સન્ડે ટ્રેડિંગ મુદ્દે સંસદની મંજૂરી માટે ફરીથી પ્રયાસના સરકારના ઈનકારને લીધે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં હજુ લગભગ ચાર વર્ષ સુધી સન્ડે ટ્રેડિંગના સમયમાં વધારો થશે નહીં. ૨૦૨૦ની ચૂંટણી પૂરી થયા પછી સરકાર આ અંગે ફેરસમીક્ષા કરે તેની શોપર્સે રાહ જોવી પડશે. અગાઉ વોટિંગમાં ૨૭ બળવાખોર ટોરી સાંસદ SNP અને લેબર પાર્ટીની સાથે રહેતાં આ ઠરાવ નામંજૂર થયો હતો.
• જમતી વખતે ટીવી બંધ રાખવાથી સ્લીમ થવાય
જમતી વખતે ટીવી અથવા રેડિયો બંધ રાખવાથી વજનમાં ઘટાડો થઈ શકે છે કારણ કે ખોરાક ચાવવાનો જે અવાજ આવે છે તેને લીધે ઓછું ખવાય છે. ‘ફૂડ સાઉન્ડ સેલિયન્સ’ સ્ટડીમાં ભાગ લેતા લોકોએ નાસ્તો કરતી વખતે હેડફોન લગાવ્યા હતા. તેમાં ખૂબ મોટો અથવા તો ખૂબ ઓછો અવાજ આવતો હતો. સંશોધકોને જણાયું હતું કે મોટા અવાજમાં ખોરાક ચાવવાનો અવાજ દબાઈ જતાં તેમણે વધુ ખોરાક લીધો હતો, તેમની સરખામણીએ બીજા જૂથના લોકોએ ઓછું ખાધું હતું.
• એક વર્ષ બાદ રબીશ બીન ખાલી કરાયું...
વેસ્ટ સસેક્સના ક્રાઉલીમાં સેન્ટ જેમ્સ વોક સ્ટ્રીટમાં છેલ્લાં એક વર્ષથી પડી રહેલા રબીશ બીનને આખરે હટાવી લેવાયું છે. અગાઉ કાઉન્સિલે આ બીન ઉચકવામાં ખૂબ ભારે અને તેનું એક વ્હીલ તૂટી ગયેલું હોવાનું જણાવ્યું હતું. ૨૪૦ લિટરના આ કન્ટેનરમાં ભીનો કચરો હતો. લોકલ ઓથોરિટીને જાણ કરનારા એન્ડી મેકડોનાલ્ડે કહ્યું કે તેને હટાવવા માટે કેટલાક મજબૂત બીનમેનની જ જરૂર હતી. બીન પર કોઈ માર્કિંગ કે હાઉસ નંબર ન હોવાથી તેના માલિકને શોધી શકાયા નહોતા.
• પિતાના મર્સી કિલીંગ માટે પુત્રીને ૪ વર્ષની જેલ
એસેક્સના ડેગનહામમાં પથારીવશ પિતા બ્રાયન ડર્બીશાયર (૬૭)ને ગૂંગળાવીને મારી નાખવા માટે દોષિત પુત્રી ક્લેર ડર્બીશાયર (૩૬)ને ચાર વર્ષની જેલ થઈ છે. આ દયાનું કૃત્ય હોવાનું તેની માન્યતા હોવાની રજૂઆત સ્વીકાર્યા પછી જજે સજા સંભળાવી હતી. ક્લેરે મલ્ટિપલ સ્કલેરોસિસથી પીડાતા બ્રાયનને પ્લાસ્ટિકની બેગથી ગૂંગળાવીને મારી નાખ્યા હતા. તેણે દાવો કર્યો હતો કે તેમની બીમારી અસહ્ય બની જતાં આપઘાત અંગે બન્ને વચ્ચે સમજૂતી થઈ હતી.
• દત્તક બાળકોના મુદ્દે મેજિસ્ટ્રેટને પાણીચું
દત્તક બાળકોને સમલૈંગિક કપલ્સ સાથે રાખવાનું હિતાવહ છે કે નહીં તે બાબતે શંકા કરવા બદલ કેન્ટના ૬૯ વર્ષીય ક્રિશ્ચિયન મેજિસ્ટ્રેટ રિચાર્ડ પેજને લોર્ડ ચાન્સેલર અને લોર્ડ ચીફ જસ્ટિસે પાણીચું પકડાવી દીધું છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે બાળકને સજાતીય દંપતીની દેખરેખ હેઠળ રાખવાની અન્ય મેજિસ્ટ્રેટ્સની વાત સાથે અસંમતિ દર્શાવી હતી. તેમણે કહ્યું હતું કે દત્તક લેનારા માતા-પિતા મહિલા અને પુરુષ હોય તેમની સાથે બાળકને રાખવાનું વધુ સારું રહેશે.
• યુકે સ્ટુડન્ટ સુસાઈડ બોમ્બર બન્યો
માન્ચેસ્ટરનો મિકેનીકલ એન્જિનીઅરિંગનો ૨૦ વર્ષીય વિદ્યાર્થી મોહમ્મદ જાવેદ સ્વેચ્છાએ આતંકી જૂથ ઈસ્લામિક સ્ટેટ માટે સુસાઈડ બોમ્બર બન્યો હતો. જાવેદ અરેબિક ભાષામાં ‘ઈંગીમસી’ તરીકે ઓળખાતા સુસાઈડ બોમ્બ ગનમેન બનવા ૨૦૧૩માં સીરિયા ગયો હતો. જાવેદ પોતાનું કામ પુરું કરીને લાપતા બન્યો છે. તે મૃત્યુ પામ્યો હોવાનું મનાય છે. પોર્ટ્સમથના આઈએસના સંપર્ક ઈફ્તેખાર જમાને ત્રાસવાદી સંગઠનમાં પ્રવેશ માટે તેને સ્પોન્સર કર્યો હતો.
• અકસ્માત બાદ ડ્રાઈવરનો પશ્ચાતાપ
વેસ્ટ મિડલેન્ડસના ડડલીના મુસ્લિમ પોસ્ટમેન સજ્જાદ હુસેને બેદરકારીપૂર્વક કાર હંકારીને આઠ સંતાનોના પિતા ૪૭ વર્ષના ડેવિડ હિન્ટન પર ચડાવી દીધી હતી. આ ઘટનામાં હિન્ટનનું મોત થયું હતું. પશ્ચાતાપરૂપે હુસેન રમઝાન મહિનામાં ૧૦ કલાકથી વધુ સમય માટે ઉપવાસ રાખે છે. ડ્રાઈવિંગમાં બેકાળજીની કબૂલાત પછી વુલ્વરહેમ્પટન ક્રાઉન કોર્ટે હુસેનને આઠ મહિનાની જેલની સજા ફરમાવી હતી.
• બાળ શોષણ માટે દંપતીને જેલ
૧૩ મહિનાની બાળકી પર જાતિય અત્યાચાર માટે કેમ્બ્રીજશાયરના એક દંપતી-માઈકલ ચેઝ અને લારાને જેલભેગા કરી દેવાયા છે. તેઓ આ બાળકીનું બેબીસિટીંગ કરતા હતા અને તેનું સંખ્યાબંધ વખત યૌનશોષણ કર્યું હતું. તેમની પાસેથી બાળ યૌનશોષણના ૪,૫૨૪ ફોટા મળી આવ્યા હતા. ઓર્ટન ગોલ્ઢેના ૫૨ વર્ષના માઈકલ ચેઝને બાળ જાતિય શોષણ સહિતના વિવિધ ગુના માટે પીટરબરો ક્રાઉન કોર્ટે ૧૪ વર્ષની કેદ ફરમાવી હતી. જ્યારે પત્ની લારાને ૧૩ વર્ષની જેલની સજા કરાઈ હતી.

