• NHS વૃદ્ધ પેશન્ટ્સને હોટેલમાં રાખશેઃ

Wednesday 11th January 2023 05:33 EST
 

કટોકટીગ્રસ્ત NHSમાં પથારીઓ ખાલી કરવા સેંકડો પેશન્ટ્સને આગામી સપ્તાહોમાં હોટેલ રૂમ્સમાં ખસેડાય તેવી યોજના છે. હોટેલ્સ, હોસ્પિસીસ, કેર હોમ્સ અને ખાનગી હોસ્પિટલ્સમાં રૂમ્સ ખરીદવા સરકાર 200 મિલિયન પાઉન્ડનું વધારાનું ભંડોળ આપશે. કોમ્યુનિટી કેરના અભાવે હોસ્પિટલ્સના વોર્ડ્સમાં અટવાઈ રહેલા હજારો પેશન્ટ્સને A&E માં વેઈટિંગ ટાઈમ ઘટાડવા આ સ્થળોએ ખસેડાશે. ઈંગ્લેન્ડની હોસ્પિટલોમાં આશરે 13,000 પથારીઓ ડિસ્ચાર્જ થવા માટે મેડિકલ ફિટ દર્દીઓ દ્વારા રોકાયેલી છે. જોકે, આરોગ્યક્ષેત્રના વડાઓને ચિંતા એ છે કે વધારાની પથારીઓ પર ધ્યાન આપવા કોઈ સ્ટાફ હશે નહિ કારણકે સોશિયલ કેરમાં 165,000 અને NHS માં 133,000 નોકરીઓ ખાલી પડેલી છે. ચેરિટી એજ યુકેના જણાવ્યા મુજબ વૃદ્ધ લોકોને ઉચ્ચ ગુણવત્તાની સારસંભાળ પૂરી પાડવા હોટેલ્સ યોગ્ય સ્થળ નથી. મોટા પાયે ખાનગી પથારીઓ ખરીદવાનો અર્થ એ છે કે દર્દીને ઘરમાં સાજા થવાના બદલે કેર હોમ્સમાં મૂકી દેવાશે.

ક્વીનની પ્લેટિનમ જ્યુબિલી માટે હમશક્લો ભાડે લેવાયાઃ

ક્વીન એલિઝાબેથ દ્વિતીયની પ્લેટિનમ જ્યુબિલી પાર્ટીની ઉજવણી માટે 7000 પાઉન્ડના ખર્ચા સાથે સેલેબ્રિટીઝના હમશક્લો ભાડે લેવાયા હતા. સ્વીડનની બ્રિટિશ એમ્બેસીમાં ડેવિડ બોવી અને બેબી સ્પાઈસ જેવા વર્તમાન અને ભૂતકાળના સ્ટાર્સની ભૂમિકાઓ ભાડે લેવાયેલા એક્ટર્સે ભજવી હતી. એક અભિનેતાએ બોરિસ જ્હોન્સનની ભૂમિકા ભજવી હોવાનું જણાવ્યું હતું. જોકે, ફોરેન ઓફિસે સ્પષ્ટ કર્યું હતું કે ઉજવણીની પાર્ટીમાં કોઈએ જ્હોન્સન તરીકે દેખા દીધી ન હતી. સ્ટોકહોમમાં બ્રિટિશ એમ્બેસેડર જ્યુડિથ ગોઘના નિવાસે જૂન મહિનામાં યોજાયેલી પાર્ટીમાં 60 જેટલા લોકો હાજર રહ્યા હોવાનું કહેવાય છે. અગાઉ યુક્રેનમાં બ્રિટિશ પ્રતિનિધિત્વ કરનારાં જ્યુડિથ ગોઘ ઓગસ્ટ 2019માં સ્વીડન ખાતે એમ્બેસેડર નીમાયાં હતાં.

