આઈસક્રીમનો સંપૂર્ણ સ્વાદ માણવો હોય તો તે ફ્રોઝન થયો હોય ત્યારથી ત્રણ મહિનાની અંદર ખાઈ લેવો જોઈએ. હાઉસકિપીંગ ઈન્સ્ટિટ્યુટની નવી માર્ગદર્શિકા મુજબ આઈસક્રીમ ત્રણ - ચાર મહિનાથી વધારે સમય આઈસ કોલ્ડસ્ટોરેજમાં પડ્યો રહેશે તો તેનો સ્વાદ, બંધારણ અને કલર ફિકા પડી જશે. આ વાત ફ્રિઝરમાં પડેલી વસ્તુઓ ખાવાનું ભૂલી જતા લોકોને તકેદારી રાખવા સૂચવે છે.
• પોલીસ ડિપાર્ટમેન્ટને વધુ નાણાં આપવાનો હોમ સેક્રેટરીનો ઈનકાર
પોલીસ વિભાગની વાર્ષિક પરિષદને સંબોધતા હોમ સેક્રેટરી એંબર રડે પોલીસવડાઓને જણાવ્યું હતું કે ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે તેવું બહાનુ કાઢીને સરકાર પાસેથી વધુ નાણાં માગવા જોઈએ નહીં. પોલીસ પાસે ૧.૬ અબજ પાઉન્ડનું ભંડોળ છે અને હજુ પણ બચત કરી શકાય તેમ છે. તેમણે ગુનાખોરી સામેની કામગીરી વધુ સુદ્રઢ બનાવવા તાકીદ કરી હતી.
• નકલી દર્દીઓ અને ખોટા ક્લેઈમથી NHSને જંગી નુક્સાન
જે દર્દીઓની ક્યારેય તપાસ ન કરી હોય અને તે કામ માટે NHSપાસેથી નાણાં મેળવવાની ડેન્ટિસ્ટો દ્વારા દર વર્ષે £૧ અબજથી વધુની છેતરપિંડી થતી હોવાનું હેલ્થ ઓફિસરોએ જણાવ્યું હતું. GP દ્વારા અંદાજે ૮૧ મિલિયન પાઉન્ડ, જ્યારે NHS પે રોલ અને નકલી ઓળખ દ્વારા ૯૧ મિલિયન પાઉન્ડની છેતરપિંડી થઈ હતી. તે ઉપરાંત, દર્દીઓ દ્વારા ડેન્ટલ ફી અથવા પ્રિસ્ક્રિપ્શન ચાર્જમાં માફીના ખોટા ક્લેઈમ મૂકીને ૩૯૭ મિલિયન પાઉન્ડની ઠગાઈ કરાઈ હતી.
• દસમાંથી એક પુરુષ પત્નીની અટક અપનાવે છે
શાહી યુગલ તેમની ૭૫મી લગ્નતિથિ ઉજવવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે હાથ ધરાયેલા અભ્યાસમાં જણાયું હતું કે આધુનિક સમયના પુરુષો લગ્નના રીતરિવાજને ખૂબ ઓછી માન્યતા આપે છે. દર દસમાંથી એક કરતાં વધુ પુરુષ પોતાની પત્નીની અટક અપનાવે છે. ક્વિન એલિઝાબેથ દ્વિતિયએ લગ્ન પછી ડ્યુક ઓફ એડિનબરાના પરિવારની અટક અપનાવવાનો ઈનકાર કર્યો તે વાત તેમને હૈયા સોંસરવી ઉતરી ગઈ હતી. ડ્યુકે અગાઉ ઘણી વાતો જતી કરી હતી તેમાં આ તેમને વ્યક્તિગત હાનિ હતી.

