• યુક્રેનવાસીના માત્ર 10 ટકા વિઝા મંજૂરઃ

Wednesday 06th April 2022 03:03 EDT
 

યુકે સરકારે યુક્રેન માટે ઘર સ્પોન્સરશિપ યોજના હેઠળ કરાયેલી વિઝા અરજીઓમાંથી 10 ટકાથી ઓછી અરજીઓને મંજૂરી આપી છે. આંકડા મુજબ ‘હોમ્સ ફોર યુક્રેન’ યોજના હેઠળ હોમ ઓફિસને 29 માર્ચ સુધીમાં 28,300 અરજીઓ તેમજ યુક્રેન ફેમિલી સ્કીમ હેઠળ વધુ 31200 અરજી મળી હતી. સત્તાવાર આંકડા મુજબ ‘હોમ્સ ફોર યુક્રેન’ માટે 2,700 અને સ્પોન્સરશિપ હેઠળ 22,800 સહિત કુલ 25,500 વિઝા અરજીઓ મંજૂર કરાઈ છે. ફેમિલી મિનિસ્ટર વિલ ક્વિન્સે કબૂલ્યું હતું કે સંખ્યા ઓછી છે પરંતુ, સરકાર વધુ અરજીઓનું પ્રોસેસિંગ કરી રહી છે. યુદ્ધગ્રસ્ત યુક્રેનના નાગરિકોને ઘરમાં રાખવા 150,000થી વધુ બ્રિટિશ પરિવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે પરંતુ, 10 ટકાથી ઓછી અરજીઓ મંજૂર થઈ છે. યુએનના જણાવ્યા મુજબ 4.01 મિલિયન યુક્રેનવાસીઓ ઘર છોડી ચૂક્યા છે જેમાંથી 2.3 મિલિયન પોલેન્ડમાં પ્રવેશ્યા છે. કુલ વિસ્થાપિતોની સંખ્યા 6.5 મિલિયન થયાનું મનાય છે.

• ફોરેન ઓફિસ દ્વારા સહાયકાપમાં ઉતાવળઃ

નેશનલ ઓડિટ ઓફિસે સ્પષ્ટ કર્યું છે કે ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (FCDO) દ્વારા વિદેશી સહાયમાં 4.2બિલિયન પાઉન્ડનો કાપ મૂકવામાં ભારે ઉતાવળ કરાઈ હતી. ફોરેન ઓફિસે સ્થાનિક પાર્ટનર્સ સાથે અસરો વિશે ચર્ચા પણ કરી ન હતી. દેશોને સહાયની વાત કરીએ તો સીરિયાને ભંડોળમાં 69 ટકા, બાંગલાદેશને 62 ટકા અને સાઉથ સુદાનને સહાયમાં 49 ટકાનો કાપ મૂકાયો હતો. FCDO દ્વારા સહાયબજેટને ગ્રોસ નેશનલ ઈન્કમના 0.7 ટકાથી ઘટાડી 0.5 ટકા તકરવાના નિર્ણયના પગલે સીરિયામાં પેલેસ્ટિની રેફ્યુજીસને સહાય બંધ કરી દેવાઈ હતી તેમજ યુએન પોપ્યુલેશન ફંડના ભંડોળમાં કાપ મૂકાયો હતો. ઓડિટમાં જણાવાયું હતું કે 2020માં કોવિડ-19મહામારીનો સામનો કરવા 11 ટકાના સમગ્રતયા સહાય બજેટનો ઉપયોગ કરાયો હતો.

• 16 મહિનાની બાળકી સાથે અમાનુષી વ્યવહારઃ

માત્ર 16 મહિનાની બાળકી નુસાયબાને પીડાદાયી પોઝિશન્સમાં ઉભી રાખ્યાં પછી તેને હચમચાવાના અમાનુષી વ્યવહાર સાથે તેની હત્યા કરનારા 40 વર્ષીય સેડિસ્ટિક-પરપીડક પપી બ્રીડર કામરાન હૈદરને ઓલ્ડ બેઈલી કોર્ટે આજીવન કેદની સજા ફરમાવી છે. તેણે ઓછામાં ઓછાં 20 વર્ષ જેલમાં રહેવું પડશે. આ બાળકી નિર્બળ ન બને તે માટે કામરાને તેની સાથે સપ્તાહો સુધી દયા વિનાનો અમાનુષી વ્યવહાર આચર્યો હતો. નુસાયબાની માતા આશીયાહ અમાઝીર સાથે કામરાનનો સંપર્ક ડેટિંગ વેબસાઈટ પર થયો હતો અને એક મહિના અગાઉ જ બાળકી સાથે કામરાનના ઘેર રહેવા આવી હતી. માંડ ચાલતા શીખેલી કુમળી નુસાયબાને કામરાન વારંવાર ફટકારતો હતો અને પાકિસ્તાનની મસ્જિદોમાં કરાતી ‘મુર્ગા’ની સજા પણ કરતો હતો. હત્યાના દિવસે નુસાયબાની માતા કામરાનનું ઘર છોડી જઈ રહી હતી ત્યારે તેને ચૂપ કરાવી દીધી હતી. નુસાયબાને ખેંચ આવતા તેને કિંગ્સ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી પરંતુ, ચાર દિવસના લાઈફ સપોર્ટ પછી તેનું કરૂણ મોત નીપજ્યું હતું.

• ઓફકોમ દ્વારા KTVનું લાયસન્સ સસ્પેન્ડઃ

KTV ચેનલ દ્વારા બ્રોડકાસ્ટિંગ નિયમોનો ભંગ કરાયાનું તપાસમાં બહાર આવતા ઓફકોમ દ્વારા KTV-ખાલિસ્તાન ટેલિવિઝન લિમિટેડનું લાયસન્સ સસ્પેન્ડ કરાયું છે. KTV ટેલિવિઝન ચેનલ યુકેમાં શીખ કોમ્યુનિટી માટે કાર્યક્રમોનું પ્રસારણ કરે છે. ચેનલ પર પ્રાઈમ ટાઈમમાં 95 મિનિટના જીવંત ચર્ચાના કાર્યક્રમમાં હિંસાની ઉશ્કેરણી કરે તેવી શક્યતા સાથેની સામગ્રી હોવાનું ઓફકોમને જણાતા આ પગલું લેવાયું છે. પ્રોગ્રામના પ્રેઝન્ટરે સમગ્ર કાર્યક્રમમાં કરેલા સંખ્યાબંધ સ્ટેટમેન્ટ્સ હિંસક પ્રવૃત્તિને ઉત્તેજન આપનારા જણાયા હતા જેમાં, ખાલિસ્તાની ઉદ્દેશને આગળ વધારવા હત્યા પણ આવશ્યક અને સ્વીકૃત હોવાનો સમાવેશ થયો હતો. ખાલસા ટેલિવિઝન ચેનલ પાસે ઓફકોમને રજૂઆત કરવા 21 દિવસનો સમય છે. જેના પછી ચેનલનું લાયસન્સ રદ કરવું કે કેમ તેનો નિર્ણય લેવાશે.

• રોયલ મેઈલ સ્ટેમ્પ્સનો નવા યુગમાં પ્રવેશઃ

પોસ્ટલ ગ્રૂપ રોયલ મેઈલે નવી બારકોડેડ સ્ટેમ્પ્સના યુગમાં પ્રવેશ કર્યો છે. ગ્રાહકો તેમની પાસેની જૂની સ્ટેમ્પ્સને નવી સમાન મૂલ્યની બારકોડેડ સ્ટેમ્પ્સમાં બદલાવી શકશે અથવા નિયમિત સ્ટેમ્પ્સનો ઉપયોગ આગામી વર્ષ – ફેબ્રુઆરી 2023ના અંત સુધી કરી શકશે. આધુનિકીકરણ અભિયાનના ભાગરૂપે રોયલ મેઈલ વધુ સિક્યુરિટી પગલાં અને નવી સેવા સાથેની બારકોડેડ સ્ટેમ્પ્સના યુગમાં આગળ વધી રહ્યું છે. બારકોડ વિનાની રેગ્યુલર રોજિંદા વપરાશની ફર્સ્ટ અને સેકન્ડ ક્લાસ સ્ટેમ્પ્સ ફેબ્રુઆરી 2023ના અંત સુધી વપરાશ માટે માન્ય ગણાશે. ગ્રાહકોને તેમની પાસેની આવી સ્ટેમ્પ્સનો ઉપયોગ 31 જાન્યુઆરી 2023 સુધી કરી લેવાની સલાહ અપાઈ છે.

• ટોરી ઉમેદવાર જ લેબર પાર્ટીમાં જોડાઈ ગયાઃ

કેમડનના વેસ્ટ હેમ્પસ્ટીડ વોર્ડના કન્ઝર્વેટિવ ઉમેદવાર અને પૂર્વ પોલીસ ઓફિસર અલી હાસન અલીએ મતદાનને ગણતરીના સપ્તાહ બાકી છે ત્યારે 30 માર્ચ બુધવારે લેબર પાર્ટીમાં જોડાઈ ગયાની જાહેરાત કરતા ભારે ખળભળાટ મચી ગયો છે. નવા ટોરી ઉમેદવાર તરીકે ટેયૂબ ડ્રાઈવર પીટર હોર્નને પસંદ કરાયા છે.અલીએ જણાવ્યું હતું કે તેઓ ટોરી પાર્ટી સાથે સંકળાઈ રહેવા માગતા નથી. તેમણે ટોરી પાર્ટીમાં સાથીઓ એકબીજાની પીઠમાં ખંજર ભોંકે તેવું આંતરિક વિખવાદનું ઝેરી વાતાવરણ હોવાનું પણ જણાવ્યું હતું. જોકે, ટોરી પાર્ટીનું કહેવું અલગ છે. કાઉન્સિલર કૂપરે કહ્યું હતું કે અલીનું વર્તન સારા ઉમેદવાર જેવું ન હતું. ધ હેમ્પસ્ટીડ એન્ડ કિલ્બર્ન કન્ઝર્વેટિવ એસોસિયને જણાવ્યું હતું કે અલી હાસન અલી સામે સત્તાવાર ફરિયાદ નોંધાવાઈ છે.

• લંડનમાં ‘યુકે ડિઝનીલેન્ડ’ પ્લાન રદઃ

લંડનમાં 2025 સુધીમાં તૈયાર કરાનારા રિસોર્ટ ‘યુકે ડિઝનીલેન્ડ’નો પ્લાન રદ કરી દેવાયો છે. 3.5 બિલિયન પાઉન્ડના વિશાળ રિસોર્ટ માટે સાઉથ-ઈસ્ટના કેન્ટમાં સ્વાન્સકોમ્બ પેનિનસ્યૂલાની સાઈટ પસંદ કરાઈ હતી જે 136 વેમ્બલી સ્ટેડિયમની સમકક્ષ હતી. ‘યુકે ડિઝનીલેન્ડ’ 2025 સુધીમાં જાહેર જનતા માટે ખુલ્લું મૂકવાનું આયોજન હતું પરંતુ, ટિલ્બરીમાં ફ્રીપોર્ટ સ્ટેટસ દાખલ કરાઈ રહ્યું છે તે સહિત અનેક કારણોસર યોજના રદ કરાઈ હતી. રિસોર્ટના આયોજકોએ પેનિનસ્યૂલાના પર્યાવરણીય સુધારા પાછળ 150 મિલિયન પાઉન્ડ ખર્ચવાની તૈયારી પણ દર્શાવી હતી. એમ પણ જાણવા મળ્યું છે કે થીમ પાર્કના આયોજકો અન્ય સંબંધિત ગ્રૂપો સાથે મળી આ વર્ષના ઉત્તરાર્ધના એપ્લિકેશન રિન્યુ કરવા વિચારી રહ્યા છે.

• વોટર્લુ ટી ગ્રૂપનો રીટેઈલ વેચાણમાં પ્રવેશઃ

કાર્ડિફના સૌથી મોટા ટી હાઉસ ગ્રૂપ વોટર્લુ ટી ગ્રાહકો પોતાના ઘરમાં જ ચાનો ઉપયોગ કરી શકે તે માચે રીટેઈલ વેચાણ વધારવાની યોજના ધરાવે છે. કાસિમ અને આઈશ અલીની માલિકીની વોટર્લુ ટી કાર્ડિફમાં પાંચ ટી રુમ્સ ધરાવે છે અને આ સ્પ્રિંગમાં પેનાર્થ કાફે પાર્ક ખોલવાની પણ યોજના છે. આ ઉપરાંત, કાર્ડિફમાં વ્હાઈટચર્ચ, કાઉબ્રિજ અને બ્રિસ્ટોલમાં પણ આઉટલેટ્સ વિચારણા હેઠળ છે. વેલ્સ બિઝનેસ ઈનસાઈડર મેગેઝિનના એપ્રિલ 2022ના અંકમાં કાસિમ અલીએ ટી બેગ્સ સહિત રીટેઈલ વેચાણમાં પ્રવેશની યોજના દર્શાવી હતી.

• નવો કોવિડ વેરિએન્ટ ઓમિક્રોનથી ખરાબઃ

યુકે સરકારના ચીફ સાયન્ટિફિક એડવાઈઝર સર પેટ્રિક વોલેન્સે સાંસદોને ચેતવણી આપી હતી કે દેશ અસ્થિર સમયગાળા તરફ આગળ વધી રહ્યો છે અને આગામી કોવિડ વેરિએન્ટ ઘણી ઝડપથી બહાર આવશે જે ઓમિક્રોન કરતાં પણ વધુ ખરાબ હશે. નવા કોવિડ આવશે તેમ તેના મ્યુટન્ટ્સ ઓછાં જોખમી થતાં રહેશે તેવી ધારણા ભૂલભરેલી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. નિષ્ણાતો માને છે કે વેક્સિન્સે સૌથી ગંભીર કોવિડ કેસીસને દૂર રાખવામાં સફલતા મેળવી છે પરંતુ, સર પેટ્રિકે કહ્યું હતું કે લોકોને દર ચાર મહિને બૂસ્ટર ડોઝ આપવાની રણનીતિ યોગ્ય નથી. વાઈરસ જતો રહ્યો નથી. 30 માર્ચ સુધીમાં હોસ્પિટલોમાં 19000 કેસીસ હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter