• 14,000માઈગ્રન્ટ્સે બોટ થકી ચેનલ ઓળંગીઃ

Tuesday 09th August 2022 13:27 EDT
 

આ વર્ષે જાન્યુઆરી મહિનાથી 15 જુલાઈ સુધીના સમયગાળામાં 14,010 માઈગ્રન્ટ્સે બોટ થકી ઈંગ્લિશ ચેનલ ઓળંગી હોવાનું સરકારી આંકડા જણાવે છે. લોકોએ 21 માઈલ લાંબી ડોવર સ્ટ્રેઈટ્સને 419 બોટ્સમાં ઓળંગી હતી. ગત વર્ષે ચેનલ ઓળંગનારા લોકોનો આંકડો 14000 પહોંચતા સપ્ટેમ્બર સુધીનો સમય લાગ્યો હતો. સરકારી આંકડા મુજબ 2021માં કુલ 28,526 લોકોએ ચેનલ ઓળંગી બ્રિટનમાં પ્રવેશ મેળવ્યો હતો જેની સામે 2020માં 8,410 લોકો આવ્યા હતા. લોકોની હેરાફેરી કરનારા સ્મગલર્સ સામે યુરોપભરમાં તવાઈ તેમજ માઈગ્રન્ટ્સને સેન્ટ્રલ આફ્રિકાના રવાન્ડા ખાતે મોકલી અપાશે તેવી ચેતવણીઓ છતાં ચેનલ ઓળંગી યુકે આવનારા એસાઈલમ સીકર્સની સંખ્યા વધતી જ જાય છે.

• સરકારમાં વોટ્સએપ અને ખાનગી ઈમેઈલના ઉપયોગની સમીક્ષાઃ

કોરોના મહામારીના ગાળામાં ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોશિયલ કેર (DHSC)ના સત્તાવાળા અને મિનિસ્ટર્સ દ્વારા તત્કાળ મેસેજિસ બાબતે યુકેના ડેટા વોચડોગ ઈન્ફોર્મેશન કમિશનર્સ ઓફિસ (ICO)ની એક વર્ષ લાંબી તપાસ પૂર્ણ થઈ છે. વોચડોગે મેસેજિંગ એપ્સ અને પ્રાઈવેટ ઈમેઈલ એકાઉન્ટ્સના વ્યાપક ઉપયોગ બાબતે પારદર્શિતા અને સલામતીના મુદ્દે ચિંતા પ્રદર્શિત કરી સરકારમાં નોન-કોર્પોરેટ કોમ્યુનિકેશન ચેનલ્સના ઉપયોગની સમીક્ષા કરવા જણાવ્યું છે. DHSCમાં મિનિસ્ટર્સ દ્વારા સત્તાવાર કામકાજ માટે ખાનગી કોરસપોન્ડન્સ ચેનલના કથિત ઉપયોગની ફરિયાદો મળતાં ICO દ્વારા તપાસ શરૂ કરાઈ હતી. ICO ને જણાયું હતું કે વોટ્સએપ જેવી મેસેજિંગ એપ્સની વ્યાપકતા અને સ્પષ્ટ અંકુશોના અભાવથી કોવિડ પ્રતિ સરકારના પ્રતિભાવ સંબંધિત મહત્ત્વપૂર્ણ માહિતી ખોવાઈ શકે અથવા તેનો દુરુપયોગ થઈ શકે છે. વોચડોગે ડેટા પ્રોટેક્શન કાયદા હેઠળ ડિપાર્ટમેન્ટને આ બાબતે ઠપકો પણ જારી કર્યો છે.

• કટ્ટર જમણેરી જૂથો દ્વારા સૈનિકોની ભરતીઃ

અતિશય જમણેરી જૂથો પોતાના સંભવિત સભ્યો તરીકે મિલિટરી સૈનિકો-કર્મચારીઓને લક્ષ્ય બનાવી રહ્યા છે. ઈન્ટેલિજન્સ એન્ડ સિક્યુરિટી કમિટીએ જણાવ્યું છે કે લશ્કરી દળોના સભ્યો જે પ્રકારની સંવેદનશીલ કામગીરી બજાવે છે તેને ધ્યાનમાં લેતાં વર્તમાન નીતિઓમાં મિલિટરી પર્સોનલ્સ કયા સંગઠનોમાં જોડાઈ શકે તેની મર્યાદા કે માર્ગદર્શન સ્પષ્ટ ન હોવાથી તે જોખમી છે. કમિટીએ એવી ચેતવણી પણ આપી છે કે વિદેશ જઈ યુકેમાં પરત ફરનારા કટ્ટરવાદીઓ અન્ય કટ્ટર જમણેરી જૂીથો સાથે સંપર્કમાં રહ્યા હોય અને સંભવતઃ વધુ કટ્ટર બન્યા હોય તેવી શક્યતા છતાં આવા લોકો પર નજર રાખવાની કોઈ પ્રક્રિયા અસ્તિત્વમાં નથી. બીજી તરફ, લશ્કરી દળોના સભ્યો તેમજ પોલીસ વિભાગમાં ભરતી કરાય તેમની બરાબર ચકાસણી પણ કરાતી ન હોવાની ચિંતા કમિટીએ વ્યક્ત કરી હતી.

