માર્ચ ૨૦૧૪માં સજાતીય લગ્ન કાયદામાં બદલાવ પછી એક જ જાતિના કુલ ૧૫,૦૯૮ દંપતીએ લગ્ન કર્યા છે. આવા લગ્નોની વિશેષતા એ છે કે દર સાતમાંથી એક સ્ત્રીએ અગાઉ પુરુષ સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્નોમાં ૫૫ ટકા હિસ્સો સ્ત્રી દંપતીનો છે. આ સ્ત્રીઓમાં ૧૪ ટકા સ્ત્રીઓ વિજાતીય લગ્નમાં જોડાયેલી હતી, જ્યારે પુરુષોમાં આઠ ટકા અગાઉ સ્ત્રી સાથે લગ્નબંધનમાં હતા.
• હોસ્પિટલોને કાર્યક્ષમતાના અભાવે ભારે ખોટ
સત્તાવાર રીવ્યુ અનુસાર નેશનલ હેલ્થ સ્કીમ (NHS)માં સારવારની કાર્યક્ષમતાના અભાવે હોસ્પિટલોને દર વર્ષે £૫ બિલિયનનો વધુ ખર્ચ થાય છે. આ સંસદના કાર્યકાળ દરમિયાન NHSને £૨૨ બિલિયનની બચત કરવા જણાવાયું છે. લોર્ડ કાર્ટર ઓફ કોલ્સે સરકારને જણાવ્યું છે કે દવાઓનો વધુ સારો ઉપયોગ, સર્જિકલ ટેક્નિક્સમાં સુધારા અને સપ્લાયની જથ્થાબંધ ખરીદીથી વર્ષે £૫ બિલિયનની બચત થઈ શકે છે. સૌથી ઓછાં કાર્યક્ષમ ૧૦ વિભાગોમાંથી જનરલ મેડિસિન અને અબ્સ્ટેટ્રિક્સમાં અનુક્રમે £૩૮૧ મિલિયન અને £૩૬૧ મિલિયનની બચત થઈ શકે તેમ છે.
• ડાયાબીટીસથી મોતના જોખમની ચેતવણી
ડાયાબીટીસના ક્ષેત્રે NHSની પ્રગતિ અવરોધાઈ છે, જેના પરિણામે વર્ષે ૨૨,૦૦૦ મૃત્યુ થાય છે. સ્પેન્ડિંગ વોચડોગ નેશનલ ઓડિટ ઓફિસના ચેતવણીજનક દાવા અનુસાર ડાયાબીટીસ સારવાર પાછળ ખર્ચાતા અંદાજે £૫.૬ બિલિયનનો ત્રીજો હિસ્સો ટાળી શકાય તેવા કોમ્પ્લિકેશન્સની સારવારમાં વપરાયો હતો. સપ્તાહે ૧૩૫ અંગવિચ્છેદો થતાં હોવાં છતાં ડાયાબીટીસનું તાજુ નિદાન કરાયેલાં પેશન્ટ્સને આ વિશે જોખમ કેવી રીતે ઘટાડાય તેની સલાહ અપાતી નથી.
• પતિએ સેક્સ માણી પત્નીને મારી નાખી
ડાઈવોર્સની પ્રોસેસ દરમિયાન અલગ રહેતા પતિ અબુલ કાસેમ મિંયા સાથે શારીરિક મિલન શિક્ષિકા રૂખસાના મિંયા માટે આખરી બની ગયું હતું. માન્ચેસ્ટર કોર્ટ સમક્ષ કરાયેલી રજૂઆત મુજબ ગયા વર્ષની ૧૭ ઓગસ્ટે પતિએ રૂખસાનાને ગળું દબાવીને મારી નાખી હતી. મિંયાએ કહ્યું હતું કે સ્ટોકપોર્ટની રહેવાસી રૂખસાનાએ તેને £૨૦,૦૦૦ની જ્વેલરી પાછી ન અપાય તો બળાત્કારના આક્ષેપની ધમકી આપી હતી. ઝપાઝપી પછી તેને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી એને થોડાં દિવસ પછી તેનું મોત થયું હતું. ટ્રાયલ હજુ ચાલે છે.
• એસ્પિરિનથી ગર્ભાધાનમાં મદદ મળે
એસ્પિરિનની પા (ક્વાર્ટર) ટીકડી દરરોજ લેવાથી ઘણી સ્ત્રીઓને ગર્ભાધાનમાં મદદ થતી હોવાનું એક અભ્યાસમાં જણાવાયું છે. શરીરમાં સોજાનું વધુ પ્રમાણ ધરાવતી સ્ત્રીઓને પેઈનકિલરનો નાનો ડોઝ ગર્ભાધાનની શક્યતા વધારે છે. યુએસ નેસનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાઈલ્ડ હેલ્થ એન્ડ હ્યુમન ડેવલપમેન્ટના સંશોધકોએ બાળક માટે પ્રયાસ કરતી ૧,૨૦૦થી વધુ સ્ત્રીનો અભ્યાસ શરીરતંત્રના સોજાના પ્રમાણ અનુસાર કર્યો હતો. એસ્પિરિનની સારવારથી ત્રીજા ભાગની સ્ત્રીઓને લાભ થતો હોવાનો દાવો સંશોધકોએ કર્યો હતો.
