• સાંસદોએ કોમન્સમાં ટાઈ પહેરવી જરૂરી નથી

Monday 03rd July 2017 08:52 EDT
 

હાઉસ ઓફ કોમન્સમાં પુરુષ સાંસદોએ નેકટાઈ પહેરવી આવશ્યક નથી તેવો ચુકાદો આપી સ્પીકર જ્હોન બેરકોએ વર્ષો જૂની પરંપરાનો અંત આણ્યો છે. અગાઉ, ક્વીને પાર્લામેન્ટના આરંભ સમયે તાજ પહેરવાના બદલે હેટ પહેરી પરંપરા તોડી હતી. હાઉસ ઓફ કોમન્સની પ્રેસ ઓફિસે જણાવ્યું હતું કે ગૃહમાં ટાઈ અને જેકેટ પહેરવાની પ્રણાલી આધુનિક છે અને સ્પીકર તેના ચુકાદાની સત્તા ધરાવે છે. ગૃહની ગાઈડલાઈન્સમાં પણ જણાવાયું છે કે નેકટાઈ પહેરવી માત્ર પ્રથા છે અને ડ્રેસ કોડનો નિયમ નથી.

• ઓસ્બોર્ન માન્ચેસ્ટર યુનિ.ના માનદ પ્રોફેસર 

પૂર્વ ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્નના પોર્ટફોલિયોમાં છઠ્ઠી નોકરી ઉમેરાઈ છે. લંડનના અખબાર ઈવનિંગ સ્ટાન્ડર્ડના એડિટર ઓસ્બોર્ન યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરમાં ઈકોનોમિક્સના માનદ પ્રોફેસરની કામગીરી બજાવશે. યુકે ઈકોનોમીમાં લંડન કેન્દ્રસ્થાને છે તેના બદલે માન્ચેસ્ટર અને આસપાસના વિસ્તારોને ‘નોર્ધર્ન પાવરહાઉસ’ તરીકે આગળ વધારવાની હિમાયત ઓસ્બોર્ન કરી રહ્યા છે. ટેટનના પૂર્વ સાંસદ ઓસ્બોર્ન અમેરિકન ફંડ મેનેજમેન્ટ પેઢી બ્લેકરોકના સલાહકાર પણ છે, જ્યાં તેઓ સપ્તાહમાં એક દિવસ કામ કરે છે અને વાર્ષિક ૬૫૦,૦૦૦ પાઉન્ડનું વેતન મેળવે છે.

• ઈયુ દ્વારા ગૂગલને ૨.૪૨ બિલિયન યૂરોનો દંડ 

યુરોપીય સંઘના એન્ટી ટ્રસ્ટ રેગ્યુલેટરે સર્ચ એન્જિન ગૂગલને ૨.૪ બિલિયન યૂરોનો દંડ ફટકાર્યો છે. ગૂગલ પર બજાર ઉપર પોતાના પ્રભાવનો ખોટો ઉપયોગ કરવાનો આરોપ લગાવાયો હતો. યુરોપિયન પ્રતિસ્પર્ધા કમિશનના પ્રમુખ માર્ગરેથ વેસ્ટગેરે કહ્યું હતું કે ગૂગલે દૂનિયાના સૌથી લોકપ્રિય સર્ચ એન્જિન હોવાને નાતે પોતાના બજાર પરના વર્ચસ્વનો ખોટો ઉપયોગ અને પોતાની જ શોપિંગ સર્વિસને ગેરકાયદે લાભ અપાવી અન્ય કંપનીઓને મેરિટ તથા ઇનોવેશનના આધારે પ્રતિસ્પર્ધા કરવાનો અવસર આપવાનો ઈનકાર કર્યો હતો.

• નેટની ઓછી સ્પીડથી લંડનવાસી પરેશાન 

લંડનના ગીચ વસ્તી ધરાવતા આંતરિક વિસ્તારોમાં પણ નેટની સ્પીડ રાષ્ટ્રીય સરેરાશ કરતા ઓછી હોવાથી બ્રોડબેન્ડ વપરાશકારો પરેશાન છે. એક કન્ઝ્યુમર ગ્રૂપના અભ્યાસમાં જણાયું હતું કે કેટલાક વિસ્તારોમાં મોટા ભાગના લોકોને માત્ર ૧૦ મેગાબાઈટ/સેકન્ડની સ્પીડ મળે છે, જે 'Ofcom' દ્વારા લઘુત્તમ માન્ય સ્પીડ છે. સાઉથવર્ક, વેસ્ટમિન્સ્ટર અને લામ્બેથ સહિતની બરોમાં રાષ્ટ્રીય સરેરાશ કરતા ખૂબ ઓછી સ્પીડ છે. કેમ્પેનરોએ જણાવ્યું હતું કે આ તારણને લીધે દેશભરમાં નેટની સ્પીડ વધારવા માટે દબાણ વધશે.

 • બેરોનેસ વારસી નવા આતંકવાદ વિરોધી વોચડોગ સાથે જોડાશે 

સરકારની ઉદ્દામવાદ વિરોધી પ્રિવેન્ટ રણનીતિના આલોચક પૂર્વ કેબિનેટ મિનિસ્ટર બેરોનેસ વારસી કમિશન ફોર કાઉન્ટર એક્સ્ટ્રીમીઝમમાં જોડાય તેવી શક્યતા છે. તાજેતરમાં હોમ સેક્રેટરી એમ્બર રડે કમિશનની રચના વિશે તેમની સાથે વાત કરી હતી. તેના ચેરમેનપદના સંભવિતોમાં ચીફ ક્રાઉન કોર્ટના પૂર્વ પ્રોસિક્યુટર નાઝિર અફ્ઝલ, સ્કોટલેન્ડ યાર્ડના પૂર્વ કમાન્ડર મેક ચિશ્તી અને આતંકવાદ કાયદાના સ્વતંત્ર સમીક્ષક લોર્ડ કાર્લાઈલનો સમાવેશ થાય છે.    


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter