• સંક્ષિપ્ત સમાચાર ( યુકે) ૨ .

• અશ્વેત વકીલોને જજ બનવાની ઓછી તકઃ

Wednesday 11th August 2021 05:56 EDT
 

• અશ્વેત વકીલોને જજ બનવાની ઓછી તકઃ

શ્વેત વકીલોની સરખામણીએ મોટા ભાગના વંશીય લઘુમતી સમુદાયના વકીલો જજ બનવાની વધુ ઈચ્છા ધરાવે છે પરંતુ, તેમની સફળ થવાની શક્યતા ઓછી હોય છે. તાજા આંકડાઓ અનુસાર ન્યાયની ખુરશીમાં બેસી ન્યાય તોળવાની ઈચ્છા ધરાવતા અશ્વેત, એશિયન અથવા વંશીય લઘુમતી સમુદાયના સોલિસિટર્સ અને બેરિસ્ટર્સની સંખ્યામાં વધારો થયો છે. જોકે, નિયુક્તિ કરનારી સંસ્થા દ્વારા તેમના નામોની તેમજ અન્ય વંશીય લઘુમતીની સરખામણીએ અશ્વેત વકીલોના નામની ભલામણ થવાની શક્યતા ઓછી રહે છે. ઈંગ્લેન્ડ અને વેલ્સની કોર્ટ્સ અને ટ્રિબ્યુનલ્સમાં કાર્યરત ૫,૦૦૦ જજીસમાંથી માત્ર ૫ ટકા એશિયન અથવા એશિયન બ્રિટિશ અને તેમનાથી પણ ઓછાં ૧ ટકા જ અશ્વેત છે. હાઈ કોર્ટ્સ જેવી મહત્ત્વની અને સીનિયર ભૂમિકામાં વંશીય લઘુમતીનું પ્રમાણ ન્યાયતંત્રના અન્ય ક્ષેત્રોની સરખમાણીએ ઘણું ઓછું છે.

• ડોવરમાં માઈગ્રન્ટ પ્રોસેસિંગ સુવિધાઃ

હોમ ઓફિસે કેન્ટના ડોવરમાં ૨ મિલિયન પાઉન્ડના ખર્ચે નવી માઈગ્રન્ટ્સ પ્રોસેસિંગ સુવિધાના નિર્માણની પરવાનગી આપી છે. આ માટે ઉપયોગમાં નહિ લેવાતી વેલ્ડિંગ સાઈટને ઈનટેક યુનિટમાં ફેરવાશે. નવુ કેન્દ્ર આગામી મે મહિનામાં કાર્યરત થઈ જવાની ધારણા છે. આ કેન્દ્રમાં ૪૩ કર્મચારી શિફ્ટમાં કામ કરશે અને દિવસમાં ૨૪ કલાક ખુલ્લું રહેશે. નાની હોડીઓમાં ચેનલ પાર કરીને આવતા ગેરકાયદે ઈમિગ્રન્ટ્સની સંખ્યા વધતી જ જાય છે. ઉલ્લેખનીય છે કે યુકેએ બોર્ડર કન્ટ્રોલના ખર્ચમાં હિસ્સા તરીકે ફ્રાન્સને ૫૪ મિલિયન પાઉન્ડ આપ્યા છે.

• ક્રોસ રેઈલ- TfLના ૪૫૫ વડાની કમાણી £૧૦૦૦૦૦ને પારઃ

 ક્રોસ રેઈલના ૩૫ અને TfLના ૪૨૦ વડાની કમાણી ગયા વર્ષે ૧૦૦૦૦૦ પાઉન્ડને વટાવી ગઈ હોવાનું જણાવાયું છે. ક્રોસ રેઈલના ચીફ એક્ઝિક્યુટિવ માર્ક વાઈલ્ડની ૨૦૨૦ -૨૧ની કમાણી સૌથી વધુ એટલે કે ૪૪૭,૮૫૩ પાઉન્ડ રહી હતી. ૯૦ એક્ઝિક્યુટિવ્ઝને ગોલ્ડન ગુડબાય સ્વરૂપે સરેરાશ આશરે ૭૦,૦૦૦ પાઉન્ડના હિસાબે કુલ ૬.૨ મિલિયન પાઉન્ડ ચુકવાયા હતા. TfL દ્વારા ખર્ચકાપ કાર્યક્રમ હેઠળ સેંકડો કર્મચારીને છૂટા કર્યા હતા. ૨૦૧૯-૨૦માં બોનસ ચુકવાયું ન હોવાથી છ આંકડામાં કમાણી કરનારા લોકોની સંખ્યામાં ૨૧ ટકાનો ઘટાડો થયો હતો. ગયા વર્ષની સરખામણીએ TfLનું વેતનબિલ સાત ટકા અથવા ૧૪૩.૮ મિલિયન પાઉન્ડના ઘટાડા સાથે ૨.૦૨૯ બિલિયન પાઉન્ડ રહ્યું હતું. કોરોના મહામારીની તીવ્ર અસરના કારણે ગયા નાણાકીય વર્ષે બોનસ ચુકવાયા ન હતા અને સરકારે TfLને ત્રણ વખત બેઈલઆઉટ પેકેજ આપવા પડ્યા હતા.

• ટોરી પાર્ટીમાં સુનાકની લોકપ્રિયતા વધીઃ

કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યોમાં બોરિસ જ્હોન્સનની લોકપ્રિયતા ચાર સપ્તાહમાં ૩૬ પોઈન્ટ ઘટી છે પરંતુ, તેમના અનુગામી તરીકે ચાન્સેલર રિશિ સુનાકની લોકપ્રિયતામાં વધારો થયો છે. જ્હોન્સન પાંચમા ક્રમના સૌથી બિનલોકપ્રિય કેબિનેટ મિનિસ્ટર છે. જ્હોન્સનનું નેટ સેટિસ્ફેક્શન રેટિંગ ૩.૪ છે જ્યારે હાઉસિંગ સેક્રેટરી રોબર્ટ જેનરિકનું રેટિંગ ૧.૩ છે. ઈન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી લિઝ ટ્રસ અને રિશિ સુનાક અનુક્રમે ૮૮.૬ અને ૭૪.૧ રેટિંગ સાથે પ્રથમ અને દ્વિતીય ક્રમે રહ્યા હતા. અન્ય સર્વેમાં જ્હોન્સનના અનુગામી તરીકે ૩૩ ટકાથી વધુ સભ્યોએ સુનાકને પસંદ કર્યા હતા. અન્ય કોઈ ઉમેદવારને ૧૨ ટકાથી વધુ મત મળ્યા ન હતા.

• સેન્સસમાં ‘બ્લેક ઈંગ્લિશ’ વિકલ્પની માગઃ

ટોટેનહામના લેબર સાંસદ ડેવિડ લેમીએ આ વર્ષના સેન્સસમાં‘બ્લેક ઈંગ્લિશ’ વિકલ્પની ગેરહાજરીની ભારે ટીકા કરી છે. લોકોને પોતાના વંશીય જૂથ તરીકે ‘વ્હાઈટ ઈંગ્લિશ’ની પસંદગીનો વિકલ્પ અપાયો છે. લેમીએ જણાવ્યું હતું કે વેલ્સમાં રહેતા લોકો માટે ‘બ્લેક વેલ્શ’ અને ‘એશિયન વેલ્શ’ વિકલ્પ અપાયેલા છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ દ્વારા જણાવાયું છે કે આ વર્ષના સેન્સસ અગાઉ વિવિધ વિકલ્પોની ચકાસણી કરી હતી પરંતુ, વેલ્સથી વિપરીત ઈંગ્લેન્ડમાં ‘બ્લેક ઈંગ્લિશ’ વિકલ્પને સમર્થન મળ્યું ન હતું. આમ છતાં, પોતાના જ શબ્દોમાં વંશીયતા દર્શાવવાનો વિકલ્પ અપાયો જ છે.

• ધૂમ્રપાનથી અર્થતંત્રને વર્ષે £૧૯ બિલિયનનો બોજોઃ

ઈન્ટરનેશનલ લોન્ગિવિટી સેન્ટર યુકે (ILC) થિન્ક ટેન્કના રિપોર્ટ અનુસાર ધૂમ્રપાનથી યુકેના અર્થતંત્રને વર્ષે ૧૯ બિલિયન પાઉન્ડથી વધુનું નુકસાન જાય છે. સમાજને ‘સ્મોક ફ્રી’ બનાવવા સરકારે તમાકુ પર ટેક્સીસ વધારવા જોઈએ તેવી માગણી પણ સંસ્થાએ કરી છે. તમાકુની આરોગ્ય પરની ખરાબ અસરોથી કામ કરવાની ક્ષમતા મર્યાદિત બને છે અને જો ધૂમ્રપાન શરૂ જ ન કરાયું હોય તો વર્કરની સમગ્રતયા કમાણી ૧.૯ ટકા વધી શકે છે તેમ રિપોર્ટ કહે છે. રેગ્યુલેટર્સ અને ઈન્વેસ્ટરોના ભારે દબાણના કારણે તમાકુ ઈન્ડસ્ટ્રી તેમના બિઝનેસીસને બદલી રહ્યા છે. યુકેની ટોબેટો ડ્યૂટીની વાર્ષિક આવક ૯ બિલિયન પાઉન્ડ જેટલી રહે છે જે તેનાથી થતાં નુકસાનથી અડધાથી પણ ઓછી છે. ધૂમ્રપાન કરનારાની સંખ્યા ઘટતી હોવાની દલીલ છતાં યુકેમાં હજુ ૧૪.૧ ટકા વયસ્કો ધૂમ્રપાન કરે છે. ધૂમ્રપાન છોડનારા ઘણાં લોકો કાર્ડિયોવાસ્કુલર રોગો અને કેન્સર જેવી લાંબા સમયની અસરોથી પીડાય છે.

