• પાસપોર્ટમાં મદદ માટે ડ્યૂક ઓફ યોર્કને નાણા ચૂકવાયાઃ

Wednesday 06th April 2022 03:01 EDT
 

ડેપ્યુટી હાઈ કોર્ટ જજ ડેવિડ હાલપર્નના ચુકાદામાં વૃદ્ધ ટર્કિશ મહિલા નેબાહટ ઈસ્બિલેનને પાસપોર્ટ મેળવવામાં મદદ કરવા માટે ડ્યૂક અને ડચેસ ઓફ યોર્કને 750,000 પાઉન્ડ ચૂકવાયા હોવાની રજૂઆત થઈ હોવાનું જણાવાયું છે. લંડનસ્થિત ટર્કિશ બિઝનેસમેન સેલમાન તુર્ક વિરુદ્ધના કેસમાં મિસિસ ઈસ્બિલેને દાવો કર્યો હતો કે તેમણે 2019ના નવેમ્બરમાં પ્રિન્સ એન્ડ્રયુ અને તેમની પૂર્વ પત્ની સારાહને 750,000 પાઉન્ડ ટ્રાન્સફર કરવા પરવાનગી આપી હતી. જોકે, ડ્યૂકે નાણા પરત કર્યા હોવાનું પણ ડોક્યુમેન્ટમાં જણાવાયું હતું. મિસિસ ઈસ્બિલેનના પતિને રાજકીય કેદી બનાવાયા પછી તેમને પોતાની સંપત્તિ તુર્કીમાંથી ખસેડવા મદદ જોઈતી હતી. પૂર્વ બેન્કર તુર્ક મદદ કરવા તૈયાર થયા હતા. મિસિસ ઈસ્બિલેન અને સેલમાન તુર્ક વચ્ચે લંડનની કોર્ટમાં દાવો ચાલી રહ્યો છે જેમાં તુર્કે 50 મિલિયન ડોલર (38 મિલિયન પાઉન્ડ)ની ઉચાપત કરી હોવાનો આક્ષેપ લગાવાયો છે. સેલમાન તુર્કે ટર્કિશ મહિલાને જણાવ્યું હતું કે તેમના પાસપોર્ટમાં મદદ કરવા બદલે તેમણે ડ્યૂક ઓફ યોર્કને ભેટ આપવી જોઈએ.

• મફત કોવિડ ટેસ્ટિંગ બંધ કરવાનું અયોગ્યઃ

ઈંગ્લેન્ડમાં તમામ NHS હોસ્પિટલ ટ્રસ્ટોનું પ્રતિનિધિત્વ કરતા NHS Providersએ ચેતવણી આપી છે કે સામૂહિક મફત કોવિડ ટેસ્ટિંગ બંધ કરી દેવાનું પગલું કવેળાનું છે. જે ઝડપ અને પ્રમાણથી સામૂહિક ફ્રી ટેસ્ટિંગ બંધ કરાયું છે તેનાથી આરોગ્યની અસમાનતા વધી જશે તેવો ભય વ્યક્ત કરાયો હતો. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ અનુસાર ઈંગ્લેન્ડમાં ગત સપ્તાહમાં 13માંથી 1 વ્યક્તિને કોવિડનો ચેપ લાગ્યો હતો જે સંખ્યા 4.1 મિલિયનની થવા જાય છે. તાજેતરના સપ્તાહોમાં હોસ્પિટલોમાં પ્રવેશનું પ્રમાણ પણ વધી ગયું છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે સૌથી ગરીબ કોમ્યુનિટીઝને આનાથી વધુ સહન કરવાનું આવશે કારણકે તેઓ નિયમિત કોવિડ ટેસ્ટિંગનો બોજો ઉઠાવી શકે તેમ નથી.

• ઈન્ફોસિસે મોસ્કો ઓફિસ બંધ કરીઃ

ચાન્સેલર રિશિ સુનાકની પત્ની અક્ષતા અંદાજે 690 મિલિયન પાઉન્ડનો હિસ્સો ધરાવે છે તે ભારતીય આઈટી કંપની ઈન્ફોસિસે તેની મોસ્કો ઓફિસ તાકીદે બંધ કરી છે. રિશિ સુનાકના સસરા નારાયણમૂર્તિ આ કંપનીના સહસ્થાપક છે. ઈન્ફોસિસમાં 0.91 ટકાનો હિસ્સો ધરાવતા અક્ષતા મૂર્તિએ કંપની પાસેથી વાર્ષિક 11.5 મિલિયન પાઉન્ડનું ડિવિડન્ડ મેળવ્યું છે ત્યારે રશિયા સાથે તેના સંબંધ વિશે સુનાક સામે પ્રશ્નો ઉઠાવાયા હતા. ઈન્ફોસિસના સૂત્રે જણાવ્યું હતું કે કંપનીએ તેની રશિયન ઓફિસ બંધ કરવાની અને ત્યાંના સ્ટાફને અન્ય દેશોમાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. કંપનીના પ્રવક્તાએ રશિયન ઓફિસ બંધ કરાવા પાછળ સુનાક પર રાજકીય દબાણ કારણભૂત હોવા વિશે કોઈ ટીપ્પણી કરવાનું નકાર્યું હતું. સુનાકે યુક્રેન પર રશિયન આક્રમણના સંદર્ભે બ્રિટિશ કંપનીઓને રશિયામાંથી બહાર નીકળી જવા વારંવાર હાકલ કરી હોવાના પગલે રશિયા સાથે સંબંધો ધરાવતી ભારતીય કંપનીમાં તેમની પત્ની અક્ષતાના આર્થિક હિતો મુદ્દે પ્રશ્ન ઉઠાવાયો છે. એસેન્ચર, ઓરેકલ, KPMG, McKinsey, PwC અને SAP સહિતની ગ્લોબલ આઈટી અને કન્સલ્ટન્સી કંપનીઓએ રશિયામાંથી ઉચાળા ભરવાં છતાં ઈન્ફોસિસે તેની કામગીરી ચાલુ રાખી હતી.

• સિટી હોલ સ્ટાફને ગૂપચૂપ નાણા ચૂકવાયાઃ

સાદિક ખાન લંડનના મેયર બન્યા પછી સિટી હોલના સ્ટાફને નોકરીમાંથી તેમની વિદાય પછી મોં બંધ રાખવાની સમજૂતીઓ હેઠળ 1,068,757 પાઉન્ડની રકમો ચૂકવાઈ હોવાનું બહાર આવ્યું છે. આ ચૂકવણીને ‘સેટલમેન્ટ એગ્રીમેન્ટ તરીકે ઓળખાવાઈ છે અને 2017 પછી આવી કુલ 56 સમજૂતી કરાઈ છે. આમાંથી 41 કર્મચારી પ્રત્ક્ષ અથવા પરોક્ષ રીતે સાદિક ખાનની હેઠળ અને 15 કર્મચારી લંડન એસેમ્બલી માટે કામ કરતા હતા. મેયર હેઠળના કર્મચારીને સરેરાશ 18,800 પાઉન્ડ અને એસેમ્બલી કર્મચારીને સરેરાશ 20,000 પાઉન્ડની ચૂકવણી કરાઈ હોવાનું ફ્રીડમ ઓફ ઈન્ફોર્મેશન એક્ટ હેઠળની વિનંતીમાં જાણવા મળ્યું હતું.

• ઓક્સફર્ડ કોલેજે બળાત્કારની ફરિયાદ દબાવીઃ

ઓક્સફર્ડ કોલેજે અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થિનીએ યુનિવર્સિટી રૂમમાં અન્ય સ્ટુડન્ટ દ્વારા કરાયેલા હિંસક બળાત્કારની કરેલી ફરિયાદને દબાવી દીધી હતી. અગાઉ માત્ર મહિલાઓ માટેની કોલેજ લેડી માર્ગારેટ હોલ દ્વારા પીડિત વિદ્યાર્થિનીને લેખિતમાં આ કથિત જાતીય હુમલા, તેની સલામતી વ્યવસ્થા સંદર્ભે સોશિયલ નેટવર્ક્સ અથવા મીડિયાને કશું જાહેર નહિ કરવા ચેતવણી અપાઈ હતી. અખબારોમાં આ ઘટના વિશે જાહેર નહિ કરવાની શરતોનો ભંગ કરાશે તો તેને લેડી માર્ગારેટ હોલ કોલેજમાંથી હાંકી કાઢવામાં આવશે તેમ તેને જણાવાયું હતું. આ યુવતીએ ધ ટાઈમ્સને જણાવ્યું હતું કે તે નિદ્રાધીન હતી ત્યારે તેની સાથે રિલેશનશિપમાં રહેલા કથિત હુમલાખોરે બેડરુમમાં પ્રવેશ કરી તેની સાથે બળાત્કાર કર્યો હતો. યુવતીના વકીલોએ જણાવ્યા મુજબ ધ ગાર્ડિયનના પૂર્વ એડિટર એલન રસબ્રિજર 2015થી 2021ના ગાળામાં કોલેજના પ્રિન્સિપાલ હતા ત્યારે ‘મોં બંધ રાખવા’નો નિયમ લાગુ કરાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter