કોર્ટમાં ચાલતા કાનૂનીયુદ્ધના પરિણામે નેશનલ લોટરી સામે 30 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત સસ્પેન્ડ કરાવાનું જોખમ સર્જાયું છે. વર્ષ 2024થી નેશનલ લોટરી ચલાવવાનું લાયસન્સ ઝેક બિલિયોનેર કારેલ કોમારેકની કંપની ઓલ્વીનને સોંપવાના ગેમ્બલિંગ કમિશનના નિર્ણયને વર્તમાન ઓપરેટર કેમલોટે પડકાર્યો છે. આ કેસનો નિર્ણય આવતા મહિનાઓ કે વર્ષો પણ લાગી શકે છે. આના કારણે બે વર્ષના ગાળામાં નેશનલ લોટરીના મલ્ટિ-મિલિયન ડ્રો સસ્પેન્ડ થઈ શકે છે. જો આમ કરાશે તો કેમલોટ હેઠળ લોટરીની રકમ જીતનારા ખેલાડીઓ કેમલોટ દ્વારા રમતનું સંચાલન ન થતું હોય તેવા સંજોગોમાં પોતાની ઈનામી રકમનો ક્લેઈમ કરી શકશે નહિ. આ ઉપરાંત, લોટરીની રમત મારફત સારા કાર્યો કે હેતુઓ માટે નાણા એકત્ર કરાય છે તેને પણ સીધું નુકસાન જશે. ઓલ્વીન કંપનીએ સારા કાર્યો માટે 38 બિલિયન પાઉન્ડ આપવાની બાંહેધરી આપી છે.
• ઓટમમાં કોવિડ બૂસ્ટરની કમિટીની ભલામણઃ
ભવિષ્યમાં કોવિડની લહેર આવવા વિશે તર્કવિતર્ક રહેવાં છતાં, શિયાળામાં તેનું સૌથી વધુ જોખમ રહેવાની શક્યતા છે. સરકારની જોઈન્ટ કમિટી ઓન વેક્સિનેશન એન્ડ ઈમ્યુનાઈઝેશન (JCVI) દ્વારા નિર્બળ અને અક્ષમ જૂથો તથા હેલ્થ અને સોશિયલ કેર સ્ટાફને ઓટમમાં વેક્સિન બૂસ્ટર ડોઝ આપવાની ભલામણ કરાઈ છે. આ બૂસ્ટર કાર્યક્રમથી કોવિડની તીવ્રતા, હોસ્પિટલાઈઝેશન અને શિયાળામાં મોતની સામે વસ્તીને ઈમ્યુનિટી અને રક્ષણમાં વધારો થશે. કમિટીએ કહ્યું છે કે વયોવૃદ્ધોને કેર હોમ્સમાં, ફ્રન્ટલાઈન હેલ્થ અને સોશિયલ કેર વર્કર્સ તેમજ 65 અને તેથી વધુ વયના તમામ લોકો અને ક્લિનિકલી જોખમ ધરાવતા 16થી 64 વયજૂથના લોકોને વેક્સિન અપાવું જોઈએ. ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોશિયલ કેર (DHSC) દ્વારા ભલામણને આવકાર અપાયો છે અને કમિટીની આખરી ભલામણો વિશે વિચારવા ખાતરી આપી છે.