અછત છતાં 96 ટકા સ્પર્મ ડોનેશનનો અસ્વીકારઃ

વીર્ય-સ્પર્મદાન બાબતે રાષ્ટ્રીય અછત હોવાં છતાં વીર્યદાન કરવા ઈચ્છતાં 100માંથી માત્ર 4 પુરુષની અરજીનો જ સ્વીકાર કરાયો હતો. ડેનમાર્ક અને યુએસમાં સ્પર્મ ડોનર તરીકે અરજી કરનારા 11,700 પુરુષોને સંશોધકોએ શોધી કાઢ્યા હતા. અહીં દાનમાં અપાયેલાં અડધોઅડધ વીર્યનો ઉપયોગ યુકેમાં મહિલાઓ દ્વારા ફર્ટિલિટી ટ્રીટમેન્ટ માટે કરવામાં આવે છે. માત્ર 3.78 ટકા પુરુષોનો સ્પર્મ ડોનર તરીકે સ્વીકાર કરાયો હતો અને સ્પર્મના સેમ્પલ્સ થીજાવ્યા પછી ઉપયોગ માટે રીલીઝ કરાયું હતું. યુનિવર્સિટી ઓફ શોફિલ્ડના સંશોધન મુજબ ડોનર અરજદારોમાંથી અડધા તો તેમના સેમ્પલ રીલીઝ થાય તે પહેલા પાછા ખસી ગયા હતા. પાંચમાંથી એક અરજદારને આરોગ્ય અથવા જિનેટિક બીમારીના વાહક હોવાથી તેમજ 10માંથી એક અરજદારને સ્પર્મની ક્વોલિટી નબળી હોવાના કારણે રીજેક્ટ કરી દેવાયા હતા. યુકેમાં સ્પર્મ ડોનર્સની અછત હોવાથી વિદેશમાંથી મળતા દાન પર આધાર રાખવો પડે છે. યુકેમાં 52 ટકા સ્પર્મ ડોનેશન વિદેશમાંથી આવે છે જે આંકડો 2010માં 22ટકાનો હતો. યુકેમાં 1991થી વીર્યદાનના કારણે 70,000 બાળકોનો જન્મ થયો છે.

ફ્લુ વેક્સિન લેવા બીમાર પેશન્ટ્સની આજીજીઃ

હોસ્પિટલમાં ફ્લુ સાથે ગંભીર બીમાર દર્દીઓએ લોકોને NHSની મફત ફ્લુ વેક્સિનેશન કરાવી લેવા વિનંતી કરી છે. વર્ષ 2010-11 પછી આ વર્ષે ફલુની બીમારી સાથે હોસ્પિટલ એડમિશન સૌથી વધુ એટલે કે 5700થી પણ વધુ છે અને ગત વર્ષની સરખામણીએ 100 ગણા છે. ફ્લુ સાથે હોસ્પિટલમાં દાખલ દર્દીઓનું કહેવું છે કે આગામી શિયાળામાં ફ્લુ વેક્સિનની લાઈનમાં તેઓ સૌથી પહેલા પહોંચી જશે. અત્યારે લોકો પાસે મફત ફ્લુ વેક્સિનેશનની તક છે ત્યારે વેક્સિન લેવી હિતાવહ છે. તાજા આંકડા મુજબ 65થી વધુ વયના પાંચમાંથી એક વ્યક્તિએ ફ્લુની વેક્સિન લીધી નથી તેમજ ત્રણમાંથી એક વ્યક્તિએ કોરોના વાઈરસ બૂસ્ટર ડોઝ લીધો નથી. 50 અને તેથી વધુ વયના તમામ લોકો, હેલ્થ અને સોશિયલ કેર વર્કર્સ તેમજ તબીબી દૃષ્ટિએ નબળા, સગર્ભા મહિલાઓ અને 2-11 વયજૂથના બાળકો પ્લુ વેક્સિન મેળવવાને લાયક છે. બાળકોને નાકમાં સ્પ્રે થકી વેક્સિન અપાય છે.

ફ્યુનરલ કંપનીના દેવાળાંથી ગ્રાહકોને નુકસાનઃ

વન લાઈફ ફ્યુનરલ પ્લાનિંગ કંપનીએ 20 મિલિયન પાઉન્ડની ખાધ સાથે દેવાળું કાઢ્યું છે જેમાંથી અડધાથી વધુ એટલે કે 11.4 મિલિયન પાઉન્ડનો બોજ તેના હજારો ગ્રાહકોએ સહન કરવાનો આવ્યો છે. રેગ્યુલેટર ફાઈનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટીએ કંપનીની કાર્યપદ્ધતિ વિશે ચેતવણી આપ્યા પછી નવેમ્બરમાં વહીવટદારોની નિયુક્તિ કરવામાં આવી હતી. વહીવટદારોના રિપોર્ટ અનુસાર મોટા ભાગના વૃદ્ધો સહિત આશરે 13,700 ગ્રાહકોએ શેફિલ્ડસ્થિત કંપનીમાં પોતાના ફ્યુનરલના આયોજનો કરેલા હતા. આ ગ્રાહકોને તેમના પ્રતિ 1 પાઉન્ડની સામે માત્ર 2.3 પેન્સ જ મળવાની શક્યતા છે. બે વર્ષ અગાઉ જ વન લાઈફ કંપનીની સ્થાપના થઈ હતી. પ્રી-પેઈડ ફ્યુનરલ પ્લાન્સ ધરાવતી અનેક કંપનીઓએ નાદારી નોંધાવી છે. સેઈફ હેન્ડ્સ પ્લાન્સ નામની અન્ય કંપનીએ 71.1મિલિયન પાઉન્ડની ખાધ ખાધી છે જેમાંથી ગ્રાહકોને માત્ર 6.5 મિલિયનથી 10.5 મિલિયન પાઉન્ડની વચ્ચેની રકમ પરત મળવાની શક્યતા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter