નેશનલ ઓડિટ ઓફિસના જણાવ્યા અનુસાર સરકારે વર્ષ દરમિયાન પર્સનલ ડેટા સિક્યુરિટીનો આશરે ૯,૦૦૦ વખત ભંગ કર્યો છે અને રેવન્યુ અને કસ્ટમ વિભાગ ૬૦૪૧ ભંગ સાથે પ્રથમ સ્થાન ધરાવે છે. સેલ્ફ રિપોર્ટિંગ નિયમો અનુસાર વ્હાઈટહોલના વિભાગો ઈન્ફર્મેશન કમિશનરને કુલ ભંગના ૧૪ ભંગની જ માહિતી આપતાં હોય છે. વોચડોગે જણાવ્યું છે કે ૧૭ મોટા ડિપાર્ટમેન્ટોએ ૨૦૧૪-૧૫ ના ગાળામાં ૮,૯૯૫ ડેટા સુરક્ષાભંગ કર્યો હતો. HMRCએ માત્ર ત્રણ અને જસ્ટિસ મિનિસ્ટ્રીએ ૨,૮૦૧માંથી ત્રણ ભંગની જ માહિતી પૂરી પાડી હતી.
• ગ્રેટ બ્રિટિશ બેક ઓફના હોસ્ટ શો છોડશે
ગ્રેટ બ્રિટિશ બેક ઓફના હોસ્ટ સ્યૂ પર્કિન્સ અને મેલ ગિડ્રોકે શો છોડવાનો નિર્ણય લીધો છે. છેક ૨૦૧૦થી બીબીસી પર ચાલતો આ શો આગામી વર્ષથી ચેનલ-૪ પર શિફ્ટ થઈ રહ્યો છે. હોસ્ટ જોડીએ નાણાકીય વિવાદના કારણે લોકપ્રિય શોને બીબીસી પરથી હટાવવાના નિર્ણયને વખોડી કાઢ્યો હતો. તેમણે લવ પ્રોડક્શન્સનો આ કાર્યક્રમ બીબીસી પર જ જાળવી રખાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.
• બીબીસી ટ્રસ્ટ અધ્યક્ષ રોના ફેરહેડ પદત્યાગ કરશે
બીબીસી ટ્રસ્ટના અધ્યક્ષ રોના ફેરહેડ ચાર મહિનાના કાર્યકાળ પછી પદત્યાગ કરી રહ્યાં છે. ડેવિડ કેમરને માત્ર ચાર મહિના અગાઉ ફેરહેડની નિયુક્તિ કરી હતી, પરંતુ થેરેસા મેએ નિર્દેશ આપ્યો હતો કે તેમણે આ હોદ્દા માટે નવેસરથી અરજી આપવાની રહેશે. જોકે, ફેરહેડ આ માટે તૈયાર નથી. તેમના અનુગામીની નિયુક્તિ ક્યારે કરાશે તે નિશ્ચિત નથી, પરંતુ નવા બોર્ડ ચેરમેનની નિયુક્તિ માટે ભરતીપ્રક્રિયા ફરી શરુ કરવી પડશે.
• ફ્રેડરિક ફોરસાઈથ થ્રિલર નહિ લખે
જાણીતા બ્રિટિશ લેખક અને ૭૮ વર્ષીય પૂર્વ જાસૂસ ફ્રેડરિક ફોરસાઈથ હવે ફિક્શન-થિલર નહિ લખે કારણકે હવે તેમની પાસે વિષયો રહ્યા નથી અને તેમની પત્ની કહે છે કે તેઓ દોડાદોડી કરવા જેટલા યુવાન રહ્યા નથી. ફોરસાઈથે સૌપ્રથમ ‘ધ ડે ઓફ ધ જેકલ’ નવલકથા ૧૯૭૧માં લખી હતી, જેના પરથી ક્લાસિક ફિલ્મ બની હતી. તેમણે ‘ઓડેસા ફાઈલ’ અને ‘ડોગ્સ ઓફ વોર’ સહિત એક ડઝન બુક્સ લખી છે જેનું કુલ વેચાણ ૭૦ મિલિયનથી વધુ છે. હાલ તેઓ સોમાલિયા પર આધારિત ‘ધ કિલ લિસ્ટ’ થ્રિલર લખી રહ્યા છે.

