• જ્હોન્સન, ટ્રસ અને વોલેસ પર રશિયન પ્રતિબંધઃ

Wednesday 20th April 2022 03:36 EDT
 

રશિયાના વિદેશ મંત્રાલયે બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન, ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસ અને ડિફેન્સ સેક્રેટરી બેન વોલેસ પર રશિયામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. મોસ્કોએ જાહેર કર્યું છે કે યુકેના અન્ય 10 સરકારી સભ્યો અને રાજકારણીઓ પર પણ પ્રતિબંધ લગાવાશે. યુકે સરકાર દ્વારા અભૂતપૂર્વ શત્રુતાપૂર્ણ કાર્યવાહીના પગલે આ નિર્ણય લેવાયો હોવાનું જણાવાયું છે. ડોમિનિક રાબ, ગ્રાન્ટ શાપ્સ, પ્રીતિ પટેલ, રિશિ સુનાક, ક્વાસી ક્વારટેન્ગ, નાડિન ડોરિસ, જેમ્સ હીપે, નિકોલા સ્ટર્જન, સુએલા બ્રેવરમાન અને પૂર્વ વડા પ્રધાન થેરેસા મે પર પણ પ્રતિબંધો લગાવાયેલા છે. માર્ચ મહિનામાં યુએસ પ્રમુખ જો બાઈડેન સામે પણ આવા પ્રતિબંધો જાહેર કરાયા હતા. દરમિયાન, યુકે સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે યુકે અને તેના આંતરરાષ્ટ્રીય પાર્ટનર્સ યુક્રેન વિરુદ્ધ રશિયન સરકારની એક્શન્સને વખોડવામાં એકસંપ છે. યુક્રેન માટે અમારો સપોર્ટ મક્કમ છે.

• પેવમેન્ટના નાણા ખિસ્સામાં નાખ્યાઃ

નોર્થ લંડનના હેરોમાં સ્ટ્રીટની એક જ બાજુએ પેવમેન્ટ લગાવીને કાઉન્સિલના સ્ટાફે 2 મિલિયન પાઉન્ડ ખિસ્સામાં નાખ્યાનો કિસ્સો બહાર આવ્યો છે. ચાર કર્મચારીએ બિલ્ડરને લલચામણો કોન્ટ્રાક્ટ આપવાના બદલામાં નાણા લીધા હતા. કેટલીક શેરીઓમાં એક જ તરફ પેવમેન્ટ સમારકામ થયું હોવાનું જણાતા સ્થાનિક લોકોએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. આ સંદર્ભે પાંચ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. કેટલાક કર્મચારીને બરતરફ કરી દેવાયા હતા. કાઉન્સિલને કોન્ટ્રાક્ટર અને કાઉન્સિલના સ્ટાફ વચ્ચે વાતચીતનો બેનામી વીડિયો મોકલાયો હતો. પોલીસને ગત વર્ષના ઓગસ્ટમાં એલર્ટ કરાઈ હતી.

• રવાન્ડા પ્લાન ઈશ્વરી નિર્ણય વિરુદ્ધઃ

ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના વડા આર્ચબિશપ ઓફ કેન્ટરબરી જસ્ટિન વેલ્બીએ બોરિસ સરકાર પર તીવ્ર હુમલો કરતા રવાન્ડા પ્લાનને ઈશ્વરી નિર્ણય વિરુદ્ધનો ગણાવ્યો છે. બાળકોને પણ આ યોજના હેઠળ આફ્રિકા મોકલી અપાશે તેવી દહેશત પણ તેમણે વ્યક્ત કરી હતી. એસાઈલમ સીકર્સને રવાન્ડા મોકલી આપવાનો બોરિસ જ્હોન્સનનો પ્લાન ઈશ્વરના જજમેન્ટમાં ખરો ઉતરતો નથી. આ પ્લાનની કાયદેસરતા સામે પ્રશ્નો ઉઠાવાઈ રહ્યા છે ત્યારે આર્ચબિશપ જસ્ટિન વેલ્બીએ બાળકોનો મુદ્દો આગળ કર્યો છે.

• જુગાર ખેલવા કરદાતાના નાણાની ઉચાપત કરીઃ

ઓનલાઈન જુગારનું ભારે વ્યસન ધરાવતા 45 વર્ષીય જનરલ પ્રેક્ટિશનર ડો. રુમી છાપિઆએ જુગાર રમવા માટે NHSમાંથી કરદાતાઓના 1.13 મિલિયન પાઉન્ડની ચોરી કરી હતી. વાર્ષિક 200,000 પાઉન્ડનું વેતન ધરાવતા છાપિઆને GP રજિસ્ટરમાંથી કાઢી નખાયો છે. તેણે સર્જરી ગ્રૂપમાંથી 1.13 મિલિયન પાઉન્ડને 41 દિવસના ગાળામાં 65 વખત ટ્રાન્સફર કરી પોતાના એકાઉન્ટ્સમાં જમા કરાવ્યા હતા અને ગ્રૂપનું ખાતું હેક થયું હોવાનો દાવો કર્યો હતો. પોર્ટસમાઉથ ક્રાઉન કોર્ટે છાપિઆને ત્રણ વર્ષ અને ચાર મહિનાની જેલની સજા ફરમાવી હતી. છાપિઆએ ઉચાપત કરેલી રકમમાંથી 238,000 પાઉન્ડ પરત કર્યા હતા અને ગેમ્બલિંગ કંપનીઓ 904,000 પાઉન્ડ ચૂકવશે તેવી વ્યવસ્થા કરાઈ હતી.

• અશ્વેત અને એશિયન મહિલા કેદીઓ રેસિઝમનો શિકારઃ

એક આંચકાજનક રિપોર્ટમાં જણાવાયું છે કે સેંકડો અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી તેમજ વિદેશમાં જન્મેલી મહિલા કેદીઓ સ્ટાફ મેમ્બર્સના હાથે રેસિઝમનો શિકાર બને છે. તેમની સાથે રેસિયલ ભેદભાવ આચરવામાં આવે છે. જેલોમાં કામ કરતા સ્ટાફ, ઈન્ડિપેન્ડન્ટ મોનિટરિંગ બોર્ડ્સ (IMB)ના અધ્યક્ષો અને સભ્યોને પણ કેદીઓની સાતે અભ્યાસમાં આવરી લેવાયા હતા. ક્રિમિનલ જસ્ટિસ એલાયન્સ અને IMB ના અભ્યાસમાં એક તૃતીઆંશ મહિલા કેદીએ તેમની સાથે પ્રિઝન સ્ટાફ દ્વારા વ્યવહારને અતિ નબળો ગણાવ્યો હતો. જ્યારે 40 ટકાથી વધુ મહિલાએ ભેદભાવ આચરાયાની ફરિયાદ કરી હતી. તેમને જેલમાં યોગ્ય રોજગારી અપાતી ન હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter