• સમૃદ્ધ મકાનમાલિકોને સ્વૈચ્છિક રીતે વધુ કાઉન્સિલ ટેક્સ ચૂકવવા અનુરોધ

Wednesday 06th December 2017 06:50 EST
 

વેસ્ટમિન્સ્ટર સિટી કાઉન્સિલે બજેટ કાપને લીધે છેલ્લા સાત વર્ષથી બંધ કરાયેલી સેવાઓની પુનઃશરૂઆત માટે ભંડોળ એકત્ર કરવાના હેતુથી સમૃદ્ધ મકાનમાલિકોને સ્વેચ્છાએ વધુ ટેક્સ ચૂકવવા અનુરોધ કર્યો હતો. ૧૦ મિલિયન પાઉન્ડથી વધુ કિંમતના ૨,૦૦૦ મકાનના માલિકો માટે મેન્સન ટેક્સ દર વર્ષે બમણો એટલે કે ૧,૩૭૬ પાઉન્ડથી વધીને ૨,૭૫૨ પાઉન્ડ થશે. તેનાથી કાઉન્સિલને ૨.૭૫ મિલિયન પાઉન્ડની રકમ મળશે. વૈકલ્પિક ફાળા તરીકે આ યોજનાને સંમતિ માટે કાઉન્સિલ ૧૫,૦૦૦ રહીશોનો મત લેશે.

પાદરીઓ પર લોકોના વિશ્વાસમાં ઘટાડો

પાદરીઓ પર વિશ્વાસ હોવાનું કહેતા લોકોની સંખ્યા અગાઉ કરતા ખૂબ નીચે પહોંચી ગઈ છે. સર્વેમાં ૬૫ ટકાએ જણાવ્યું હતું કે સત્ય કહેવા માટે તેઓ સિનિયર પાદરીઓ પર વિશ્વાસ રાખે છે. આ દર ૧૯૮૩માં ઉંચો એટલે કે ૮૫ ટકા હતો. Ipsos MORI દ્વારા પ્રોફેશનલ્સમાં વિશ્વાસ મામલે લાંબા સમયના પોલના ભાગરૂપે અભ્યાસમાં જણાયું હતું કે તમામ ગ્રૂપના રાજકારણીઓ પર લોકોને સૌથી ઓછો વિશ્વાસ હતો.

પરીક્ષામાં પેપર પૂરું કરવા વધુ વિદ્યાર્થીઓને એક્સ્ટ્રા ટાઈમ અપાયો

ઈંગ્લેન્ડમાં આ વર્ષે પરીક્ષામાં પેપર પૂરું કરવા માટે GCSE અને A-levelના વધુ વિદ્યાર્થીઓને એક્સ્ટ્રા ટાઈમ અપાયો હતો. પરંતુ, વિવેચકો માને છે કે કેટલીક સ્કૂલો સિસ્ટમ સાથે રમત કરીને લીગ ટેબલમાં તેનું પરિણામ વધારવા માટે તેનો ઉપયોગ કરે છે. GCSE અને A-levelની પરીક્ષામાં સરકારી સ્કૂલોમાં દર આઠમાંથી એક બાળકની સામે ખાનગી સ્કૂલોમાં દર પાંચમાંથી એક બાળકને એક્સ્ટ્રા ટાઈમ મળે છે.

તરૂણીઓ માનસિક સ્વાસ્થ્ય સંભાળ લેતી હોવાની વધુ શક્યતા

ગયા વર્ષે ૧૬ અને ૧૭ વર્ષની તરૂણીઓ પૈકી લગભગ ૧૧ ટકા એટલે કે ૬૯,૦૦૦ તરૂણીઓને ઓટિઝમની સારવાર અથવા નિદાન સહિત મેન્ટલ હેલ્થ સર્વિસ અપાતી હોવાનું NHS દ્વારા પ્રથમ વખત બહાર પડાયેલા આંકડામાં જણાયું હતું.

બેટીંગ મશીનો પર ગેમ્બલરોએ કુલ ૧.૮૨ બિલિયન પાઉન્ડ ગૂમાવ્યા

'ક્રેક કોકેઈન ઓફ ગેમ્બલિંગ' તરીકે ગણાતી બેટીંગ મશીનો પર ગેમ્બલરોએ ગુમાવેલી રકમ છેલ્લા ૧૨ મહિનામાં વધીને ૧.૮૨ બિલિયન પાઉન્ડ પર પહોંચી હતી. ખેલાડી દીઠ સરેરાશ નુક્સાન ૧,૨૫૧ પાઉન્ડ થયું છે. મશીન દીઠ ગેમ્બલરોને થતા નુક્સાનમાં ૬.૪ ટકાનો જ્યારે ૨૦૦૮થી અત્યાર સુધીમાં ૭૩ ટકાનો વધારો નોંધાયો છે.

રશિયામાં જન્મદર વધારવા માટે £.૪ બિલિયનની યોજના

રશિયાની સરકારે વસતિમાં ઘટાડાને અટકાવવાનો પ્રયાસ કરવા માટે યુવા પરિવારોને ૫૦૦ બિલિયન રૂબલ (૬.૪ બિલિયન પાઉન્ડ)ની સબસિડી યોજના જાહેર કરી છે. રશિયા વસતિદરમાં ઘટાડાને રાષ્ટ્રીય સુરક્ષા સામે સંભવિત ખતરો ગણે છે. રશિયામાં પ્રમુખપદની ચૂંટણી આવી રહી છે અને હાલના પ્રમુખ પુતિન સતત ચોથી ટર્મ જીતવાનો પ્રયાસ કરશે તેવામાં સરકારે જન્મદર વધારવા આ યોજના જાહેર કરી હતી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter