પોલીસ અને સામાજિક કાર્યકરોની નજર હેઠળ જ યુવાનો જેહાદી બની રહ્યા છે. બ્રાઈટનના ત્રણ ભાઈઓ- અબ્દુલ્લાહ ડેઘાયસ, જાફા અને આમેર સીરિયામાં ત્રાસવાદી સંગઠન જભાત અલ-નુસરામાં જોડાયા હતા, જેમાંથી અબ્દુલ્લાહ અને જાફાનું સીરિયામાં મોત થયું હતું, જ્યારે આમેર હજુ ત્યાં હોવાનું મનાય છે. બ્રાઈટન એન્ડ હોવ સિટી કાઉન્સિલના રિપોર્ટમાં જણાવાયું છે કે આ ભાઈઓને કટ્ટરવાદી બનતા અટકાવવાની સંખ્યાબંધ તક પાંચ વર્ષમાં પોલીસ અને સામાજિક કાર્યકરોએ ગુમાવી હતી.
• યુનિવર્સિટીના પ્રેયર રૂમમાં સીસીટીવી કેમેરા
યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરે તેનો પૂર્વ વિદ્યાર્થી ‘જેહાદી જ્હોન’ મોહમ્મદ એમ્વાઝી ઈસ્લામિક સ્ટેટનો હત્યારો હોવાનું બહાર આવ્યા પછી સલામતીના ધોરણો વધુ કડક બનાવ્યા છે. યુનિવર્સિટીના પ્રેયર રૂમમાં સીસીટીવી કેમેરા લગાવી દેવાયા છે, જેના પરિણામે વિદ્યાર્થીઓએ તેમના પર જાસૂસી કરાતી હોવાનો વિરોધ કર્યો છે. યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરના આંતરિક રિપોર્ટમાં જણાવાયું હતું કે તેની ઈસ્લામિક સોસાયટી અતિ રૂઢિચૂસ્ત મતનું ઉછેરકેન્દ્ર બની ગઈ છે. એમ્વાઝીએ યુનિવર્સિટીમાં ઈન્ફોર્મેશન સિસ્ટમમાં ડીગ્રી લીધી હતી અને ગત નવેમ્બરમાં તે સીરિયામાં માર્યો ગયો હતો.
• ઠગાઈની રકમ પાછી ન વાળતા વધુ જેલ
૧૩૭ મિલિયન પાઉન્ડના ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં ભૂમિકા ભજવનારા હિસાબનીસ શિન્દેરસિંહ ગંગર તેના અપરાધમાંથી કરેલી કમાણી પરત કરી ન શકતા તેને વધુ છ વર્ષની જેલની સજા થઈ છે. છેતરપીંડી કૌભાંડમાં ૩૦૦ લોકોએ આશરે ૨૦૦ મિલિયન ડોલર ગુમાવ્યા હતા. આ ગુનામાં ગંગર સાડા સાત વર્ષની સજા ગાળી રહ્યો છે. તેના બિઝનેસ પાર્ટનર એલાન વ્હાઈટને પણ ફ્રોડ બદલ આટલી સજા સાથે ૬૮૭,૦૦૦ પાઉન્ડ પરત કરવા આદેશ કરાયો હતો. તેણે પણ રકમ પરત નહિ કરતા તેને વધુ સાડા ત્રણ વર્ષ જેલમાં રહેવું પડશે.
• પ્રિન્સ વિલિયમ અને કેટ ૧૦ એપ્રિલે ભારત આવશે
બ્રિટનના લોકપ્રિય શાહી દંપતી પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટન આગામી ૧૦ એપ્રિલે ભારતની મુલાકાતે આવશે. તેઓ ભારતમાં વિશ્વખ્યાત તાજમહેલની મુલાકાત પણ લેશે. ભારત સાથેના સંબંધોને વેગ આપવાના હેતુથી તેઓ આ મુલાકાત યોજી રહ્યાં છે. ડ્યુક અને ડચેસ ઓફ કેમ્બ્રિજ ૧૦ એપ્રિલે મુંબઈમાં ઉતરાણ કરશે અને ત્યાંથી ૧૪ એપ્રિલે ભૂતાનની રાજધાની થિમ્પુ જવા રવાના થશે. આ પછી યુકે જવા માટે ૧૬ એપ્રિલે ભારત પરત આવશે એમ કેન્સિંગ્ટન પેલેસના પ્રવક્તાએ જણાવ્યું હતું.
• બકિંગહામ પેલેસની વર્ચ્યુઅલ સફર
સામાન્ય આદમી તરીકે બ્રિટનમાં મહારાણીના સત્તાવાર નિવાસસ્થાન બકિંગહામ પેલેસમાં જવાની તક લગભગ ક્યારેય નહિ મળે. જોકે અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી ગમે ત્યારે પેલેસના ખૂણેખૂણાની વર્ચ્યુઅલ સફર કરી શકાશે. ગૂગલે તેના એક્સપીડિશન પ્રોગ્રામ હેઠળ બકિંગહામ પેલેસની પણ ૩૬૦ ડિગ્રી વર્ચ્યુઅલ સફર કરવાની સવલત કરી આપી છે, જે ગૂગલ એક્સપીડિશન્સના પેજ પર જઈને કરી શકાય છે. આ ઉપરાંત, બકિંગહામ પેલેસની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર પણ એની વર્ચ્યુઅલ ટૂરનો દસ મિનિટનો વિડિયો અપલોડ કરવામાં આવ્યો છે.
• પ્રિન્સ ચાર્લ્સે ભારતીય ખેડૂતો માટે નવા ફંડની જાહેરાત કરી
પ્રિન્સ ચાર્લ્સે ભારતીય ખેડૂતો માટે લાખો પાઉન્ડની કિંમતનું ફંડ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ભંડોળ ભારતના ખેડૂતોને તેમની ગરીબી હટાવવામાં મદદ કરશે. બ્રિટિશ એશિયન ટ્રસ્ટના સ્થાપક તરીકે પ્રિન્સ ચાર્લ્સે આ યોજના જાહેર કરી હતી. બ્રિટિશ એશિયન ટ્રસ્ટ બ્રિટનમાં વસતા દક્ષિણ એશિયાન દેશોના લોકો દ્વારા દક્ષિણ એશિયાના લોકોનું જીવનસ્તર સુધારવા કામ કરે છે.

