બીબીસી ન્યૂઝની પર્શિયન જર્નાલિસ્ટ રાના રહિમપોર પોતાની કામગીરીને ન્યાય આપવાનો પ્રયાસ કરે છે ત્યારે ઈરાનમાં તેમની ધરપકડ, મોત અને દીકરી પર બળાત્કારની ધમકીઓ અપાય છે. BBC દ્વારા આ મુદ્દે હેરાનગતિની UN માં ફરિયાદ કરાઈ છે. બીબીસી ન્યૂઝ પર્શિયન સર્વિસ દ્વારા 2009માં સેટેલાઈટ ટીવી લોન્ચ કરાયા પછી ઈરાન દ્વારા અમારા અને અમારા પરિવારને નિશાન બનાવાઈ રહ્યા છે તેમ રાના રહિમપોરનું કહેવું છે. મહિલા પત્રકારોને બીબીસી માટે કામ બંધ કરી દેવા ધમકીઓ અપાઈ રહી છે.રાનાના પિતાનું પેન્શન અટકાવી દેવા અને તેમનો પાસપોર્ટ જપ્ત કરી લેવાની ધમકી પણ અપાઈ હતી. રાનાના માતાપિતા પર 2013માં એક વર્ષનો પ્રતિબંધ પણ લગાવાયો હતો જેથી તેઓ સગાંસંબંધીને પણ મળી શકે નહિ.
• કેમલોટને £3.15 મિલિયનનો દંડઃ
નેશનલ લોટરી ઓપરેટર કેમલોટને નેશનલ લોટરી એપમાં ત્રણ ભૂલ બદલ3.15 મિલિયન પાઉન્ડનો દંડ ફટકારાયો છે. ઓપરેટર કેમલોટ દ્વારા ખેલાડીઓને ભૂલથી જણાવાયું હતું કે તેમની પાસે વિજેતા ટિકિટ્સ નથી. ગેમ્બલિંગ કમિશને વોટફોર્ડના ટોલપિટ્સ લેનમાં આવેલી કંપનીને હજારો ખેલાડીઓને અસર કરતી મોબાઈલ એપની ત્રણ ભૂલ બદલ દંડ કર્યો હતો. એક ભૂલમાં 20,000 વપરાશકારો સંકળાયેલા હતા જેમને નવેમ્બર 2016 અને સપ્ટેમ્બર 2020ના ગાળામાં QR કોડ સ્કેન કરનારા ખેલાડીઓને તેમની વિજેતા ટિકિટ્સ નુકસાનમાં હોવાનું જણાવાયું હતું. બીજી ભૂલમાં 22,210 અને ત્રીજી ભૂલમાં 65,400 ગ્રાહકો સંકળાયેલા હતા. ત્રીજી ભૂલમાં ગ્રાહકોને ખોટા મેસેજીસ મોકલાતા હતા જેના પરિણામે, તેઓ એપ મારફત નેશનલ લોટરી પ્રોડક્ટ ખરીદી શકતા ન હતા.
•ડાયેનાના પ્રાઈવેટ સેક્રેટરી સાથે BBCનું સમાધાનઃ
પ્રિન્સેસ ઓફ વેલ્સ ડાયેનાના પ્રાઈવેટ સેક્રેટરી પેટ્રિક જેફસન સાથે નોંધપાત્ર રકમના વળતર, કાનૂની ખર્ચા અને બિનશરતી માફી સહિતBBCએ સમાધાન કર્યું છે. બીબીસીના પત્રકાર માર્ટિન બશીરના પેનોરમા ઈન્ટરવ્યૂથી પેટ્રિકને જે નુકસાન થયું હોય તે બદલ આ વળતર ચૂકવાશે. 1995ના વિસ્ફોટક ઈન્ટરવ્યૂ સંબંધિત મુદ્દા- સંજોગોની છણાવટ માટે પૂર્વ માસ્ટર ઓફ રોલ્સ અને સિવિલ જસ્ટિસના વડા લોર્ડ ડાયસનની નિયુક્તિ કરાઈ હતી. માર્ટિન બશીરે લેડી ડાયેનાના પૂર્વ પ્રાઈવેટ સેક્રેટરી અને અન્ય પૂર્વ શાહી ઘરાનાના સભ્યને સંબંધિત બનાવટી નામાકીય દસ્તાવેજો અર્લ સ્પેન્સરને બતાવ્યાના આક્ષેપોના પગલે તપાસ શરૂ કરાઈ હતી. કમાન્ડર જેફસને જણાવ્યું હતું કે તેઓ તમામ રકમ ચિલ્ડ્રન્સ હોસ્પિસ Ty Hafan ને દાનમાં આપી દેશે.
• છોકરાએ હોટલોમાં ચોરીનો આતંક મચાવ્યોઃ
લંડનની મોટી હોટેલ્સમાં ચોરી કરવાના આરોપસર વેસ્ટ લંડનના 12 અને 13 વર્ષના બે છોકરાને વેસ્ટમિન્સ્ટર જેપી સમક્ષ રજૂ કરાયા હતા. કાનૂની કારણોસર નામ જાહેર કરાયું નથી તે 12 વર્ષીય છોકરાએ મેફેરની ક્લેરિજ, પાર્ક લેનની ફોર સીઝન્સ, વ્હાઈટહોલની કોરિન્થીઆ અને નાઈટ્સબ્રિજની ધ મિલેનિયમ હોટેલ્સમાં ચોરીઓ કરી હતી. તેની સામે આ ઉપરાંત, બીબીસી ટેલિવિઝન સેન્ટર અને અન્ય બે બિઝનેસીસમાં ચોરી કર્યાનો પણ આરોપ છે. ત્રણ ચોરીમાં તેના 13 વર્ષીય ભાઈએ સાથ આપ્યો હતો. બંને છોકરાની ઉંમરને જોતા તેમની માતાને પણ પિંજરામાં ઉભા રહેવાની અનુમતિ અપાઈ હતી. બંને છોકરાએ ગુના આચર્યાનો ઈનકાર કર્યો હતો. આ બે છોકરાને 28 માર્ચે હાઈબરી કોર્નર યુથ કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા. અન્ય 19 વર્ષીય ટીનેજર શેન મેક્કાર્થીને પણ ચોરીના આરોપસર કોર્ટમાં રજૂ કરાયો હતો અને તેને હવે 14 એપ્રિલે આઈઝલવર્થ ક્રાઉન કોર્ટ સમક્ષ રજૂ કરાશે.
• 6 વર્ષની બાળા પર જાતીય હુમલોઃ
બોર્નવિલેના રોહીથ પાર્કમાં 6 વર્ષની બાળા પર સેક્સ્યુઅલ હુમલાની ઘટનામાં પોલીસ તે સ્થળે દેખાયેલા બ્લોન્ડ વાળ સાથેના કિશોરની શોધ ચલાવી રહી છે. ગત વર્ષે 18 સપ્ટેમ્બરે નાની બાળાને લલચાવી ઝાડીમાં લઈ જઈ તેના પર જાતીય હુમલો કરાયો હતો. ઘટના સમયે 16 વર્ષની તરુણની ધરપકડ કરાઈ હતી અને પાછળથી જામીન અપાયા હતા. મિડલેન્ડ્સ પોલીસે જણાવ્યા મુજબ તે ટીનેજરને વધુ કાર્યવાહી વિના જ મુક્ત કરી દેવાયો છે અને અન્ય તરૂણની તલાશ માટે નવેસરથી અપીલ કરી છે. સંભવિત શકમંદ પણ ટીનેજર છે અને તેને હીથ રોડ પાર્ક નજીકની વ્હાઈટ વાનમાં બેસાડી શ્વેત મહિલા વાહન હંકારી ગઈ હોવાનું કહેવાય છે. પોલીસ તે મહિલાની પણ શોધ કરી રહી છે.