• NHSમાંથી 27,133 નર્સીસ અને મિડવાઈવ્ઝની વિદાયઃ
સમગ્ર યુકેમાં નર્સીસની અછત વર્તાઈ રહી છે. કોવિડ ત્રાટક્યા પછીના સમયગાળામાં NHSને છોડનારી નર્સીસ અને મિડવાઈવ્ઝની સંખ્યા 27133ના વિક્રમી સ્તરે પહોંચી છે જેના મુખ્ય કારણ નોકરીના તણાવ, કોવિડ મહામારી અને પેશન્ટ્સની નબળી દેખભાળના અપાયા છે. નર્સિંગ એન્ડ મિડવાઈફરી કાઉન્સિલ (NMC )ના રિપોર્ટ અનુસાર ગયા વર્ષે 25,219 નર્સીસ, 1,474 મિડવાઈફ અને બંને કાર્ય કરનાર 304 હેલ્થ વર્કરે નોકરી છોડી દીધી હતી. કોવિડ મહામારી ત્રાટકી તે વર્ષ 2020માં 23,934 તેમજ તે અગાઉના વર્ષ 2019માં 25,488 નર્સીસ અને મિડવાઈવ્ઝ નોકરી છોડી ગયાં હતાં. જોકે, બંને પ્રોફેશન્સમાં 48,436 નર્સીસ અને મિડવાઈવ્ઝ જોડાયાં છે જેમાં વિદેશથી આવેલા પ્રોફેશનલ્સની સંખ્યા અડધોઅડધ એટલે કે 23,408 ની છે તેમજ તેમાંથી ભારતથી ભરતી કરાયેલી સંખ્યા 66 ટકા જેટલી છે. ઈંગ્લેન્ડના NHSમાં 40,000થી વધુ નર્સીસ અને 8,000થી વધુ ડોક્ટર્સની જગ્યા ખાલી પડી છે.
• પ્રિસ્ક્રીપ્શન ચાર્જિસ સ્થગિત કરાયાઃ
હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે જીવનનિર્વાહ કટોકટીની ભીંસ હળવી કરવા પ્રિસ્ક્રીપ્શન ચાર્જિસ સ્થગિત કર્યા છે. જાવિદે કહ્યું હતું કે લોકોના ખિસ્સામાં વધુ રકમ મૂકવા માટે આ વર્ષે પ્રિસ્ક્રીપ્શન ચાર્જિસ સ્થગિત કરાયા છે. હેલ્થ એન્ડ સોશિયલ કેર વિભાગ (DHSC)ના જણાવ્યા અનુસાર 12 વર્ષમાં પહેલી વખતના આ પગલાંથી પેશન્ટ્સને 17 મિલિયન પાઉન્ડની બચત થશે. આનો અર્થ એ છે કે સિંગલ પ્રિસ્ક્રીપ્શનના ચાર્જિસ 9.35 પાઉન્ડ યથાવત રહેશે જ્યારે 3 મહિના અને 12 મહિનાના પ્રિસ્ક્રીપ્શન પ્રીપેમેન્ટ સર્ટિફિકેટ (PPC)ના ચાર્જિસ અનુક્રમે 30.25 પાઉન્ડ અને 108.10 પાઉન્ડ રહેશે. વાર્ષિક PPC ચાર્જ હપ્તાવાર ચૂકવી શકાશે.
• શિક્ષક દ્વારા સ્કૂલગર્લ્સનું યૌનશોષણઃ
બર્મિંગહામના 28 વર્ષીય શિક્ષક મહમૂદ તૈમુર સામે શાળાની છોકરીઓ પર જાતિય હુમલા અને શોષણના આરોપો લગાવાયા છે. વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે જણાવ્યું હતું કે કેટલીક ઘટના તે ફરજ પર હતો ત્યારે બની હતી. શાળાએ તૈમુરને ફરજ પરથી સસ્પેન્ડ કર્યો છે. વોલ્સાલ મેજિસ્ટ્ર્સ કોર્ટમાં તૈમુર વિરુદ્ધ આ વર્ષના જાન્યુઆરી અને મે મહિનાના ગાળામાં ચાર સ્કૂલગર્લ્સ પર યૌનશૌષણનો આરોપ લગાવાયો હતો અને તેને ડિસ્ટ્રિક્ટ જજ ડેવિડ મૂરે દ્વારા પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ પર મોકલી અપાયો હતો. સૌપહેલા 9 મેએ ધરપકડ પછી તેને શરતી જામીન અપાયા હતા પરંતુ, 14 મે શનિવારે તેની ફરી અટકાયત કરાઈ હતી. હવે તેને 13 જૂને બર્મિંગહામ ક્રાઉન કોર્ટ સમક્ષ રજૂ કરાશે.
