ટેલિવિઝનના ચહેરાઓમાં સૌથી પરિચિત ચહેરા તથા પ્રાદેશિક સ્પોર્ટક્ષેત્રમાં જાણીતા અવાજ, ITV લેજન્ડ બોબ હોલનું 76 વર્ષની વયે અચાનક નિધન થવાથી ચાહકોને ભારે આંચકો લાગ્યો છે. બોબ હોલ સ્કાય સ્પોર્ટ્સના લોકપ્રિય સોકર સેટરડે પ્રોગ્રામના નિયમિત કન્ટ્રિબ્યુટર હતા. બોબ વોરમાન અને ગેરી ન્યૂબોન સહિતના બ્રોડકાસ્ટિંગ લેજન્ડ્સ અને પ્રશંસકોએ બોબ હોલને શોકાંજલિ અર્પી હતી અને કહ્યું હતું કે બોબના અવાજ, પ્રેઝન્ટેશનની ભારે ખોટ સાલશે. પીઢ સ્પોર્ટ્સ બ્રોડકાસ્ટર બોબ હોલ છેક 1981માં ગેરી ન્યૂબોન થકી સ્પોર્ટ્સ ટીમ માટે ભરતી કરાયા પછીથી ITV Central સાથે સંકળાયેલા હતા. મીડિયામાં 40થી વધુ વર્ષોની કારકિર્દી હોવાં છતાં, બોબ હોલનું વ્યક્તિત્વ અંતર્મુખી હતું. તેમણે બે વખત લગ્ન કર્યા હતા અને તેમના ત્રણ બાળકો છે.
• સૂતેલી માતા અને ભાઈ સાથેના ઘરને આગ લગાવી
પ્રેમભગ્ન પુત્ર માઈકલ આયર્સ તેની માતા અને ભાઈ સુતા હતા તે બારવેલની હાઈ સ્ટ્રીટ ખાતેના ઘરને ઈરાદાપૂર્વક આગ લગાવી નોકરી કરવા ચાલ્યો ગયો હતો. આગના કારણે મદદની બૂમો પાડ્યા પછી તેઓ સફળતાપૂર્વક ઘરની બહાર નીકળી ગયા હતા. લેસ્ટર ક્રાઉન કોર્ટ દ્વારા ગત વર્ષના 19 નવેમ્બરની ઘટનામાં 38 વર્ષના માઈકલ આયર્સને બે વર્ષ અને ત્રણ મહિનાની જેલની સજા કરવામાં આવી છે. તેને પાંચ વર્ષના નિયંત્રક ઓર્ડર હેઠળ મૂકાયો છે અને તે પોતાની પૂર્વ પાર્ટનર સાથે મળી શકશે નહિ. આયર્સની પૂર્વ પાર્ટનર આ મકાનની સહમાલિક હતી પરંતુ, હવે નથી. તેમના સંબંધોમાં તિરાડ પડવાથી માઈકલ આયર્સ માનસિક રીતે હતાશ થઈ ગયો હતો. આગ લગાવ્યાના ચાર દિવસ પહેલા તેણે પૂર્વ પાર્ટનરને મેસેજમાં ગુડબાય લખ્યું હતું.
• માસ્ક વિનાના 4000 પ્રવાસીને દંડઃ
લંડનના ટ્રાન્સપોર્ટ નેટવર્ક પર ચહેરા પર માસ્ક લગાવ્યા વિનાના લગભગ 4000 પ્રવાસીને દંડ કરાયો હોવાની વિગતો જાહેર કરાઈ છે. લંડનના મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે 2021ની 24 ફેબ્રુઆરીથી 2022ની 27 જાન્યુઆરીના ગાળામાં 3996 લોકોને 200 પાઉન્ડ સુધીની પેનલ્ટી જારી કરાઈ હતી. જો 14 દિવસમાં ચૂકવણી કરાય તો 100 પાઉન્ડનો દંડ લેવાયો હતો. માસ્ક નહિ પહેરવા બદલ લંડન ટ્રાન્સપોર્ટ નેટવર્ક દ્વારા 7283 લોકોને પ્રવાસથી અટકાવી દેવાયા હતા. કોરોના વાઈરસના પ્રસારને અટકાવવા ફરજિયાત ફેસ કવરિંગનો નિયમ 24 ફેબ્રુઆરીથી દૂર કરાયો હતો. ટ્રાન્સપોર્ટૉ ફોર લંડન દ્વારા જણાવાયું હતું કે 2022ની 27 જાન્યુઆરીથી 2022ની 24 ફેબ્રુઆરી વચ્ચે ફેસ માસ્કના પાલનની પ્રવૃત્તિને રેકોર્ડ કરવામાં આવી ન હતી.
• યુકેમાં મન્કીપોક્સના 179 કેસઃ
પબ્લિક હેલ્થ સંસ્થા યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી (UKHSA)ના જણાવ્યા અનિુસાર ઈંગ્લેન્ડમાં મન્કીપોક્સના વધુ 71 કેસ જોવા મળ્યા છે. આ સાથે યુકેમાં 29 મે સુધીમાં કુલ કેસની સંખ્યા 179 થઈ છે. ઈંગ્લેન્ડમાં 172 કેસ ઉપરાંત, સ્કોટલેન્ડમાં 4, નોર્ધર્ન આયર્લેન્ડમાં 2 અને વેલ્સમાં એક કેસ નોંધાયો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે વાઈરસના ફેલાવાના સામાન્ય વિસ્તારોની બહાર આશરે 400 કેસ જોવા મળ્યા છે. આ વાઈરસગ્રસ્ત લોકોને તેમના ગૂમડાં-ચાંદા કે ઉઝરડાં બરાબર સાજાં ન થાય ત્યાં સુધી અન્ય લોકોના સંપર્કમાં નહિ આવવા તેમજ તેમના પાલતુ પ્રાણીઓથી ત્રણ સપ્તાહ દૂર રહેવાની સલાહ અપાઈ છે. આ વાઈરસ લાગ્યાના લક્ષણો દેખાય ત્યારે સેક્સ સંબંધથી દૂર રહેવાની પણ સલાહ અપાઈ છે.
• ડ્રાઈવર્સ પર નોકરી ખોવાનું જોખમઃ
ડ્રાઈવિંગ લાઈસન્સની અરજીઓ બાબતે DVLA દ્વારા કરાતા ભારે વિલંબના કારણે ડ્રાઈવર્સ સામે નોકરીઓ ખોવાનું જોખમ સર્જાયું છે. અંદાજે 400,000 અરજીઓનો બેકલોગ છે અને આરોગ્યની સમસ્યા ધરાવતા લોકોએ તેમની આરોગ્યવિષયક વિગતો અને ડોક્યુમેન્ટ્સની ચકાસણી કરાવવાની બાકી રહે છે. ડ્રાઈવર્સનું કહેવું છે કે DVLA દ્વારા નવા લાઈસન્સના પ્રોસેસિંગમાં પાંચ મહિના જેટલી રાહ જોવી પડે છે તેના કારણે નોકરી ગુમાવવી પડે તેનું જોખમ છે. મોટા ભાગના વાહનચાલકો તેમની અરજીનું પ્રોસેસિંગ થતું હોય તે ગાળામાં રોડ ટ્રાફિક એક્ટના સેક્શન 88 હેઠળ ડ્રાઈવિંગ કરી શકે છે પરંતુ, જેમના લાઈસન્સ આરોગ્યના મુદ્દાસર રદ કરી દેવાયા હોય તેમને આ વિલંબથી ભારે અસર પહોંચે છે. DVLAએ સ્વીકાર્યું છે કે સ્ટાન્ડર્ડ અરજીઓની સરખામણીએ મેડિકલ અરજીઓ પાછળ વધુ સમય લેવાય છે.


