહેવા અરજી કશે તેનો હોમ ઓફિસનો અંદાજ ખોટો પડ્યો છે. સત્તાવાળાનું માનવું હતું કે ઈયુ સેટલમેન્ટ સ્કીમ- EUSS હેઠળ ૩.૫થી ૪.૧ મિલિયન નાગરિકો અરજી કરવાને લાયક હશે. જોકે, અંદાજ કરતાં ૧.૭ મિલિયન વધુ નાગરિકોએ યુકેમાં રહેવા અરજી કરી હતી જે બર્મિંગહામ અને લિવરપૂલની સંયુક્ત વસ્તીની સમકક્ષ છે. EUSS હેઠળ સૌથી વધુ અરજી કરનારામાં ૧.૧૩ મિલિયન રોમાનિયન. ૧.૧૨ મિલિયન પોલ્સ અને ૫૬૦,૦૦૦ ઈટાલિયન્સનો સમાવેશ થાય છે.
• ડાઉનિંગ સ્ટ્રીટમાં આલ્કોહોલ પર પ્રતિબંધ લાગશેઃ
વડા પ્રધાન જ્હોન્સન ડાઉનિંગ સ્ટ્રીટ પાર્ટી સ્કેન્ડલમાં જોખમી રીતે ફસાયા પછી ઓફિસ પ્રીમાઈસીસમાં આલ્કોહોલ પર પ્રતિબંધ લગાવી પાર્ટી કલ્ચરનો અંત લાવવા માગે છે. સરકારી સ્ટાફને ભવિષ્યમાં સરકારી ઓફિસની બહાર અને કામકાજના કલાકો પછી શરાબપાનની મર્યાદામાં રહેવા જણાવી દેવાશે. સરકારની પ્રતિષ્ઠા બચાવવાના પ્રયાસમાં વડા પ્રધાનની યોજના હેઠળ નંબર ૧૦ ઓફિસ એરિયા ‘ડ્રાય’ જાહેર કરાશે. મહામારીના નિયમો હેઠળ ઈનડોર સોશિયાલાઈઝિંગ પર પ્રતિબંધ હતો ત્યારે સરકારી સમારંભ ખંડોમાં સ્ટાફ દ્વારા શુક્રવારે થાક ઉતારવા પાર્ટીઓ યોજાતી હોવાનું કહેવાય છે. ગયા મહિને જ વ્હાઈટ વાઈન, પ્રોસેસ્કો અને બિયર સહિતના પીણાંને ઠંડા રાખવા ૧૫૦ પાઉન્ડના ડ્રિન્ક્સ ફ્રીજની ડ્લિવરી કરાઈ હતી.
• કોવિડ સપોર્ટના £૪.૩ બિલિયન માંડવાળઃ
કોવિડ સપોર્ટ યોજનાઓમાં છેતરપિંડી કરનારાઓ દ્વારા લેવાયેલી ૪.૩ બિલિયન પાઉન્ડની જંગી રકમ માંડવાળ કરવલાનો નિર્ણય ટ્રેઝરીએ લીધો છે. HMRC દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ મહામારીના સમયમાં સરકારે જાહેર કરેલી ફર્લો અને સેલ્ફ એમ્પ્લોયમેન્ટ સપોર્ટ જેવી યોજનાઓમાં લાયકાત ન હોય તેવા છેતરપિંડી કરનારાઓએ ૫.૮ બિલિયન પાઉન્ડના જાહેર નાણા ખિસ્સાભેગાં કર્યા હતા. આ નાણા પાછા મેળવવા રચાયેલા ટાસ્કફોર્સે ગયા વર્ષે ૫૦૦ મિલિયન પાઉન્ડ રિકવર કર્યા હતા અને આ વર્ષે વધુ એક બિલિયન પાઉન્ડ પાછા મેળવવાની યોજના છે. HMRCએ સ્વીકાર્યું છે કે તમામ નાણા પરત મળવાની આશા નથી.