• સિવિલ સર્વન્ટ્સ સ્ટ્રાઈક માટે વોટિંગ કરશેઃ

સિવિલ સર્વન્ટ્સ પગાર, પેન્શન અને 91,000 નોકરીઓ ઘટાડવાની સરકારની યોજના સહિતના મુદ્દાઓ પર રાષ્ટ્રીય હડતાળ પાડવા સપ્ટેમ્બરના અંત સુધીમાં મતદાન કરશે. સૌથી મોટા પબ્લિક એન્ડ કોમર્શિયલ સર્વિસીસ (PCS) યુનિયન દ્વારા 10 ટકા પગારવૃદ્ધિની માગણી કરાઈ છે. નેશનલ ઈન્ડસ્ટ્રિયલ એક્શન માટે મતદાન 26 સપ્ટેમ્બરથી શરૂ કરાશે અને નવેમ્બરની શરૂઆતમાં તેનું પરિણામ જાહેર થઈ જશે. યુનિયન 10 ટકાના પગારવધારા,પ્રતિ કલાક ઓછામાં ઓછાં 15 પાઉન્ડનું વેતન, પેન્શન ફાળામાં કાપ, છટણીની શરતોમાં વધુ કોઈ સુધારા નહિ અને જોબ સિક્યુરિટી એગ્રીમેન્ટ, જાહેર સેવા આપવા માટે વધુ સ્રોતોની ફાળવણી સહિતની માગણી કરી રહ્યું છે.

• બેનિફિટિસમાં £8.5 બિલિયનની વધુ ચૂકવણીઃ

ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન્સ (DWP) દ્વારા ગયા વર્ષે સરકારી પેન્શન સિવાય બેનિફિટિસમાં 8.5 બિલિયન પાઉન્ડની વધુ ચૂકવણી કરાઈ હતી અને જે 2020-21ની સરખામણીએ 380 મિલિયન પાઉન્ડ વધુ હોવાનું નેશનલ ઓડિટ ઓફિસના વાર્ષિક રિપોર્ટમાં જણાવાયું છે. મોટા ભાગનો વધારો યુનિવર્સલ ક્રેડિટ પેમેન્ટ્સમાં છેતરપીંડીના કારણે હોવાનું જણાવાયું છે અને DWPએ પણ સ્વીકાર્યું છે કે તેણે 2021-2022 માં તમામ યુનિવર્સલ ક્રેડિટ પેમેન્ટ્સના અંદાજે 14.7 ટકા વધુ ચૂકવ્યા હતા. ડિપાર્ટમેન્ટના આશરે પાંચ મિલિયન દાવેદારોને વધુ ચૂકવાયેલા બેનિફિટ્સ, બેનિફિટ્સ એડવાન્સીસ અને ટેક્સ ક્રેડિટ્સમાં બિલિયન પાઉન્ડ લેણાં નીકળે છે, જેમાંથી 2 બિલિયન પાઉન્ડનું લેણું 2021-22માં રીકવર કરાયું હતું. બીજી તરફ, DWPના અંદાજ મુજબ ગત 37 વર્ષમાં 237,000સરકારી પેન્શનરોને આશરે બિલિયન પાઉન્ડની ઓછી ચૂકવણી કરાઈ છે.

• ગેરકાયદે પ્રોડક્ટ્સ વેચવા બદલ શોપને દંડઃ

વૂલીચની શબા હેર એન્ડ કોસ્મેટિક્સ શોપને ગેરકાયદે પ્રોડક્ટ્સ વેચવા બદલ 5600 પાઉન્ડનો દંડ ફટકારાયો છે અને ખર્ચના 4000 પાઉન્ડ ચૂકવવા જણાવાયું છે. આ ઉપરાંત, શોપના માવિક શાઝેબ અહમદને 100 કલાકના વિના વેતનના કામ સહિત 12 મહિનાનો કોમ્યુનિટી ઓર્ડર અને 2000 પાઉન્ડનો દંડ પણ કરવામાં આવ્યો છે. ગ્રીનિચ કાઉન્સિલના જણાવ્યા મુજબ ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ્સ દ્વારા 243 ગેરકાયદે આઈટમ્સ જપ્ત કરવામાં આવી હતી. 9 પ્રોડક્ટ્સ પરનાી પરીક્ષણોમાં તેમાં સ્ટેરોઈડ્સની માત્રા જણાઈ હતી જે માત્ર મેડિસીન્સમાં જ હોવી જોઈએ અને તે ડોક્ટર્સ અથવા ફાર્માસિસ્ટ્સ દ્વારા પ્રીસ્ક્રાઈબ કરાવી જોઈએ. સ્ટેરોઈડ્સના વધુ પ્રમાણથી આરોગ્યને ભારે નુકસાન થઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter