• જ્હોન્સનની ચેરિટીમાં રશિયન ભંડોળઃ

Wednesday 30th March 2022 07:59 EDT
 

વડા પ્રધાન બોરિસ જ્હોન્સન જેના પેટ્રન છે તેવી Downside Up ચેરિટીએ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિન દ્વારા સ્થાપિત ફંડમાંથી ગ્રાન્ટ મેળવી હોવાનું બહાર આવ્યું છે. ચેરિટી કમિશન સાથે નોંધાયેલી આ ચેરિટીએ ગત 3 વર્ષમાં રશિયાની આસપાસ બાળકો અને તેમના પરિવારોને સપોર્ટ કરતા પ્રોજેક્ટ્સ માટે પ્રેસિડેન્શિયલ ગ્રાન્ટ ફંડમાંથી 385,000 પાઉન્ડ જેટલું ભંડોળ મેળવ્યું છે. યુક્રેન પર આક્રમણના સંદર્ભે ચેરિટી કમિશને દાતાઓ સાથે સંકળાયેલા પ્રતિષ્ઠાના જોખમને વિચારવા ચેરિટીઝને સલાહ આપી છે. કમિશનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે Downside Up ચેરિટી રશિયામાં કાર્યરત છે અને તેણે રશિયન સરકાર પાસેથી ભંડોળ મેળવ્યું હોવા બાબતે અમને માહિતી છે. કમિશને હવે ટ્રસ્ટીઓ સાથે વાતચીત કરવા કોમ્પ્લાયન્સ કેસ દાખલ કર્યો છે. Downside Up ચેરિટીએ જણાવ્યું હતું કે તે સંપૂર્ણપણે બિનરાજકીય સંસ્થા છે અને કમિશનને સહકાર આપી રહી છે. તેણે દાવો કર્યો હતો કે રશિયામાં એકત્ર કરાયેલા નાણાનો વહીવટ અલગ કાનૂની સંસ્થા દ્વારા કરાય છે.જ્હોન્સન હજુ આ ચેરિટીના પેટ્રન તરીકે ચાલુ રહેવા માગે છે તે પ્રશ્ને પ્રવક્તાએ જણાવ્યું હતું કે વડા પ્રધાન સંખ્યાબંધ ચેરિટીઝના પેટ્રન છે અને તેમના મિનિસ્ટરિયલ ઈન્ટરેસ્ટ્સના લિસ્ટમાં તેની જાહેરાત કરાયેલી છે. આ ચેરિટીમાં જ્હોન્સનની કોઈ એક્ઝિક્યુટિવ ભૂમિકા નથી

• NHS માં ચાઈનીઝ સામાનની ખરીદી પર પ્રતિબંધની વિચારણાઃ

ચીનના શિનજિયાંગમાં બનેલા ચાઈનીઝ માલસામાનની NHS દ્વારા ખરીદી પર પ્રતિબંધની વિચારણા કરાઈ રહી છે. ‘નરસંહારના જોખમ’ ધરાવતા વિસ્તારોમાંથી આરોગ્ય સંબંધિત માલસામાન ખરીદવા પર પ્રતિબંધ લગાવતા હેલ્થ બિલના સુધારાને અનુસરવા ટોરી સાંસદો દ્વારા દબાણ થઈ રહ્યું છે. યુક્રેન પર આક્રમણના સંદર્ભે તાનાશાહી સત્તાઓ વિરુદ્ધ પોતાનું વલણ સખત બનાવવા સરકારની તૈયારી હોવાની આ નિશાની છે. થોડા સમય અગાઉ જ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને જણાવ્યું હતું કે યુક્રેન પર રશિયન આક્રમણને ચીન સમર્થન આપે નહિ તે માટે ચીન સરકાર પર દબાણ લાવવાની જરૂર છે. હાઉસ ઓફ લોર્ડ્સ દ્વારા હેલ્થ બિલના સુધારાને પસાર કરી દેવાયો છે અને કોમન્સમાં તેના પર ચર્ચા થવાની છે.

• DVLA ના સેંકડો કર્મચારીને કામ વિના વેતનઃ

કોવિડ મહામારીમાં સ્પેશિયલ રજાઓની સોદાબાજી હેઠળ DVLA ના સેંકડો કર્મચારીને કામ વિના વેતન અપાયું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તેમણે ઘરમાં રહીને પણ કોઈ કામ કર્યું ન હતું. મેનેજરોએ તો પથારીમાં સૂતાં સૂતાં ટીવી જોયાની બડાશો પણ મારી હતી. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સે આ બાબતે તપાસનો આદેશ કર્યો છે. વર્કર્સના કહેવા મુજબ તેમના સાથી કર્મચારીઓએ ઓફિસમાં આવવામાં અસલામતીના દાવાઓ કર્યા હતા પરંતુ, કામ કરવાના બદલે સામાજિક મેળમિલાપ અને રજાઓ માણી હતી. DVLA ના 6200 કર્મચારીમાંથી આશરે 3400 કર્મચારી ઘરમાં જ હતા અને કામ કરતા ન હતા, જેમને સ્પેશિયલ પેઈડ લીવ અપાઈ હતી. મહિનાઓ પછી પણ લગભગ 2000 કર્મચારી સ્પેશિયલ લીવ પર હતા. 500થી વધુ કર્મચારીએ ગત 24 મહિનામાંથી 9 મહિના કામ કર્યું જ ન હતું. લાખો ડ્રાઈવર્સ તેમના લાયસન્સીસના રિન્યુઅલ તેમજ નવા લાયસન્સની અરજીઓમાં બેકલોગનો સામનો કરી રહ્યા છે.

• લેસ્ટર સિટીના પૂર્વ ચેરમેનનું સ્મારકઃ

લેસ્ટર સિટીના પૂર્વ ચેરમેન વિચાઈ શ્રીવધનાપ્રભાને શાશ્વત અંજલિ આપવા માટે ભવ્ય સ્મારક ડિઝાઈન કરવામાં આવ્યું છે. લેસ્ટર સિટી કાઉન્સિલે મંજૂર કરેલી ફૂટબોલ ક્લબની ડિઝાઈન મુજબ લેસ્ટર સિટીના 138 વર્ષના ઈતિહાસમાં સૌથી પ્રભાવશાળી વ્યક્તિ રહેલા ક્હુન વિચાઈ શ્રીવધનાપ્રભાની વિશાળ પ્રતિમા કિંગ પાવર સ્ટેડિયમની ઉત્તર તરફે તેમજ વેસ્ટ સ્ટેન્ડના મુખ્ય પ્રવેશદ્વાર નજીક ગોઠવાશે. ક્હુન વિચાઈ અને અન્ય ચાર વ્યક્તિ 2018માં ગ્રાઉન્ડની બહાર હેલિકોપ્ટર તૂટી પડવાથી મોતને ભેટ્યા હતા. હેલિકોપ્ટર ટ્રેજેડી પછી વિચાઈના પુત્ર ક્હુન ઐયાવટે સ્મારકના નિર્માણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. અગાઉ 2020માં નાની પ્રતિમાની ડિઝાઈન કાઉન્સિલ સમક્ષ રજૂ કરાઈ હતી. આ સ્મારકને રો ડાઈક્સ રોડ પરથી પણ નિહાળી શકાશે.

• સાઉદી એનર્જી ગ્રૂપનું £1 બિલિયનનું ઈન્વેસ્ટમેન્ટઃ

સાઉદી એનર્જી ગ્રૂપ અલફનાર દ્વારા ટીસ્સાઈડ એવિએશન ફ્યૂલ પ્લાન્ટમાં 1 બિલિયન પાઉન્ડના ઈન્વેસ્ટમેન્ટને સમર્થન અપાયું છે. અલફનારે જણાવ્યા મુજબ બર્મિંગહામમાં લાઈટહાઉસ ગ્રીન ફ્યૂલ્સ પ્રોજેક્ટના આ પ્લાન્ટના નિર્માણ સાથે 700 નોકરીઓ આવશે અને પ્લાન્ટ પૂરો થયા પછી વધુ 240 નોકરીઓ ઉભી થશે.આ પ્લાન્ટમાં વાર્ષિક 180 મિલિયન લિટર ફ્યૂલનું ઉત્પાદન થઈ શકશે. સામાન્યપણે એક એરલાઈન 150 મિલિયન લિટર ફ્યૂલનો વપરાશ કરે છે. આ પ્લાન્ટમાં હાઉસહોલ્ડ અને કોમર્શિયલ વેસ્ટને એવિએશન ફ્યૂલ અને લિક્વિડ હાઈડ્રોકાર્બનમાં રૂપાંતર કરાશે તેમજ ફોસિલ ફ્યૂલની સરખામણીએ 80 ટકા ઓછાં ગ્રીનહાઉસ ગેસીસના ઉત્પાદનની ક્ષમતા ધરાવશે. આ પ્રોજેક્ટ પર આગામી વર્ષે કામની શરૂઆત કરાશે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સનની તાજેતરની સાઉદી અરેબિયા અને યુએઈની મુલાકાતમાં આ ઈન્વેસ્ટમેન્ટને સમર્થન અપાયું હતું.

• બનાવટી કાર્ડિયોલોજિસ્ટને જેલઃ

ક્રોયડોન યુનિવર્સિટી હોસ્પિટલના બનાવટી કાર્ડિયોલોજિસ્ટ અને ઈસ્લામિક સ્ટેટ (Isis)ના કટ્ટર સમર્થક અલી અબ્દીલ્લાહીને ઓલ્ડ બેઈલી કોર્ટે 14 માર્ચ સોમવારે 8 વર્ષ અને 10 મહિનાની જેલની સજા ફરમાવી છે.અલી અબ્દીલ્લાહીએ હોસ્પિટલમાં નોકરી મેળવવા યુનિવર્સિટીની બનાવટી ડીગ્રી મેળવી હતી. તેણે જુલાઈ 2020માં મેસેજિંગ એપ ઈન્સ્ટાગ્રામ પર ટેરરિસ્ટ પ્રચાર સાહિત્યનો ફેલાવો કર્યો હતો. ઈસ્લામિક કટ્ટરવાદી ઉપદેશક દ્વારા સશસ્ત્ર જિહાદની હિમાયત કરતું રેકોર્ડિંગ અને ત્રાસવાદી સંગઠન દ્વારા શિરચ્છેદ અને હિંસા દર્શાવતા બે વીડિયો સાથેની આ સામગ્રીને 280થી 1300 સુધીના લોકોએ જોઈ હતી. અબ્દીલ્લાહીની ઓગસ્ટ 2020માં નોર્થ લંડનના એન્ફિલ્ડ ખાતે તેના નિવાસેથી ધરપકડ કરાઈ હતી. ગત નવેમ્બરની ટ્રાયલમાં અબ્દીલ્લાહીએ ત્રાસવાદી સાહિત્યના પ્રસારના ગુના કબૂલ્યા હતા. તેણે જામીન મેળવવા યુનિવર્સિટી ઓફ હર્ટફોર્ડશાયરની બાયોમેડિકલ સાયન્સ ડીગ્રી હોવાની રજૂઆત પણ કરી હતી. જોકે, તપાસમાં આ બાબત અસત્ય સાબિત થઈ હતી. સોમાલિયામાં જન્મેલો ડચ નાગરિક અબ્દીલ્લાહી સાત વર્ષની વયથી યુકેમાં રહે છે.

• ઓછું વેતન ધરાવતા વર્કર્સને શિફ્ટ નોટિસઃ

યુકેમાં ઓછું વેતન ધરાવતા અડધા વર્કર્સને શિફ્ટ બદલવા એક સપ્તાહથી ઓછા સમયની નોટિસ અપાઈ હોવાનું કેમ્પેઈનર્સે જણાવ્યું છે. ટુંકી નોટિસે શિફ્ટ બદલાવાથી ચાઈલ્ડકેર અને પ્રવાસના ખર્ચા વધી જતા હોવાથી આ વર્કર્સ અસલામતીનો સામનો કરી રહ્યા છે. કેમ્પેઈન ગ્રૂપ લિવિંગ વેજ ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર યુકેમાં પ્રતિ કલાક 9.90 પાઉન્ડ અને લંડનમાં પ્રતિ કલાક 11.05 પાઉન્ડથી ઓછું વેતન મેળવતા લોકોમાંથી 50 ટકાને તેમના કામકાજના સમયની જાણકારી સાત દિવસથી પણ ઓછા સમય પહેલા અપાય છે. ક્લીનર્સ, કુરિયર્સ અને NHSના કેટલાક સ્ટાફ સહિત 2000 વયસ્કોના અભ્યાસમાં ઓછા વેતનના સ્ટાફ પરના પ્રેશરની વાત બહાર આવી હતી. આ સિવાય પૂર્ણકાલીન કે અંશતઃ સમયની નોકરી કરનારા યુકેના તમામ વર્કર્સના 32 ટકાને તેમની શિફ્ટ્સ બદલાવા અંગે એક સપ્તાહથી ઓછાં સમયની નોટિસ અપાય છે. લગભગ અડધા શિફ્ટ વર્કર્સને છેલ્લી ઘડીના ફેરફારના કારણે મહિને 30 પાઉન્ડ અથવા વધુ રકમનું નુકસાન જાય છે.

• કાર અકસ્માત બદલ બોય રેસર મનવીરને જેલઃ

અતિ ઝડપથી કાર ચલાવી અકસ્માતના ગુના બદલ બર્મિંગહામના હેન્ડ્સવર્થ વૂડના 21 વર્ષીય મનવીર ગિલને વુલ્વરહેમ્પ્ટન ક્રાઉન કોર્ટે ત્રણ વર્ષ અને નવ મહિનાની જેલની સજા ફરમાવી હતી. તેને લાયસન્સ પર મુક્ત કરાય તે પહેલા અડધી સજા પૂરી કરવી પડશે. ગિલને ચાર વર્ષ અને દસ મહિના સુધી માર્ગ પર પ્રતિબંધિત જાહેર કરાયો હતો. ગત વર્ષની 26 માર્ચે અતિ ઝડપથી કાર ચલાવ્યા પછી તેના પર કાબુ ગુમાવી એક વિદ્યાર્થિની અને તેના પેરન્ટ્સને લઈ જતી કાર સાથે અથડામણ કરનારો બોય રેસર મનવીર કારમાંથી ફેંકાઈ ગયો હતો અને કોમામાં સરી પડ્યો હતો. તેના 19 વર્ષીય ગાઢ મિત્ર અર્જુનસિંહ ગંધામને ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું મોત નીપજ્યું હતું. અન્ય પાંચ વ્યક્તિને ઈજા પહોંચી હતી.

• ફોન જપ્ત કરવાનું હોમ ઓફિસનું કાર્ય ગેરકાયદેઃ

નાની બોટ્સમાં યુકે આવનારા આશરે 2000 એસાઈલમ સીકર્સના મોબાઈલ ફોન જપ્ત કરવાનું અને તેમાંથી માહિતી ડાઉનલોડ કરવાનું કાર્ય ગેરકાયદે હોવાનો ચુકાદો હાઈ કોર્ટે આપ્યો છે. કોર્ટે ઠરાવ્યું હતું કે આ ફોન જપ્ત કરવાની નીતિ અનેક રીતે ગેરકાયદે છે અને તેનાથી શરણાર્થીઓના માનવ અધિકારોનો ભંગ થાય છે. જજીસે ચુકાદો આપ્યો હતો કે આવી જપ્તી અને ડેટા મેળવવાની નીતિને પાર્લામેન્ટરી સત્તા મળેલી નથી અને પોતાને આવી કાનૂની સત્તા હોવાનો અધિકારીઓનો વિચાર પણ ખોટો છે. ત્રણ એસાઈલમ સીકર્સે યુકેમાં એપ્રિલથી નવેમ્બર 2020ના ગાળામાં નવા સ્થળાંતરીઓ પાસેથી મોબાઈલ ફોન્સ મેળવી લેવાની જાહેર નહિ કરાયેલી નીતિ મુદ્દે હોમ સેક્રેટરી સામે કેસ દાખલ કર્યો હતો.

• લંડન અંડરગ્રાઉન્ડના સ્ટાફના વેતનનો બચાવઃ

લંડનના મેયર સાદિક ખાને ટ્યૂબની હડતાળોના વિવાદના પગલે લંડન અંડરગ્રાઉન્ડના સ્ટાફને અપાયેલા જંગી વેતનવધારાનો બચાવ કર્યો હતો. લંડન અંડરગ્રાઉન્ડની બે સામૂહિક હડતાળોને અટકાવવામાં નિષ્ફળ ગયા પછી 15000 ટ્યૂબ સ્ટાફને એપ્રિલ મહિનાથી જંગી વેતનવધારાની જાહેરાત કરાઈ હતી. ટ્રાન્સપોર્ટ ફોર લંડન દ્વારા સમર્થન અપાયું હતું કે ટ્યૂબ ડ્રાઈવર્સ અને સ્ટેશન સ્ટાફને વાર્ષિક 8.4 ટકાનો વધારો મળશે જે એપ્રિલ અને જૂન વચ્ચે અમલી બનાવાશે. ટ્યૂબ ડ્રાઈવર્સને લગભગ વાર્ષિક 59,000 પાઉન્ડનું વેતન મળે છે જે હિસાબે તેમને આશરે 5,000 પાઉન્ડનો વધારો મળશે. આ વેતનવધારાના અમલથી TfLના શિરે આશરે 100 મિલિયન પાઉન્ડનો બોજો આવશે.

• લોર્ડ ટેબિટની અડધી સદી પછી પાર્લામેન્ટમાંથી વિદાયઃ

લોર્ડ ટેબિટે અડધી સદી કરતાં વધુ સમય 52 વર્ષ પછી પાર્લામેન્ટમાંથી વિદાય લીધી છે. લોર્ડ ટેબિટે માર્ગારેટ થેચરની સરકારના પૂર્વ કન્ઝર્વેટિવ કેબિનેટ મિનિસ્ટર, સાંસદ અને ઉમરાવ તરીકે પાર્લામેન્ટમાં હાજરી આપી હતી. તેઓ સૌપ્રથમ 1970માં હાઉસ ઓફ કોમન્સમાં ચૂંટાયા હતા. 1992માં કેમન્સ છોડ્યા પછી કન્ઝર્વેટિવ પાર્ટીના પૂર્વ ચેરમેનને આજીવન લોર્ડ બનાવાયા હતા. ઉપલા ગૃહે લોર્ડ ટેબિટની સુદીર્ઘ કારકિર્દીને વધાવી લઈ ભાવભીની વિદાય આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter