વેસ્ટમિન્સ્ટર ત્રાસવાદી હુમલાના છ મહિનાના સમયગાળામાં પોલીસે સાત ટેરર પ્લોટ્સ નિષ્ફળ બનાવ્યા હોવાની માહિતી લંડનના મેયર સાદિક ખાને આપી હતી. ત્રાસવાદવિરોધી નિષ્ણાતોએ કહ્યા અનુસાર હુમલાઓ વધવાના બદલે જોખમનું વલણ ઘટ્યું છે. બ્રિટનમાં આ વર્ષે પાંચ ત્રાસવાદી હુમલા થયા છે પરંતુ, આ જ ગાળામાં પોલીસે સંભવિત વધુ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે. જૂન ૨૦૧૩ અને વેસ્ટમિન્સ્ટર એટેકના ગાળા વચ્ચે ૧૩ હુમલાના કાવતરાં નિષ્ફળ બનાવાયાં હતાં.
• દંપતીઓ કર છૂટનો ઉપયોગ કરતાં નથી
પરિણીત દંપતીઓ તાજેતરમાં જાહેર કરાયેલી મોટા ભાગની ટેક્સ રાહતોનો ઉપયોગ કરવામાં નિષ્ફળ જવાથી. ૧.૩ બિલિયન પાઉન્ડનો લાભ ગુમાવે છે. લાઈફ ઈન્સ્યુરન્સ અને પેન્શન્સ કંપની દ્વારા આ આંકડો જાહેર કરાયો છે. રેવન્યુ અને કસ્ટમ્સ વિભાગે માહિતી અધિકાર આઝાદીની વિનંતી અન્વયે આપેલી માહિતીના આધારે રોયલ લંડન દ્વારા આ ગણતરી કરવામાં આવી હતી.
• વિદ્યાર્થીઓને બ્રિટિશ મૂલ્યો શીખવવાની તાકીદ
શાળાઓએ તમામ વિદ્યાર્થીઓને બ્રિટિશ મૂલ્યો શીખવવામાં પીછેહઠ કરવી ન જોઈએ તેમ ઓફસ્ટેડના વડા અમાન્ડા સ્પાઈલમેને તાકીદ કરી છે. કેટલાક બાળકોનો ઉછેર બ્રિટિશ મૂલ્યોથી વિપરીત વાતાવરણમાં કરાતો હોવાથી આ જરૂરી બને છે. તેમણે ૨૦૧૪માં બર્મિંગહામ ટ્રોજન હોર્સ કૌભાંડમાં સંકળાયેલી સ્કૂલ્સનો પણ ઉલ્લેખ કરી કહ્યું હતું કે, ઘણી કોમ્યુનિટીના સભ્યો શાળાજીવનમાં અંતિમવાદી મત લાવવાનો પ્રયાસ કરે છે. તેમણે પેરન્ટ્સને તેમના બાળકો રજિસ્ટર્ડ સ્કૂલ્સમાં જ અભ્યાસ કરે તે જોવા સલાહ આપી હતી.
પાર્કિન્સન્સ દર્દીઓને નવી દવાનો ઈનકાર
ડિમેન્સીઆ અને સાઈકોસિસના મિશ્રણ સાથે પાર્કિન્સન્સ રોગના હજારો દર્દીઓને યુનાઈટેડ સ્ટેટ્સમાં સરળતાથી પ્રાપ્ય અસરકારક ઔષધ આપવાનો ઈનકાર કરવામાં આવે છે. યુએસમાં ગયા વર્ષે જ એન્ટ-સાયકોટિક પિલ્સને મંજૂરી આપી દેવાઈ છે પરંતુ, યુરોપીય ડ્રગ રેગ્યુલેટર્સ દ્વારા તેનું પરીક્ષણ હજુ કરાયું ન હોવાથી NHS દ્વારા પેશન્ટ્સને તે આપવાનો નિર્ણય લઈ શકાતો નથી. બ્રિટનમાં આશરે ૧૩૦,૦૦૦ લોકો શરીરના હલનચલન પર મગજનો અંકુશ ન રહે તેવા પાર્કિન્સન્સ ડિસીઝથી પીડાય છે. આ લોકોનું શરીર કંપે છે અને કામગીરી વચ્ચે કો-ઓર્ડિનેશન રહેતું નથી. જો નવી દવાને મંજૂરી અપાય તો બ્રિટનમાં ૫૦,૦૦૦ જેટલા દર્દીને સારો લાભ થઈ શકે છે.
• ચોરે જ ચોરીની માહિતી આપી
કેન્ટના ગિલિંઘામના જોનાથન ટાવર્સે પાંચ જુલાઈએ એક ઘરમાં ચોરી કરી અને મકાનમાલિક આવી જતા તે ભાગી છૂટ્યો હતો. તેણે ૯૯૯ નંબર પર ફોન કરી ચોરીની માહિતી આપી હતી. ટેલિવિઝન સેટ પર તેની ફિંગરપ્રિન્ટ્સ કેવી રીતે આવી તે મુદ્દે તેણે અપરાધીને જોયો હતો અને તેને પકડવા પાછળ દોડ્યો હોવાની વાત પણ ઉપજાવી કાઢી હતી. જોનાથને ચોરી કરી તે ઘરની શેરીમાં જ તે રહેતો હતો. તેણે કોર્ટમાં ચોરીની વાત કબૂલી લેતા તેને બે વર્ષ માટે સસ્પેન્ડ રખાયેલી આઠ મહિનાની જેલની સજા ફરમાવાઈ હતી.

