કોવિડ નિયંત્રણો રદ કરી દેવાયાં છે ત્યારે જનરલ પ્રેક્ટિશનર્સને આમનેસામને એપોઈન્ટમેન્ટ શરુ કરી દેવા માટે હેલ્થ સત્તાવાળાઓ દ્વારા કહેવાયું છે. હજારો બ્રિટિશરોએ મહામારીના ગાળામાં આમનેસામને એપોઈન્ટમેન્ટ મેળવવાની મુશ્કેલી અનુભવેલી છે. NHS Digitalના આંકડા મુજબ ડિસેમ્બર મહિનામાં ૬૧ ટકા જીપી કન્સલ્ટેશન્સ આમનેસામને રહ્યા હતા જે નવેમ્બરની સરખામણીએ બે ટકા ઓછું છે. કોરોના મહામારીની અગાઉના સમયમાં ૮૦ ટકા પેશન્ટ પોતાના આરોગ્યની ચર્ચા કરવા સર્જરીઝની મુલાકાત લેતા હતા. માસ્ક, વેક્સિન પાસપોર્ટ્સ, વર્ક ફ્રોમ હોમ, આઈસોલેશન અને પ્રવાસ સંબંધિત નિયંત્રણો દૂર કરાયા છે ત્યારે ડોક્ટરની રુબરુ મુલાકાત શા માટે ન કરી શકાય તેવો પ્રશ્ન ઉઠાવાય છે. પેશન્ટ ગ્રૂપ્સની ચિંતા એ છે કે જીપીઝ વેક્સિનેશન કામગીરીમાં વ્યસ્ત છે ત્યારે ફોન એપોઈન્ટમેન્ટ સામાન્ય બની ગયેલ છે.
• હત્યાની ક્રૂર કોશિશ બદલ ૨૯ વર્ષની જેલઃ
એકપક્ષી પ્રેમમાં આંધળા બનેલા ૪૮ વર્ષીય રોબર્ટ ટ્રુસ્કોટે ઓકહામમાં રહેતી ૩૬ વર્ષીય ઓલ્મા વોલ્ફેન્ડેન પર હુમલો કરી ચાકુના ૧૦થી વધુ ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો. ઓલ્મા વોલ્ફેન્ડેનને ગળા અને છાતીમાં ગંભીર ઈજા થતાં તેમણે ત્રણ મહિના હોસ્પિટલમાં રહેવું પડ્યું હતુ. જોકે, ગત જૂનમાં અન્ય કારણસર તેમનું મોત નીપજ્યું હતું. ગત વર્ષે ૨૧ જાન્યુઆરીની ઘટના સંદર્ભે લેસ્ટર ક્રાઉન કોર્ટના જજે જાનનું જોખમ અથવા ગંભીર નુકસાન અટકાવવા ક્રેમરને ૨૯ વર્ષની જેલની સજા ફટકારી હતી. આ સજામાંથી ઓછામાં ઓછી બે તૃતીઆંશ એટલે કે ૨૦ વર્ષ જેલમાં વીતાવવા પડશે. આ ઉપરાંત, પાંચ વર્ષ લાયસન્સ એક્સ્ટેન્શન પીરિયડ રહેશે.
• લોંગ કોવિડથી બે મિલિયન દિવસનું નુકસાનઃ
કોરોના મહામારીના ૧૮ મહિનામાં ઈંગ્લેન્ડના NHS ટ્રસ્ટોને લોંગ કોવિડથી અસરગ્રસ્ત સ્ટાફની ગેરહાજરીના પરિણામે ૧.૮૨ મિલિયનથી વધુ દિવસનું નુકસાન સહન કરવું પડ્યું છે. ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ (APPG) ઓન કોરોના વાઈરસના સાંસદોના અંદાજ મુજબ માર્ચ ૨૦૨૦થી સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીના ગાળામાં ઈંગ્લેન્ડના ૨૧૯ NHS ટ્રસ્ટોને લોંગ કોવિડથી અસરગ્રસ્ત હેલ્થકેર વર્કર્સ પાછળ ૧.૮૨ મિલિયનથી વધુ દિવસનું નુકસાન ભોગવવું પડ્યું છે. આ ગુમાવેલા દિવસોમાં ઓમિક્રોનના કારણે જે ગેરહાજરી ઉભી થઈ તેની ગણતરી કરાઈ નથી. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના અંદાજ અનુસાર ૧.૩ મિલિયન લોકો અથવા વસ્તીના બે ટકા લોકો લોંગ કોવિડથી અસરગ્રસ્ત છે.
• ક્વીનની સલામતી માટે નો-ફ્લાય ઝોનઃ
ક્રિસમસ વેળાએ પેલેસમાં ઘૂસણખોરીથી ક્વીનની સલામતી સંબંધિત ચિંતાપ્રેરક ઘટના સર્જાયા પછી વિન્ડસર પેલેસને ૨૭ જાન્યુઆરીથી નો-ફ્લાય ઝોન તરીકે સુરક્ષિત બનાવાયો છે. આના પરિણામે પેલેસથી ૨,૫૦૦ ફૂટની ઊંચાઈ સુધી વિમાનો અને ડ્રોન્સને પસાર થવા પર પ્રતિબંધ લાગી ગયો છે. જો કોઈ એરક્રાફ્ટ આ નિયમનો ભંગ કરશે અને રેડિયો વોર્નિંગનો પ્રતિભાવ નહિ આપે તો ફાઈટર જેટ્સ સલામતી માટે સજ્જ કરી દેવાશે. આ વિસ્તારમાં ગેરકાયદે ડ્રોન્સને અટકાવવા પોલીસને વધુ સત્તા અપાઈ છે. સિવિલ એવિયેશન ઓથોરિટીએ જણાવ્યું છે કે પ્રતિબંધ લગાવવો જાહેર હિતમાં છે.
• ડોક્ટરો કોમેડીનો ડોઝ પ્રીસ્ક્રાઈબ કરશેઃ
લાફ્ટર ઈઝ ધ બેસ્ટ મેડિસીન કહેવતને NHSના ડોક્ટરો ચરિતાર્થ કરશે. યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટલના કોમેડિયન ઈન રેસિડન્સ અન્જી બેલ્ચર હેલ્થ એડવાઈઝર્સ સાથે મળીને ટ્રોમા પેશન્ટ્સની સારવારમાં મદદ કરવા કોમેડી સેશન્સ વિકસાવી રહ્યા છે. બ્રિસ્ટલના જનરલ પ્રેક્ટિશનર્સ NHSમાં આ પાઈલોટ કોર્સ પ્રીસ્ક્રાઈબ કરશે. આ કોમેડી કોર્સ પ્રોફેશનલ કોમેડિયન્સ ચાર્મિયાન હ્યુજીસ અને જેક કેમ્પબેલ દ્વારા પેશન્ટ્સને બ્રિસ્ટલસ્થિત ચેરિટી વેલસ્પ્રિંગ સેટલમેન્ટ મારફત આપવામાં આવશે. આ કોર્સમાં જેન્ટર ડિસ્ફોર્મિયા, ડિપ્રેશન, એન્ગ્ઝ્યાઈટી, PTSD અથવા શોકગ્રસ્ત લોકો ભાગીદાર બની શકશે. ઘણા કોમેડિયન્સે પોતાના પુસ્તકોમાં માનસિક આરોગ્ય વિશે લખ્યું છે.

