• સંક્ષિપ્ત સમાચાર (યુકે)

Wednesday 17th March 2021 10:41 EDT
 

• વેક્સિન લેવા સંગત સેન્ટરની અપીલઃ

સંગત સેન્ટરના નેતાઓએ સાઉથ એશિયન લોકોને કોવિડ ૧૯ વેક્સિન લેવા અપીલ કરી છે. ચેરિટી સંસ્થા વેક્સિનની આસપાસ ફેલાયેલી ભયજનક દંતકથાઓ નાબૂદ કરવા માગે છે. સંગત સેન્ટરે ૫૦૦થી વધુ સાઉથ એશિયનની હાજરી સાથે ઝૂમ અને યૂટ્યૂબ મારફત કોવિડ-૧૯ વેક્સિન સંબંધિત મૂંઝવણો દૂર કરવા મુદ્દાઓની ચર્ચા અને નિરાકરણ હાથ ધર્યા હતા. હેરો વેએલ્ડસ્ટોન, લંડન ખાતે સેન્ટરના પ્રવક્તા મિ. કાન્તિ નાગડા MBEએ જણાવ્યું હતું કે સાઉથ એશિયન કોમ્યુનિટીઓમાં કોરોના વેક્સિન બાબતે ઘણી ખોટી અને ગેરમાર્ગે દોરતી માહિતીઓ ફરી રહી છે જેમાં, ડીએનએમાં બદલાવ, માઈક્રોચિપિંગ, પશુઓની પેદાશ હોવી તેમજ તેનાથી નપુંસકતા આવતી હોવાનો પણ સમાવેશ થાય છે. સંગત સેન્ટર આગામી બે મહિનામાં ૩૦૦૦ લોકોને સાચી માહિતી સાથે પ્રિન્સ ચાર્લ્સનો ‘માત્ર વેક્સિન જ મહામારીમાંથી બહાર નીકળવાનો માર્ગ છે’ સંદેશ પહોંચાડશે.

•  રોયલ મેઈલ રવિવારે પણ ડિલિવરી કરશેઃ

રોયલ મેઈલ યુકેમાં દરેક પરિવાર-ઘર માટે તેની ડિલિવરીના દિવસો બદલી રહેલ છે. આમાં સંકળાયેલી મુખ્ય કંપનીઓના નામ જાહેર કરાયા નથી પરંતુ, લોકો માટે આ રાહતના સમાચાર છે. રોયલ મેઈલ ગ્રાહકોની અપેક્ષામાં બદલાવના પગલે ટ્રાયલ તરીકે કેટલાક મુખ્ય રીટેઈલર્સ માટે રવિવારે પણ પાર્સલની ડિલિવરી કરશે. વધુ ગ્રાહકો રવિવારે પમ ડિલિવરી કરાય તે માટે તૈયાર છે ત્યારે રોયલ મેઈલ પહેલી વખત રવિવારની ડિલિવરી સાથે એમેઝોનના સાત દિવસના ડિલિવરી માર્કેટની સ્પર્ધા કરશે. રોયલ મેઈલે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના અંત પછી શનિવારની ડિલિવરી પણ ફરી શરુ કરી છે.

•  GLA ચૂંટણી પરિણામો બે દિવસ મોડાં આવશેઃ

લંડનવાસીઓએ લંડનના મેયર અને લંડન એસેમ્બલી ચૂંટણીના પરિણામો માટે બે દિવસ રાહ જોવી પડશે. ૬ મેએ ચૂંટણી પછી બે દિવસ- ૭ અને ૮ મેએ મતગણતરી કરવામાં આવશે અને શનિવાર ૮ મેએ પરિણામો જાહેર કરાશે તેમ મેયર અને એસેમ્બલી ચૂંટણીઓ યોજતી ‘London Elects’ દ્વારા જણાવાયું હતું. મતગણતરી એક્સેલ, એલેકઝાન્ડ્રા પેલેસ અને ઓલિમ્પિયા ખાતે સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કરવામાં આવશે.

• NHS પ્રીસ્ક્રિપ્શન ચાર્જમાં વધારોઃ

NHS પ્રીસ્ક્રિપ્શન ચાર્જમાં ફરી એક વખત વધારો થયો છે જેના કારણે નિરાધાર અને નિર્બળ લોકો માટે મહત્ત્વની સારવાર નહિ મળવાનું જોખમ વધ્યું છે. પ્રીસ્ક્રિપ્શન આઈટમ્સનો ચાર્જ હાલ ૯.૧૫ પાઉન્ડ છે ઈંગ્લેન્ડમાં પહેલી એપ્રિલથી વધીને ૯.૩૫ પાઉન્ડ થશે. ગયા વર્ષે  ચાર્જમાં ૧૫ પેન્સ તેમજ ૨૦૧૮ અને ૨૦૧૯ના વર્ષોમાં ૨૦ પેન્સનો વધારો થયો હતો. દસ વર્ષ અગાઉ ૨૦૧૧માં પ્રીસ્ક્રિપ્શન ચાર્જ ૭.૪૦ પાઉન્ડ હતો. ફાર્માસ્યુટિકલ સર્વિસીસ નેગોશિયેટિંગ કમિટી અનુસાર ૧ એપ્રિલથી ત્રણ મહિનાનો પ્રીસ્ક્રિપ્શન ચાર્જ ૩૦.૨૫ પાઉન્ડ (૬૦ પેન્સનો વધારો) અને ૧૨ મહિનાનો પ્રીસ્ક્રિપ્શન ચાર્જ ૧૦૮.૧૦ પાઉન્ડ (૨.૨૦ પાઉન્ડનો વધારો) થશે. ફાર્મસી સંસ્થાઓ લાંબા સમયથી ઈંગ્લેન્ડમાં પ્રીસ્ક્રિપ્શન ચાર્જ નાબૂદ કરવાની હિમાયત કરતી આવી છે.

• અશ્વેતોની હત્યાનું સૌથી ઊંચુ પ્રમાણઃ

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં અશ્વેત લોકોની હત્યાનું ૨૦૦૨ના વર્ષ પછી સૌથી ઊંચુ પ્રમાણ છે. માર્ચ ૨૦૨૦ના પૂર્ણ થયેલા વર્ષમાં ૧૦૫ અશ્વેતો હત્યા અને માનવવધના શિકાર બન્યા હતા. તેના અગાઉના વર્ષમાં ૯૬ અશ્વેતોની હત્યા થઈ હતી. અશ્વેત લોકો હોમ્સાઈડના શિકાર બને તેવી શક્યતા વધુ રહે છે. આ ગાળામાં તમામ હત્યા કે માનવવધના ૧૫ ટકા શિકાર અશ્વેત હતા જ્યારે સામાન્ય વસ્તીના માત્ર ૩ ટકા જ અશ્વેત છે. ૬૪ ટકા હત્યા શ્વેત લોકોની થઈ છે જેમની વસ્તી ૮૫ ટકા જેટલી છે.

• માઈગ્રન્ટ્સની હેરાફેરીમાં રેસ્ટોરાંમાલિકને જેલઃ

કેનાબીસ ફાર્મ્સમાં કામ કરાવવા માઈગ્રન્ટ્સની હેરાફેરી કરનારા રેસ્ટોરાં માલિક ટુઆન આન ડ્હોને ૧૧ વર્ષની જેલની સજા કરાઈ છે. બ્લેકબર્નમાં રેસ્ટોરાં અને નોર્થ વેસ્ટમાં કેનાબિસ ફાર્મ્સ ધરાવતો રેસ્ટોરાં માલિક આવી હેરાફેરીથી વર્ષે ૧ મિલિયન પાઉન્ડની કમાણી કરતો હતો. અંડકરવર પોલીસ ઓફિસરે છ વર્ષથી ચાલતા ગેરકાયદે ઈમિગ્રેશન કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આરોપીએ આ પોલીસ ઓફિસરને ઘૂસણખોર માઈગ્રન્ટદીઠ ૨૦૦૦ પાઉન્ડની ઓફર કરી હતી. હોંગકોંગના રેફ્યુજી કેમ્પમાં રહેનારા ૫૫ વર્ષના ડ્હોએ વિયેટનામ થઈ બ્રિટનમાં પ્રવેશ મેળવ્યો હતો.

• બસ સેક્ટરમાં ધરમુળ પરિવર્તનઃ

વડા પ્રધાન બોરિસ જ્હોન્સન સેંકડો માઈલ્સના નવા બસ લેન્સ તેમજ શહેરો અને ટાઉન્સમાં નીચા અને સરળ ભાડાં ને કોમ્યુનિટીઓને સારી રીતે જોડવા ૩ બિલિયન પાઉન્ડના ફંડ સાથે નવી ટ્રાન્સપોર્ટ સ્ટ્રેટેજી અમલમાં મૂકશે. ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે આ નવી સ્ટ્રેટેજી સમગ્ર ઈંગ્લેન્ડના પેસેન્જર્સ માટે વધુ સમય, વધુ વિશ્વાસપાત્ર, ઉપયોગમાં સરળ, સુસંકલિત અને સસ્તી બસ સેવા લાવશે જેનાથી લોકો વાહન હંકારવાના બદલે બસનો વધુ ઉપયોગ કરવા પ્રેરાશે. સરકાર બ્રિટનમાં બનેલી નવી ૪૦૦૦ એમિશનમુક્ત ઈલેક્ટ્રિક અથવા હાઈડ્રોજન બસની ડિલિવરી કરશે.

• ટીન વોગમાં એન્ટિ એશિયન ટ્વીટ્સનો વિવાદઃ

ટીન વોગની નવી એડિટર ઈન ચીફ એલેક્સી મેકકેમોન્ડે ૨૦૧૧માં કરેલી એશિયનવિરોધી ટ્વીટ્સ મુદ્દે માફી માગ્યાં પછી પણ વિરોધનો વંટોળ ચાલુ રહ્યો છે. મેકકેમોન્ડે ૨૦૧૯માં અને ગત સપ્તાહે પણ તેની ટ્વીટ્સ બાબતે માફી માગી હતી. ટીન વોગની પૂર્વ એડિટર ઈન ચીફ એલેઈન વેલ્ટરોહે પણ એલેક્સીની ટ્વીટ્સનો ભારે વિરોધ કર્યો હતો.

• માન્ચેસ્ટર યુનિ.ના વાઈસ ચાન્સેલર સામે અવિશ્વાસ મતઃ

યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરના વિદ્યાર્થીઓએ તેમના વાઈસ ચાન્સેલર ડેમ નેન્સી રોથવેલ તથા અન્ય નેતાઓ વિરુદ્ધ નો-કોન્ફિડન્સ વોટ પસાર કર્યો હતો. કોવિડ-૧૯ મહામારીને યુનિવર્સિટી દ્વારા જે રીતે હાથ ધરાઈ તે બાબતે વાઈસ ચાન્સેલર ડેમ નેન્સી રોથવેલનો વિરોધ કરાયો છે. ૮૯ ટકા વિદ્યાર્થીઓએ વિરોધમત આપ્યો હતો જે બંધનકર્તા નથી. ૧૩ ટકા મતદાન થયું હતું અને યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે તેને ડેમ નેન્સીમાં સંપૂર્ણ વિશ્વાસ છે. વિદ્યાર્થીઓના કેમ્પેઈન ગ્રૂપે જણાવ્યું હતું કે વાઈસ ચાન્સેલર અને તેમની ટીમ ચાલી શકે તેમ જ નથી.

• ત્રાસવાદી હુમલાના કાવતરા માટે દોષિતઃ

કોરોના વાઈરસ લોકડાઉન દરમિયાન તલવાર સાથે ભયનું વાતાવરણ ફેલાવવાના કાવતરાં માટે ઈસ્લામિક સ્ટેટના ૨૭ વર્ષીય સમર્થક સાહાયબ અબુને દોષિત ઠરાવાયો હતો. ઈસ્ટ લંડનના ડાગેનહામના રહેવાસી અબુએ ગત ઉનાળામાં ત્રાસવાદી હુમલાની તૈયારીરુપે બે તલવાર, સ્યુસાઈડ વેસ્ટ્સ સહિતનો સામાન ઓનલાઈન ખરીદ્યો હતો. તેણે ૯ જુલાઈએ અંડરકવર પોલીસ ઓફિસર સાથે ગન્સની પણ ચર્ચા કરી હતી. જ્યુરીએ ૨૧ કલાક અને ૩૨ મિનિટની ચર્ચાવિચારણા પછી ૧૧ વિરુદ્ધ ૧ મતથી તેને ત્રાસવાદી કૃત્યની તૈયારી માટે દોષિત માન્યો હતો. તેના ભાઈ મુહમ્મદ અબુને આ યોજનાની માહિતી પોલીસને નહિ આપવાના ગુનામાં નિર્દોષ જાહેર કરાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter