ઓછાં સ્ટાફ સાથેના અસ્વચ્છ કેર હોમને બંધ કરવાની કેર ક્વોલિટી કમિશનની અરજી લેસ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટે માન્ય રાખી હતી. સેસ્ટરના સિસ્ટોનના મેલ્ટન રોડ પરના બેરીસ્ટીડ નર્સિંગ એન્ડ રેસિડેન્સિયલ હોમમાં ૩૪ રહેવાસી હતા પરંતુ, ભારે ગંદકી હતી, માત્ર એક શાવર કામ કરતું હતું અને કોઈ બાથ ન હતા તેમ કમિશનની તપાસમાં જણાયું હતું. નર્સિંગ હોમમાં ૪૬ પથારી હતી પરંતુ, પૂરતો સ્ટાફ ન હતો. કોર્ટે ૨૧ જાન્યુઆરી શુક્રવારે કેર હોમ બંધ કરવા કમિશનની અરજી માન્ય રાખી તત્કાળ અસરથી રજિસ્ટ્રેશન રદ કરવાનો આદેશ જારી કર્યો હતો. લેસ્ટરશાયર કાઉન્ટી કાઉન્સિલ દ્વારા કેર હોમના ૩૪ નિવાસીઓને નવા કેર હોમમાં ખસેડવામાં આવશે.
• સિવિલ સર્વિસ સ્કીમમાં શ્વેત અરજદારોની તરફેણઃ
સરકારની ઉચ્ચ ગ્રેજ્યુએટ્સની સ્કીમમાં વ્હાઈટ અરજદારોની સફળતાનો દર અશ્વેત બ્રિટિશરોની સરખામણીએ ત્રણ ગણો હોવાનું નવા અભ્યાસમાં જણાવાયું છે. શ્વેત અરજદારોની સફળતાનો દર ૪૪માંથી ૧ની સામે અશ્વેત અરજદારોની સફળતાનો દર ૧૩૭માંથી ૧નો તેમજ એશિયન અરજદારો માટે ૭૭માંથી ૧નો રહ્યો હતો. સમગ્રતયા વંશીય લઘુમતીનું પ્રતિનિધિત્વ ૨૦૨૦માં ૧૯ ટકા હતું તે ૨૦૨૧માં થોડું વધીને ૨૩ ટકા થયું હતું. યુકે સરકારની સિવિલ સર્વિસ ફાસ્ટ સ્ટ્રીમ માટે ૫૦માંથી એક કરતાં પણ ઓછાં સફળતા દર સાથે ૨૦૧૯થી ૨૦૨૧ના ગાળામાં વિક્રમી સંખ્યામાં અરજદારો હતા. માત્ર ૩,૨૯૦ જગ્યાની સામે ૧૬૦,૮૦૦થી વધુ એક્સ્ટર્નલ અરજદારો હતા. આ સ્કીમ હેઠળ સફળ અરજદારોને સરકારમાં સીનિયર પોઝિશન્સ પર ઝડપથી સ્થાન મળી શકે છે.
• ગુલામીના આર્થિક ઈતિહાસનો થીસિસ ૮૦ વર્ષે પ્રસિદ્ધઃ
ઓક્સફર્ડ યુનિવર્સિટીના તેજસ્વી અશ્વેત સ્કોલર એરિક વિલિયમ્સે ૧૯૩૮માં બ્રિટિશ એમ્પાયરના આર્થિક ઈતિહાસ સંદર્ભે થીસિસ લખ્યો હતો. આ નિબંધમાં તેમણે વિશ્વમાં બ્રિટનની ભૂમિકામાં ગુલામીએ એક સદી કરતા વધુ સમય માટે ભાગ ભજવ્યો હોવાના દાવાને પડકાર્યો હતો. ટ્રિનિદાદ અને ટોબેગોના પ્રથમ વડા પ્રધાન બનેલા એરિક વિલિયમ્સનો બ્રિટનમાં મૂડીવાદ અને ગુલામી વિશેનો થીસિસ ફગાવી દેવાયાના ૮૪ વર્ષ પછી યુકેમાં બ્રિટિશ પબ્લિશર દ્વારા પ્રકાશિત થઈ રહ્યો છે. અગાઉ, યુકેના પબ્લિશર્સે તેને હાથ લગાવવાનો પણ ઈનકાર કર્યો હતો જ્યારે યુએસમાં તે ૭૮ વર્ષ અગાઉ જ પ્રકાશિત કરાયો હતો.
• પ્રિન્સ એન્ડ્રયુના બોડીગાર્ડ્સ પણ ખેંચી લેવાશેઃ
યુએસમાં સેક્સ એબ્યુઝની ફરિયાદોમાં ઘેરાયેલા પ્રિન્સ એન્ડ્રયુને બોડીગાર્ડ્સની સવલત પણ આગામી મહિને પરત ખેંચી લેવાય તેવી શક્યતા છે. પ્રિન્સને વાર્ષિક અંદાજે ૨-૩ મિલિયન પાઉન્ડના ખર્ચે કરદાતાના નાણાથી પોલીસ રક્ષણ આપવામાં આવે છે. ક્વીને પ્રિન્સના લશ્કરી ટાઈટલ્સ અને રોયલ પેટ્રોનેજ પાછા ખેંચી લીધાં પછી ડ્યૂક ઓફ યોર્કને અપાતી મેટ્રોપોલીટન પોલીસ અને હોમ ઓફિસ સુરક્ષા સમીક્ષા હેઠળ છે. વર્જિનિયા ગિયુફ્રે ૧૭ વર્ષની હતી ત્યારે પ્રિન્સે તેની સાથે ત્રણ વખત સેક્સ માણ્યું હોવાની ફરિયાદમાં ટ્રાયલ ચલાવવાના યુએસ કોર્ટના જજના નિર્ણય પછી પ્રિન્સ સત્તાવાર રીતે હિઝ રોયલ હાઈનેસ ટાઈટલનો ઉપયોગ કરી શકે તેમ નથી. પ્રિન્સ આ કેસના કાનૂની ખર્ચને પહોંચી વળવા ૧૭ મિલિયન પાઉન્ડની સ્વિસ પ્રોપર્ટી વેચી રહ્યા હોવાનું પણ કહેવાય છે.
• સ્ત્રીઓ પ્રત્યે હિંસા મુદ્દે પ્રીતિ પટેલ સામે રોષઃ
સારાહ એવરાર્ડની હત્યા પછી મહિલાઓ તરફ હિંસા મુદ્દે પ્રીતિ પટેલની નિષ્ક્રિયતાથી રોષે ભરાયેલા અગ્રણી કેમ્પેઈન જૂથોએ હવે વધુ રાહ જોઈ શકાય તેમ નથી જણાવ્યું છે. સરકારે ગત જુલાઈમાં મહિલાઓ અને છોકરીઓની હત્યાઓ બાબતે ખાસ સ્ટ્રેટેજી જાહેર કરવાનું વચન આપ્યાના છ માસ વીતી જવા છતાં, હોમ સેક્રેટરીએ સક્રિયતા દર્શાવી નથી. સંખ્યાબંધ વચનો પાલન કરાતા નથી કે તેના કોઈ ખુલાસા અપાતા નથી તેમ અગ્રણી કેમ્પેઈનર જૂથ પ્લાન ઈન્ટરનેશનલ યુકેએ જણાવ્યું હતું. તાજેતરમાં જાન્યુઆરી મહિનામાં જ આયર્લેન્ડની કાઉન્ટી ઓફાલીના ટુલ્લામોર નજીક કેનાલ માર્ગે જોગિંગ કરી રહેલી ૨૩ વર્ષીય શિક્ષિકા એશલિંગ મર્ફીની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ૩૧ વર્ષના પુરુષને કસ્ટડીમાં રિમાન્ડ પર સોંપાયો હતો.
• જેહાદી પરિવારના પિતા દ્વારા હિંસાને ઉત્તેજનઃ
બ્રાઈટનના જેહાદી પરિવારના પિતા અબુબકર ડિઘાયેસને સ્થાનિક મસ્જિદમાં ભડકાઉ ભાષણથી ઈસ્લામિક હિંસાને પ્રોત્સાહન આપવા બદલ દોષિત ઠરાવાયા છે. અબુબકરના બે ટીનેજર પુત્ર અબ્દુલ્લાહ અને જાફર અલ-કાયદા સાથે સંકળાયેલા જૂથ વતી લડતા સીરિયામાં મોતને ભેટ્યા હતા અને ડ્રગ્સ સાથે સંકળાયેલા ત્રીજો પુત્રની ઈસ્ટ સસેક્સમાં હત્યા થઈ હતી. મૂળ લીબિયાના અને ઈસ્ટ સસેક્સના રહેવાસી અબૂબકરે નવેમ્બર ૨૦૨૦માં બ્રાઈટન મોસ્ક એન્ડ મુસ્લિમ કોમ્યુનિટી સેન્ટર ખાતે ૫૦ લોકોની હાજરીમાં ત્રાસવાદને પ્રોત્સાહન આપતું ‘જેહાદ બાય સ્વોર્ડ’ પ્રવચન આપ્યું હતું. ઓલ્ડ બેઈલી કોર્ટની જ્યુરીએ ૧૯ જાન્યુઆરીએ અબુબકરને દોષી ઠરાવ્યા હતા.
• વિદ્યાર્થીઓને રિફંડ માગવાનો અધિકારઃ
યુનિવર્સિટીઝ મિનિસ્ટર મિશેલ ડોનીલાને કહ્યું છે કે વિદ્યાર્થીઓ ગ્રાહક છે અને તેમને પોતાના અભ્યાસક્રમોથી અસંતોષ હોય તો તેમણે રીફંડ મેળવવા અરજી કરવી જોઈએ. વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં ઈન્વેસ્ટમેન્ટ તરીકે ગણનાપાત્ર રકમો ચૂકવે છે. મહામારી દરમિયાન ઓફિસ ઓફ ધ ઈન્ડિપેન્ડન્ટ એડ્જુડિક્ટરે હજારો વિદ્યાર્થીઓને રીફન્ડ જારી કર્યા હતા. મિનિસ્ટરે વાઈસ ચાન્સેલરોના જંગી વેતનો અને ‘મિકી માઉસ’ અભ્યાસક્રમો અને રૂબરુ ક્લાસરુમ્સનું સિક્ષણ નહિ આપનારી યુનિવર્સિટીઓની ભારે ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે કેટલાક કોર્સીસમાં ડ્રોપ-આઉટ દર ૪૦ ટકા જેટલો ઊંચો રહે છે.
• યુકેમાં પોલીસ બિલ વિરુદ્ધ દેખાવોઃ
પોલીસ બિલથી શાંતિપૂર્ણ દેખાવાનો અધિકાર નષ્ટ થઈ જશે તેમ માનતા હજારો દેખાવકારોએ લંડન, બ્રિસ્ટલ,, કોવેન્ટ્રી, માન્ચેસ્ટર, ન્યૂકેસલ, લિવરપૂલ, શેફિલ્ડ, પ્લીમથ સહિતના શહેરોમાં ‘કિલ ધ બિલ’ રેલીઓમાં વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે પોલીસ, ક્રાઈમ, સેન્ટન્સિંગ એન્ડ કોર્ટ્સ બિલને એકત્ર થવાના, અભિવ્યક્તિની આઝાદી તેમજ અન્ય નાગરિક અધિકારો પર કુઠારાઘાત ગણાવી હાઉસ ઓફ લોર્ડ્સને બિલને ફગાવી દેવાની અપીલ કરી હતી. બ્લેક લાઈવ્ઝ મેટર, એક્સ્ટિંક્શન રીબેલિયન સહિત અને સામાજિક, પર્યાવરણીય અને રેસિયલ જૂથો આ રેલીઓમાં સામેલ થયાં હતાં. સેંકડો ક્લિનિકલ સાઈકિયાટ્રીસ્ટ્સ અને સાઈકોલોજિસ્ટોએ યુવા લોકોના માનસિક આરોગ્ય પર બિલની સંભવિત અસરો વિશે ચિંતા વ્યક્ત કરી છે.
• વિક્ટોરિયન કાળનો કાયદો રદ કરાશેઃ
ગમે ત્યાં સુઈ રહેવાના રખડુ માણસોને સંબંધિત વિક્ટોરિયન કાળનો વેગરન્સી એક્ટ સરકાર રદ કરી રહી છે. આ માટે પોલીસ બિલમાં સુધારો મૂકાશે. અતિ જૂના આ કાયદામાં ઘરબારવિહોણા રખડુ લોકો ગમે ત્યાં સુઈ રહે તેને ક્રિમિનલ અપરાધ ગણવામાં આવે છે. પાર્લામેન્ટ સમક્ષના પોલીસ, ક્રાઈમ, સેન્ટન્સિંગ એન્ડ કોર્ટ્સ બિલમાં આ કાયદો રદ કરવાનો સુધારો રખાયો છે. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ અને હાઉસિંગ સેક્રેટરી માઈકલ ગોવ ૧૯મી સદીના આ કાયદાને દૂર કરવા એક બન્યા છે. આ સુધારાથી આક્રમક રીતે ભીખ માગતા લોકોની ધરપકડ કરવાની પોલીસને સત્તા મળશે.