• બાળયૌન શોષણ, ૧૯ની ધરપકડઃ

બ્રેડફોર્ડ એરિયાની એક બાળાના યૌનશોષણની એક મહિના લાંબી તપાસના અંતે પોલીસે ૩૬-૫૫ વયજૂથના ૧૯ શંકમંદ વ્યક્તિની ધરપકડ કરી છે. આ તપાસ વર્ષ ૨૦૦૦થી ૨૦૦૫ના ગાળાના યૌનશોષણના આક્ષેપો સંબંધિત છે જેમાં ૪૦ લોકોની ધરપકડ કરાયેલી છે. બ્રેડફોર્ડ ડિસ્ટ્રિક્ટ પોલીસના ડિટેક્ટિવ ચીફ ઈન્સ્પેક્ટર એલન વિક્સે જણાવ્યું હતું કે બાળકો વિરુદ્ધ વર્તમાન અને ૨૦ વર્ષથી જૂના જાતિય અપરાધોમાં તપાસની વેસ્ટ યોર્કશાયર પોલીસની કટિબદ્ધતાના ભાગરુપે આ તપાસ ચાલી રહી છે.

• સોશિયલ મીડિયા જાયન્ટ્સ એન્ટિસેમેટિઝમ રોકવામાં નિષ્ફળઃ

ફેસબૂક અને ટ્વિટર પર યહુદીવાદવિરોધી પોસ્ટ વિરુદ્ધ રજૂઆતો થવા છતાં ૧૦માંથી ૯ પોસ્ટ ઓનલાઈન રહે જ છે. ધ સેન્ટર ફોર કાઉન્ટરિંગ ડિજિટલ હેટ (CCDH) દ્વારા સોશિયલ મીડિયા જાયન્ટ્સ ફેસબૂક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટિકટોક પર ૭૧૪ એન્ટિસેમેટિક પોસ્ટ્સ ઓળખી કઢાઈ હતી અને તેના વિરુદ્ધ રજૂઆતો કરી હતી. છ સપ્તાહ પછી તેની ફરી ચકાસણી કરવામાં આવતા ૮૪ ટકા પોસ્ટ્સને ઓનલાઈન રહેવા જ દેવાયાનું જણાયું હતું. ફેસબૂક અને ટ્વિટર પર યહુદીવાદવિરોધી ૧૦માંથી ૯ પોસ્ટ રદ કરાઈ ન હતી. સરકારના આગામી ઓનલાઈન સેફ્ટી બિલથી સોશિયલ મીડિયા કંપનીઓએ તેમના ઉપયોગકર્તાઓને ગેરમાહિતી, તિરસ્કાર, દુરુપયોગ સહિતના નુકસાનથી બચાવવાની કાનૂની જવાબદારી આવી જશે. જોકે, બિલ આગામી વર્ષના અંત સુધીમાં કાયદામાં પેરવાય તેવી શક્યતા ઓછી છે.

• રેસિઝમના આક્ષેપસર વિગન સોસાયટીના ટ્રસ્ટીઓનું રાજીનામુઃ

ચેરિટી વિગન સોસાયટીના ઉચ્ચ સ્તરે રેસિઝમ અને ભેદભાવના આક્ષેપો પછી પાંચ ટ્રસ્ટીઓએ રાજીનામાં આપી દીધા છે. વાઈસ ચેરમેન એશે કીઆમા ઝૂરીનું સોશિયલ મીડિયા પર રેસિસ્ટ, ભેદભાવપૂર્ણ અને આક્રમક વર્તન હોવાના આક્ષેપો થયા પછી સોસાયટીએ ઈજેઓમા ઓમામ્બાલા QCને ઝૂરી અને સોસાયટીના ચેરમેન રોબ માસ્ટર્સ વિરુદ્ધ આક્ષેપોની તપાસ સોંપી હતી. ઓમામ્બાલાએ ઝૂરીની કેટલીક પોસ્ટ પ્રોફેશનલ અને યોગ્ય નહિ હોવાનું જણાવ્યું હતું. જોકે, ઝૂરીની બહુમતી પોસ્ટ્સમાં તેમજ રોબમાસ્ટર્સ સામે કશું વાંધાજનક લાગ્યું ન હતું. કેસ્વિક, કમ્બ્રીઆના શિક્ષક ડોનાલ્ડ વોટ્સને ૧૯૪૪માં વિગન સોસાયટીની સ્થાપના કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter