• સેલફ્રિજ્સનો £૪ બિલિયનમાં વેચાણનો સોદો થયોઃ
લક્ઝરી ડિપાર્ટમેન્ટ સ્ટોર સેલફ્રિજ્સના ફેમિલી માલિક વેસ્ટન ગ્રૂપે થાઈ અને ઓસ્ટ્રેલિયન કંપનીઓ સાથે ૪ બિલિયન પાઉન્ડ (૫.૩૬ બિલિયન ડોલર)નો વેચાણસોદો કર્યો છે. આ સોદામાં સેલફ્રિજ્સના લંડન, બર્મિંગહામ અને માન્ચેસ્ટરના થઈ ચાર સ્ટોર્સ તેમજ આયર્લેન્ડ અને નેધરલેન્ડ્સની અન્ય પ્રોપર્ટીનો પણ સમાવેશ થાય છે. થાઈલેન્ડના સેન્ટ્રલ ગ્રૂપ અને ઓસ્ટ્રેલિયાની રિયલ એસ્ટેટ કંપની સિગ્મા હોલ્ડિંગ સંયુક્તપણે ઈટાલી, જર્મની અને ડેનમાર્કમાં મોટા ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ ધરાવે છે. આ સંયુક્ત જૂથે હેરોડ્સની માલિકી ધરાવતા કતાર ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી અને હોંગકોંગસ્થિત ડિપાર્ટમેન્ટ સ્ટોરમાલિક લેન ક્રોફર્ડની સ્પર્ધામાં જીત હાંસલ કરી હતી. કેનેડાના ધનાઢ્ય વેસ્ટન ફેમિલીએ ૨૦૦૩માં ૬૨૮ મિલિયન પાઉન્ડમા સેલફ્રિજ્સની માલિકી મેળવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર નવા માલિકો કોઈ સ્ટોરની બાજુમાં લક્ઝરી હોટેલનું નિર્માણ કરવાનો ઈરાદો ધરાવે છે.
• ખરીદ્યો આઈફોન અને બોક્સમાં મળી ચોકલેટઃ
નાતાલમાં ડેનિયલ કેરોલ ઓનલાઇન ખરીદીમાં છેતરપિંડીનો શિકાર બન્યા હતા. કેરોલે ક્રિસમસની પ્રેઝન્ટ તરીકે ૧૦૪૫ પાઉન્ડની કિંમતના મોંઘા આઇફોન ૧૩ પ્રો મેક્સ સ્માર્ટફોનનો ઓર્ડર આપ્યો હતો. સ્માર્ટફોનની ડિલિવરી વેસ્ટ યોર્કશાયરના DHL વેરહાઉસ હસ્તક હતી. ઉત્સાહી કેરોલને બે સપ્તાહ પછી બોક્સની ડિલિવરી નહિ મળતા તે જાતે જ વેરહાઉસ પહોંચી ડિલિવરી મેળવી હતી. પાર્સલને ખોલતા જ મોંઘા આઇફોનને બદલે ઈન્ડસ્ટ્રીયલ ટોઈલેટ રોલ પેપરમાં પેક કરેલી ૧૨૦ ગ્રામની ડેરી મિલ્ક ઓરેઓ ચોકલેટના બે બાર નીકળતા તેને છેતરાયાનો અહેસાસ થયો હતો. આ પાર્સલ સાથે ચેડાં થયાનું જણાતા ડેનિયલે આ બાબતે એપલ અને DHLને ફરિયાદ કરી છે પરંતુ, કોઈ નિવેડો આવ્યો નથી. DHLદ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
• ૨૭,૦૦૦થી વધુ ગેરકાયદે માઈગ્રન્ટ્સે ચેનલ ઓળંગીઃ
વર્ષ ૨૦૨૧માં આશરે ૨૭,૦૦૦થી વધુ ગેરકાયદે માઈગ્રન્ટ્સે નાની બોટ્સમાં ઈંગ્લિશ ચેનલ ઓળંગી હોવાનું આંકડા કહે છે. ક્રિસમસની વહેલી સવારે ૬૭ વ્યક્તિને ચેોનલ ઓળંગતા પકડી લેવાયા હતા. આ લોકો ઈરાક, ઈરાન અને અફઘાનિસ્તાનથી આવ્યા હોવાનું મનાય છે. બોર્ડર ફોર્સે ડિસેમ્બર મહિના સુધીમાં ૪૪ બોટમાં ૧,૩૨૭ માઇગ્રન્ટ્સની અટકાયત કરી છે, જે વર્ષમાં કુલ ૨૭, ૯૩૮ના આંકડે પહોંચી ગઈ છે. નવેમ્બરમાં ચેનલ પાર કરવામાં બોટ ડૂબી જતાં સાત મહિલા, એક ટીનેજર અને સાત વર્ષની છોકરી સહિત ૨૭ માઇગ્રન્ટ્સના મોત થયા હતા. આમ છતાં, લોકો ચેનલ ઓળંગવાનું છોડી રહ્યા નથી.
• ભારતીય દંપતી દ્વારા કોવિડ-૧૯ લોનમાં છેતરપિંડીઃ
સેન્ટ્રલ ઈંગ્લેન્ડની વુલ્વરહેમ્પટન મેજિસ્ટ્રેટ કોર્ટે કોવિડ-૧૯ સપોર્ટ લોન મેળવવામાં છેતરપિંડી આચરવા બદલ ભારતીય દંપતી, ૪૦ વર્ષીય પૂર્વ કાઉન્સિલર હરમાન બાંગર અને તેમની ૩૮ વર્ષીય પત્ની નીના કુમારીને ગુનેગાર ઠરાવ્યા હતા. આ જ કોર્ટ દ્વારા તેમને ૧૪ જાન્યુઆરીએ સજા જાહેર કરવામાં આવનાર છે. દંપતીએ કોવિડ-૧૯ બાઉન્સ બેક લોન સ્કીમ હેઠળ ૧૦,૦૦૦ પાઉન્ડ મેળવવા માટે ખોટી માહિતી આપી હતી. બાઉન્સ બેક લોન સ્કીમ વિશે જાણતા વુલ્વરહેમ્પટન સિટી કાઉન્સિલના પૂર્વ કાઉન્સિલર હરમાન બાંગરે સ્મોલ બિઝનેસ ગ્રાન્ટ મેળવવા પોતાનો પિઝા પ્લસ બિઝનેસ ઓક્ટોબર ૨૦૧૯થી ચાલતો હોવાનું જણાવ્યું હતું. વાસ્તવમાં આ બિઝનેસ ૨૪ એપ્રિલ, ૨૦૨૦થી શરૂ કરાયો હતો. કાઉન્સિલની કાઉન્ટર-ફ્રોડ તપાસ ટીમ અને વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસને જણાયું હતું કે આ બિઝનેસના સરનામા પર મે ૧૬, ૨૦૨૦ સુધી વીજપુરવઠો અપાયાનો કોઈ રેકોર્ડ ન હતો તેમજ બિઝનેસ ચાલતો હોવાની કોઈ નિશાનીઓ પણ મળી ન હતી.
• શિક્ષિકા સબીના નેસાની હત્યાની કબૂલાતઃ
ગેરેજ મિકેનિક કોસી સેલામજે ઓલ્ડ બેઈલી કોર્ટ સમક્ષ પ્રાથમિક શાળાની ૨૮ વર્ષીય શિક્ષિકા સબિના નેસાના મોતની જવાબદારી સ્વીકારી હતી. જોકે, તેણે હત્યા કર્યાનો ઈનકાર કર્યો હતો. સસેક્સના ઈસ્ટબોર્નના આલ્બેનિયન નાગરિક સેલમાજે ૧૭ સપ્ટેમ્બરે સાઉથ લંડનમાં નજીકના પબમાં ડેટ માટે જઇ રહેલી સબિના નેસા પર હુમલો કરી માથા પર વારંવાર ઇજા પહોંચાડી હત્યા કરી હતી. લગભગ ૨૪ કલાક પછી કેટોર પાર્કમાં કોમ્યુનિટી સેન્ટર પાસે તેનો ઘાસથી ઢંકાયેલો મૃતદેહ મળ્યો હતો. સબિના નેસા કેટફર્ડની રૂશી ગ્રીન પ્રાઈમરી સ્કૂલમાં યર વનના બાળકોને ભણાવતી હતી અને પિઝા ડિલિવરી ડ્રાઈવર અને ઈસ્ટબોર્નમાં ગેરેજમાં મિકેનિક તરીકે કામ કરતા સેલમાજ સાથે તેનો કોઈ પરિચય ન હતો.
• હોટેલના મહેમાનોના માલસામાનની ચોરીમાં અનીશા અનવર દોષિતઃ
ઇસ્ટ લંડનના હેરો રોડ ખાતે રહેતી ૩૫ વર્ષીય મહિલા અનીશા અનવરે હોટલ સ્ટાફને મૂર્ખ બનાવી ઘણા મુસાફરોનો સામાન ચોર્યાની કબૂલાત ૧૫ ડિસેમ્બરે વુડ ગ્રીન ક્રાઉન કોર્ટ સમક્ષ કરી હતી. તેણે હોટેલની ગેસ્ટ હોવાનો દાવો કરતો ફોન કરી પારિવારિક કારણોસર તાકીદે હોટલ છોડવી પડે તેમ હોવાનું સ્ટાફને જણાવ્યું હતું. સ્ટાફે અનીશાએ જણાવેલો માલસામાન પેક કરી તેણે મોકલેલી ટેક્સીમાં ગોઠવી આપ્યો હતો. અનીશાએ આ પદ્ધતિ અપનાવી ઘણી હોટેલમાંથી ૮૦,૦૦૦ પાઉન્ડની વધુના માલસામાનની ચોરી કરી હતી. અનીશાને ગુરુવાર, ૧૩ જાન્યુઆરી ૨૦૨૨ના દિવસે સજા સંભળાવાશે. પોલીસે ફોન રેકોર્ડ્સ અને અદ્યતન ફોરેન્સિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને અનવરની ધરપકડ કરી હતી અને ગુરુવાર, ૧૧ નવેમ્બર, ગુરુવારે તેની વિરુદ્ધ આરોપ મૂકાયો હતો. તેના સાગરિતની શોધખોળ ચાલી રહી છે.
• અસાન્જેના યુએસને પ્રત્યર્પણનો માર્ગ મોકળોઃ
વિકીલિક્સના સ્થાપક જુલિયન અસાન્જેનું યુએસને પ્રત્યર્પણ કરવા રોયલ કોર્ટ ઓફ જસ્ટિસ દ્વારા ચુકાદો અપાયો છે. આ સાથે યુએસમાં અસાન્જે વિરુદ્ધ જાસૂસીના આરોપમાં ટ્રાયલનો માર્ગ મોકળો થયો છે. હાઈ કોર્ટે અસાન્જેની માનસિક હાલતની ચિંતા દર્શાવનાર નીચલી કોર્ટના ચુકાદાને ઉલટાવી નાખ્યો હતો. અસાન્જેને ૨૦૧૯થી લંડનની હાઈ સિક્યુરિટી બેલમાર્શ પ્રિઝનમાં રખાયો છે. યુએસ દ્વારા અસાન્જે વિરુદ્ધ દાયકાઓ અગાઉ ઈરાક અને અફઘાનિસ્તાન યુદ્ધો સંબંધિત હજારો ગુપ્ત લશ્કરી દસ્તાવેજો જાહેર કરવાનો આરોપ લગાવાયો છે. યુએસ દ્વારા હાઈ કોર્ટ સમક્ષ જણાવાયું હતું કે અસાન્જેને જે પણ કેદની સજા અપાશે તે ભોગવવા તેના વતન ઓસ્ટ્રેલિયા ટ્રાન્સફર કરી શકાશે. હવે આ કેસ વેસ્ટ મિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટ દ્વારા હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ સમક્ષ પ્રત્યર્પણના નિર્ણયાર્થે મોકલી અપાશે. જોકે, અસાન્જેના વકીલોએ યુકેની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની જાહેરાત કરી છે.
• ડેમ ડાયેના જ્હોન્સન સિલેક્ટ કમિટીના ચેરમેનઃ
લેબર પાર્ટીના સાંસદ ડાયેના જ્હોન્સન હોમ એફેર્સ સિલેક્ટ કમિટીના નવા ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યાં છે. શેડો હોમ સેક્રેટરીના પદે ગોઠવાયેલાં ઈવેટ કૂપરે પદત્યાગ કરતાં ડાયેના જ્હોન્સનને ચૂંટી લેવાયાં હતાં. ડાયેના જ્હોન્સન ૨૦૦૫થી કિંગ્સ્ટન અપોન હલ નોર્થના સાંસદ તરીકે સેવા આપી રહ્યાં છે. કુલ ૩૧૫ સાંસદોએ મતદાન કર્યું હતું જેમાંથી જ્હોન્સનની તરફેણમાં ૧૪૫ તેમજ હરીફ લેબર સાંસદ ઉમેદવારો ડો. રુપા હકને ૧૩૨ અને યાસ્મિન કુરેશીને ૭૪ મત મળ્યા હતા. ડાયેના જ્હોન્સને તત્કાળ અસરથી હોદ્દો સંભાળી લીધો હતો.

