૨૦૧૨માં એન્ફિલ્ડના ટ્રેન્ટ પાર્કમાં વોક દરમિયાન ત્રણ વર્ષના આલ્સેશિયન ડોગ લીલીએ નીચે પાડી દેતા હાથ ભાંગી જવાના કેસમાં જજે કુતરાની માલિક ૭૬ વર્ષીય એની ફિન્નીને તેની જ મિત્ર કે બેન્સ્ટિડને ૧૧૫,૦૦૦ પાઉન્ડનું વળતર ચૂકવવા આદેશ આપ્યો હતો. ફિન્ની તેના ડોગની સાચવણી યોગ્ય રીતે કરતી ન હોવાનું કે એ જણાવ્યું હતું. ૭૬ વર્ષીય એની ફિન્ની અને કે પોતાના કુતરાઅોને લઈને પાર્કમાં ચાલવા જતા ત્યારે કેટલીક વખત સાથે થઈ જતા હતા અને કાફેમાં ભેગા કોફી પીતા હતા.
• બિઝનેસવુમન સંપત્તિ મેળવવા પોતાની બહેન વિશે જૂઠ્ઠું બોલી
૫૩ વર્ષીય બિઝનેસવુમન નિકી ક્રિસ્ટોડોલીડ્સે મૃત્યુની ઘડીઓ ગણી રહેલી માતા એગ્ની ઈઆકોવુ સમક્ષ પોતાની ૫૭ વર્ષીય બહેન એન્ડ્રોલા માર્કો વિશે ખોટું બોલીને તેની કાનભંભેરણી કરીને તેને સંપત્તિમાંથી બાકાત રખાવવા વીલ બદલાવ્યું હતું. બન્ને બહેનો પરિવારની જ ૧.૬ મિલિયન પાઉન્ડની મિલ્કતો ધરાવતી બ્રિટિશ પ્રોપર્ટી કંપનીઓની ડિરેક્ટર છે. તેમની માતા મૃત્યુ પામી તે સમયે તેની પાસે રોકડ ૧ મિલિયન યુરો અને સાયપ્રસમાં મકાન હતું. માતાએ મૃત્યુના બે દિવસ પહેલા જ વીલ બદલ્યું હતું.
• રિટાયરમેન્ટ પછી પણ કાર્યરત રહેતા બ્રિટિશરો
યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટર એન્ડ કિંગ્સ કોલેજ લંડનના શિક્ષણવિદોના અભ્યાસમાં જણાયું હતું કે બ્રિટનમાં નિવૃત્ત થતા દર ચાર લોકોમાંથી એક વ્યક્તિ લગભગ પાંચ વર્ષના ગાળા પછી ફરી કામકાજ કરતી હોય છે. લોકો નિશ્ચિત ઉંમરે પહોંચે તે પછી વર્કિંગ લાઈફમાંથી રિટાયર થતા હોય છે. પરંતુ, હવે તેવું નથી. કામકાજના કલાકો ઓછા કરીને તેમજ શોખની જોબ કરીને 'અન - રિટાયર' થઈ શકાય. પછી કામકાજ સંપૂર્ણપણે બંધ કરીને રિટાયર થઈ શકાય અને થોડા સમયના બ્રેક પછી ફરી કામ કરાય. આમ કોઈક તબક્કે તો તમારે રિ-રિટાયર થવું પડે છે.
• વારંવાર લિંગ પરિવર્તન કરાવનારને નુક્સાનની ભીતિ
જાણીતા વૈજ્ઞાનિક અને ટીવી પ્રેઝન્ટર લોર્ડ વિન્સ્ટને જણાવ્યું હતું કે જે લોકો વારેઘડીએ જાતિ પરિવર્તન કરાવે છે તેઓ ભયાનક પરિણામોના ભોગ બને છે અથવા તો તેમને ભારે નુક્સાન થયું હોવાની લાગણી થાય છે. લિંગ પરિવર્તનની સર્જરીના પરિણામો વિશે લોકોમાં પૂરતી સમજ નથી. આ સર્જરીની પ્રજનનશક્તિ પર અસર થઈ શકે છે.

