પાર્ટીગેટ કૌભાંડમાં સ્યૂ ગ્રે ઈન્ક્વાયરીનો ફાઈનલ રિપોર્ટ સાંસદો ઈસ્ટરના વિરામ પછી પાર્લામેન્ટમાં પરત ફરે ત્યારે ટુંક સમયમાં જાહેર કરી દેવાશે જેમાં, વડા પ્રધાનની વર્તણૂક વિશે ભારે ટીકા હોવાનું કહેવાય છે. બોરિસ જ્હોન્સન માટે તે મુશ્કેલી ઉભી કરી શકે છે. પોલીસ દ્વારા આવી પાર્ટીઓમાં હાજર રાજકીય મહાનુબાવો અને અધિકારીઓને પેનલ્ટી નોટિસ મોકલી છે તેનાથી મુદ્દાનો અંત આવી જવાનો નથી. આમ તો આ રિપોર્ટ જાન્યુઆરીમાં જાહેર કરાવાનો હતો પરંતુ, સ્કોટલેન્ડ યાર્ડે 12 લોકડાઉન પાર્ટીઓ સંદર્ભે ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન હાથ ધરતાં રિપોર્ટ અટકાવી દેવાયો હતો. જોકે, જ્હોન્સન અને રિશિ સુનાકને પેનલ્ટી નોટિસ મળી હોવાનું બહાર આવી જતા સંપૂર્ણ રિપોર્ટ જાહેર કરવાનો માર્ગ મોકળો બની ગયો છે. હાઉસ ઓફ કોમન્સ 19 એપ્રિલ અને હાઉસ ઓફ લોર્ડ્સ 25 એપ્રિલથી કાર્યરત થનાર છે. વ્હાઈટહોલ એથિક્સના પૂર્વ વડા સ્યૂ ગ્રે બંને હાઉસીસ કાર્યરત થાય તેની રાહ જુએ છે. સ્યૂ ગ્રેએ મે 2020થી એપ્રિલ 2021ના ગાળામાં ડાઉનિંગ સ્ટ્રીટ અને તેની આસપાસ યોજાયેલા 16 પાર્ટી ઈવેન્ટ્સની તપાસ કરી હતી.
• ટાઈમ આઉટ લંડનનું પ્રિન્ટિંગ બંધઃ
ટાઈમ આઉટ ગ્રૂપ દ્વારા જૂન મહિનાથી ટાઈમ આઉટ લંડનનું પ્રિન્ટિંગ બંધ કરવાની જાહેરાત કરાઈ છે. આ સાથે વધુ એક મોટી અને પ્રતિષ્ઠિત સંસ્થા ડિજિટલ ક્ષેત્રમાં ફેરવાઈ જશે. પબ્લિશિંગ મીડિયા અને હોસ્પિટાલિટી બિઝનેસ ગ્રૂપે જણાવ્યું છે કે તેઓ ડિજિટલ ચેનલ્સ, લાઈવ ઈવેન્ટ્સ તેમજ સમગ્ર વિશ્વમાં સાત શહેરોમાં સ્ટ્રીટ ફૂડના સ્થળોનું સંચાલન કરતા ટાઈમ આઉટ માર્કેટ પર ધ્યાન કેન્દ્રિત કરશે. મેગેઝિનના સ્થાપક ટોની ઈલિયટે 1968માં તેમના સગાં પાસેથી 75 પાઉન્ડની ગિફ્ટ મળ્યા પછી કીલે યુનિવર્સિટીમાંથી બિઝનેસની શરૂઆત કરી હતી. તેમનું જુલાઈ 2020માં અવસાન થયું ત્યાં સુધી કંપની સાથે સક્રિયપણે સંકળાયેલા રહ્યા હતા. અત્યંત સફળ ટાઈમ આઉટ લંડન મેગેઝિન 59 દેશમાં માસિક 76 મિલિયન લોકોનું વૈશ્વિક ઓડિયન્સ ધરાવે છે.
• વિદ્યાર્થીના હુમલામાં શિક્ષકને £850,000નું વળતરઃ
લંડનની એક એકેડેમીના શિક્ષકને વિદ્યાર્થી દ્વારા કરાયેલા હુમલાના વળતર તરીકે 850,000પાઉન્ડ ચૂકવાશે. અન્ય બાળકો અને શિક્ષકો સાથે હિંસાત્મક વર્તન માટે પંકાયેલા વિદ્યાર્થીએ સાયન્સના વર્ગ દરમિયાન શિક્ષકને માથા અને ચહેરા પર ફટકા તેમજ લાતોથી ફટકાર્યા હતા. જાન્યુઆરી 2017ની આ ઘટનાના પરિણામે શિક્ષકને ગંભીર ઈજા પહોંચી હતી તેમજ તેમની માનસિક હાલત પણ બગડી હતી. હવે તેઓ ફરી શિક્ષક તરીકે કામગીરી બજાવી શકે તેમ ન હોવાનું NASUWT ટ્રેડ યુનિયને જણાવ્યું છે. એકેડેમી ચેઈન માટે કામ કરતા શિક્ષકને સંસ્થાના ઈન્સ્યુરર્સ દ્વારા વળતરની રકમ ચૂકવાશે. અન્ય કિસ્સામાં ખોટી રીતે નોકરીમાંથી બરતરફ કરાયેલી ડ્રામા શિક્ષિકાને યુનિયને 80,000 પાઉન્ડનું વળતર અપાયું છે. શિક્ષિકા તેમના ક્લાસરૂમની નવસજાવટથી જીવલેણ અસ્થમાનો શિકાર બન્યા હતા અને શાળામાં જ અસ્થમાનો એટેક આવ્યો હતો.
• હોમ ઓફિસ વિઝા સર્વિસે માફી માગીઃ
હોમ ઓફિસના પ્રાઈવેટ વિઝા કોન્ટ્રાક્ટરે મોકલેલા ઈમેઈલમાં 170થી વધુ સરનામાઓનો ડેટા ભૂલથી મોકલી દીવા બદલ અરજદારોની માફી માગવી પડી છે. હોમ ઓફિસ વતી યુકે વિઝા એન્ડ સિટિઝનશિપ એપ્લિકેશન સર્વિસ (UKVCAS)નું સંચાલન કરતા પ્રાઈવેટ કોન્ટ્રાક્ટ સોપ્રા સ્ટીરીઆએ વિઝા એપોઈન્ટમેન્ટનું સ્થળ બદલાયાની જાણ કરતો ઈમેઈલ 7 એપ્રિલ 2022ના દિવસે અરજદારોને મોકલ્યો હતો. આ ઈમેઈલમાં ભૂલથી ખાનગી જીમેઈલ એકાઉન્ટ્સના તેમજ વિવિધ કંપનીઓના વકીલોના ઈમેઈલ એડ્રેસીસ પણ કોપી થઈ ગયા હતા. બીજા દિવસ 8 એપ્રિલની સાંજે ડેટા ભંગની ભૂલ થયાની અને તેના પરિણામે અસુવિધાની માફી માગતો ઈમેઈલ પણ મોકલી દેવાયો હતો. અગાઉ એપ્રિલ 2019ની ઘટનામાં સેંકડો યુરોપિયન યુનિયનના નાગરિકોના ઈમેઈલ એડ્રેસીસ જાહેર કરી દેવાયા હતા તે બાબતે પણ હોમ ઓફિસે માફી માગવી પડી હતી.
• કેબિનેટ ઓફિસ ડાયરેક્ટર આનંદ ઐથલનું નોન-ડોમ સ્ટેટસઃ
સૌથી સીનિયર કેબિનેટ ઓફિસ ડાયરેક્ટર્સમાં એક આનંદ ઐથલ પણ નોન-ડોમ સ્ટેટસ ધરાવતા હોવાનું બહાર આવ્યું છે. આના પરિણામે, પસંદગીપાત્ર ટેક્સ સ્ટેટસ ધરાવવા મુદ્દે ધારાધોરણના વધુ પ્રશ્નો ઉભા થવાની શક્યતા છે. લેબર પાર્ટીએ નોન-ડોમ ટેક્સ સ્ટેટસ પર ત્રાટકવાના શપથ લીધા છે. ગોલ્ડમેન શાક્સના પૂર્વ મેનેજિંગ ડાયરેક્ટર આનંદ ઐથલ કેબિનેટ ઓફિસમાં નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે તેમજ ડાઉનિંગ સ્ટ્રીટના ચીફ ઓફ સ્ટાફ સ્ટીવ બાર્કલે સાથે ગાઢ સંબંધ હોવા ઉપરાંત, 2019થી વિભાગમાં નોંધપાત્ર જવાબદારી સંભાળે છે. ભારતનું ડોમિસાઈલ ધરાવતા ઐથલે યુકે અને વિદેશની તમામ આવકો પર યુકેમાં ટેક્સીસ ચૂકવ્યા છે. ઐથલનો જન્મ યુકેમાં થયો હતો પરંતુ, ભારતમાં જન્મેલા પિતા મારફત તેમણે નોન-ડોમ સ્ટેટસ મેળવ્યું છે. ઐથલે યુએસ, સિંગાપોર, હોન્ગ કોન્ગ, ભારત, શ્રીલંકા અને કોસ્ટા રિકામાં કામ કરેલું છે.
• ડચ બેન્કે ગુલામોના વેપાર માટે માફી માગીઃ
ડચ બેન્ક ABN Amro એ ગુલામીના વેપારમાં પોતાની ભૂમિકા બદલ માફી માગી છે. નેધરલેન્ડ્સના સંસ્થાનવાદી ભૂતકાળમાં પીડાદાયક સમયગાળા વિશે ચર્ચા વધી રહી છે ત્યારે આટલાન્ટિક ગુલામીના વેપારમાં ભૂમિકા બદલ માફી માગનારી ABN Amro ત્રીજા ક્રમની સૌથી મોટી ડચ બેન્ક છે. બેન્કના કાયદેસરના કેટલાક પુરોગામીઓ18મી અને 19મી સદીમાં પ્લાન્ટેશન તથા ગુલામી દ્વારા ઉત્પાદિત વસ્તુઓના વેપાર મારફત ગુલામીની પ્રવૃત્તિમાં સંકળાયેલા હોવાનું બેન્ક દ્વારા જ કરાવાયેલા એક અભ્યાસમાં જાહેર કરાયું છે. બેન્કની એક પુરોગામી અને નેધરલેન્ડ્સની સૌથી મોટી ફાઈનાન્સિયલ અને કોમર્શિયલ કંપની Hope & Coએ 18મી સદીમાં આંતરરાષ્ટ્રીય ગુલામ અર્થતંત્રમાં પાયાની ભૂમિકા ભજવી હતી. અન્ય પુરોગામી કંપની Mees en Zoonen ગુલામોના જહાજો અને ગુલામો દ્વારા ઉત્પાદિત માલસામાનના શિપમેન્ટના ઈન્સ્યુરન્સ સાતે સંકળાયેલી હતી. નેધરલેન્ડ્સમાં 1863માં ગુલામી નાબૂદ કરાઈ તે પહેલાં ત્યાંના ઉચ્ચ નાણાકીય મહારથીઓ ગુલામી સાથે પ્રત્યક્ષ સંબંધ ધરાવતા હતા.
• સગર્ભા નવવધૂનું હનીમૂન પર મોતઃ
સગર્ભા નવવધૂ ફૌઝિયાહ જાવેદનું અતિશય ઊંચાઈએથી નીચે પડી જવાથી 2 સપ્ટેમ્બર,2021ના દિવસે કરૂણ મોત નીપજ્યું હતુ. તેના 27 વર્ષીય પતિ કાશિફ અનવર સામે 31 વર્ષીય સોલિસીટર ફૌઝિયાહની હત્યાનો આરોપ લગાવાયો છે. ઓગસ્ટની 29મીએ લગ્ન પછી સ્કોટલેન્ડમાં હનીમૂન પર ગયેલી ફૌઝિયાહ એડિનબરાની આર્થર્સ સીટ પરથી પડી ગઈ હતી. વેકફિલ્ડ કોરોનર્સ કોર્ટમાં આસિસ્ટન્ટ કોરોનર જ્હોન હોબ્સને પેથોલોજિસ્ટના રિપોર્ટના પ્રાથમિક તારણો જણાવ્યા પછી વધુ તપાસ માટે ઈન્ક્વેસ્ટ મુલતવી રખાઈ હતી.
• કોવિડગ્રસ્ત ડોક્ટરની આત્મહત્યાઃ
લોન્ગ કોવિડથી અસરગ્રસ્ત 27 વર્ષીય ડોક્ટર અભિજીત તાવરેએ લાંબી માંદગીથી કંટાળીને માતાની કારમાં આત્મહત્યા કરી લીધી હોવાનું ઈન્ક્વેસ્ટમાં જાહેર કરાયું હતું. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં તાલીમબદ્ધ ડોક્ટર તાવરેને સપ્ટેમ્બર 2020માં કોરોના વાઈરસનો ચેપ લાગ્યો હતો. સાજા થયા પછી પણ તેમને લોન્ગ કોવિડના લક્ષણો રહેવાથી તેમનું સ્વાસ્થ્ય ખરાબ થયું હતું. લોન્ગ કોવિડના કારણે તેઓ ઈન્ટરનેશનલ મેનેજમેન્ટ કન્સલ્ટિંગ કંપની માટે કામ કરી શકે તેવી સ્થિતિમાં રહ્યા ન હતા.તેમણે પાંચ અલગ અલગ ડોક્ટર અને થેરાપિસ્ટની સલાહ મેળવી હતી પરંતુ, તબિયતમાં કોઈ સુધારો જમાયો ન હતો. તેઓ 29 ઓક્ટોબરે બુશીમાં માતાની કારની પાછળ મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમના બેડરૂમમાંથી સ્યુસાઈડ નોટ્સ મળી આવી હોવાનું હર્ટફોર્ડ ઈન્ક્વેસ્ટમાં જણાવાયું હતું.