• હજારો વિદ્યાર્થીઓને જુગારનું વ્યસનઃ
એક સંશોધન મુજબ યુનિવર્સિટીના હજારો વિદ્યાર્થીઓ જુગારનું વ્યસન ધરાવે છે અને નાણાકીય અને સામાજિક નુકસાનના શિકાર બને છે. જુગાર ખેલનારા વિદ્યાર્થીઓ દર સપ્તાહે આ બેટિંગ લત પાછળ સરેરાશ ૩૧.૫૨ પાઉન્ડ ખર્ચે છે તેમજ લગભગ ૨૦ ટકાએ ૫૦ પાઉન્ડથી વધુ રકમ ખર્ચતા હોવાનું જણાવ્યું હતું. યુથ ગેમ્બલિંગ ચેરિટી YGAM અને Gamstopના રિપોર્ટ મુજબ ૨૦૦૦ વિદ્યાર્થીના સર્વેમાં ૮૦ ટકાએ જુગાર રમતા હોવાની કબૂલાત કરી હતી. આમાંથી ૩૫ ટકાએ તેમની સ્ટુડન્ટ્સ લોન, બેન્ક ઓવરડ્રાફ્ટ્સ, મિત્રોની ઉધારી અથવા પેડે લોન્સનો ઉપયોગ કર્યાનું પણ કબૂલ્યું હતું. જુગાર ખેલનારા ૪૧ ટકા વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે આના કારણે તેમણે લેક્ચર્સ, એસાઈન્મેન્ટ ડેડલાઈન્સ અથવા સામાજિક પ્રવૃત્તિઓ ગુમાવી હતી. યુકેમાં આશરે ૨.૫ મિલિયન વિદ્યાર્થીઓ છે. બેટિંગ એન્ડ ગેમિંગ કાઉન્સિલ (BGC)એ જણાવ્યું હતું કે યુવાનોમાં સૌથી વધુ જુગાર સ્ક્રેચકાર્ડ્સ, લોટરી અને ખાનગી બેટિંગ પર રમાય છે.
• અપરાધીઓને જેલ કરવા મેજિસ્ટ્રેટ્સને સત્તાઃ
કોર્ટના પડતર કેસીસ ખાલી કરવાની યોજના અન્વયે ઈંગ્લેન્ડ અને વેલ્સના મેજિસ્ટ્રેટ્સને સજા કરવાની વધુ સત્તા મળશે. હાલ મેજિસ્ટ્રેટ્સને મહત્તમ છ મહિનાની સજા કરવાની સત્તા છે તેના બદલે સરકાર તેઓ એક વર્ષની મહત્તમ સજા કરી શકે તેમ કરવા જઈ રહી છે. મેજિસ્ટ્રેટ્સને ક્રાઉન કોર્ટ્સમાં હાથ ધરાતા ફ્રોડ, ચોરી અને હુમલા સહિતના કેસીસ સાંભળવાની છૂટ મળશે. જસ્ટિસ સેક્રેટરી ડોમિનિક રાબે જણાવ્યું હતું કે આ પગલાંથી ક્રાઉન કોર્ટ્સ પરનું કાર્યભારણ ઘટવા સાથે વિક્ટિમ્સને ઝડપથી ન્યાય મળશે. જોકે, ક્રિમિનલ લોયર્સે ચેતવણી આપી છે કે આ યોજનાથી પીછેહઠ થઈ શકે છે અને બચાવપક્ષ પાસે જ્યુરી સમક્ષ જવાનો અધિકાર તો રહે જ છે. કોર્ટ્સ સિસ્ટમ ભારે વિલંબનો સામનો કરે છે અને ગયા વર્ષના જૂન મહિના સુધીમાં ૬૦,૦૦૦થી વધુ ક્રાઉન કોર્ટ્સ ટ્રાયલની સુનાવણી પડતર હતી.