• જાસૂસી સાથે સંકળાયેલી ચીની કંપની સાથે કરાર
વડા પ્રધાન ડેવિડ કેમરને સાઈબર જાસૂસી સાથે સંકળાયેલી ચીની કંપની SNPTC સાથે £૬ બિલિયનના અણુ સોદાને મંજૂરી આપી છે. સમરસેટના હિન્કલે પોઈન્ટ ખાતે બ્રિટનના નવા અણુવીજ મથકના બાંધકામમાં આ કંપનીના રોકાણને વડા પ્રધાને આવકાર્યું હતું. તેમણે ચીનના માનવાધિકાર રેકોર્ડના વિરોધ અને સુરક્ષાના ભયને ફગાવી દીધા હતા. સામા પક્ષે ચીને બ્રિટનના આર્થિક રહસ્યો ચોરી નહિ કરવાની ખાતરી આપી છે.
• બેન્કોએ ગ્રાહકોને ખાતા બદલવાના લાભ જણાવવા પડશે
ચાર્જીસ વધારતી કે વ્યાજ દરોમાં કાપ મૂકતી બેન્કોએ તેમના ગ્રાહકોને વધુ સારો લાભ ક્યાં મળી રહેશે તેની જાણકારી આપવાની રહેશે. નવી દરખાસ્તો મુજબ ગંભીર આઈટી ભૂલો, શાખાઓ બંધ થવી અને ગ્રાહકો સાથે મોટા વિવાદોના કારણે પણ બેન્કોએ ગ્રાહકોને તેમના એકાઉન્ટ્સ અન્યત્ર બદલવાથી થનારા લાભની માહિતી આપવી પડશે. કોમ્પિટિશન એન્ડ માર્કેટ્સ ઓથોરિટીના રિપોર્ટ અનુસાર આ પગલાં ગ્રાહકોની પસંદગી સુધારવા અને સેક્ટરમાં સ્પર્ધાને પ્રોત્સાહન આપવા માટે છે. આશરે ૪૦ ટકા ખાતેદાર ૨૦ વર્ષ સુધી એક જ બેન્કમાં એકાઉન્ટ જાળવી રાખે છે, જ્યારે માત્ર ત્રણ ટકા ખાતેદાર નવી બેન્કમાં ખાતું ખોલાવે છે.
• ગેરકાયદે અટકાયત બદલ વળતર
રાજ્યાશ્રય ઝંખતા અફઘાન નાગરિક ઝિઆ ઉલ હક તારાખિલને ગેરકાયદે અટકાયત બદલ £૧૯,૨૫૦નું વળતર આપવા હોમ ઓફિસને આદેશ કરાયો છે. એસાઈલમ સીકર તારાખિલે દાવો કર્યો હતો કે તે મે ૨૦૦૮માં એકલો યુકે આવ્યો ત્યારે તેની વય ૧૩ વર્ષની હોવાં છતાં ૧૫ વર્ષની ગણવામાં આવી હતી. તેને ૧૯ જાન્યુઆરીથી ૯ ફેબ્રુઆરી, ૨૦૧૨ દરમિયાન ૨૧ દિવસ માટે ડોવર ખાતે ઈમિગ્રેશન અટકાયત કેમ્પમાં રખાયો હતો.
• પુરુષો વેળાસર સ્પર્મબેન્કમાં શુક્રાણુ સાચવે
પાછલી જિંદગીમાં પિતા બનવા ઈચ્છતા પુરુષોએ તેમના શુક્રાણુ વેળાસર સ્પર્મબેન્કમાં થીજાવવા જમા કરાવવા જોઈએ. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આમ ન કરાય તો સ્ત્રી પાર્ટનરને પ્રેગનન્ટ થવામાં જોખમ નડી શકે છે. સંશોધકોએ અભ્યાસમાં જણાવ્યું છે કે એક દાયકામાં વય પુરુષોના શુક્રાણુની ક્વોલિટી અને જથ્થામાં નોંધપાત્ર ઘટાડો થાય છે. આ ઉપરાંત, શુક્રાણુને મૂળ સ્થિતિમાં આવતા પણ સમસ્યા નડે છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટી અને ન્યુ ઈંગ્લેન્ડ ક્રાયોજેનિક સેન્ટરના સંશોધકોએ ૧૧ વર્ષમાં દર વર્ષે શુક્રાણુ જમા કરાવનારા આશરે ૫૦૦ પુરુષના વીર્યની સ્થિતિ ચકાસી હતી.