લેબર પાર્ટીના પૂર્વ નેતા અને ૧૯૮૩થી સાંસદ રહેલા જેરેમી કોર્બીન તેમને લેબર સાંસદ તરીકે પુનઃ સ્થાપિત કરવામાં ન આવે તો નવી રાજકીય પાર્ટી સ્થાપવા વિચારી રહ્યા છે. જોકે, તેમનું આવું પગલું લેબર પાર્ટીના મતનું વિભાજન કરવા ઉપરાંત, વર્તમાન નેતા સર કેર સ્ટાર્મરના આગામી સામાન્ય ચૂંટણીમાં વિજયને અટકાવી શકે છે. ઈઝલિંગ્ટન નોર્થના સાંસદ કોર્બીનને ભય છે કે લગભગ પાંચ વર્ષ સુધી પાર્ટીના નેતા રહ્યા હોવાં છતાં, તેમને કદી પક્ષના સાંસદ તરીકે પુનઃ સ્થાપિત નહિ કરાય. એન્ટિ- સેમેટિઝમ ટીપ્પણીઓના કારણે કોર્બીનને પાર્ટીમાંથી દૂર કરાયા હતા. જોકે, પાછળથી પક્ષના સામાન્ય સભ્ય તરીકે લેવાયા હતા. હવે તેઓ પોતાની ટીપ્પણીઓ મુદ્દે જાહેર માફી માગે તે પછી જ તેમને સાંસદ તરીકે ફરી સ્થાન આપવા મુદ્દે સ્ટાર્મર મક્કમ છે. આ સંજોગોમાં કોર્બીન પોતાની પીસ એન્ડ જસ્ટિસ પ્રોજેક્ટ ચેરિટીને રાજકીય પક્ષમાં ફેરવી તેના થકી આગામી ચૂંટણી લડી શકે છે. સર સ્ટાર્મર જે દિશામાં પાર્ટીમાં લઈ જઈ રહ્યા છે તેનાથી નારાજ ડાબેરી સાંસદો કોર્બીન સાથે જોડાઈ શકે છે.
• લીઝહોલ્ડર્સને રાહત, લેન્ડલોર્ડ્સને ટેક્સઃ
હાઉસિંગ સેક્રેટરી માઈકલ ગોવે ખતરનાક ક્લેડિંગ્સ સાથે અસલામત ફ્લેટ્સ બાંધનારા લાલચી લેન્ડલોર્ડ્સ પર નવો ટેક્સ લાદવાની ચેતવણી આપી છે. ગ્રેનફેલ ટાવરની આગમાં ૭૨ વ્યક્તિના મોતના ચારથી વધુ વર્ષ પછી ગોવે નવી દરખાસ્તો જાહેર કરી છે જેમાં લીઝહોલ્ડર્સને ૪૦,૦૦૦ પાઉન્ડના ક્લેડિંગ બિલ્સમાં રાહતનો મુદ્દો મુખ્ય છે. હાઉસિંગ સેક્રેટરીએ બિલ્ડિંગ સેફ્ટી ફંડના આગામી તબક્કા સહિત ચાર પોઈન્ટની યોજના જાહેર કરી છે. આ ફંડ થકી હાઈ રાઈઝ બિલ્ડિંગ્સમાંથી જોખમી ક્લેડિંગ્સ દૂર કરવામાં આવનાર છે.
• મેટ પોલીસ ઓફિસર સામે ૨૯ અપરાધનો ચાર્જઃ
મેટ્રોપોલિટન પોલીસ ઓફિસર ડેવિડ કેરિક વિરુદ્ધ આઠ મહિલાઓ પર બળાત્કાર અને જાતીય હુમલા સહિત ૨૯ અપરાધનો ચાર્જ લગાવાયો છે. મેટના પાર્લામેન્ટરી એન્ડ ડિપ્લોમેટિક પ્રોટેક્શન કમાન્ડમાં કાર્યરત ડેવિડ કેરિક વિરુદ્ધ ગત ઓક્ટોબર ૨૦૨૦માં બળાત્કારનો એક જ અપરાધ દાખલ કરાયો હતો. આ પછી ૨૦૦૯-૧૮ના ગાળામાં ચાર મહિલા સંદર્ભે ૨૪ નવેમ્બરે વધુ ૨૦ આરોપ લગાવાયા હતા. હવે વધુ ચાર મહિલા સંદર્ભે ૨૦૦૯-૨૦૨૦ના ગાળામાં વધારાના ૯ આરોપ લગાવાતા તેના વિરુદ્ધ કુલ ૨૯ આરોપ લાગ્યા છે. તેને ૧૨ જાન્યુઆરીએ વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ હાજર કરાયો હતો. કેરિકને ૨૮ જાન્યુઆરીએ સેન્ટ આલબાન્સ ક્રાઉન કોર્ટ સમક્ષ સુનાવણી માટે હાજર કરવામાં આવનાર છે.
• £૧૬ બિલિયનની કિંમતના હજારો મકાન ખાલીઃ
વેસ્ટ મિડલેન્ડ્સમાં હજારો મકાન ખાલી પડ્યાં છે જેમનું સંયુક્ત અંદાજિત મૂલ્ય ૧૫.૮ બિલિયન પાઉન્ડ છે. બર્મિંગહામસ્થિત એસ્ટેટ એજન્સીના નવા વિશ્લેષણ અનુસાર ખરીદારોની વધતી માગ અને પ્રોપર્ટીની તંગી હોવા છતાં, વેસ્ટ મિડલેન્ડ્સમાં ૭૦,૦૨૪ મકાન કે પ્રોપર્ટી ખાલી પડી છે જે ગત વર્ષની સરખામણીએ ૫.૬ ટકાનો વધારો છે. માત્ર બર્મિંગહામમાં ૨.૬ બિલિયન પાઉન્ડના મૂલ્યની કુલ ૧૨,૬૫૪ ખાલી પ્રોપર્ટી છે જ્યારે, સોલિહલ (૧૩૫૫), બ્રોમ્સગ્રોવ (૧૦૩૩), સેન્ડવેલ (૪૨૬૨), વોલસાલ (૨૨૧૦), ડડલી (૩૪૭૮),વોલ્વરહેમ્પ્ટન (૩૪૩૦) પ્રોપર્ટી ખાલી પડેલી છે.ગત બે વર્ષમાં વેસ્ટ મિડલેન્ડ્સના પ્રોપર્ટી બજારમાં ભારે તેજી આવી છે અને ઊંચી કિંમતે મકાનો વેચાય છે છતાં, ખાલી પ્રોપર્ટીની સંખ્યા વધતી રહી છે.

