મિત્રો સાથે સમય વીતાવવાથી સારા બેક્ટેરિયાની આપલે થતી હોવાથી આરોગ્ય સુધરે છે તેમ વિજ્ઞાનીઓ માને છે. જર્નલ સાયન્સ એડવાન્સીસમાં પ્રકાશિત ટાન્ઝાનિયાના ૪૦ ચિમ્પાન્ઝીના અભ્યાસમાં જણાયું હતું કે વાનરો વર્ષાઋતુમાં હળીમળીને રહે છે ત્યારે તેમના આંતરડા, જઠરમાં સારા બેક્ટેરિયાનું પ્રમાણ ૨૫ ટકા વધી જાય છે. આ બેક્ટેરિયા ખોરાકના વિઘટન, વિટામીન્સના સમન્વય, ઈમ્યુન સિસ્ટમ સુધારવા અને ચેપ સામે લડવામાં મદદ કરે છે.
• જીપીને મળવામાં હાલાકીથી પેશન્ટ્સને રોષ
નવા રાષ્ટ્રીય સર્વે અનુસાર જીપી અથવા ફેમિલી ડોક્ટરને મળવામાં પડતી હાલાકીથી રોષ-અસંતોષ અનુભવતા પેશન્ટ્સની સંખ્યા વધી છે. વર્ષે ૧૦ મિલિયનથી વધુ પેશન્ટ્સને જીપીની એપોઈન્ટમેન્ટ મેળવવામાં ભારે તકલીફ પડે છે અને મોટી સંખ્યામાં દર્દીને એક સપ્તાહથી વધુ સમય રાહ જોવી પડે છે. દવાખાના ખોલવા અને બંધ થવાના સમય પણ પ્રતિકુળ જણાય છે. સાતેય દિવસ દવાખાના ખુલ્લા રાખવાની માગણી વધી રહી છે ત્યારે ફેમિલી ડોક્ટર્સનું કહેવું છે કે આવી માગણીથી તેમને આશ્ચર્ય છે અને વધતા પેશન્ટ્સને સેવાનું સલામત પ્રમાણ આપવું શક્ય નથી.
• શ્વાનમાલિકને ૨૦૦૦ પાઉન્ડનો દંડ
પાલતુ શ્વાને જાહેર માર્ગને ખરાબ કર્યા પછી તેને સાફ કરવાનો ઈનકાર કરનારા માલિકને કેસ કોર્ટમાં જતાં આખરે ૨૦૦૦ પાઉન્ડનો ખર્ચ આપવાની ફરજ પડી છે. કોર્નવોલમાં બોલોનેના કેવિન વોચના શ્વાને માર્ગને ગંદો કર્યો તે કાઉન્સિલના અધિકારીની નજરમાં આવ્યું હતું. વોચને ૮૦ પાઉન્ડની પેનલ્ટીની નોટિસ અપાઈ હતી, જે ભરવા ઈનકાર કર્યો હતો. કોર્ટમાં કેસ જતાં તેને ૮૦૦ પાઉન્ડ દંડ, ૧૧૦૦ પાઉન્ડનો ખર્ચ અને ૮૦ પાઉન્ડ વિક્ટિમ સરચાર્જ ચુકવવા આદેશ કરાયો હતો.
• ઈસ્ટરની તારીખ નિશ્ચિત કરાશે
આર્ચબિશપ ઓફ કેન્ટરબરી જસ્ટિન વેલ્બીએ દર વર્ષે ચોક્કસ રવિવારના દિવસે જ ઈસ્ટરનો તહેવાર આવે તેવું સૂચન કર્યું છે. ઈસ્ટરની તારીખ અંગે છેક ૧૦મી સદીથી મતભેદ ચાલ્યો આવે છે. હવે સૌપ્રથમ વખત ઈસ્ટરની તારીખ નિશ્ચિત કરવા ચર્ચના નેતાઓ બેઠકો યોજશે અને આગામી પાંચથી દસ વર્ષમાં તેનો નિર્ણય આવી જશે. તારીખ નિશ્ચિત થવાની અસર શાળાની ટર્મ્સ અને કેલેન્ડરમાં પણ પડશે. હાલ ઈસ્ટરનો તહેવાર પહેલા ફુલ મૂન પછીના રવિવારે એટલે કે ૨૨ માર્ચથી ૨૫ એપ્રિલ વચ્ચેના કોઈ એક રવિવારે આવે છે.
• ૬૦૦ જેહાદીને સીરિયા જતા અટકાવાયા
બ્રિટિશ ફોરેન સેક્રેટરી ફિલિપ હેમન્ડે દાવો કર્યો છે કે તુર્કી સાથે ગાઢ ઈન્ટેલિજન્સ સહકારના પરિણામે ૬૦૦થી વધુ બ્રિટિશ નાગરિકોને સીરિયા જતા અટકાવી શકાયા હતા. છેક ૨૦૧૨થી કુલ ૧,૪૦૦ બ્રિટિશરોએ સીરિયા જવા પ્રયાસ કર્યો હતો, જેમાંથી ૪૦ ટકાને અટકાવી શકાયા હતા. તુર્કી દ્વારા અટકાયત કરાયેલા બ્રિટિશરોને ગેરકાયદે સીરિયન સરહદ ઓળંગવા બાબતે પકડી લેવાયા હતા કે બ્રિટન પાછા મોકલી દેવાયા હતા.
• ફ્રાન્સેસ માટે સારવાર બદલવા સલાહ અપાઈ હતી
ફ્રાન્સેસ કાપ્પુસિનીની સિઝેરિયન પ્રસૂતિ અને તે પછી સર્જરીના પગલે તેની સારવાર એનેસ્થેસિસ્ટ ડો. એરોલ કોર્નિશ અને ડો. નદીમ અઝીઝના હસ્તક હતી. ફ્રાન્સેસના મૃત્યુ અગાઉ તે બરાબર શ્વાસ લઈ શકે તે માટે તેની સારવાર બદલવાની સલાહ આ બન્ને ડોક્ટરોને આપી હોવાની જુબાની મદદે આવેલા અન્ય ડોક્ટર ગાર્થ સોમરવિલેએ ઈનર લંડન ક્રાઉન કોર્ટ સમક્ષ આપી હતી. જોકે, ડોક્ટરોએ આ સલાહ માની ન હતી.
• દાદીમાએ તરુણ પૌત્રને હુમલાથી બચાવ્યો
બોક્સિંગ ડેના દિવસે બસમાં હેડસ્કાર્ફ પહેરેલી એશિયન મહિલાએ આઠ ઈંચના કિચન નાઈફથી તરુણ પર હુમલો કરતા તરુણની ૫૧ વર્ષીય દાદીમાએ સામનો કરી તેને બચાવી લીધો હતો. આ હુમલામાં તરુણને પેટ પર નાની ઈજા પહોંચી હતી. મેટ્રોપાલીટન પોલીસે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા હતા. હુમલો કર્યા પછી મહિલા ઓવલ તરફ નાસી ગઈ હતી. પોલીસે તેના વિશે માહિતી આપવા ઘટનાના સાક્ષીઓને વિનંતી કરી છે.
• ડિમેન્શીઆના નિદાનમાં અભૂતપૂર્વ વધારો
ફેમિલી ડોક્ટર્સને ૫૫ પાઉન્ડની કહેવાતી લાંચ અપાયા પછી છ મહિનાના અભિયાન દરમિયાન ડિમેન્શીઆના નિદાનમાં અભૂતપૂર્વ વધારો નોંધાયો છે. NHS દ્વારા ડિમેન્શીઆને નજરઅંદાજ કરાયા પછી તેના નિદાનમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આના પછી ડોક્ટર્સ પર લોકોને સ્મૃતિભ્રંશ હોવાનું કહેવા રાજકીય દબાણના પગલે આવા નિદાન કરાયા હોવાનું કહેવાય છે. ચેરિટી સંસ્થાઓએ જણાવ્યું છે કે ડિમેન્શીઆ પર ધ્યાન કેન્દ્રિત કરવાની અસરો નોંધાઈ છે પરંતુ, જે લોકોને આવું નિદાન કરાયું છે તેમને સારવારની ચોકસાઈ પણ જરૂરી છે.
• વિલ્ડનના સાંસદ નુસરત ઘની રોઈ પડ્યાં
ઈસ્લામિક સ્ટેટની વીડિયો ફિલ્મમાં કેદીની હત્યા કરનારા જેહાદી હોવાના શકમંદ બ્રિટિશર સિદ્ધાર્થ ધરની બહેન કોનિકા ધરની પૂછપરછ દરમિયાન વિલ્ડનના સાંસદ નુસરત ઘની રોઈ પડ્યાં હતાં. સિદ્ધાર્થ ૨૦૧૪માં પોલીસ જામીન પર હતો ત્યારે ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાવા સીરિયા ચાલ્યો ગયો હતો. તેની બહેન હોમ એફેર્સ કમિટી સમક્ષ જુબાની આપી રહી હતી. આ સમયે તેના ત્રાસવાદી જૂથના ગુનાઓનો શિકાર બનેલી પીડિતાનું નિવેદન વાંચતા સાંસદની આંખ ભરાઈ આવી હતી.
• જાહેર ઈમારતો પણ બીમારી નોંતરે
લાઈબ્રેરીઝ, ટ્રેન સ્ટેશન અને શોપિંગ સેન્ટર્સ જેવી જાહેર ઈમારતો હાઈ ફ્રિકવન્સી ઘોંઘાટના પરિણામે અજાણતા પણ લોકોને બીમારીમાં ધકેલી શકે છે. યુનિવર્સિટી ઓફ સાઉધમ્પ્ટનના સંશોધકોને આ સ્થળોએ અલ્ટ્રાસાઉન્ડની હાજરીના પુરાવા મળી આવ્યા હતા. લોકો આ સ્થળોએ ઉબકાં, ચક્કર, માઈગ્રેન, થાક-નબળાઈ અને કાનમાં ધાક અને અવાજની સતત ફરિયાદો કરી હતી.

