થેરેસા મેની ઔદ્યોગિક વ્યૂહનીતિ મુજબ સરકારી કોન્ટ્રાક્ટ માટે બીડિંગમાં બ્રિટિશ ઉદ્યોગોને પહેલા તક અપાશે. સરકારના પ્રોક્યોરમેન્ટ રુલ્સમાં થયેલા ફેરફારથી યુકે કંપનીઓ બ્રેક્ઝિટનો લાભ મેળવી શકશે. હાલના ઈયુ નિયમો મુજબ યુકેના સરકારી કામો માટે બોલી બોલવા તમામ ૨૮ દેશોને સમાન તક ફરજિયાત છે. બીજા ફેરફાર મુજબ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં નાણાંના પ્રમાણમાં કામને બદલે જેનાથી પ્રાદેશિક અસમાનતા ઘટતી હશે તેના આધારે નિર્ણય લેવાશે.
• તુસાદ મ્યુઝિયમમાં ટ્રમ્પનું પૂતળું મુકાયું
લંડનના મેડમ તુસાદ મ્યુઝિયમમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું મીણનું પૂતળું મુકવામાં આવ્યું છે. સોનેરી રંગના વાળ સાથેનું પૂતળૂં ટ્રમ્પના ચહેરા સાથે મેળ ખાય છે. નેવી સૂટ, સફેદ શર્ટ અને લાલ ટાઇમાં ટ્રમ્પના પૂતળાને ગોઠવવા માટે ખાસ નિષ્ણાતોની મદદ લેવાઇ હતી. તેમનું પૂતળૂં આવતાની સાથે જ બરાક ઓબામાનું પૂતળું મ્યુઝિયમ ડિસ્પ્લેમાંથી ખસેડી લેવાયું છે.
• ૫૦થી વધુ વયના ડ્રાઈવરો માટે વીમો મોંઘો
નિષ્ણાતોએ ૫૦થી વધુની વયના ડ્રાઈવરોને રસ્તા પર વધતી જતી જવાબદારી સમાન ગણાવ્યા હોવાના કારણે વીમા કંપનીઓ છેલ્લાં ત્રણ વર્ષમાં તેમના પ્રિમિયમની રકમમાં ૩૪ ટકાનો વધારો કરીને ખોટી રીતે દંડી રહી છે. રિસર્ચ કંપની ‘કન્ઝ્યુમર્સ ઈન્ટેલિજન્સ’ મુજબ ૨૫થી ૪૯ની વયના ડ્રાઈવરો માટે ૨૪ ટકા જ્યારે ૨૧થી ૨૪ની વયના ડ્રાઈવરોના પ્રિમિયમમાં માત્ર ૨.૯ ટકાનો વધારો કરાયો છે. દસ વર્ષ અગાઉ કરેલા અકસ્માતોની સરખામણીએ ૫૦થી વધુ વયના ડ્રાઈવરો આ ઉંમરે ખૂબ ઓછાં ગંભીર અકસ્માતોમાં સંડોવાયેલા હોવા છતાં તેમને આ વધારો સહન કરવો પડે છે.
• લીવરને નુક્સાન માટે એક મોટો પિઝા પૂરતો છે
ચીઝબર્ગર અથવા પિઝા જેવો આહાર નિયમિતપણે લેવાથી માણસની ચયાપચયની પ્રક્રિયા બદલાઈ શકે અને શરીરમાં ફેટી લીવર અને ડાયાબીટીસ જેવા રોગ થવાની શક્યતા વધી જાય તેમ સંશોધનમાં જણાયું છે. સ્વસ્થ વ્યક્તિને એકાદ વખત આવા ખોરાકથી કોઈ તકલીફ થાય નહિ. અભ્યાસમાં ૨૦થી ૪૦ની વયના ૧૪ પાતળા અને તંદુરસ્ત પુરુષોને વેનિલા ફ્લેવરનું પામ ઓઈલનું પીણું અથવા પાણી અપાયું હતું. જેમણે પીણું પીધું તેમના શરીરમાં તરત જ ચરબીનો સંગ્રહ થવા લાગ્યો હતો અને ઈન્સ્યુલિનની સંવેદનશીલતા ઘટી ગઈ હતી.
• બ્રેક્ઝિટને ઉલટાવવા કાનૂની કાર્યવાહીનો વિકલ્પ
યુરોપ સાથે સંબંધોની તરફેણ કરતી ગ્રીન પાર્ટીના ત્રણ અગ્રણી રાજકારણીઓ- પક્ષના સહનેતાઓ જોનાથન બાર્ટલી, કેરોલિન લુકાસ અને સ્ટીવન એન્ગ્યુ આર્ટિકલ-૫૦ હેઠળની બ્રેક્ઝિટ કાર્યવાહી આરંભાયા પછી તેને ઉલટાવવાની કાર્યવાહીને ટેકો આપી રહ્યા છે. લોકભંડોળ સાથે આઈરિશ સરકાર સામે આ કાનૂની કેસ દાખલ કરાશે જેનો મુખ્ય હેતુ આઈરિશ જજીસ આ મુદ્દો લક્સમબર્ગસ્થિત યુરોપિયન કોર્ટ ઓફ જસ્ટિસને સમીક્ષા માટે મોકલે તેવો છે. આયર્લેન્ડમાં કાનૂની રજૂઆતનો અધિકાર ધરાવતા લંડનસ્થિત બેરિસ્ટર જોલીઓન મોમ QC આ કેસનું નેતૃત્વ કરશે. કેરોલિન લુકાસે જણાવ્યું છે કે તેઓ સંસદમાં આર્ટિકલ-૫૦ના આરંભ વિરુદ્ધ મતદાનમાં સાથ આપવા લેબર પાર્ટીના સાંસદોને અપીલ કરશે.