• પોલીસની સ્ટોપ એન્ડ સર્ચ સત્તા યથાવતઃ
હિંસક અપરાધો પર કાબુ મેળવવાની સરકારની રણનીતિના ભાગરૂપે હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે પોલીસની સ્ટોપ એન્ડ સર્ચ સત્તાના ઉપયોગ પરના નિયંત્રણો કાયમી ધોરણે હટાવી લીધા છે. હોમ સેક્રેટરીએ પોલીસ ફોર્સને પાઠવેલા પત્રમાં ક્રિમિનલ જસ્ટિસ એન્ડ પબ્લિક ઓર્ડ એક્ટના સેક્શન 60 અન્વયે આ સત્તાના ઉપયોગ પરની શરતો હળવી કરવાની જાહેરાત કરી હતી. સેક્શન 60હેઠળ પોલીસ અધિકારીઓને ગંભીર હિંસાની આશંકા હોય તેવા વિસ્તારોમાં કોઈ તાર્કિક ધોરણ વિના લોકોને તપાસવા તેમજ ઉપયોગ થઈ શકે તે પહેલા જ અથવા તાજેતરના હુમલામાં ઉપયોગમાં લેવાયેલાં શસ્ત્રોની શોધખોળ કરવાની સત્તા મળે છે. આ સાથે 2014માં તતચ્કાલીન હોમ સેક્રેટરી થેરેસા મે દ્વારા મૂકાયેલી મર્યાદાઓ સમાપ્ત થાય છે.
• પાસપોર્ટ ઓફિસ દ્વારા ભરતી અભિયાનઃ
લોકોને પાસપોર્ટ મળવામાં થતાં ભારે વિલંબ વચ્ચે પાસપોર્ટ ઓફિસ દ્વારા ભરતી અભિયાન શરૂ કરાયું છે. અરજીઓનો ધસારો દૂર કરવાના અભિયાનમાં 99 ઓપરેશનલ ટીમ લીડર્સ અને કાઉન્ટર ટીમ લીડર્સની ભરતીનો સમાવેશ થાય છે. પાસપોર્ટ ઓફિસે જણાવ્યું છે કે ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ મેળવવાની માગ અભૂતપૂર્વ છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને પાસપોર્ટ પ્રોસેસિંગમાં બેકલોગ બાબતે હોમ ઓફિસ એજન્સીનો ઉધડો લીધો હતો. એજન્સીનું કહેવું છે કે કોવિડ સંબંધિત પ્રવાસ નિયંત્રણો લાગુ હતા ત્યારે પાસપોર્ટ માટે અરજી નહિ કરનારા આશરે પાંચ મિલિયન લોકોએ કરેલી અરજીથી પ્રોસેસિંગમાં વિલંબ થયો હતો. એજન્સીને આ વર્ષે અંદાજે 9.5 મિલિયન અરજી મળવાની ધારણા છે જે સામાન્ય કરતાં ત્રણ મિલિયન વધુ છે.
• નીઓ-નાઝી ગ્રૂપના સ્થાપક એલેક્સ દોષીઃ
હિંસક નીઓ-નાઝી ગ્રૂપ નેશનલ એક્શનના સ્થાપક એલેક્સ ડેવિસને દોષિત ઠરાવતો ચુકાદો અપાયા પછી તેને જેલ થવાની શક્યતા છે. કોર્ટમાં સૌથી મોટા નાઝી ગણાવાયેલ 27 વર્ષીય એલેક્સ ડેવિસ નીઓ નાઝી નેશનલ એક્શન (NA) ગ્રૂપને ડિસેમ્બર 2016માં પ્રતિબંધિત ઠરાવાયા પછી પણ તેના સભ્ય તરીકે ચાલુ રહ્યો હતો. ડેવિસ સહિત 19 સભ્યો દોષિત ઠરાવાયેલા છે. ડેવિસને ઓલ્ડ બેઈલી કોર્ટ ખાતે 7 જૂને સજાની જાહેરાત કરાશે. ગ્રૂપના સભ્યો તલવાર, ધારિયા, ફાયરઆર્મ્સ અને તીરથી સજ્જ રહેતા હતા અને સમગ્ર યુકેમાં ‘વ્હાઈટ જેહાદ’ની કાવતરું ઘડતા હતા. ગ્રૂપ પર પ્રતિબંધ પછી એલેક્સે નવું ગ્રૂપ બનાવ્યું હતું અને મૂળ ગ્રૂપ સાથે સંબંધ યથાવત રહ્યા હતા.
• હોસ્પિટલોએ સ્ટાફ માટે ફૂડબેન્ક્સ સ્થાપીઃ
યુકેની હોસ્પિટલોએ જીવનનિર્વાહ કટોકટી સામે ઝઝૂમી રહેલા સ્ટાફ માટે ફૂડબેન્ક્સ સ્થાપી છે અને હાર્ડશિપ લોન્સની પણ વ્યવસ્થા કરી છે. યુકેની નર્સીસ, મિડવાઈવ્ઝ અને હેલ્થકેર આસિસ્ટન્ટ્સને નાણાકીય કટોકટીમાં સપોર્ટ કરતી નર્સિંગ ચેરિટી ધ કેવેલ નર્સીસ ટ્રસ્ટે જણાવ્યા મુજબ 2021ની સરખામણીએ 2022માં તાકીદની નાણાકીય મદદ માગતા વર્કર્સની સંખ્યામાં 140 ટકાનો વધારો થયો છે. છ NHS ટ્રસ્ટોએ ફૂડબેન્ક્સ સ્થાપી છે અથવા ફૂડ વાઉચર સ્કીમ લોન્ચ કરી છે જેથી સ્ટાફને જીવનનિર્વાહના વધતા ખર્ચમાં મદદ મળી શકે. અન્ય હોસ્પિટલો પણ આ મુદ્દે વિચાર કરી રહી છે. કેટલીક હોસ્પિટલોએ ઈમર્જન્સી લોન્સ ઓફર કરી છે જ્યારે કેટલીક હોસ્પિટલોએ સ્ટાફ-વર્કર્સને અપાતા ટ્રાવેલ ખર્ચની ચૂકવણી વધારી છે. લંડનનું એક ટ્રસ્ટ ફૂડ સ્વેપિંગ પ્રોગ્રામ લોન્ચ કરવા વિચારે છે. વર્કર્સ દ્વારા ખોરાક ઉપરાંત, ક્લોથ્સ બેન્ક અને વસ્ત્રોની અદલાબદલી કરવાની માગણી પણ થઈ રહી છે. ફ્યૂલના વધતા ભાવની પોકેટ પર અસર થઈ જ છે અને હવે પરિવારને ખવડાવવાની મુશ્કેલી પણ સર્જાઈ રહી છે.
• વરિષ્ઠ ટોરી સાંસદ સામે આક્ષેપોઃ
કન્ઝર્વેટિવ પાર્ટીના સીનિયર સાંસદ સામે ડ્રિન્ક્સમાં જાતીય ઉત્તેજના લાવતા ડ્રગ્સની મેળવણી કરવાના અને ચાર વ્યક્તિ પર તેના દુરુપયોગના આક્ષેપો છે. એક વિક્ટીમે આક્ષેપ કર્યો હતો કે તે જાગ્યો ત્યારે તેની છાતી સાથે છેડછાડ થઈ રહી હતી. વરિષ્ઠ ટોરી સાંસદે ચાર વિક્ટીમ્સ પર ડ્રિન્ક્સમાં ડેટ-રેપ ડ્રગ્સ મેળવી તેમનો દુરુપયોગ કર્યો હોવાના ગંભીર આક્ષેપો વેસ્ટમિન્સ્ટરમાં ફરી રહ્યા છે. એમ કહેવાય છે કે આ ડ્રગ્સ આપીને લેબર સાંસદ સાથે પણ અશ્લીલ વ્યવહાર કરાયો હતો. અન્ય કન્ઝર્વેટિવ સાંસદે પણ પોતાના મિત્રોને કહ્યું હતું કે તેને પણ આ ડ્રગ્સનો ખરાબ અનુભવ થયો હતો. કન્ઝર્વેટિવ પાર્ટીમાં આ સાંસદનું નામ ખુલ્લેઆમ ચર્ચાઈ રહ્યું છે પરંતુ, જાહેર કરાતું નથી. એમ કહેવાય છે કે સંબંધિત સાંસદે પોતાને દોષમુક્ત ઠરાવવા જાતે જ પોલીસ સમક્ષ જવું જોઈએ. વર્ષ 2017ના સેક્સકૌભાંડમાં આ સાસંદે ડેટ-રેપ ડ્રગ્સનો સૌપ્રથમ ઉપયોગ કર્યો હોવાના પણ આક્ષેપો છે. યુકેમાં 2018 પછી 56 જેટલા સાંસદોની અનુચિત વર્તણૂક બાબતે તપાસ કરાઈ છે. સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે તમામ આક્ષેપોને ગંભીરતાથી લેવાઈ રહ્યા છે.
• LGBT કોન્ફરન્સ રદ કરાતા સરકારને ખોટઃ
ટ્રાન્સજેન્ડર લોકો માટે કન્વર્ઝન થેરાપી પ્રતિબંધિત કરવા મુદ્દે સરકારના વલણના વિવાદના પગલે વૈશ્વિક ‘ સેઈફ ટુ બી મી - Safe To Be Me’ કોન્ફરન્સ રદ કરી દેવાઈ છે. આના પરિણામે, સરકારને સમય અને તૈયારી પાછળ500,000 પાઉન્ડથી વધુનું નુકસાન થવાની શક્યતા છે. આ કોન્ફરન્સ લંડનમાં 29 જૂનથી શરૂ થવાની હતી. ટ્રાન્સજેન્ડર સહિતના લોકો માટે કન્વર્ઝન થેરાપી પર પ્રતિબંધ લગાવવાના વચનને બોરિસ જ્હોન્સન વળગી નહિ રહે તો કોન્ફરન્સમાં ભાગ નહિ લેવા LGBT+ અને HIV જૂથોએ જણાવ્યા પછી એપ્રિલ મહિનાની શરૂઆતે જ તે રદ કરવા જાહેર કરાયું હતું. સરકારે કન્વર્ઝન થેરાપી પર પ્રાથમિક કન્સલ્ટેશનની જાહેરાત કરી ત્યારે તેની દરખાસ્તોમાં તમામ LGBT લોકોના રક્ષણનો ઈરાદો હતો. માર્ચ મહિનામાં સરકારે કાયદાની યોજનામાંથી પીછેહઠ કરી હતી પરંતુ, ઉગ્ર વિરોધ કરાતા ગણતરીના કલાકોમાં યુ-ટર્ન લઈ લીધો હતો.
• એમેઝોનને યુકે સરકારમાંથી ભારે કમાણીઃ
અમેરિકન કંપની એમેઝોને યુકે સરકાર પાસેથી બે વર્ષમાં કોન્ટ્રાક્ટ્સ મેળવી 425 મિલિયન પાઉન્ડની કમાણી કરી છે. વિશ્વભરના દેશોમાંથી જાહેર નાણાનો ઉપયોગ ટેક કંપનીના વિકાસમાં થાય છે. એમેઝોનની ટીકા થઈ રહી છે કે તે દેશના ટેક્સમાં પૂરો ફાળો આપતી નથી પરંતુ, લાભ મેળવી જાય છે. એમેઝોનનો ભારે નફાકારક ક્લાઉડ કોમ્પ્યુટિંગ બિઝનેસ અપ્રત્યક્ષપણે કરદાતાઓના નાણાથી ચાલે છે કારણકે સરકારી કોન્ટ્રાક્ટ્સ હેઠળ સેંકડો બિલિયન્સ ડોલર તેને મળે છે. એમેઝોનને 2020માં સરકારી કોન્ટ્રાક્ટ્સ થકી 250 મિલિયન પાઉન્ડનો લાભ થયો હતો જે ગ્રૂપની મુખ્ય સબસીડીઅરીઝ દ્વારા તે વર્ષે ચૂકવાયેલા ટેક્સથી 10 ગણા કરતાં પણ વધુ હતો.
• રોયલ મેઈલ 500 ડ્રોન્સ વસાવશેઃ
યુકેની અંતરિયાળ કોમ્યુનિટીઝમાં મેઈલ પહોંચાડવા માટે રોય મેઈલ 500 ડ્રોન્સનો કાફલો વસાવવા માગે છે. આગામી ત્રણ વર્ષમાં આશરે 200 ડ્રોન્સથી નવા 50 રૂટ્સ પર મેઈલ મોકલવાની તૈયારી છે જેમાં, આઈલ્સ ઓફ સિસિલી, શેટલેન્ડ આઈલેન્ડ્સ, ઓર્કને આઈલેન્ડ્સ અને હેબરાઈડ્સને પહેલા લાભ મળશે. આ નવી સેવાને સિવિલ એવિએશન ઓથોરિટી પાસેથી મંજૂરી મળવી આવશ્યક છે. થોડા સમયથી રોયલ મેઈલ દ્વારા ડ્રોનથી પત્રોની ડિલિવરીનું પરીક્ષણ કરાઈ રહ્યું છે. એપ્રિલ મહિનામાં શેટલેન્ડ આઈલેન્ડ્સ માટે ટ્રાયલ યોજાઈ હતી. બ્રિટનના સૌથી ઓછી વસ્તી ધરાવતા ઉત્તરના ટાપુ અન્સ્ટ અને લેરવિકના ટિંગવોલ એરપોર્ટ વચ્ચે 41 માઈલની ફ્લાઈટ માટે ડ્રોન દ્વારા મેઈલની ડિલિવરી કરાઈ હતી. ઘણી કંપનીઓ હવામાં તરતા રહેતા ઓટોનોમસ ડ્રોન્સ મારફત માલસામાનના પેકેજીસ ઘરમાં નીચે ઉતારવાની યોજનામાં કાર્ય કરી રહી છે. જોકે, રોયલ મેઈલ ડે ડ્રોન્સનો ઉપયોગ કરવા માગે છે તે હવામાં તરતા રહી શકે તેમ નથી અને તેનાથી પોસ્ટમેન્સની કામગીરી પર કોઈ અસર થશે નહિ.
• લેસ્ટરની લાપતા છોકરીની ચિંતાઃ
ગત એક મહિનાથી લાપતા 15 વર્ષીય છોકરી હાન્નાહ સેલ્બી વિશે હવે ચિંતા કરાઈ રહી છે. હાન્નાહ છેલ્લે 24 એપ્રિલે સાંજનાં 5.30ના સુમારે લેસ્ટરની વિગસ્ટોન લેન ખાતે જોવાં મળી હતી. લેસ્ટરશાયર પોલીસે જણાવ્યું હતું કે હાન્નાહની શોધખોળમાં લોકોની મદદની ખાસ જરૂર છે. હાન્નાહ 5ફીટ 7 ઈંચની ઊંચાઈ અને લાંબા અડધા લાલ અડધા બ્રાઉન વાળ ધરાવે છે. તે લાપતા થઈ ત્યારે તેણે બ્લુ જીન્સ અને બ્લેક શર્ટ અને બ્લેક બોમ્બર જેકેટ પહેર્યું હતું. જે કોઈએ હાન્નાહને જોઈ હોય અથવા તે ક્યાં હોઈ શકે તેના વિશે જાણકારી હોય તો લેસ્ટરશાયર પોલીસનો તાકીદે સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

