• સંક્ષિપ્ત સમાચાર (યુકે)....

Wednesday 09th June 2021 07:39 EDT
 

• ગ્રેજ્યુએટ્સ કરતાં એપ્રેન્ટીસની વધુ કમાણીઃ

 ઉચ્ચ શિક્ષણ મેળવેલા ગ્રેજ્યુએટ્સની સરખામણીએ એપ્રેન્ટીસશિપ અને ટેક્નિકલ કોર્સીસ ભણેલા યુવાનો વાર્ષિક ૧૦૦૦થી ૭૦૦૦ પાઉન્ડની વધુ કમાણી કરે છે. લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના સેન્ટર ફોર વોકેશનલ એજ્યુકેશન રિસર્ચના અભ્યાસ મુજબ ૨૬ વર્ષની વયે લેવલ ૪નું ક્વોલિફેકેશન ધરાવનારા અથવા એપ્રેન્ટીસશિપ, સર્ટિફિકેટ ઓફ હાયર એજ્યુકેશન અથવા અન્ય વોકેશનલ કોર્સીસ કરનારાની કમાણી ડીગ્રીધારકો કરતાં વધુ હોય છે. પુરુષોની સરેરાશ કમાણી ૩૦,૪૦૦ અને સ્ત્રીઓની કમાણી ૨૧,૩૦૦ પાઉન્ડ હોય છે. આ જ વયના ડીગ્રીધારક પુરુષ અને સ્ત્રીની કમાણી અનુક્રમે ૨૩,૨૦૦ અને ૨૦,૫૦૦ પાઉન્ડ હોય છે.

• ટોરીદાતા પહેલા લોર્ડ બન્યા પછી દાન આપ્યુઃ

બોરિસ જ્હોન્સન દ્વારા લોર્ડ બનાવાયેલા કન્ઝર્વેટિવ દાતા લોર્ડ પીટર ક્રુડ્ડાસે હાઉસમાં સ્થાન લીધાના થોડા દિવસ પછી પાર્ટીને  ૫૦૦,૦૦૦ પાઉન્ડનું દાન આપ્યું હતું. ક્રુડ્ડાસે બ્રેક્ઝિટ રેફરન્ડમ દરમિયાન વોટ લીવ અને જ્હોન્સનના નેતાગીરી અભિયાનમાં નાણાકીય સક્રિયતા દર્શાવી હતી.  તેમણે ૨૦૧૨માં ‘કેશ ફોર એક્સેસ’ કૌભાંડ પછી ટોરી પાર્ટીના ટ્રેઝરર તરીકે રાજીનામું આપ્યું હતું. CMC Marketsના સ્થાપક ક્રુડ્ડાસના ગ્રૂપની સંપત્તિ ૧.૨ બિલિયન પાઉન્ડની અંકાય છે. બોરિસ જ્હોન્સને ૨૦૧૯માં સત્તા સંભાળ્યા પછી નવા ૭૯ ઉમરાવોની નિમણૂક કરી હતી. હાલ હાઉસ ઓફ લોર્ડ્સમાં કોમન્સ કરતાં આશરે ૨૦૦ વધુ સભ્ય છે. ટોરી પાર્ટીએ ૨૦૨૧ના પ્રથમ ક્વાર્ટરમાં ૩.૬ મિલિયન પાઉન્ડનું દાન મેળવ્યું હતું જ્યારે લેબર પાર્ટી અને લિબરલ ડેમોક્રેટ્સને અનુક્રમે ૨.૫ મિલિયન અને ૯૨૨,૬૬૩ પાઉન્ડ મળ્યા હતા.

• પેરોમેડિક્સ બોડી કેમેરા પહેરતા થયાઃ

ગત પાંચ વર્ષમાં પેરોમેડિક્સ પરના હુમલામાં ૩૦ ટકાનો વધારો થયા પછી ઈંગલેન્ડમાં હજારો એમ્બ્યુલન્સ ક્રુ મેમ્બર બોડી કેમેરા પહેરતા થયા છે. આ ટેકનોલોજીની ટ્રાયલ લંડન ને નોર્થઈસ્ટમાં લેવી હતી અને હવે સમગ્ર દેશમાં પેરામેડિક્સને બોડી કેમેરા આપવામાં આવશે. NHS સ્ટાફ સર્વે મુજબ ૨૦૨૦-૨૧માં એમ્બ્યુલન્સ સ્ટાફ સામે ૩,૫૬૯ હુમલા કરાયા હતા જે સંખ્યા ૨૦૧૬-૧૭માં ૨,૭૦૩ની હતી.

• ફોરેન હેલ્થ વર્કર્સે વિઝા ફી ચૂકવવી પડશેઃ

હોમ ઓફિસની યોજના અનુસાર ઘણા યુરોપિયન દેશોના નાગરિકોએ તેમની વિઝા ફીનું ડિસ્કાઉન્ટ ગુમાવવું પડશે. કાઉન્સિલ ઓફ યુરોપ્સ સોશિયલ ચાર્ટર હેઠળ ૨૬ ઈયુ દેશોને મોટા ભાગના વર્કર વિઝાની અરજી ફીમાં ૫૫ પાઉન્ડ ડિસ્કાઉન્ટ અપાય છે. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ આ ચાર્ટરમાંથી બહાર નીકળવા વિચારી રહ્યાં છે. હેલ્થકેર અને ચેરિટી સેક્ટર્સ, એન્ટ્રેપ્રીન્યોર્સ તેમજ ફળ ચૂંટનારા જેવા સીઝનલ વર્કર્સ સહિતને આ ડિસ્કાઉન્ટનો લાભ મળે છે.  ઉપરાંત, વિદેશી વર્કર્સની સ્પોન્સરશિપના ભાગ તરીકે એમ્પ્લોયર્સને પણ ૧૯૯ પાઉન્ડ ફીમાંથી માફી મળે છે. ઈયુથી અલગ આ ચાર્ટરમાં ઈયુ દેશો ઉપરાંત, તુર્કી અને નોર્થ મેસેડોનિયા દેશો પણ છે.

• લો ટ્રાફિક નેબરહૂડનો વિરોધઃ

બર્મિંગહામમાં સેંકડો દેખાવકારો વિવાદાસ્પદ લો ટ્રાફિક નેબરહૂડ (LTN) યોજનાનો વિરોધ કરવા શનિવાર, પાંચ જૂને યોર્ક રોડના કિંગ્સ હીથ ખાતે ઉમટી પડ્યા હતા. આ દેખાવોનું આયોજન બર્મિંગહામ વર્કર્સ પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું. રહેવાસી વિસ્તારોમાં ટ્રાફિક પ્રયોગ તરીકે લો ટ્રાફિક નેબરહૂડ્સ યોજના દાખલ કરી હતી જેના માટે કોઈ પરામર્શ લેવાયો ન હતો. આ યોજનામાં સાઈકલિસ્ટ્સ અને રાહદારીઓ માટે વધુ જ્ગ્યા ફાળવાય છે અને ઘણા સ્થળે શેરીઓને ટ્રાફિક માટે બંદ કરી દેવાઈ હતી. આનાથી શહેરના કેટલાક વિસ્તારોમાં લોકોની અવરજવર પર અસરો પડી હતી.

• લવ આઈલેન્ડ ૨૦૨૧ શરુ કરાશેઃ

લવ આઈલેન્ડ ૨૦૨૧ શો ટેલિવિઝન સ્ક્રીન પર ટુંક સમયમાં જોવા મળી શકે છે. ગયા વર્ષે કોવિડ મહામારીના કારણે ફેબ્રુઆરી ૨૦૨૦થી ITVની આ લોકપ્રિય સમર સીરિઝ બંધ કરી દેવાઈ હતી. આની જાહેરાત પણ શરુ કરી છે જે મુજબ જૂન મહિનાના ઉત્તરાર્ધમાં ડેટિંગ શો જોવા મળશે. ITV પર The Masked Dancerની ફાઈનલ અગાઉ જાહેરાત આવી હતી જેમાં શોના હોસ્ટ લૌરા વ્હીટમોર અને તેમના ઉદ્ઘોષક પતિ ઈયાન સ્ટિર્લિંગે દેખા દીધી હતી. આ શોનું લોકેશન હજુ જાહેર કરાયું નથી. નવી સીરિઝનું પ્રસારણ ITV-૨ અને ITV Hub પર કરવામાં આવનાર છે.

• જેહાદી યુસુફ સરવર ચાર વર્ષ વહેલો મુક્તઃ

બ્રિટિશરોની હત્યાનું કાવતરું ઘડનારા સીરિયાના ત્રાસવાદી જૂથમાં સામેલ થયેલા ૨૯ વર્ષના જેહાદી યુસુફ સરવરને ચાર વર્ષ વહેલો મુક્ત કરી દેવાશે. તેને ૨૦૧૪માં ૧૩ વર્ષની જેલની સજા કરાઈ હતી.પેરોલ બોર્ડના વડાઓએ તેને આગામી મહિને સાડા ચાર વર્ષ વહેલો છોડવા નિર્ણય લીધો છે. જોકે, આ પગલું લોકોને જોખમમાં મૂકશે તેવી ચેતવણી નિષ્ણાતોએ આપી છે. હવે સત્તાવાળા ૭/૭ બોમ્બરો સાથે સંકળાયેલા અલ કાયદાના બોસ રંગઝૈબ અહેમદને પણ છોડવા વિચારી રહ્યા છે. તેને ૨૦૦૮માં આજીવન કેદની સજા કરી હતી પરંતુ, આ મહિનાના અંત ભાગમાં પેરોલ બોર્ડ તેની વિચારણા કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter