ક્રાઈમ પ્રોસીક્યુશન સર્વિસના ૪૨ વર્ષીય પૂર્વ વકીલ એન મુરગાઈએ ઘરના કામકાજના ઝગડામાં ૬૯ વર્ષની પેન્શનર સાસુ ઉષા કારિહોલુને સોફા પર ધકેલી જો તે મોઢું ખોલશે તો ગળું કાપી નાખવાની ધમકી આપી હોવાની રજૂઆત ક્રોયડન મેજિસ્ટ્રેટ્સ કોર્ટમાં થઈ હતી. કોર્ટે આ કેસમાં વકીલ વહુને દોષિત ઠરાવી હતી. સાસુમા તેમના પુત્ર રાકેશ અને પુત્રવધુ સાથે રહેવા આવ્યાં પછી તેમની વચ્ચે બોલાચાલી થતી રહેતી હતી.
• ધનવાન પૂર્વ પતિની સંપત્તિમાં વધુ હિસ્સો ન મળ્યો
પૂર્વ એર હોસ્ટેસ કારેન હાર્ટને ડાઈવોર્સ કેસમાં પૂર્વ પતિની સંપત્તિમાંથી વધુ હિસ્સો આપવા કોર્ટ ઓફ અપીલે ઈનકાર કર્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે કારેન અને પ્રોપર્ટી ડેવલપરહોન હાર્ટના લગ્ન થયા ત્યારે જ્હોન હાર્ટ ધનવાન જ હતો. કોર્ટે ઠરાવ્યું હતું કે હાર્ટની સંપત્તિમાંથી કારેનને ૩.૫ મિલિયન પાઉન્ડનો હિસ્સો આપવાનો અગાઉનો ચુકાદો બરોબર છે. આ દંપતી કુલ ૯.૪ મિલિયન પાઉન્ડની સંપત્તિ ધરાવે છે.
• જજે મુસ્લિમ ધર્મોપદેશકને ઉભા થવા આદેશ કર્યો
સમાજવિરોધી વર્તણૂક ઓર્ડરનો ભંગ કરનારા મુસ્લિમ કન્વર્ટ ઉપદેશક રિકાર્ડો મેકફારલેનને કોર્ટમાં ઉભા થવાની ફરજ પાડતા જજે કહ્યું હતું કે ‘આ કોઈ ધર્મની કોર્ટ નથી.’તેના કેસની સુનાવણી માટે જજ કોર્ટમાં આવ્યા ત્યારે રિકાર્ડો ધાર્મિક કારણો દર્શાવી ઉભો થયો ન હતો. જજ માર્ટિન બેડોએ સ્પષ્ટ કર્યું હતું કે જો મિ. મેકફારલેન કોર્ટ સાથે સન્માનથી પેશ નહિ આવે તો તેમને જામીન આપ્યા વિના અન્ય પગલાં લેવાની ફરજ પડશે. રિકાર્ડો અને તેના સાથીઓ સમગ્ર બ્રિટનમાં કડક ઈસ્લામિક શરિયા કાયદા લાગુ કરવાની હિમાયત કરી રહ્યા છે.
• શરાબી ચાલક મહિલા જેલ જતાં બચી
સેન્ટ્રલ માન્ચેસ્ટરમાં મર્યાદા કરતા વધુ શરાબ પીને કાર હંકારવાના ગુનામાં ચાલક ફોઝિયા પરવીને કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે તેના પર અંકુશ રાખતા બોયફ્રેન્ડના કારણે તેને શરાબ પીવાની ફરજ પડી હતી.પરવીને માન્ચેસ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટ સમક્ષ શરાબ પીને વાહન હંકાર્યાની કબૂલાત કરી હતી. તેણે કહ્યું હતું કે તે પોતાના પાર્ટનર સાથે ઝગડાથી તણાવમાં હતી, જેણે કાર હંકારવાનો ફોર્સ કર્યો હતો. પાર્ટનરે તેની સાથે ખરાબ વ્યવહાર કર્યો હોવાથી થોડા સમય પહેલા પોલીસ બોલાવવાની ફરજ પણ પડી હતી.