• પૂર્વ સ્પીકર સામે આજીવન પ્રતિબંધની શક્યતાઃ
કોમન્સના પૂર્વ સ્પીકર જ્હોન બેર્કો સામે પાર્લામેન્ટમાં આજીવન પ્રતિબંધ લાગવાની શક્યતા છે. એમ કહેવાય છે કે સ્ટાન્ડર્ડ્સ કમિશનર કેથેરીન સ્ટોનની ૧૮ મહિનાની ઈન્ક્વાયરી તપાસમાં પૂર્વ સ્પીકરને ૩૫માંથી ૨૧ ફરિયાદો બાબતે દોષિત ઠરાવાયા છે. બેર્કોએ તેમના ત્રણ કર્મચારી સામે ધાકધમકીનો ઉપયોગ કર્યો હોવાની તપાસમાં આ મહિનાના અંતે અપીલ્સ પેનલનો ચુકાદો આવવાનો છે ત્યારે ૫૮ વર્ષીય જ્હોન બેર્કોને પાર્લામેન્ટમાં આજીવન પ્રતિબંધિત કરાવાની શક્યતા છે. બકિંગહામના પૂર્વ સાંસદ જ્હોન બેર્કોએ ૨૦૧૯માં સ્પીકરપદેથી રાજીનામું આપ્યું હતું. બેર્કોએ જણાવ્યું હતું કે મોટા ભાગના પુરાવા સાંભળવા (હીઅરસે) પર આધારિત છે અને કથિત ઘટના બની તે વેળાએ ઘણા કહેવાતા સાક્ષીઓ હાજર પણ ન હતા. આને કાંગારુ કોર્ટ કહેવી તે કાંગારુઓના અપમાન સમાન છે.
• ડોમિનિક રાબને બેઠક ગુમાવવાનો ભયઃ
પાર્ટીગેટ કૌભાંડમાં ફસાયેલા વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને સપોર્ટ કરવા બદલ ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર ડોમિનિક રાબને તેમની સરેની માર્જિનલ એશર એન્ડ વોલ્ટોન સંસદીય બેઠક ગુમાવવાનો ભય ઉભો થયો છે. લિબરલ ડેમોક્રેટ્સ જ્હોન્સનને સપોર્ટ કરનારા રાબ અને અન્ય સીનિયર કન્ઝર્વેટિવ્ઝને નિશાન બનાવી રહ્યા છે. લિબ ડેમ્સની નવી એડ કેમ્પેઈનમાં રાબના જ્હોન્સનને સપોર્ટને લક્ષ્ય બનાવાયો છે. રાબની આ બેઠક પરની સરસાઈ ૨૦૧૭માં ૨૩,૨૯૮ મતની હતી જે ૨૦૧૯માં ઘટીને ૨,૭૪૩ થઈ હતી. સર એડ ડેવીની પાર્ટી વડા પ્રધાનનો પક્ષ લેનારા મિનિસ્ટર્સ અને બેકબેન્ચર્સની બેઠકોમાં ટોરી મતદારોના રોષનો લાભ મેળવવા માગે છે.
• ધૂમપ્રાન છોડવા ઈ-સિગારેટ્સ પ્રીસ્ક્રાઈબ કરાશેઃ
સરકાર ૨૦૩૦ સુધીમાં યુકેને ધૂમ્રપાનમુક્ત બનાવવા ઈચ્છે છે. જે લોકો ધૂમ્રપાન છોડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓને આગામી મહિનાઓમાં NHS પર ઈ-સિગારેટ્સ પ્રીસ્ક્રાઈબ કરવામાં આવનાર છે. હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદના તમાકુના વ્યસન સામે અભિયાનના ભાગરુપે આ કામગીરી હાથ ધરાવાની છે. મેડિસિન્સ એન્ડ હેલ્થકેર ઉત્પાદનોની રેગ્યુલેટરી એજન્સી (MHRA)એ ઈ-સિગારેટ્સ ગેજેટ્સને ગત વર્ષના ઉત્તરાર્ધમાં બહાલી આપ્યા પછી આ પગલું લેવાયું છે. યુકેમાં સારા અને ખરાબ આરોગ્યમય જીવન વચ્ચે ૧૮.૬ વર્ષનો તફાવત છે તેને દૂર કરવાનું લક્ષ્ય છે જેમાં ધૂમ્રપાન ઘટાડવાનો પણ સમાવેશ થાય છે. બ્લેકપૂલમાં પુરુષો માટે સારા આરોગ્યનું અપેક્ષિત આયુષ્ય માત્ર ૫૩.૩ વર્ષ છે જ્યારે સાઉથ વેસ્ટ લંડનમાં રિચમોન્ડ અપોન થેમ્સ વિસ્તારમાં ૭૧.૯ વર્ષ સારા આરોગ્ય સાથેના રહે છે. બ્લેકપૂલમાં ધૂમ્રપાન કરનારાની સંખ્યા ૨૩.૪ ટકા છે તેની સરખામણીએ રિચમોન્ડમાં માત્ર ૮ ટકા લોકો ધૂમ્રપાન કરે છે.

