• સગર્ભા લેબર સાંસદને ઠપકો

Monday 11th January 2016 11:46 EST
 

હેમ્પસ્ટીડ એન્ડ કિલ્બર્નના સગર્ભા લેબર સાંસદ ટુલિપ સિદ્દીકને પાર્લામેન્ટરી નિયમોનો ભંગ કરી અધુરી ચર્ચાએ ચેમ્બર છોડી જમવા જતાં રહેવા બદલ ઠપકો અપાયો છે. કોમન્સ ડેપ્યુટી સ્પીકર એલેનોર લેઈન્ગે સાંસદને અવિવેકી ગણાવતાં કહ્યું હતું કે ટુલિપ સિદ્દીકે સ્ત્રીઓનું ખરાબ દેખાડ્યું છે અને તેમણે સગર્ભાવસ્થાને વટાવવી ન જોઈએ તેવી ચેતવણી પણ આપી હતી. સાંસદે સિદ્દીકે પાર્લામેન્ટરી નિયમોને જરીપુરાણા ગણાવ્યાં હતાં.

• ગરીબ વિદ્યાર્થીઓને ઓક્સફર્ડ ઈન્ટરવ્યૂ

ઓક્સફર્ડ યુનિવર્સિટીના હેડ ઓફ એડમિશન્સ સમીના ખાને જણાવ્યું છે કે યુનિવર્સિટી પ્રવેશ માટે આવશ્યક એ-લેવલ ગ્રેડ્સને નીચા નહિ ઉતારે. આમ છતાં પ્રવેશ માટે અરજી કરનારા ગરીબ પરિવારોના કિશોરોને ઈન્ટરવ્યૂ મળે તેવી શક્યતા વધુ છે. પ્રવેશપરીક્ષા પાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીએ ૧૧ વર્ષની વયથી તેના માટે તૈયારી શરૂ કરવી જોઈએ. વર્ષ ૨૦૧૪માં ઓક્સફર્ડની ૩,૨૦૦ અંડરગ્રેજ્યુએટ બેઠકો માટે ૧૭,૦૦૦ અરજી આવી હતી.

• સાયબર ત્રાસવાદ સામે યુદ્ધ

બ્રિટનના હાઈ-ટેક જાસૂસી કેન્દ્ર અથવા તો સ્પાય એજન્સી GCHQ હજારો જાસૂસોને કામગીરી આપે છે જે જાહેર કરાતું નથી. સાયબર ત્રાસવાદ સામેના યુદ્ધમાં હજારો વધુ જાસૂસોને સાંકળવામાં આવે છે. ગયા વર્ષના સત્તાવાર રિપોર્ટ અનુસાર GCHQના ચેલ્ટનહામસ્થિત વડામથક અને બ્રિટનમાં અન્ય શાખાઓમાં આશરે ૫,૭૦૦ પૂર્ણકાલીન ઓફિસર અને સ્ટાફ છે. આ જાસૂસોએ ત્રાસવાદીઓ, સંગઠિત અપરાધ અને દુશ્મન દેશોની સાયબર ધમકીઓ સામે લડવાનું હોય છે.

• બ્રેઈન ટ્યુમરના નિદાન માટે લાંબી રાહ

બ્રેઈન ટ્યુમર ધરાવતી ૩૦ ટકા સ્ત્રીઓએ ૧૫ ટકા પુરુષોની સરખામણીએ તેમના નિદાન માટે ૧૨ મહિના જેટલી લાંબી રાહ જોવી પડે છે તેમ બ્રેઈન ટ્યુમર ચેરિટીના અભ્યાસમાં જણાવાયું છે. ચેરિટીનો રિપોર્ટ કહે છે કે ૩૦ ટકા સ્ત્રીઓને ટ્યુમરના લક્ષણો સાથે ડોક્ટરની પ્રથમ વિઝિટ લીધી હોય તેના નિદાન માટે ૧૨ મહિના સુધી રાહ જોવાની ફરજ પડી હતી. બીજી તરફ, ૧૫ ટકા પુરુષોએ આટલી રાહ જોવી પડે છે.

• છટણી કરાયેલા સ્ટાફને ફરી કામે લીધો

બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસ લડખડાતી હાલતમાં છે ત્યારે પણ ખોટા ખર્ચા કે વેડફાટની આદત પીછો છોડતી નથી. NHS દ્વારા છટણી કરાયેલા સ્ટાફને વળતર તરીકે ૯૦ મિલિયન પાઉન્ડથી વધુ રકમ ચુકવાઈ હતી. આ જ સ્ટાફને તત્કાળ ફરી કામે લઈ લેવાયો હતો. હેલ્થ સર્વિસના સમજમાં ન આવે તેવા સુધારાના પગલે આમ કરાયું હતું. હોસ્પિટલોનો ખર્ચ પણ ૨.૨ બિલિયન વધુ આવ્યો છે ત્યારે કરદાતાઓના નાણાથી કરાતા ખોટાં ખર્ચા સામે ડોક્ટરો અને પેશન્ટ્સના નેતાઓ દ્વારા રોષ વ્યક્ત કરાયો છે.

• ટેલિકોમ કંપનીઓને પોલીસ દળોની ચુકવણી

બ્રિટનના પોલીસ દળોએ ૨૦૦૮થી કોલ રેકોર્ડ્સ, પર્સનલ ડિટેઈલ્સ અને ગ્રાહકોની હેરફેર વિશે માહિતી મેળવવા ટેલિકોમ કંપનીઓને ૩૭ મિલિયન પાઉન્ડથી વધુ રકમ ચુકવી છે. ૩૪ પોલીસ ફોર્સ અને સત્તાવાળાઓ દ્વારા ૨૦૧૪માં યુઝર્સ ડેટા મેળવવા બીટી, વોડાફોન, ઈઈ અને વર્જિન મીડિયા સહિતની કંપનીઓને ૭ મિલિયન પાઉન્ડ ચુકવ્યા હતા.

• સુપરમાર્કેટ્સમાં પાણી કરતા સસ્તું કોક

સુપરમાર્કેટ્સમાં કોકા-કોલા અને અન્ય બ્રાન્ડ્સ વચ્ચે તીવ્ર ભાવયુદ્ધના કારણે કોલા બોટલબંધ પાણી કરતા સસ્તું થયું છે. આની ખરાબ અસર બાળકો પર થવા અંગે ચિંતા વ્યક્ત થઈ છે. સસ્તી કોલામાં ભરપૂર ખાડના પ્રમાણથી બાળકો માટે ખાંડનો દૈનિક ક્વોટા પાંચ પેન્સથી ઓછી કિંમતમાં પૂરો થઈ જશે. ખાંડસભર પીણાં, બાળકોની સ્થૂળતા અને ડાયાબીટીસ વચ્ચેની કડી અંગે ચિંતા વધી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter